|| પ્રભુશ્રીગોપાલલાલજીકે વચનામૃત – 1 ||

|| શ્રી ગોપાલો જયતે ||

|| વચનામૃત- 1લું ||

એક સમે શ્રીગોપાલલાલજી ઉત્થાપનકે સમય એકાંત બેઠે હે, તબ વૈષ્ણવ સોરઠ કે આયોહે સો બેઠેહે. ઓર શાસ્ત્રકી ચરચા હોય હે. ઓર વૈષ્ણવકે વૃતાંત કહેહે, જો પુષ્ટિમાર્ગમેં કેસેં વૈષ્ણવ ભયેહે, જાકું શ્રીમહાપ્રભુજીકી કાનસો શ્રીજી સાનુભાવહે, ધન્ય જાકો દેહહે, જો સાક્ષાત શ્રીગોપીજનકો ભાવ પાયોહે, તેસી સૂનકે સબકે નેત્રમેં જલ ભરાઇ આએ.

તબ એક વૈષ્ણવને પુછી જો મહારાજરાજ શ્રીયમુનાજીકો મહાત્મ્ય કેસોહે ? તબ શ્રીજી ઉંન વૈષ્ણવનકી ઓર દેખ મુસકાયે, એ કહા જલ હે ? તાકે ઉપર આચાર્યજી મહાપ્રભુજીકે વચનકો શ્લોક  :-

 નમામિ યમુનામહં સકલ સિધ્ધિ હેતું મુદા || ઇતિ વચનાત || સકલ સિધ્ધિ કે હેતુ ઓર ભગવદ ચરણાર્વિંદકે દાતા એસેહે.

ઓર શ્રીઠાકુરજી અરૂ શ્રીસ્વામિનીજીકો શ્રમજલ હે, એસો દર્શન શ્રીગુંસાઇજીકો સેવક ગોવિંદસ્વામી તાકું શ્રીજીકી કૃપાસું એસો ભાસ ભાયો તવ વાને મહાત્મ્ય જાન્યો એસો શ્રીગોપાલલાલજી શ્રીમુખસો કહેહે.વે ગોવિંદસ્વામી શ્રીજીકે કીર્તનકી સેવા કરી, પરિ શ્રીયમુના જલકો પાન કિયે, વામેં પાવ ન બોરો. કૌં જાકું શ્રમજલ એસો ભાસ ભયો. જબ શ્રી ગોકુલ શ્રીગુંસાઇજીકે સંગ જાય, તબ કોઉ નાવમેં ઉઠાયકે ઘરે અરૂ કોઉ ઉઠાયકે નીચે ઉતારે, પરિ પાવ ન બોરે.

એક બિરીયા ગોવિંદસ્વામી અરૂ શ્રીગીરધરજી એક નાવમેં બેઠે હતે, ઓર શ્રીગીરિરાજ જાય હે તબ ગીરધરજી મુસકાયકે કહી, જો તોંકું શ્રીયમુનાજીમેં ડારેંગે તબ ગોવિંદસ્વામીને કહી જો મહારાજ મોંકું કોઉ ડારેંગે ? એસે કહત હતે તબ અંગ રોમાંચ હોય ગયે ભગવદ ભાસ હોયહે પાછે વે જબલગ આયુષ ભુક્તિ તબલગ નાવમેં નાંહી બેઠો ઓર શ્રીગોકુલ આયો નાંહી. એસો ઇનને શ્રીયમુનાજીકે સ્વરૂપકો ભાવ જાન્યો.

|| ઇતિ પ્રથમ વચનામૃત સંપૂર્ણ ||


ભાવાર્થ


ઉપરોક્ત વચનામૃતમાં શ્રીગોપાલલાલજી બે પ્રસંગોને સમજાવી રહ્યા છે.

પ્રથમ પ્રસંગમાં પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવોનું વૃતાંત સમજાવે છે, પુષ્ટિમાર્ગમાં કેવા કેવા વૈષ્ણવો થઈ ગયા જેઓ શ્રીમહાપ્રભુજી પાસેથી નામ નિવેદન લઇને સેવક થયા અને પુષ્ટિમાર્ગનું અનુસરણ કર્યુ. ગોપીજનોએ જે પ્રેમલક્ષણા ભક્તિ કરી હતી, તે જ ભક્તિને પ્રાપ્ત કરીને ગોપીજનો જેવો ભાવ પ્રાપ્ત કર્યો.અને પ્રભુનું સેવા સ્મરણ તે ભાવથી કર્યુ જેથી શ્રીમહાપ્રભુજીની કાનીથી(કૃપાથી) શ્રીઠાકોરજી તેમને સાનુભાવ જણાવવા લાગ્યા. શ્રીઠાકોરજી તેઓની સાથે પ્રગટ હસતા, બોલતા, ખેલતા અને જે જોઇએ તે વસ્તુ માગી લેતા અને પોતાની પ્રગટ લીલાનો અનુભવ કરાવતા. તેવા ભાવનું વર્ણન સર્વે વૈષ્ણવોએ સાંભળ્યું, ત્યારે દરેકના નેત્રોમાં જલ ભરાઇ આવ્યું અને મનમાં વિચારવા લાગ્યા કે આવો ભાવ આપણને ક્યારે પ્રાપ્ત થાય ! જેમણે સાક્ષાત ભગવદ સાનુભાવ પ્રાપ્ત કર્યો છે તેવા ભગવદીની દેહને ધન્ય છે.પુષ્ટિમાર્ગીય જીવનું મુખ્ય લક્ષણ સેવા સ્મરણ જ છે ભગવદ શરણાગતિ સ્વીકાર્યા પછી પુષ્ટિમાર્ગના સિધ્ધાંત અનુસાર પોતાના જીવનમાં આચરણ કરે તો અવશ્ય ભગવદ સાનુભાવ થાય તે ઉપરના પ્રસંગમાં ટુંકમાં સમજાવ્યું છે.

બીજો પ્રસંગ શ્રીયમુનાજી વિષેનો છે. એક વૈષ્ણવે શ્રીયમુનાજીનું મહાત્મ્ય કેવુ છે ? તે વિષે પ્રસંગ પુછેલ છે. ત્યારે શ્રીગોપાલલાલજી તે વૈષ્ણવ સામું જોઇને હસ્યા અને શ્રીયમુનાજીના સ્વરૂપ તથા જલ વિષે સમજાવતા શ્રીઆચાર્ય મહાપ્રભુજી રચિત યમુનાષ્ટકનો એક શ્લોક કહીને મહાત્મ્ય સમજાવવા લાગ્યા.

પુષ્ટિમાર્ગમાં સર્વપ્રથમ શ્રીમદ્દ વલ્લભાચાર્યજીએ શ્રીયમુનાષ્ટક દ્વારા શ્રીયમુનાજીના સ્વરૂપનું તથા જલનું અગાધ મહાત્મ્ય પ્રગટ કર્યુ છે. પુષ્ટિમાર્ગના મુખ્ય વિધાતા શ્રીયમુનાજી છે. એક સમય શ્રીમહાપ્રભુજી શ્રીઠકરાણી ધાટે બિરાજતા હતા તેવામાં એકાએક તેમને વિચાર આવ્યો કે શ્રીઠાકોરજી નિર્દોષ છે અને જીવનો સ્વભાવ સકલ દોષયુક્ત છે, જ્યાં સુધી જીવનો સ્વભાવ નિર્દોષ ન થાય ત્યાં સુધી શ્રીઠાકોરજી સાથે તેનો સાચો સંબધ બંધાય નહીં અને સાચો સંબંધ બંધાય નહીં ત્યાં સુધી જીવને ભગવદ્દ સેવામાં ચિત લાગે નહીં. તેવા જીવને નિર્દોષ કરવાવાળા અને પુષ્ટિમાર્ગનું પરમ ફલ આપવાવાળા શ્રીયમુનાજી જ છે. તેવા આશયથી શ્રીમહાપ્રભુજીએ સર્વપ્રથમ શ્રીયમુનાષ્ટક દ્વારા શ્રીયમુનાજીની સ્તુતિ કરી અને જીવને પોતાના સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર શ્રીયમુનાજી છે તે શ્રીયમુનાષ્ટકના પાઠ દ્વારા, સ્તુતિ દ્વારા જીવ પોતાના સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્ટિમાર્ગના પરમ ફળને પ્રાપ્ત કરી શકે છે, તેવુ વર્ણન શ્રીયમુનાષ્ટકમાં શ્રીમહાપ્રભુજીએ કર્યું છે. શ્રીઠાકોરજી ખટ(છ) ગુણ સંપન્ન છે જ્યારે શ્રીયમુનાજી અષ્ટગુણ સંપન્ન છે. શ્રીઠાકોરજી કરતા તેમનામાં બે ગુણ વધારે છે તેવું વર્ણન શ્રીમહાપ્રભુજીએ કર્યુ છે.

પુષ્ટિમાર્ગમાં શ્રીયમુનાજી સર્વોપરી છે. શ્રીયમુનાજી રાસરમણના અધિષ્ઠાત્રી છે. શ્રીયમુનાજી દ્વારા જ જીવને રાસની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિમાર્ગીય જીવ માટે શ્રીયમુનાજી મુખ્ય છે કારણકે, શ્રીયમુનાજી સકલ સિધ્ધિઓના દાતા છે. બીજા મર્યાદામાર્ગમાં જેમ લૌકિક શુભ પ્રસંગોમાં ગણેશ ઇત્યાદિ દેવતાઓને મુખ્ય માને છે અને તેને શુભ કાર્યની સિધ્ધિના હેતુરૂપ માને છે તેમ પુષ્ટિમાર્ગમાં શ્રીયમુનાજીને લૌકિક અલૌકિક શુભ કાર્યમાં મુખ્ય મનાય છે, કારણકે બીજા દેવતાઓ તો ફક્ત એકજ સિધ્ધિ આપે છે જ્યારે શ્રીયમુનાજી તો સકલ સિધ્ધિના દાતા છે. તેથી પુષ્ટિમાર્ગીય જીવના મુખ્ય વિધાતા શ્રીયમુનાજી છે : વિશેષમાં ભગવદ ચરણાર્વિંદની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે.

આપશ્રી શ્રીયમુનાજીના જલ વિષે સમજાવે છે : ‘એ કહા જલ હે !’ શ્રીયમુનાજીનું જલ તે બીજી સામાન્ય નદીઓના જલ જેવું માત્ર જલ નથી, પણ રાસાદિક લીલામાં રાસ રમણ સમયે  શ્રીઠાકોરજી તથા શ્રીસ્વામીનીજીનાં અંગોઅંગ માંથી જે રમણરસ રૂપે શ્રમજલ પ્રગટ થયું તેનો આપે જલવિહાર કરી યમુનાજીમાં સમાગમ કરાવ્યો એટલે શ્રીયમુનાજી એ ભગવદ રસરૂપે શ્રમજલના જ સરિતા બન્યા છે. એ રસ શ્રીયમુનાજીના બુંદેબુંદમાં રહેલો હોવાથી એમની સેવા કરનારને પણ એ રસનો આસ્વાદ અથવા અનુભવ મળે છે. તેમ શ્રીગોપાલલાલજીએ શ્રીયમુનાજીના સ્વરૂપ વિષે ટુંકમાં સમજાવ્યું છે.

શ્રીગોપાલલાલએ ગોવિંદસ્વામી જે વિઠ્ઠલનાથજીના સેવક હતા, તેમને શ્રીયમુનાજી ના મધ્યપ્રવાહમાં મણિહાટિક હિંડોળા પર બિરાજી રહેલા સાક્ષાત શ્રીયમુનાજીનું દર્શન કરાવ્યુ છે. ત્યારથી ગોવિંદસ્વામી એ કોઇ દિવસ શ્રીયમુનાજીમાં પગ બોળ્યો નથી માત્ર પાન જ કર્યું છે. શ્રીમહાપ્રભુજીએ શ્રીયમુનાષ્ટક દ્વારા શ્રીયમુનાજીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યુ છે, જ્યારે શ્રીગોપાલલાલજીએ સાક્ષાત સ્વરૂપના દર્શન ગોવિંદસ્વામીને કરાવીને શ્રીયમુનાજીનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. ત્યારથી શ્રીગોપાલલાલની સૃષ્ટિના સેવકો શ્રીયમુનાજીનું પાન જ કરે છે સ્નાન નહિ. શ્રીમહાપ્રભુજીએ પણ યમુનાષ્ટકમાં પાનનું જ મહાત્મ્ય બતાવ્યું છે, સ્નાનનું નહિં. શ્રીગોપાલલાલજીની સૃષ્ટિમાં શ્રમજલના ભાવથી સેવન થાય છે તે ક્રમ આજ પણ ચાલુ જોવા મળે છે.

શ્રીયમુનાજીના સ્વરૂપનું મહાત્મ્ય જેવું શ્રીગોપાલલાલજીની સૃષ્ટિમાં જોવામાં આવે છે તેવું અન્ય સૃષ્ટિમાં ભાગ્યે જ હશે.

શ્રીગોપાલલાલજીના પ્રથમ વચનામૃતમાં ભગવદીના ભાવ વિષે અને શ્રીયમુનાજીના સ્વરૂપ વિષે પ્રસંગ સમજાવવામાં આવ્યો છે. તે વચનામૃત નિત્ય નિયમપૂર્વક જો વૈષ્ણવ ભગવદ્દ વાર્તામાં વાંચન કરવાનું રાખે તો પુષ્ટિમાર્ગનું ગુઢ રહસ્ય સમજાય તેમાં જરા પણ શંકાને સ્થાન નથી.

|| ઇતિ પ્રથમ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(‘પ્રભુશ્રી ગોપાલલાલના 45 વચનામૃત’ માંથી)

|| સર્વે ભગવદ્દીઓને ‘જય ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here