|| શ્રી ગોપાલો જયતે ||
પાંચ દેવળના માંડવેથી મોરબીએ આવ્યા પછે. મારા મનનો સંશય હતો, તે ટાળવા મેં પાંચાભાઈને પૂછ્યું કેઃ બધા મારગમાં ગુરુ પદ હોય છે, તો આપણા મારગમાં ગુરુ પદ કોનું, તે વાતનો મારો સંશય નિવારો તો સારૂં.
પાંચાભાઈ તવારે હસ્યા અને કહ્યું કેઃ સંશય તારો ઠીક છે, ડોસા.
સત વસ્તુમાં વિશ્વાસ અને શ્રદ્ધા જીવને તારે, સત વસ્તુમાં શંકા જીવને મારે.
આ વાત બધામાં કહી છે. માટે સત વસ્તુમાં સંશય થાય, તો સતવર તેને ટાળવો જોઈએ, નહિ તો ઘર કરીને બેસે, તો જીવનો બગાડ થતા વાર ન લાગે.
પાંચાભાઈ, વલ્લભ ભેટીયે મારો સંશય ભારથલમાં એકાંતે બેઠા હતા ત્યારે ભાંગ્યો હતો. આ તો તમારી વાણી સાંભળવાનો કોડ થયો છે. જેથી પૂછ્યા વગર પરસંગ કેમ ચાલે.
પાંચાભાઈ કહે ભલું ભલું પૂછ્યું. ઠાકરજીના અને ભગવદીના લીલા ચરિત્ર અને ગુણના પરસંગ ઘણા છે. જેના ગુણને ગુંથીએ તો એક મોટી માલા થાય તેમ છે. અને મારા મનમાં પણ એ વિચાર આવે છે, તેના ગુણ ગુંથીને લખાય, તો ઘણું સારું થાય.
ડોસાભાઈએ કહ્યું, પાંચાભાઈ, ઈ બધા ગુણના પરસંગ તમારી જાણમાં છે, તે તમે પરગટ કરો તો, તેના ગુણ કથીને કવતમાં લખાય, ને તેની માળા બને. પણ મણકા વગર માળા કેમ થાય ?
પાંચાભાઈએ કહ્યું. તે વાતમાં જીવનદાસ પણ ઘણો જાણ સુજાણ છે. તેને પાસે રાખીને થાય. પણ અટાણે તારો સંશય ભાંગવો રીયો.
પાંચાભાઈએ કહ્યુંઃ બધા મારગમાં ગુરૂ જીવને કરે છે. જે ગુરુ કરે તે તેનો શીષ્ય ગણાય, પણ તેનો સેવક ન ગણાય. અને ગુરૂ તેને જ્ઞાન આપે, ઉપદેશ આપીને મોક્ષનો મારગ બતાવે. પછે શીષ્ય જેની ઉપાસના કરે, તેવા લોકનું ફળ મળે. જેવા સાધન કરે, તેવો મોક્ષ મળે. ગુરુ કાંઈ મોક્ષ ન આપે, શીષ્ય પોતાના સાધન બળે મોક્ષ મેળવે.
મરજાદા ભક્તિમાં પણ તેમ જ થાય છે. ગુરુ તેને મરજાદા ભક્તિ કરવાનો મારગ દેખાડે. શીષ્ય જેવી ભક્તિ કરે, તેવું ફળ મોક્ષ સુધીનું મળે. એથી અધિક કાંઈ ન મળે.
જ્યારે, આ મારગ તો પુષ્ટિનો છે, કૃપાનો છે. ઠાકરજીની સર્વે અલૌકિક લીલા વિલાસના પ્રકારનો છે. જે જીવ પૂરવની લીલામાંથી વિખુટા પડી ભુતલમાં આવ્યા, તેને પોતાની લીલામાં પાછા મેળવવા માટે ઠાકરજી ભુતલમાં પધાર્યા. અને તેવા જીવને પોતે ગુરુપદ ધારણ કરીને શરણદાન આપી સેવક કર્યા. અને પાછા એ જ પુરુષોત્તમ ઠર્યા અને સેવન સ્વરૂપે સેવક માથે બિરાજ્યા. આ મારગમાં જીવને ગુરૂપદ નથી, પુરૂષોત્તમ ગુરૂપદે થયા છે. ગુરૂપદ પુરુષોત્તમનું થયું, તો જ જીવને લીલાની પ્રાપ્તી થાય.
આ મારગમાં ગુરૂ પદ મુદ્રાની બે બાજુ જેવું છે. મુદ્રાની મહોર એક બાજુ, બીજી બાજુ મુદ્રાના મુલની છાપ મારી, એટલે એક ટકો એમ જાણવામાં આવે. મુદ્રાની છાપ, વગર મુદ્રાનું મુલ ન સમજાય. તેમ જીવને શરણદાન આપે, તવારે મુદ્રાના મુલની છાપ તે ગુરૂપદ થયું અને મહોર તરફની છાપ તે પુરુષોત્તમ પદ બન્ને એક થયું આ મારગમાં ગુરૂ પદ જુદું નથી.
કોઈ જીવ, ગુરૂ આ મારગમાં નથી, પોતે પુરુષોત્તમ ગુરૂપદે બિરાજી રહ્યા છે.
ગુરૂ અને ગોવિંદ મરજાદા મારગમાં જુદા છે. જ્યારે પુષ્ટિ મારગમાં ગુરૂ ગોવિંદ એક થયા. આ મારગનો પેંડો ન્યારો છે.
કૃષ્ણ વંદે જગત ગુરૂ કીધા, તે શાને કાજે કીધા? જે ગુરૂપદે રહીને અર્જુનને ઉપદેશ આપ્યો અને પછે ભક્તિ મારગ દેખાડ્યો અને સર્વ ધર્મ કર્મ છોડીને પોતાના શરણમાં આવવા કીધું. તો તને હું બધા પાપમાંથી છોડાવીશ. તે પોતાનાં શરણમાં આવવા કીધું, તે ભગવાન-પુરુષોત્તમ થયા. આમ બંને પદ તેનામાં જણાવ્યા. તે આવા શ્રીમુખના વચન કહ્યા.
પાંચાભાઈ તો આપણા મારગમાં પણ કાંઈ શ્રીમુખના વચન પરમાણ હશે ને ? તો તે કાંઈક કહો તો જાણ્યામાં આવે.
પાંચાભાઈ કહેઃ ડોસા સાંભળ શ્રીમુખના વચન શ્રી ગોપાલજીના છે. જે શ્રી મુખના વચનામૃત, પીસતાલીસ કીધા છે. તેમાં ઘણો ચોખ પાડીને કીધું છે. તે કાનદાસ કાયસ્થને સમજાવ્યું છે. તે વચનામૃત પંદર માંહે કીધું:
જો અપને સ્વગુરૂ જો ઇશ્વર આપ પ્રગટે હૈ. તાકે વચનસો કલ્યાણ .”
પોતાના સ્વગુરૂ જ ઇશ્વર સ્વરૂપે પ્રગટ્યા છે. વળી વચનામૃત ચાલીસમાં કીધું:
યાતે સર્વોપરિ વિશ્વાસ, અરૂ અપને સ્વ-ગુરૂ, સો પુરૂષોત્તમ, અરુ ઇનકી ઉપાસના, તાકો સ્મરણ અરુ સેવન તાકો, અરૂ તાકો ધ્યાન, અરૂ મંત્ર તો ઉનકે નામકો “શરણં મમ” કરકે કેનો, તો શ્રીજી હે, સો મહત્ત પ્રસન્ન હોત હે.”
જો ડોસા, આમાં એક સર્વોપરિ વિશ્વાસ અને એક આશ્રય, દ્રઢતા એક નેમ ટેક પોતાના પ્રભુનું રાખી સેવે, તો પ્રભુજી પરસન થાય. આવો ચોખ પાડીને શ્રીમુખે કહ્યું છે.
વળી તને એક મહાન ભગવદી, રાધવજી જાનીએ પુરૂષોત્તમ પીઠીકા ગ્રંથ કર્યો છે, તેમાં પણ તેણે ઘણો ચોખ પાડીને કીધું છે. તેનું પરમાણ પણ સમજ્યા જેવું છે. તેની ઉપર શ્રી ગોપેન્દ્રજીની અનહદ કૃપા. પૂરવનો સ્વરૂપ સંબંધી લીલાનો જીવ, મહાપંડિત હતો. પણ શ્રી ગોપેન્દ્રજીની કૃપાએ તે સેવક થયો. ઘણો જાણ પરવેણ થયો. તેણે પુરૂષોત્તમ પીઠીકામાં લખ્યું છે.
|| વલ્લભકુળ પુરૂષોત્તમ સબ હૈ, જીવ શરણ જે આયો ||
|| સમરપન કીનો જીન જાસો, તાકો પતિ હી કહાયો ||
|| ઔર વલ્લભકુળ કેસરીને, પૂર્વ સ્વરૂપ દેખાયો ||
|| વલ્લભકુળ કો ગુરુ કરી જાને, મુળ તત્ત્વ નહિ પાયો ||
આમ આવા ગ્રંથની બાંધણી કરીને શ્રીમુખના પરમાણ બધા આપ્યા છે. તે જોતા આવડવા જોઈએ. અનુભવી પાસેથી જાણવા જોઈએ. ડોસાભાઈ આમાં બધું કહી દીધું છે. આ મારગમાં તો ગુરૂ સાક્ષાત પુરૂષોત્તમ જ છે, તે પોતાના સેવકને શરણદાન આપી, પોતે સેવન સ્વરૂપે ગૃહપતિ થઈને બિરાજે છે. અને તેની સેવા સમરણ દ્વારા, પોતાની કૃપા બળ દ્વારા, પોતાની લીલાની પ્રાપત કરાવે છે.
પાંચાભાઈ, આ વાતનો પરસંગ મને ભારથલ ગામે મહારાજ પધાર્યા, તવારે એકાંતે વલ્લભભેટીએ સમજાવ્યો હતો. મેં તેને પ્રશ્ન પૂછ્યું હતું કે આ મારગમાં ગુરૂપદ કોનું માનવું. તવારે તેણે ફોડ પાડીને સમજાવ્યું હતું. કલ્યાણ રાગ-૩૪
|| ગુરૂ ઈ બ્રહ્મ એક શ્રીગોપાલ, મેરે શિર ||
|| મંગલ તિલક ખુલ્યો કુમકુમકો, ભૂક્ષણ તીનસરી માલ || ૧||
|| સેવા સનમુખ કરી સમરણ કીજે, મંગલ મંત્ર રસાલ ||
|| મંગલ પંચાક્ષર મુખ બોલત, કટત કર્મકી જાલ || ર||
|| ઉત્તમ સંગ સદા સંતનકો, પર્યો હમારે ખ્યાલ ||
|| ઉત્તમ કિર્તન રાગ રંગસો, ઝખ મારત કલિ કાલ ||૩ ||
|| ઉત્તમ શ્રી વિઠ્ઠલેશ વંશમેં, શ્રીરઘુનંદન પ્રતિપાલ ||
|| દાસકુશલ સદા બિરાજિત, ઉદે સૂર મીટે તિમિરાલ ||૪||
(‘ શ્રી પુષ્ટિ સંહિતા ગ્રંથ ‘ માંથી)
લેખન પ.ભ.શ્રી કિંજલ બેન તન્ના દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જસ્મીન બેન સોલંકીના જય ગોપાલ ||