|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
ઓર એક બિરીયા શ્રીજી આપુ શ્રીયમુનાજી કિનારે શ્રીમહાપ્રભુજીકી બેઠક હે, તહાં આપુ બિરાજે હે, ઓર દશ પાંચ વૈષ્ણવ બેઠે હતે, તાબિરીયાં ( ગ્રંથનો વિષય માયાવાદ ખંડન ઉપર છે.) વિદ્વનમંડનકી ચરચા હોત હૈ, તામે શ્રીગીરધરજીકો પ્રશ્ન શ્રીગુંસાઇજી નિરુત્તર કરે, એસો જબ સબંધ આયો, તાબિરીયાં કોઉ બ્રાહ્મણ આય નિકસ્યો. સો સુનીકેં શ્રીજીસું કરકે કહી , જો મહારાજ ? તમારે સેવકહે , યામેં કોઉ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર હે. તામે બ્રાહ્મણકો ષષ્ટ કર્મ, ઓર સુર્ય કો તીનસેં ચોવીસ મંત્ર જાપ, ઓર અર્ધ ઓર ત્રિકાલ સંધ્યા ઓર દેવીકી ઉપાસના; તામે યાકો શુધ્ધ ભાવ, આસક્તિ નાંહી, સો કહા ? ઓર દૂસરે ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર હૈ, સો કછુ વ્રત, તપ , એસે સાધન નાંહી કરતે, તબ શ્રીજી મુસકાયકે કહે, તુમ કોન હો ? તબ ઉનને કહી ,જો હમ બ્રાહ્મણ હો, તબ કહી, કછું જાનો હો ? તબ ઉનને કહી મેં પુરાણ વિઘા પઢયોંહું તબ શ્રીજીએ કહ્યો , જો જેસો વર્ણ હે , તાકું તેસો કર્મ કરનો , હે તો એસો .
પરિ હમારે પુષ્ટિ માર્ગમેં કર્મ કિંચિત , ઓર સેવા ભાવાત્મક, સો બોહોત હે , કૌં જો વેદોક્ત કર્મ હૈ, તામેં અપને મનકું એકાગ્ર ભાન ન હોય, તો માયા મોહાદિ વિઘ્ન કરે હે યાતે ભગવત દ્રઢ ભાવસો સેવા કરની તાકે ઉપર આપશ્રી ભાગવતકો શ્લોક પઢે :- સ્ત્રીણાં સ્વધર્મ ઇતિ ધર્મ વિદા ત્વયોત્કમ ||યાકો અર્થ જો ગોપીજનકું આપશ્રી મુખસોં કહયો, જો સ્ત્રીકો ધર્મ અપુને પુરૂષકી સેવા કરની, સો સુનીકે કહી, જો મહારાજ ? જો તુમકું છાંડિકે પતિકુ સાચો માને, તાકો ધર્મ એસો સોહે ? હમને કછુ ના નાંહી કહી. પરિ વેતો પુરૂષોત્તમકું માને, ઓર સેવાકે ઉપર તાકું બોહોત વિશ્વાસ આયો, સો ઓરકી તો પ્રવાહ નાંહી રાખત હે , ઓર ઇનકે લીયે હમ કરત છે , ફેરી એક શ્લોક વેદાન્તકો આપુ પઢે :-
કિંસન્યાસમમુપાસ્ય મુણિડતકૃતં વસ્ત્રૈશ્ર્વ કિં વલ્કલૈં : કિં નગ્નૈર્જટિલૈમુનિવૃત પરૈદ્રેં વાર્ચનૈ: કિં જપૈ : | વિદ્યાભિઃ કિમથો વિવાદ્ પટુભિર્દેશાંતરે કિંગતૈ યૈરિકાન્તગતે : કૃત ન હૃદયે વકુણ્ઠનાથો હરિ : ||
|| ઇતિ એકાદશ વચનામૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
ઉપરોક્ત અગીયારમાં વચનામૃતમાં સર્વ સાધનનો નિષેધ કરીને પુષ્ટિમાર્ગમાં સર્વોપરી સાઘન એક ભગવત સેવા જ છે , એમ બતાવવામાં આવ્યું છે સર્વ ધમોમાં ભગવત સેવા રૂપી ઘર્મ મોટો છે.
જેમ હાથીના પગલામાં સર્વ પગલાઓનો સમાવેશ થઇ જાય તેમ ભગવત સેવારૂપી ધર્મના આચરણથી સર્વ સાધનોનો તેમાં સમાવેશ થઇ જાય છે . જેવાં કે વૃત , જપ , તપ , તિર્થ , દાન , યજ્ઞ , યોગ તે બધાનો સમાવેશ ભગવત સેવામાં થઇ જાય છે . ભગવત સેવા કરનારને પછી કોઈ સાધન કરવાની જરૂર રહેતી નથી . પુષ્ટિમાર્ગમાં અનન્યતાને ટેક તે તો વૃત છે , ચરણામૃતનું નીમ તે સકલ તીર્થનું ફલ છે . અને ભગવત સમર્પણ તે દાન છે એમ શ્રીગોપાલલાલજી એ આગળ પોતાના ચાલીશમાં વચનામૃતમાં સમજાવ્યું છે .
પુષ્ટિમાર્ગમાં ભગવદ્ સેવા જ મુખ્ય કર્મ છે . વેદોક્ત કર્મ કરવાથી મનની શાંતી થતી નથી તેવા કર્મ કરવાથી અહંપણું આવે છે અને તેથી મોહ માયાદિ બાઘ કરે છે અને દ્રઢ ભાવનાથી સેવા કરવાથી દાસત્વ ભાવ આવે છે.
વેણુંનાદ સાંભળીને ગોપીઓ અર્ઘ રાત્રીએ વનમાં ભગવાન પાસે ગઇ. ત્યારે ભગવાને તેમની પરિક્ષા કરવા માટે કહ્યું કે સ્ત્રીઓનો ધર્મ તો પોતાના પુરૂષની સેવા કરવી તે જ છે . તેવો ઘર્મોપદેશ સાંભળીને ગોપીઓએ અનન્ય પ્રેમલક્ષણા ભક્તિના સિદ્ધાંત અનુસાર જવાબ આપ્યો કે આપને છોડીને લૌકિક પતિ પુત્રાદિકમાં આસક્તિ રાખે તો શું તેનો તે ધર્મ સાચો છે ? ત્યારે ભગવાન ચુપ રહ્યા જેને એક શ્રી પુરૂષોત્તમના સ્વરૂપ વિષે ભર ઉપજયો છે તે બીજાની દરકાર રાખતા નથી . માટે ભગવત સેવા એ જ સર્વોપરી ધર્મ છે . જેમકે મુંડન કરીને લીધેલો સન્યાસ , વૃક્ષની છાલના વસ્ત્ર પહેરવા , નગ્ન રહેવું , જટા વધારવી , મૌન ગ્રહણ કરવું , અનેક પ્રકારના જપ કરવા , ઘણા પ્રકારની વિદ્યા ભણવી , શાસ્ત્રાર્થ કરવામાં કુશળતા , દેશાટન કરવું . પણ જો પ્રભુ હૃદયમાં બિરાજતા નથી તો આ સર્વ સાધનો કશા કામના નથી . અને જો પ્રભુ હૃદયમાં બીરાજે છે તેવો ભાવ આવ્યો તો આવા સાધનો કરવાની કશી જરૂર રહેતી નથી . સર્વ વેદશાસ્ત્રોનો સાર એ છે કે ભગવત સેવા અને સ્મરણ અને પ્રભુનું ધ્યાન હૃદયમાં કરવું . એ વિના સર્વ સાધનો નકામા છે . ભગવદ સ્વરૂપમાં જેને પ્રિતી છે , તેને સાધનો કશા કામના નથી .
એક સમય શ્રીગોપાલલાલજી યમુનાજીના કીનારે શ્રીમહાપ્રભુજીની બેઠક છે ત્યાં આપશ્રી બિરાજે છે , અને પાંચ – દશ વૈષ્ણવો પાસે બેઠા છે તે સમયે વિદ્વનમંડન નામનો ગ્રંથ શ્રી વિઠ્ઠલનાથજીએ લખ્યો છે તે ગ્રંથ ઉપરની ચર્ચા થાય છે તેમાં શ્રીગીરધરજી પ્રશ્ન કરે છે , અને શ્રીગુંસાઇજી તેના જવાબ આપે છે અને વિઠૃલનાથજી પોતાના મોટા લાલ ગીરધરજી તેમને માર્ગનો સિદ્ધાંત સમજાવી રહ્યા છે . તે ગ્રંથ ઉપરની ચર્ચા શ્રીગોપાલલાલજી સર્વો વૈષ્ણવોને સમજાવી રહયા છે.
તે સમયે કોઇ બ્રાહ્મણ ત્યાંથી નિકળ્યો અને તેણે આ ચર્ચા સાંભળીને શ્રીજીને પ્રશ્ન પુછયો જે મહારાજ ! તમારા સેવક છે. તેમાં કોઇ બ્રાહ્મણ , ક્ષત્રીય , વૈશ્ય , શુદ્ર , છે. તેમાં બ્રાહ્મણોને ખટકર્મ અને સુર્યને અર્ધ આપવા , મંત્ર જાપ કરવા , ત્રિકાલ સંધ્યા કરવી , અને દેવીની ઉપાસના તેમાં તેનો શુધ્ધ ભાવ નથી . તેઓ તે કરતાં નથી , તેમાં તેની આશક્તિ પણ નથી. તો તે શું ? અને બીજા ક્ષત્રીય , વૈશ્ય , શુદ્ર તે કોઈ વ્રત, તપ એવા સાઘન કરતા નથી .
ત્યારે શ્રીજીએ હસીને કહ્યું : તું કોણ છો ? ત્યારે તેણે કહ્યું “ જે હું બ્રાહ્મણ છું . ” ત્યારે શ્રીજીએ કહ્યું “ કાંઇ ભણ્યો છો ? “ ત્યારે તેણે કહ્યું “ હું પુરાણની વિદ્યા ભણ્યો છું ‘ ‘ ત્યારે શ્રીજીએ કહ્યું કે જેવો વર્ણ હોય તેને તેવું કર્મ કરવાનું કહ્યું છે .
પણ અમારા પુષ્ટિમાર્ગમાં કર્મ મુખ્ય નથી. અને મુખ્યતો ભાવાત્મક સેવા જ છે . કારણકે વેદોક્ત કર્મ છે . તેનાથી મનની એકાગ્રતા થતી નથી . તેમાં કર્મ કરનારને મોહ થાય છે . અહંપણુ આવી જાય છે . તેથી મોહમાયાદી બાઘ કરે છે જયારે દ્રઢ ભાવથી ભગવત સેવા કરવામાં દાસત્વભાવની સિધ્ધી થાય છે . જેથી ભગવત સેવામાં ભય નથી . કર્મ કરવાથી કદાચ લૌકિક સુખ મળે પણ ભગવદ સેવાથી તો અલૌકિક આનંદની પ્રાપ્તી થાય છે . પ્રભુ ભક્તને સુખનું દાન કરતાં નથી પણ આનંદનું દાન કરે છે . કર્મ કરતાં ભગવદ સેવાનો એવો અપાર મહિમા છે .
ગોપીજનોને પણ ભગવાને કહ્યું કે , તમો તમારા પતિની સેવા કરો ત્યારે ગોપીજનોએ કહયું કે ,તમારી સેવા છોડીને જે લૌકિક પતિને સાચો માને તો તે તેનો ધર્મ થોડો એવો છે , અથવા સાચો છે , એમ શ્રીગોપાલલાલજી કહે છે કે , જેમ ભગવાને ગોપીકાઓને પતિની સેવા કરવા વ્યંગમાં કહ્યું પણ ગોપીજનો તો સમજતા હતા કે , ભગવાન પરીક્ષા કરી રહ્યાં છે પણ ગોપીજનોને લૌકિક પતિ પુત્રાદિકના લૌકિક ધર્મ કરતાં ભગવદ ધર્મ એલૌકિક છે . અને એક શ્રી ઠાકોરજીની સેવાથી સર્વ ધર્મની સિધ્ધી થઇ જાય છે , એવો તેને વિશ્વાસ છે તે પછી બીજા અન્ય કર્મ કે દેવ દેવતાની ઉપાસનામાં શા માટે મન ઘાલે અને શ્રી ગોપાલલાલજીએ વધુમાં પોતાના સેવકનો દ્રઢ પક્ષપાત કર્યો કે , એના માટે અમો કરીએ છીએ . પ્રભુ શરણાગત જીવનો કેટલો પક્ષપાત કરે છે , તે સાબિત થાય છે . આવો પક્ષપાત પુષ્ટિમાર્ગ સિવાય બીજા કોઇ માર્ગમાં નથી . માટે ભગવત સેવા રૂપી પરમ ફલ આગળ સર્વ કર્મ , તપ , યોગ , સર્વ વૃત ઉપવાસાદિ તુચ્છ છે . સામાન્ય રીતે ભગવત સેવામાં જ સર્વ ધર્મનો સમાવેશ થઇ જાય છે . લૌકિક પતિની સેવા કરનારી સુર્યને થંભાવી દેવાની શક્તિ ધરાવે છે . તો આ તો જગપતિ પ્રાણપતિ પ્રાણવલ્લભ અશરણ શરણ બિરદ ધારણ એવા સર્વ સમર્થ પ્રભુની સેવામાં દ્રઢ આશક્તિ રાખનાર જીવ શું પ્રાપ્ત ન કરી શકે . તેને સર્વ સિધ્ધી આપ મેળે જ પ્રાપ્ત થઇ જાય છે , સર્વ દેવો પણ તેવા જીવને નમન વંદન કરે છે . પુષ્ટિમાર્ગીય સેવા તે પરમ તત્વરૂપ છે . પણ આજ એ સેવાથી જીવો વિમુખ બનતા જાય છે , તે શોચનીય છે . ભગવત સેવા જેના ઘરમાં બિરાજે છે તે ઘર ખરેખર ગોલોક સમાન છે , તેમાં જરાય ફેર નથી .ઉપરોક્ત વચનામૃતમાં એ સાર સમજાય છે કે શ્રી ગોપાલલાલની સૃષ્ટિના સેવકો કોઇ પણ જાતીનો હોય , તો તેણે સર્વ કર્મ છોડીને પુષ્ટિસ્થ પ્રભુશ્રીની સેવા કરવી . તે વાત નિશ્ચયપુર્વક સમજાય છે
|| ઇતિ એકાદશ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ તન્ના ના જય ગોપાલ ||