|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૧૩ ||


 સંવત :
 સ્થળ : ગોકુળ

વૈષ્ણવની જુદી જુદી દશા તથા નિવેદનના પ્રકાર

|| શ્રી ગોપાલો જયતે ||

શ્રીજીને એક સમયને વિષે વૈષ્ણવે પૂછયું. શ્રીજી નિવેદન આપે છે, તે ઉપર કહે છે. જે જીવને શ્રીજી નિવેદન આપે છે. તો વૈષ્ણવની જુજવી-જુદી જુદી. દશા-કેમ થાય છે. તે ઉપર કહે છે.
જે, જીવે જેવા મને કરીને સમરપણ કર્યું હોય તેવું ફલ તેને થાએ છે. નિવેદનના પાંચ પ્રકાર કહ્યા છે. આત્મ નિવેદન, સાધન નિવેદન, મહાત્મય નિવેદન, મરજાદા નિવેદન, સહેજ નિવેદન. એ પાંચ પ્રકારના ફલ. જુદા જુદા છે.

(૧) હવે આત્મ નિવેદનના લક્ષણ. પ્રથમ પ્રતિષ્ઠાની ઈચ્છા ન રાખે. પશુવત થઈને રહે (દીનતાથી રહે) જેમ શ્રીઠાકોરજી આજ્ઞા દેે તેમ કરે. પોતાનું તન, મન, ધન, સ્ત્રી, પુત્રાદિક, શ્રીઠાકોરજીના કરી જાણે. પ્રતિષ્ઠાના અર્થે ધનને ન ખરચે. પ્રગટ સ્વરૂપની સેવા કરે. (શ્રીઠાકોરજી સાક્ષાત્ બિરાજતા હોય તો) પ્રગટ સ્વરૂપ વેગળું હોએ તો સેવ્ય સ્વરૂપની સેવા કરે. પણ તન, મન, ધન, સ્ત્રી, પુત્રાદિક સર્વે પ્રગટ સ્વરૂપના કરી જાણે. જે થાએ તે પ્રભુની ઈચ્છા કરી જાણે. તેને કશી બાધક ન પડે. એવો આત્મ નિવેદનનો ધરમ છે. નિવેદનના પાંચ પ્રકાર દોયલા – કઠણ છે. કનકને કામિની, એ બે વાના હ્રદયથી ઉતરે તેનો શ્રીઠાકોરજી અંગીકાર કરે. તો સફલ થાએ. નહિ તો સર્વ મિથ્યા. મનખ્યો ખોએ. શ્રીઆચાર્યજીએ ભાગવતનો શ્લોક લખ્યો છે. જે દારાને સુત ગ્રહને પ્રાણ સર્વે સમરપણ કરે. તે આત્મનિવેદન થયું જાણવું.

(૨) હવે સાધન નિવેદનના લક્ષણ. નિવેદન કીધા પછી સેવ્ય સ્વરૂપની સેવા કરે. સેવક સાથે વાત કરે. પણ કોઈને દુભાવે નહિ, પોતાનું ભલું ઈચ્છે. જે મને રખેને કદાચ, અપરાધ પડે. એમ બીતો રહે. પણ કોઈને રૂડો ભૂંડો ઉપદેશ ન કરે. કોઈના ગુણ અવગુણ ન જુવે, પ્રગટ સ્વરૂપથી વેગળો રહે. પોતાનું ધન સાધન જાણીને ખરચે. પણ તેનું ધન પ્રગટ સ્વરૂપને ભોગ ન આવે. તેને સાધન નિવેદન કહીએ.

(૩) હવે મહાત્મય નવિદનના લક્ષણ જે પોતાનું માતમ વધારવાને અર્થ. સહુંનું સમાધાન કરે. દેશ પરદેશમાં જાણીતો થવા માટે પોતાનું ધન ખરચે. પોતાના સેવ્ય સ્વરૂપનું સહુને દરશન કરાવે. જે હું કેવી ભાતે-રીતે, સેવા કરું છું. મારે ઘરે શ્રીઠાકોરજી ભલી ભાતે આરોગે છે. એવું કહીને દેખાડે. કપટ કરીને જ્યાં ત્યાંથી લાવીને પોતાની પ્રતિષ્ઠા વધારે. મેલાપ રાખે, સાચું-જુઠું બોલે. પોતાની વસ્તુ પોતાની પાસે રાખે. સામાનું લેવા કરે. તેનું ધન મહાતમમાં ખરચાય. પણ પરમારથમાં, કે ભગવદ ભોગ અર્થે ખરચાય નહિ. મહાત્મય કરીને ભક્તિ નાશ પામે. તેને મહાત્મય નિવેદની કહેવાય.

(૪) હવે મરજાદા નિવેદનના લક્ષણ : મર્યાદા માર્ગમાં – સાધન માર્ગમાં મન ઘણું રહે (જપ, તપ, વ્રત ઈત્યાદિકમાં) સેવા મર્યાદા કરે. વૈષ્ણવ શું વાત ગુષ્ટ કરે. કીરતન કરે. સાંભળે.  તેણે શ્રીઠાકોરજી પ્રસન્ન થાએ નહિ. જે વિષયમાં મન જાએ, શ્રવણ ફલ થાએ તેને મરજાદા નેવેદની કહીએ. તેનું મન મિથ્યા સાધન કરવામાંથી હઠે નહિ.

(૫) હવે સહેજ નિવેદનના લક્ષણ – જે કોઈના સંગે નિવેદન કીધું છે. પણ હૃદયમાં ઉતર્યું નથી. લૌકિકમાં મન રહ્યું છે. અન્ય આશ્રરો, અણસમર્પ્યું છુટતું નથી. તેને લૌકિક જાણવું. તેને સહેજ નિવેદની કહીએ સમરપણના લક્ષણ સમપુરણ શ્રીજીના વચનામૃતે કરીને લખ્યા છે.

 || ઇતિ શ્રીગોપેન્દ્રજીનું ૧૩ મું વચનામૃત સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *