|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. ||
(વ્રજ તથા અખિલ વ્રજનું સ્વરુપ…)
સંવત 1711 મા પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ સોરઠ પ્રદેશમાં વૈષ્ણવને ઘેર પધાર્યા છે. ત્યાં બીજા વૈષ્ણવો દર્શન કરવા આવ્યા. ત્યારે એક વૈષ્ણવે પુછ્યું : જે રાજ ! અમો વ્રજભુમિમાં યમુના પાન કરવા જઇએ ?
ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું, ‘ જે સારું પણ એક વાત છે, સર્વે વૈષ્ણવ યમુના પાન કરવા જાય છે, પણ પુરુષોતમનું જે અખીલ વ્રજ છે, તેનું કોઇ ને દર્શન થાય છે ? જે અખીલ ધામ છે, તેનું દર્શન કોઇ ને થાય છે ?’
ત્યારે વૈષ્ણવે કહ્યું ‘જે રાજ ! જીવ શું જાણે ? તમે કૃપા કરી ને દેખાડશો તો તે જાણે, બીજા શું જાણે ?’ ત્યારે શ્રીમુખથી કહ્યું, ‘ જે અમારા સિદ્ધાંતમાં તો અમે કહ્યું છે. એક તો વ્રજ છે અને બીજુ તો અખીલ વ્રજ છે. ‘
ત્યારે વૈષ્ણવે કહ્યું, ‘ કૃપાનાથ ! વ્રજ તે ક્યું ? અને અખીલ વ્રજ તે ક્યું ? ‘
ત્યારે શ્રીગોપેન્દ્રજી એ કહ્યું, ‘ વ્રજ તો ચોરાશી કોષ નુ તે વ્રજ છે. જ્યારે વૈષ્ણવના ઘરમાં શ્રી વ્રજભુમિની શ્રી ઠકરાણી ઘાટની મ્રતિકા(રજ) ની થેલી કરીને ( રેશમી કપડાની નાની થેલી કરીને તેમાં રજ પધરાવે છે) તે શ્રીઠાકોરજી સાથે રાખીને પ્રભુજીને સેવે છે તે અખીલ વ્રજ છે. ‘ ત્યાં શ્રીઠાકોરજી અખીલ વ્રજ સુંદરી સહિત જુગલ સ્વરુપે દર્શન આપે છે. જેને ભગવત કૃપા થશે તેની દ્રષ્ટિએ પડે.
જે અખીલ વ્રજ સુંદરીએ શ્રી સ્વામિનીજીનું સ્વરુપ છે. તે એક સ્વરુપ છે અને તે રજ ચરણામૃત પણ કહેવાય છે. તે શ્રી મહાપ્રભુજી ( શ્રીગોપેન્દ્રજી ) એ આપેલુ સેવન છે. તેની આગળ આત્મ સમર્પણ થયુ છે ( તે સેવન પાસે માળા બંધાવી તમો સેવક થયા છો.) તેથી તે સેવન આગળ સર્વ ભોગ સામગ્રી વસ્તુ સમર્પી ને લેવી. બીજા કોઇને સમર્પેલી વસ્તુ લેવી નહી. તે લેવાથી મહાન અપરાધ પડે છે, જે પોતાના શ્રીઠાકોરજીને સમર્પેલુ નથી.
વચનામૃત સાર…
સંવત 1711 મા પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ સોરઠ પ્રદેશમાં પધાર્યા છે. ત્યારે વૈષ્ણવો દર્શન કરવા આવ્યા અને દર્શન કરીને આપશ્રીને માર્ગ વિષે ઘણા પ્રશ્નો પુછતા. અને આપશ્રી એના ખુલાસા વચનામૃત દ્વારા કરતા તેવા ઘણા પ્રસંગ છે. જેનું સંશોધન જુદી જુદી હસ્તપ્રતો માંથી પ્રાપ્ત થાય છે.
પ્રથમ વચનામૃતમાં વૈષ્ણવોને વ્રજ તથા અખીલ વ્રજનું સ્વરુપ, સેવન પ્રકાર તથા સેવ્ય સ્વરુપના ભેદ , પ્રસાદ તથા મહાપ્રસાદનું સ્વરુપ, ભગવદ્દીનો સંગ તથા મંડપનું સ્વરુપ ટુંકમાં સમજાવ્યું છે.
પહેલા વૈષ્ણવો શ્રીયમુનાપાન કરવા વૈષ્ણવોના સંગમાં જતા અને જતા પહેલા પોતાના ઘરે કીર્તન સમાજ બેસાડી વૈષ્ણવોને વિનંતી કરીને આજ્ઞા માગતા. પછી વ્રજમાં શ્રીયમુનાપાન કરવા જતા, તે ખાસ પ્રમાણ હતું. જ્યારે વૈષ્ણવો વ્રજમાં શ્રીયમુનાપાન કરવા જાય છે, ત્યારે આપશ્રી તેમને વ્રજભુમી તથા અખીલવ્રજ તથા ઠકરાણી ઘાટ અને શ્રી યમુનાજીની રજનું મહાત્મ્ય સમજાવે છે.
આપશ્રી વૈષ્ણવોને કહે છે, તમો વ્રજમાં જાવ છો, તે વ્રજ ક્યું ? પુરુષોતમનું જે અખીલ વ્રજ છે, જે અખીલ ધામ છે તેનું દર્શન કોઇને થાય છે ખરું ? વ્રજ અને અખીલ વ્રજનું સ્વરુપ મહાત્મ્ય અને તારત્મ્ય સમજાવે છે. જ્યાં સુધી દરેક વસ્તુનું તારતમ્યના સમજાય ત્યાં સુધી તેના સાચા સ્વરુપનો ખ્યાલ આવતો નથી. તેથી વ્રજ અને અખીલ વ્રજનું તારત્મ્ય સમજાવે છે(તારતમ્ય એટલે તફાવત ભેદ). વ્રજ જે છે તે ચોરાશી કોષનું છે અને પુરુષોતમનું અખીલ વ્રજ જે છે તે ગોલોકધામ સમાન છે. આપશ્રી કહે છે, અમારા સિદ્ધાંતમાં એકતો વ્રજ છે, જ્યારે બીજું અખીલ વ્રજ છે. જે વૈષ્ણવના ઘરમાં શ્રીઠાકોરજીનું સેવન બિરાજે છે તે પત્રી સેવન અને પાદુકાજીનું સેવન અને તેની પાસે શ્રીઠકરાણી ઘાટની શ્રીયમુનાજીની રજ, તે રેશમી વસ્ત્રની થેલી કરીને રજ પધરાવીને તેને શ્રીઠાકોરજી સાથે સેવે છે તે અખીલ વ્રજ છે.
વ્રજભુમીની રજનું અલૌકિક મહાત્મ્ય સર્વ વેદ, શાસ્ત્રાદી, પુરાણાદીમાં સુપ્રસિદ્ધ છે. તે બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે. અને શ્રીયમુનાજીની રજ છે તે ‘ સ્ફુરદ મંદ રેણુત્કટામ્ ‘, સર્વોપરી છે.તે રજમાં શ્રીયમુનાજી સહીત શ્રીઠાકોરજીનો જુગલ સ્વરુપે રસરુપ આર્વિભાવ છે. તેથી તે અખીલ વ્રજ છે.તેમાં સર્વ લીલા પ્રકાર આવી જાય છે. અને તે અખીલ વ્રજસુંદરી તે શ્રી સ્વામીનીજીનું સ્વરુપ છે. તેથી તે રજનું અધિક મહાત્મ્ય છે. અને વ્રજરજ જે બ્રહ્માંડ ઘાટની રજ તે ચરણામૃત પણ કહેવાય છે. જે ચરણામૃતમાં વ્રજરજ, શ્રીયમુનાજીનું જલ તથા શ્રીઠાકોરજીને કેસરી સ્નાન કરાવ્યાનું જલ પધરાવી ચરણામૃતના પેંડા બંધાય છે તેનો ઉપયોગ વૈષ્ણવો નિત્ય સેવામાં જતા પહેલા અને હરેક સમયે કરે છે. તેથી આસુર ભાવનો નાશ થાય છે.
હવે જે જીવના ઘરમાં શ્રીયમુનાજીની રજ સેવામાં બિરાજી રહ્યા છે. ત્યાં અખીલ વ્રજનું સ્વરુપ સદાય બિરાજે છે. તેની સેવા કરનારને અખીલ વ્રજનું દર્શન નિત્ય પોતાના ઘરમાં થાય છે. જેથી તેને ચોરાશી કોષ વ્રજમાં ફરવા જવાનું રહેતુ નથી. તેને ચોરાશી કોષ વ્રજથી અધીક ફળ ઘર બેઠા પ્રાપ્ત થાય છે. તે સિદ્ધાંત શ્રીગોપેન્દ્રજી પોતાના ઘરનો છે તેમ સમજાવે છે. તેથી એમ કહ્યુ કે, અમારા સિદ્ધાંતમાં તો આ વાત, વ્રજ અને અખીલ વ્રજની છે જે જેને દ્રષ્ટિએ પડે તે નિહાલ થાય. જે શ્રી યમુનાજીની રજના સેવનને અખીલ વ્રજ કહ્યું તે પુરુષોતમનું અખીલ રમણધામ છે. જુગલ સ્વરુપે તેમાં શ્રીઠાકોરજી શ્રીયમુનાજી સહિત બિરાજે છે, જેથી તે સેવન સર્વથી અધિક થયું.
આવું અલૌકિક મહાત્મ્ય શ્રીયમુનાજીની રજનું તથા તેના જલના પય:પાનનું અને તેની સેવા કરવાનું અગાધ ફલ આપણા ઘરમાં છે. તેમ શ્રીગોપેન્દ્રજી પોતાના સિદ્ધાંતમાં પોતાની સૃષ્ટિનાં વૈષ્ણવોને સમજાવે છે.શ્રીયમુનાજીની રજના સેવનથી શ્રીયમુનાજી સકલ સિદ્ધિનું દાન જીવને કરે છે. તેથી જીવમાં અલૌકિક ભક્તિભાવની વૃદ્ધિ થાય છે.
(‘પ્રભુશ્રી ગોપેન્દ્રલાલના 45 વચનામૃત’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવો ને “જય ગોપાલ” ||
Thakorji na patriji swarp padhrava manorath kervo padey???
જય હો મારા વાલા