|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૧૦||

 સંવત : ૧૭૧૯
 સ્થળ : જૂનાગઢ

પુષ્ટીનો અર્થ

|| શ્રી ગોપાલો જયતે ||

એક સમયને વિષે શ્રીગોપેન્દ્ર પીયુ, જુનાગઢ પધાર્યા હતા. તે દેસાઈએ માંડવો કીધો. તે વેળા આપશ્રી મધ્ય ખેલના દિવસે માંડવા તળે – નિચે, બિરાજતા હતા. ત્યારે હરિબાઈ તથા જાની, તથા કૃષ્ણભટ્ટ તથા વિનોદરાય, એકાંતે બેઠા હતા. પછી હરિબાઈના મનની જાણીને કહ્યું કે, તારા મનમાં શું છે?

“જે રાજ મારા મનમાં પુષ્ટિનો અરથ તે શું? અને પુષ્ટિથી પ્રાપત તે શું! તે મને કૃપા કરીને સમજાવો.”

ત્યારે રાજ, ઘણું પ્રસન્ન થયા. જે હરિ, ! તું તો અમારી કૃપા સ્નેહ રસનું પાત્ર છે. તો તુંજ પુષ્ટિ છો. તેમાં તને શું સંદેહ છે!

જે રાજ! પણ જીવને આપના શ્રીમુખથી શ્રવણ કરે ત્યારે તેનું મહદ ભાગ્ય સમજાય.

ત્યારે પ્રાણનાથ,શ્રીગોપેન્દ્ર પીયુએ શ્રીમુખથી કહ્યું. પુષ્ટિ એટલે જેમાં મર્યાદા નહિ તે પુષ્ટિ. પુષ્ટિ એટલે પોષણ પામવું. પુષ્ટિ એટલે પ્રેમ પાત્ર થવું. પુષ્ટિ તે સ્નેહ, પરમ આસક્તિ તે પુષ્ટિ. પોતાપણું ભુલી જઈને સ્નેહ રસમાં ભળી જવું, તે પુષ્ટિ. પુષ્ટિ એટલે પરમ રસની પ્રાપ્તિ. રસાત્મિક ભાવનો ઉદય થવો તે પુષ્ટિ, પુષ્ટિ તે કૃપાનું દાન, સ્વઈચ્છાથી થવું. સર્વ સમર્પણ કરીને દીન થઈ ને રહેવું તે પુષ્ટિ. આપોપું સમર્પણ કરવું તે પુષ્ટિ. પરમ રસિક મહંદની કૃપાનું દાન તે પુષ્ટિ. અનુગ્રહ કરીને અધરામૃતનું દાન તે પુષ્ટિ. સર્વાગે રસ રમણ જોગ દેહની પ્રાપ્તી તે પુષ્ટિ. નિઃસાધન દશા તે પુષ્ટિ, સર્વોપરિ જાણજો, જે દશા ગોપીકાઓએ પ્રાપ્ત કીધી હતી.

 આવા પુષ્ટિના અરથ ઘણાક કીધા, તે બીજા મુજથી મારાથી શું કહેવાય. સંક્ષેપમાં વર્ણવ્યા છે. જે આ મારગ પુષ્ટિ, તે ભુતલ ઉપર થયો છે. અને જેને કૃપાનું દાન હશે. તે આ પુષ્ટિમારગમાં આવીને નિહાલ કૃતાર્થ થશે.

|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત ૧૦ મું સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડિયા(શિહોર) ના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *