સંવત : ૧૭૧૯
સ્થળ : જૂનાગઢ
અલૌકિક કાર્ય મહામંડપનો પ્રકાર.
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયને વિષે શ્રીગોપેન્દ્ર પ્રભુ ગાદિ તકીયા ઉપર બિરાજી રહ્યા છે. ત્યારે હરિબાઈ ભટ્ટ, કૃષ્ણજી, તથા રાઘવજી જાની, કુંવરજી ગાંધી, સર્વ પાસે બેઠા છે. તે સમયે ધ્વજ બંધ મહામંડપ નો પ્રસંગ ચાલ્યો. જે પુષ્ટિ માર્ગમાં સર્વ અલૌકિક પ્રકાર છે. ત્યારે હરિબાઈએ પ્રશ્ન કરીને પૂછયું જે ! અલૌકિક સર્વ પ્રકાર કહ્યો. તે અલૌકિક, કોને કહેવાય ?
ત્યારે શ્રીજી મુસ્કાયને કહ્યું. જે અમારા પુષ્ટિ માર્ગમાં જે લૌકિક નહિ, લૌકિક ભાવનો ગંધ-સંબંધ નહિ. તેવો સર્વ પ્રકાર અલૌકિક છે. અને જેમાં (૧) અલૌકિક માંગલિક કાર્ય (૨) અલૌકિક પ્રસ્તાવ, (૩) અલૌકિક સેવા પ્રકાર. જે આ ત્રણે પ્રકાર છે.
(૧) જેમાં અલૌકિક માંગલિક કાર્ય. પતિવ્રતા પણ ધારી સેવક જે છે, તેનાથી થાય છે. જે જેમાં સોહાગણ અને કુમારિકાથી થાય છે. જે શ્રીજીને વધાવવા, મંગલ ટીકો કરવો. આરતી કરવી. ન્યોચ્છાવરી કરવી. કલશ સજાવવો. એવો પ્રકાર જન્મોત્સવ અને મંડપમાં અલૌકિક કાર્ય. તે તો જેનો સિંગાર વડો થયો નથી. તેવી નારીથી અથવા કુમારિકાથી થાય છે. જે લૌકિક બાધા જાણીને-માનીને જેનો સિંગાર વડો થયો. તેનાથી માંગલિક કાર્ય સર્વથા ન કરાવવું. કારણ કે, શ્રીજી તો મંગલ રૂપ છે. તેથી સોળ સિંગાર જેનો છે. તેનાથી માંગલિક કાર્ય અલૌકિક કરાવવું. અને કરવું. જે આશીર વચન તેનાથી દેવરાવવું. જે શ્રીજી પોતાના માથે બિરાજે છે. તેવો ભાવ જાણીને જે સ્ત્રીએ સિંગાર વડો નથી કર્યો. તે તો અનીન પતિવૃત પણ ધારી છે. તેને કોઈ બાધ નથી, જે અમારા સ્વરૂપનો ભર જેણે જાણ્યો છે. માન્યો છે. તેને લૌકિક બાધા છે નહિ. જેણે કંકણ – ટીલી છોડી દીધા-ઉતારી નાખ્યા. તેનું મુખ અમે જોતા નથી, અને તેના હાથની સેવા, સિંગાર, ભોગ અમો અંગીકાર કરતા નથી. તેથી લૌકિક તજીને રહેવું. એવી આ માર્ગમાં પ્રણાલિકા દાદાજીએ કરીને રાખી છે.
(૨) અને અલૌકિક પ્રસ્તાવ જેમાં મનોરથાદિ-ઉત્સવ કાર્ય થાય છે. જેમાં માંગલિક કાર્ય પ્રથમ થાય છે. તે પત્રિકા લખાય છે. તે તો પ્રભુજી પોતાની સૃષ્ટિમાં પત્રિ દ્વારા વેણું નાદ કરે છે. તે તો જે અનન્ય છે તેના હાથે લખાવવી. અને અનીન ભગવદીના નામ લખાય છે. તે પત્રિ સેવન અમારુ સ્વરૂપ છે. અને કુમારીકા અને સોહાગણ નારથી વધાવવી. તેથી અલૌકિક માંગલિક કાર્ય સિદ્ધ થાય છે.અને મનોરથાદિ-ઉત્સવ કાર્યમાં સામૈયાંનો કલશ આ રીતે કરીને, તે પ્રકારે ધરાવવો. (એટલે તૈયાર કરવો) જે અલૌકિક માંગલિક કાર્યમાં કુમારીકા અને સોહાગણ નારી કામ આવે. તેથી શ્રીજી પ્રસન્ન થાય છે. અને વિમુખને સ્પર્શ કરવા દેવો નહિ. જે શ્રીજીને છોડી પોતાનું લૌકિક સાચું અને સારું માને તેનો બગાડ થાય છે.
(૩) અને અલૌકિક સેવા પ્રકાર, તેમાં શ્રીજી રસરૂપ છે-તે તો સોળ સિંગાર કર્યા વિના રસરૂપ સ્વરૂપનો સ્પર્શ ન કરવો. સેવા, તિલક, અને ટીલી છોડીને ન કરવી. જે બ્રહ્માંડનું દ્વાર લલાટ સુનું, તો બ્રહ્માંડ પણ સુનું સમજવું. કારણ કે, જે દ્વાર ઉપર રક્ષક હોય તો આસુર પેઠે નહિ. તેમ બ્રહ્માંડ-લલાટના દ્વાર ઉપર ભગવત સોહાગરૂપી રક્ષક અવશ્ય જોઈએ. તેથી ભગવદ્ ભાવ વધે. અને આસુરાવેશ સર્વથા ન થાય તેવું મહાત્મય ભગવદ્ સોહાગ ધારણ કરવાનું છે.
લૌકિક માંગલિક કાર્યમાં પેલા બ્રહ્માંડના દ્વાર રૂપ લલાટને સજાવે છે. કુમકુમ તિલક, બિન્દી પતિવ્રતા પોતાના મસ્તકમાં માંગ સિંદુર પુરે, તે સોહાગણ પૂર્ણ હોય છે. પૂર્વ સોહાગી વિના અને અલૌકિક ભાવ વિના અલૌકિક ભગવત્ માંગલિક કાર્ય સિદ્ધ ન હોય. સ્પર્શ દોષ પુષ્ટિમાર્ગમાં મહાન માન્યો છે. અન્ય સંબંધની ગંધ અપરાધ કરાવે. તેથી અન્ય આશ્રય સર્વથા તજવો-લૌકિક ભાવ આ માર્ગમાં સર્વથા તજીને રહેવું. વૈધવ્યનો ભાવ અને વ્યવહાર આ માર્ગમાં નથી. વ્રજ સિમંતીના ભાવનો અંગીકાર છે. તેથી અમારા સેવકે સદા સુહાગી રહેવું. અમારો સુહાગ સદા અમર છે. મારા ઉપર શ્રી ઠાકોરજી જેવા અલૌકિક પતિ બિરાજે છે. એવો ભાવ સદૈવ-હંમેશા રાખવો તેનો બિગાડ કેમ થાય? પછી લૌકિક બુદ્ધિ કરીને જે લૌકિકને સાચુ માને તેનો બિગાડ થાય છે. આ પ્રકારેથી ત્રણ પ્રકાર અલૌકિક છે.જે મહામંડપ છે. તે અલૌકિક માંગલિક લગ્ન પ્રસ્તાવ સંબંધથી થાય છે.
|| ગોપેન્દ્ર પિયુને વરી મંડપમાં ફેરા ફરી, સૌપે સપરાણી હિંડું નિઃશંક સોહી ||
તેમાં જીવનો અંગીકાર-વરણ થાય છે. જે પતિવ્રત પણધારીની પાસે મંડપ કરાવે. અને તેની પાસે મનોરથ સિદ્ધ કરાવે. મંડપના અલૌકિક માંગલિક કાર્યમાં પતિવ્રત પણધારી ભગવદી હોય તેનાથી સર્વ કાર્ય કરાવે. તો તે ફલિત થાય છે. અને આ કાર્યમાં સર્વ સુહાગી પતિવ્રત પણધારી કામ આવે. તાદરશી, મોડબંધી, સેવકનું સનમાન કરે. તેથી શ્રીજી બહુજ પ્રસન્ન થાય છે. અને વિરકત હોય, તાદરશી હોય અને મોડબંધી હોય. આ ત્રણે પ્રકાર જેમાં હોય તે શ્રેષ્ઠ ભગવદી કહેવાય છે. તે મંડપનું કાર્ય કરવામાં અધિકારી છે.
પ્રેમલક્ષણા ભક્તિ માર્ગમાં અધિકાર માન્યો જાય છે. કોઈ જાતીય વિશેષતા છે નહિ. જેનો જેવો ભાવ છે અનન્યતાનો, તેવો અધિકાર અમો તેને આપીએ છીએ. જે રાજ? તાદરશી, વિરક્તનો ભાવ સમજવામાં આવ્યો. અને મોડબંધીનો ભાવ કેવો છે. તે કૃપા કરીને કહો તો સારું.
ત્યારે શ્રીજી કહેવા લાગ્યા. જે મોડબંધી છે. તેનો ભાવ મુખ્ય છે. જે માંગલિક લૌકિક કાર્યમાં અમુક સ્ત્રી પાસે માંગલિક કાર્ય કરાવવું હોય તો તેના લલાટ ઉપર મોડ બાંધે છે. તે સર્વ સ્ત્રીમાં મુખ્ય છે. તેનાથી સર્વ માંગલિક કાર્ય કરાવે છે. તેમ અલૌકિકમાં મોડબંધી મુખ્ય મનોરથી છે. અને મનોરથી તાદરશી, વિરક્ત ભાવ વાળો હોય તો પછી શું કહેવાનું? અને એવા મોડબંધી પતિવ્રત પણધારી છે, તે સર્વ અલૌકિક માંગલિક કાર્યમાં ચાલે. અને બીજા કોઈ ચાલે નહિ. તે પ્રમાણ-પ્રણાલિકા છે. મહામંડપ, મનોરથાદિ કાર્ય મોડબંધીથી કરાવવું. તેથી શ્રીજી પ્રસન્ન થાય છે. અને બિહિર્મુખની પાસે ન કરાવવું. જેને સ્વરૂપનો ભર નથી. અને મોડબંધી ભગવદી અમારા છે. અને એવા મહા-મંડપધારી, પતિવ્રત પણધારી અમારી સૃષ્ટિમાં ઘણા અમારી કૃપાથી થયા છે. અમો પતિવ્રત પણધારી પાસે મહામંડપ મનોરથ ધ્વજા ધરાવીએ છીએ. બીજા જીવની પાસે ક્યારેય એવું કાર્ય કરાવતા નથી. અને તાદરશી, વિરકત મોડબંધી જે એક ભાવ વાળા હોય તે ભગવદ્ નામ, ભગવદ્ કામ, ભગવદ્ ધામ ને જાણે છે. જેણે માર્ગનો સિદ્ધાંત પેચાણ્યો છે. જાણ્યો છે. અને અમારી કૃપાથી હૃદયા રૂઢ થયો છે. અને બીજાને ગમ શું છે? આ માર્ગની રીત સર્વ અટપટી અલૌકિક ભાવ પ્રધાન છે. જેનો ભાવ ખંડિત થયો તેનું સર્વસ્વ ગયું સમજવું. ભાવ વિના આ માર્ગમાં કાંઈ ફલિત થતું નથી. ભાવનાથી ભાવ સિદ્ધ થાય છે. તેથી પેલી અલૌકિક ભાવના મુખ જોઈએ. તેથી આ માર્ગને જવરલા જ જાણે છે. સર્વ કોઈની સમજમાં આવે નહિ. જેને કૃપા થાય, તે સમજે. કૃપા વિના સમજ આવે નહિ. પુષ્ટિમાર્ગમાં અનુગ્રહ નિયામક છે. કોઈ પણ સાધન નહિ. ત્યારે સર્વના મનમાં શ્રીજીનું વચનામૃત સાંભળી આનંદ થયો, આપ પોઢવાને પધાર્યા. ત્યારે આજ્ઞા કરી. જે આ વાતનો મર્મ ઠોર-ઠોર-જયાં ત્યાં, કહેવાનો નથી. અને જેને પતિવૃતાની ટેક છે. તે સાંભળે, અને સંભળાવે. અને બીજાને ગમ નથી. તેથી ગોપ્ય રાખવું. બકવુ નહિ. શ્રીજીતો અંતરયામી છે. તેથી સાવધાન રહેવું, તાદરસી અનુભવી મળે તો આ વાતનું રહસ્ય મર્મ, અને તેનો વિશુદ્ધ ભાવ હ્રદયા રૂઢ હોય. સમજમાં આવે. પણ પ્રવાહી, જીવની આમાં ગતિ મતિ છે નહિ. તેથી પ્રવાહી જીવની આગળ ન કહેવું જે સાંભળતા, ખર, જેવી સ્થિતીને પામે છે. કારણ કે મન પ્રવાહી છે. મરકટ જેવું તે જ્ઞાન ક્યાંથી પામે. વિશુદ્ધ ભાવને પ્રાપ્ત કરવામાં મનની શુદ્ધિ અને દ્રઢતા જોઈએ. તો સર્વ કાંઈ ફલે. આગળ કોઈ અનુભવી હશે. તે સમજમાં લાવશે. તેની બરાબરીમાં તો કોઈ નહિ થઈ શકે. અમારા ઘરની રીતી-ભાતી, સર્વ પ્રણાલિકા બીજા ઠેકાણે એટલે બીજા ઘરમાં જોવામાં આવશે નહિ. બધા ઘરની એક રીત છે. જેને જેવી ભક્તિનો પ્રકાર, તેવી રીતી-ભાતી પ્રણાલિકા છે. આપણા ઘરમાં ભક્તિનો સર્વોપરિ પ્રકાર સ્નેહાત્મિકનો છે. સ્વરૂપ સંબંધી અન્યથા નહિ. પછી આપ પધાર્યા.
|| ઈતિ શ્રીગોપેન્દ્રજીનું ૧૪ મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||