સંવત : ૧૭૧૯
સ્થળ : સેંદરડા
પુષ્ટી ભગવદીના જુઠણનું મહાત્મય.
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયને વિષે શ્રીજી સેંદરડે પધાર્યા હતા. તે હું (વિનોદરાય) ગોહિલવાડમાં ભગવદીના દરશને શ્રીજી સાથે ગયો હતો. ત્યાં કસીયા રાજગર, લક્ષ્મીદાસ, મોરારદાસ વિગેરે અંગીકૃત ભગવદીનું જુથ ઘણું બિરાજતું હતું. ત્યારે હું પાસે વિજણો ઢોળી રહ્યો હતો. શ્રીજી બેઠકે બિરાજી વચનામૃત કરી.નિજજનને સુખ આપી રહ્યા હતા. ત્યારે, કસીયારાજગરે શ્રીજીને પ્રશ્ન કરી પૂછ્યું? “જે રાજ! જીવ ગમેતે કોટિનો હોય તો તેનું કાજ-કાર્યસત્વર-તુરત કેમ સુધરે? અને રાજ? ભગવદીના જુઠણનું મહાત્મય તો સર્વ માર્ગમાં છે. તેથી કાંઈ પુષ્ટિ મારગમાં તેટલું જ કે વિશેષ ખરું?”
ત્યારે કરુણા સાગર પ્રાણવલ્લભ મુસ્કાયા-હસ્યા. જે કસીયા! તું તો અન્નાજીનો કૃપાપાત્ર નિકટવર્તી અંગીકૃત, ખાસાના ચરણનો ઉપાસક, ગોલો, અષ્ટાંગ ભગવદી છો. અધરામૃતના અધિકારની પ્રાપત ફલ દશાની તારી અન્નાજીએ સિદ્ધ કરી છે. તો તને જે પ્રશ્ન પૂછવો શું ઉપજ્યો? ત્યારે મારા રોમાંચ-રૂવાડા, ખડા થયાં. (વિનોદરાયના) અને રાજના ચરણમાં પડી ખૂબ મનુહાર વિનતી હર્ષાશ્રુએ કરી કે, રાજ. !આપનું પ્રાક્ટય, તેમજ વડભાગી ભગવદીનું પ્રાક્ટય સંસારના જીવ ઉપર અપાર કરૂણા કરીને તેમના કલ્યાણને અર્થે થયું છે. તો રાજ? કસીયા રાજગરનો પ્રશ્ન સર્વ જીવના કલ્યાણ અર્થે રાજને પૂછયો છે, કે જેથી આપના શ્રીમુખની વાણીનો વિશ્વાસ આગળના જીવને આવે, તો તેવા જીવ સંસારના અપાર સંતાપથી ઉગરે. તે રાજની ભક્તિ કરવામાં તત્પર થાય. તો રાજ આપ કૃપા કરીને સેવકના મનનું સમાધાન થાય તેવું અમૃત વરસાવો.
જે આજ સુધી નારદની ભક્તિ વખાણી છે. તો જે જુઠણના સ્વરૂપને કે ભાવને સમજીને ગ્રહણ કરે તો તેવા જીવને શું પ્રાપત ન થાય? કસીયા ! ગમે તે કોટિનો જીવ હોય તો તે એક જુઠણના પ્રતાપે ઉગરી જાય છે. આટલી વાત તો મર્યાદા માર્ગમાં છે.
ત્યારે શ્રીજીએ કહ્યું : કે, ગમે તે કોટિનો જીવ હોય તો તેનું સત્વર-જલદી, કાજ સિદ્ધ થયાના દષ્ટાંત તો અનેક છે. સર્વો સાધનમાં એક જુઠણ મહાન ભગવદીઓનું સંતનું એવું છે. જે સર્વ માર્ગમાં છે – જેથી ઘણા દુષ્ટ, અધમ, પામર, શુદ્ર યોનીના જીવનો સત્વર ઉદ્ધાર થયાના અનેક દ્રષ્ટાંત ધર્મ ગ્રંથોમાં છે. તેમાં નારદની પૂર્વ યોની શુદ્ર જ હતી. તે શુદ્ર યોનીમાં શું સાધન તેણે કર્યું હતું કે, જે સાધનથી નારદની પદવી મેળવી. ભગવદ્ ભક્તિને વર્યા. ? તેમાં કશું સાધન ન હતું. બાળકબુદ્ધિ હતી. તો તે સાધનને પણ શું જાણે? માત્ર ક્ષુધાના લોભ કે, સ્વાર્થના કારણે સંતના સંગમાં રહ્યા. ને બાળકબુદ્ધિથી કાજ કર્યું. તો સંત હૃદય કૃપાળું છે. તેણે તેનું કાર્ય કર્યું. ને કૃપા વિચારી જુઠાણ આપ્યું. તો તેજ જન્માં કૃતાર્થ થયા. અને બીજા જન્મમાં મર્યાદા ભક્ત અભય પદને પ્રાપ્ત કર્યું ને અતિ પ્રિય ભગવાનના બન્યા. સર્વ લોકમાં સ્વદેહે વિચરવાનો અધિકાર મળ્યો. તેવો અધિકાર બીજા કોઈ ને હજુ મળ્યો નથી. તે કારણ એક જુઠણનું જ છે. કેવળ બાળકબુદ્ધિ અને તે પણ સ્વાર્થથી, ક્ષુધાની તૃપ્તિ માટે, તો પણ આટલો અધિકાર મળ્યો.
પણ પુષ્ટિમાર્ગમાં વિશેષ હોય! તેમાં શું કહેવું? જે જુઠણ તો શ્રીજી તથા શ્રી સ્વામિનાજી તથા મહદ્ ભગવદીના અધરામૃતનો રસ છે, જે ભગવદીના હ્યદય કમલ વિષે જુગલ સ્વરૂપ સદા રસ રૂપ બિરાજે છે. તે ભગવદી દ્વારા વસ્તુ પદાર્થ અંગીકાર કરીને આપે છે. તે જુઠણમાં શ્રીજી તથા શ્રી સ્વામિનાજીનો કૃપારસ ભરપુર છે. તેથી તેનું મહાત્મય કહ્યું જાય તેમ નથી. જુઠણ, એટલે જુઠ, કપટ, જીવના જે દોષ તેનો સર્વથા નાશ કરે ને જીવના સ્વરૂપને શુદ્ધ કરે તેવો અપાર મહિમા જુઠણનો છે. જે સર્વ સાધનોમાં જીવના સ્વરૂપને શુદ્ધ કરવાની શક્તિ નથી. તે શક્તિ-પ્રતાપબળ એક જુઠણમાં રહેલું છે. જેનાથી જીવનું સ્વરૂપ પણ શુદ્ધ થઈ જાય છે.
મર્યાદા માર્ગમાં તો જુઠણથી આ જન્મમાં સ્વભાવ સુધરીને બીજે જન્મે પ્રાપ્તી થાય છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં આ જન્મમાં ફલ દશાને પ્રાપ્ત કરે છે. સ્વભાવ તો સુધરે પણ જીવનું ગમે તેવું સ્વરૂપ હોય તો પણ તે શુદ્ધ થઈ જાય છે. તેવું મહાત્મય મર્યાદા માર્ગમાં નથી. તે તો માત્ર પુષ્ટિમાર્ગ અને પુષ્ટિ અંગીકૃત ભગવદીના સ્વરૂપ સાથે જ રહેલું છે.
પુષ્ટિમાર્ગમાં જુઠણનો અધિક પ્રભાવ મહાત્મય અને તેનું સ્વરૂપ પૂર્વે છાક લીલા કરી તેનું રહસ્ય બતાવ્યું છે. સખા ભક્તના સંગમાં ભગવદીનું જુઠણ આપ આરોગે છે. તે લીલા જોઈને બ્રહ્મા વિસ્મિત થયા. અને તેણે જુઠણનો પ્રભાવ એટલો બધો જાણ્યો જેથી તેને તે લેવાની લાલચ થઈ. અને તે જુઠણની કણિકા પ્રાપ્ત કરવાને માટે મચ્છનું સ્વરૂપ ધારણ કરી, શ્રીયમુનાજીમાં આવ્યા પણ અધિકાર વિના પ્રાપ્તિ ક્યાંથી થાય !
પણ પુષ્ટિસ્થ પ્રભુનું નેમ સર્વથી પ્રથક છે. (જુદુ છે) જો મર્યાદા માર્ગમાં એક એવું પુષ્ટિનું કાર્ય કર્યું. જો રામાવતારમાં શુદ્ર ભીલ જાતિની શબરી તેનું જુઠણ આપ આરોગે. અને લક્ષ્મણજીને આપ્યું. તેણે સંદેહ કર્યો, કારણ કે અધિકાર નથી. તેથી તેને તેના અપરાધનું ફલ સત્વર ભોગવવું પડ્યું. જુઠણની અવજ્ઞાનું ફલ સત્વર ભોગવવું પડે છે. માટે જુઠણની અવજ્ઞાનો અપરાધ મોટો કહ્યો છે. મર્યાદા માર્ગમાં એવો પ્રભાવ કરી દેખાડ્યો. તો પુષ્ટિમાં તો સર્વથી અધિક કરીને દેખાડ્યો છે. જે, જુઠણ ભગવદીનું છે તે તો સર્વોપરિ કરીને જાણીને આપ આરોગે છે. અને તે સમે સર્વ કોઈ નિશ્ચે કરી શક્યા નહિ. જે શું છે? જે જૂઠણ અરસ-પરસ દીની-લીની પણ કોઈ નિશ્ચે કરી શક્યા નહીં. જે આ લીલાનું રહસ્ય શું છે? ત્યારે કસીયો બોલ્યો. જે રાજ! ધન્ય, બલહારિ જાઉં.
|| ઇતિ શ્રીગોપેન્દ્રજીનું વચનામૃત ૧૧ મું સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડિયા(શિહોર) ના જય ગોપાલ ||
Leave a Reply