|| શ્રી ગોપાલો જયતે ||
પ્રભુશ્રી ગોપાલલાલજી બાર વર્ષના હતા.
સવંત 1649નું વર્ષ હતુ ત્યારે એક દિવસે શ્રીરઘુનાથજીને શ્રીરણછોડરાયજી(ઠાકોરજી) એ સ્વપ્નમાં કરેલી આજ્ઞા વિશે બધા ભાઇઓ ને નિવેદન કરીને પુછ્યું : શું કરવુ…??
ત્યારે બધા ભ્રાતાઓએ સંમતિ આપતા કહ્યુ શ્રીગોપાલલાલને સંગે પધરાવીને દ્વારકા અવશ્ય પધારો. શ્રીરઘુનાથજીએ પ્રત્યુતર આપ્યો કે, શ્રીનાથજીની આજ્ઞા પ્રમાણે કરીએ. ત્યારપછી બધા ભાઇઓ સાથે શ્રીરઘુનાથજી ગોપાલપુર(જતીપુરા) પધાર્યા, શ્રીનાથજીના મંદિરમાં જઇને ઉપરની બાબતમાં વિનંતી કરી.
શ્રીનાથજીએ આજ્ઞા કરી : આપ જાનકીજી અને બધાં બાલકોને સાથે લઇ દ્વારકા પધારો. શ્રીરણછોડજી મારૂ સ્વરૂપ છે. આજ મખાંએ તેનું ખંડન કર્યુ હોવાથી આપ પધારીને પુન: પ્રતિષ્ઠા કરો.
આજ્ઞાનુસાર શ્રીરઘુનાથજી, શ્રીજાનકીજી અને શ્રીગોપાલલાલજી તેમજ બધા બાલકોને સાથે પધરાવીને મજલ-દરમજલ કરતા દ્વારકા પધાર્યા અને વૈષ્ણવોને સુખદાન આપ્યું. દ્વારકા પધાર્યા પછી શ્રીરણછોડજીએ શ્રીરઘુનાથજીને જણાવ્યું કે મારૂ એક અન્ય સ્વરૂપ બેટ શંખોદ્વારમાં ભુમિની ભીતર- ગુફામાં બિરાજે છે, તેમને પધરાવીને સ્થાપના કરો.
શ્રીરઘુનાથજીએ સ્વરૂપ પધરાવીને વૈદિક-વિધી તેમજ પુષ્ટિમાર્ગીય પ્રણાલિકાનુસાર આનંદ સમારોહથી પુરૂષોતમ પ્રતિષ્ઠા કરી. આ સમયે વિપ્રોને અને યાચકોને અનેક પ્રકારનાં દાન આપી સંતુષ્ટ કર્યા.
શ્રીગોપાલલાલજી નિત્ય શ્રીરણછોડજીના મંદિરે ખેલવા પધારતા. કમનીયકાંતિમાન, ચપલ, બુદ્ધિચાતુર્યથી ભરપુર શ્રીગોપાલલાલજીની સાથે સ્નેહવાર્તા કરતા શ્રીરણછોડજી અત્યંત પ્રસન્ન થતા. આપશ્રીને ખેલવવામાં વૈષ્ણવોને પણ અનેરો આનંદ આવતો. સૌરાષ્ટ્રના વૈષ્ણવોનો ભાવ જોઇને આપશ્રી અપાર પ્રસન્નતાનો અનુભવ કરતા.
થોડા દિવસો પછી શ્રીરણછોડજી પાસે શ્રીરઘુનાથજીએ વિદાય માગી, એટલે શ્રીરણછોડજીએ આજ્ઞા કરી :
આપ પધારશો પછી મારાથી કેમ રહેવાશે, શ્રીગોપાલ અત્રે ખેલવા પધારે છે, ત્યારે મને બહુજ આનંદ થાય છે. પરંતુ પોઢવા પધારે છે, ત્યારે વિયોગાનુભાવમાં મારી એક ‘પલક’ એક ‘કલપ’ સમાન વીતશે. !
વિદાય સમયે શ્રીગોપાલલાલજી, શ્રી રણછોડજીની આજ્ઞા લેવા પધાર્યા, ત્યારે પરસ્પર અત્યંત હાસ્ય વિનોદ કર્યો શ્રીઠાકોરજીની ઇચ્છાથી શ્રીગોપાલલાલજી ત્યાં નિત્ય આધિદૈવિક સ્વરૂપે બિરાજી ભાગ્યશાળી વૈષ્ણવોને આનંદાનુભવ કરાવી રહ્યા છે.
દ્વારકા પધારો ત્યારે દર્શનનો લાભ લેવાનું ચૂકશો નહિ.
(‘શ્રી ગોપાલ દર્શન’ માંથી)
|| સર્વે ભગવદ્દીઓને ‘જય ગોપાલ’ ||