|| પાંચાભાઈની હાકલ ||

0
726

|| શ્રી ગોપાલો જયતે ||

પાંચોભાઈ બોલ્યાઃ ડોસા, જીવન તમોને શું કહું, અમે તો ઠાકરજી સાથે જે રસનો અનુભવ પ્રગટ પ્રમાણ કીધો છે, તેનું વરણવ શું કરવું. તે ભગવદીના ભર અને તેના ઘર, ભાવથી ભરપૂર, સ્નેહની સરિતા વહે, પ્રેમનો પ્રવાહ હાલે અને પોતાના તન, મન, ધનની તો કોઈ પરવા નહિ. બધું ઈ સમરપણના ભાવમાં આવે. સેવા, ટેલ કરતા થાકે નહિ. ઠાકરજીના રસમાં ઘેલા થઈને ફરે. જીવનદાસ, તમે પણ મહારાજ સાથે ભેળા રહીને અનુભવ કીધો છે કે આ સૃષ્ટિ અલૌકિક ભાવથી ભરપુર અને સવારથથી દુર તેવી જોઈ છે. આજે મહારાજ સ્વધામ પધાર્યા પછી દસ વર્ષના ગાળામાં કાંઈક ઝાંખપ લાગવા માંડી છે. હજુ તાદરશી ભગવદીઓ છે, ત્યાં લગણ તો વાંધો નથી. પણ આ મારગમાં આ સવારથી જન ઘુસીને, મારગને ભુંસી ન નાખે તો સારું.

પંચ ભગવદીની કાનીનું કારણ ઓસરવા માંડ્યું. જ્યાં ત્યાં જેને તેને જેમ ફાવે તેમ માળાયું બાંધી સેવક કરવા માંડ્યા. વંશપરંપરાના ઘર તો ઠીક, પણ જેને સવારથ કાજે માળા બાંધે તે સેવક કયાં લગણ રહેશે ? મારગનો ચીલો ચાતરવા માંડ્યા છે. કોઈની જાત-ભાત કહું, તો માઠું લાગે. પણ મરમમાં કહું છું કે આ સવારથીજનો પોતાના સવારથ ખાતર કરમકાંડ જેવો વહેવાર કરવા લાગ્યા. જાતે દિ આ બધું
મારગનું મુળ સ્વરૂપ ભુલાવી દેશે, તેની ચિંતા મને થાય છે.

ડોસા, તું કાંઈક ગ્રંથ ભાષામાં લખ, જેથી સમાજને સાચી સમજણ આ મારગની પડે. તો સમાજ આ બધી વાતથી ચેતે. તેવી વાતનો પરસંગ કાવ્યમાં ગુંથીને વરણવ કર, કાંઈક સમાજને હાકલ’ કર, જેથી કાંઈક સવારથી મોળા પડે, જે ગ્રંથ વાંચી સવારથી ઝાંખા પડે. અને સમાજ આ મારગની રીત ભાત, સમજતો થાય. એવું વરણવ કરીને સમાજને ‘હાકલ’ કર જેમાં પ્રભુજીના ગુણરસ અને વૈષ્ણવના
ગુણરસનો અનુભવ થાય, આ મારગનો મરમ સમજાય તો ઠીક થાય.

પછે તો મેં, (ડોસાભાઈ) પાંચાભાઈની વાત માની લીધું કેઃ તમો ઉપજાવો તેમ થાય. બાકી તો સવારથના જીવડા નરકે જાવા તૈયાર થાય છે તેને કોણ રોકશે. ઠાકરના નામને બદલે ગરથથી કામ રાખે, તેનું શું સુધરે. ગરથ કાજે ભટકતા ફરે અને સામાનું નહિ. તેવા જન ભુંડી મતિના ભીતરમાં હોય, તેને ઓળખે કોણ, મુખના મીઠા મધ જેવા, તેમાં ભલા, થાય તેવું તો કાંઈ કરે નહિ અને કહે પણ ભોળા, ઠગાય. પણ સંસારી જીવ એવા જ સામા મળે, તેથી બંનેનું બગડે. પણ મારૂ મન એમ માઠું થાતું હતું કે: ગ્રંથ તો ઘણાક કીધા છે, કૃષ્ણભટ્ટ જેવાએ પુષ્ટિ દ્રઢાવના પરસંગ લખીને ઘણું સમજાવ્યું છે અને જીવને ચેતવ્યા છે. તમે કાંઈ જોવા જાશોમાં, કોઈની વાત કાને સાંભળશોમાં, મન દ્રઢ રાખીને રેજો. શ્રી ગોપેન્દ્રજી સમાન કોઈ નથી, તમે કેને માનશોમાં. સંસાર આંધળો છે, આંધળા કુવામાં પડવા જાય છે. આગળ પોરો ખોટો આવશે, ઘણાક અવળા રસ્તા દેખાડશે, પણ તમે કેને માનશોમાં. એમ ઘણું કીધું છે. કલિરૂપે વૈષ્ણવ થાશે અને પોતાના ધરમથી ખેડવશે, દીઠામાં ઉજળા લાગશે, ભીતરમાં પાંખડે ભર્યા હશે. મનગમતું દેખાડીને મન ચલાયમાન કરશે, પણ તમો એક દ્રઢ આશરો શ્રીગોપેન્દ્રજીનો રાખી રેજો. છતાં પોતાના ઘર છોડીને, બીજા ઘરમાં ભળવા જાય છે અને પછે પાછા વળતા નથી, તેનું ઠાકર મોં જોતા નથી. તેવા ભટકતા ફરે છે અને બીજાને ભટકતા કરે છે. પોતાના ઘરમાં કાંઈ દીઠું નહિ, તેમ કાંઈ જાણ્યું નહિ અને પોતે આડંબરના આંચળા ઓઢીને ફરે છે. અમે સાચા સેવક થયા. પણ સાચું હતું, તેને મુકીને ખોટાની બથે વળગ્યા છે.

વળી હરિબાઈબા અને કૃષ્ણભટ્ટ કુરજી ગાંધી જેવાએ શ્રી ગોપેન્દ્રજીના વચનામૃત કરીને પુષ્ટિ દ્રઢાવ લખ્યો છે. તેમાંય ઘણું ચોખ પાડીને લખાવ્યું છે, મહાપ્રભુજી શ્રી ગોપેન્દ્રજીએ તે પરસંગ ઘણાક કીધા છે. વળી મોટા પંડિત જાની રાઘવજી હતા. તેણે પુરુષોત્તમ પિઠીકા ગ્રંથ લખ્યો છે. અને તેમાં આપણા મારગનું રહેશ પ્રગટ કરીને સમજાવ્યું છે. તેમાં આપણા ઠાકરજીના ઘરની બધી પ્રણાલિકા આવી જાય છે. પણ સવારથી તેવા ગ્રંથને સંતાડતા ફરે છે અને પોતાના મન ફાવ્યા વરતે છે.

જેરામદાસ અને વશરામે ઘણો ફોડ પાડીને વાણીમાં લખ્યું છે.

“વૈષ્ણવ કુળ અસલ કુળ ચોખા, પણ સાત ધાનમાં જઈ ભરાણા, તેના શું કરવા ધોખા.”

આમ ચાબખો મારીને કીધું છે કે પોતાનું ઘર થોભીને બેસી રેજો, નહિ તો મહારાજ કૃપા નહિ કરે. પણ ધોખા કરતા આવડે, પણ ધોખાનો ધડો કરતા આવડતો નથી. કે, આ ધોખા ખોટા કરીએ છીએ કે, સાચા. ધોખા ખોટા ધોકા ખવરાવશે, કે ધકા ખવરાવશે, એની ખબરુ પડતી નથી. માટે પોતાના ઘર છોડીને બીજા ઘરમાં જાય તેના ધોખા શું કરવા. ઇ જીવ ખાતાના હશે નહિ, એમ માનવાનું કારણ આવે.

જેરામની વાણ અલૌકિક છે, પણ સમજવી કઠણ છે. જેરામની માથે ગોપેન્દ્રજીની ઘણી કૃપા નજરે જોયું છે. શ્રી ગોપેન્દ્રજી એની સાથે વાતુ કરે, અનુભવ જણાવે, તેવો ભગવદી સુજાણ, તેણે જશ ઘણો લખ્યો છે તે મેં ઉતારો કર્યો છે. પણ મેં તેને એક વાત જણાવી કે જેરામ તારી વાણી અલૌકિક છે, પણ દેખાંતે તે સમજવી ઘણી કઠણ છે.આમા મારગનું રહેશે ઘણું લખ્યું છે, પણ જીવને સમજવું ભારે પડે તેમ છે.

તારે જેરામે મુને કહ્યું: ડોસા, તારી વાત સાચી, પણ મારગના ગ્રંથ એવા કઠણ ન હોય તો મારગનું માતમ શું રહે. આ મારગ તો પ્રેમનો છે, સ્નેહનો છે. સિંહણનું દૂધ કાંઈ બકરા, બિલાડા ન પીવે, ઇતો સિંહણના બચ્ચાને ઝરે. દૈવી જીવ હોય, પૂરવના સંબંધવાળો, તો તે સાનમાં સમજે. કોઈને કોઈની સાથે પ્રેમ હોય તો કાંઈ ઢોલ ન વાગે, ઈતો સાન કર્યામાં સમજે, સમજ્યો આતો સુરતાનો મારગ છે, એક સાચી સુરતા હોયતો બધું સમજે, પણ સમજવું ન હોય, તો કાન ફોડે પણ ન સમજે. લે આટલી વાતમાં બધું આવી જાય.

જેમ તસગર (ચોર) કોકના ઘરમાંથી અંધારે હાથ મારી વસ્તુ લઈ જાય, તેમ જેને લેવું હોય તેનું મન તસગર જેવું હોય તો વસ્તુ હાથ આવે અને પામે. ઠાકરજીને પણ તસગર કીધા.
|| ચંચળ ચિત્ત ચોરણ, તારૂણીયા, તું તસગર છે મારો રે. ||

ચંચળ ચિત્તને ચોરવાવાળો ઠાકર છે, પણ ઠાકરને જાણે તો ? પણ પોતે ઠાકર થઈને બેસે તો ક્યાંથી હાથ આવે. ઇ ગ્રંથ લોભી ન હોય, ને ગરથના (ધનના) લોભીને ગ્રંથની વસ્તુ ન જડે. ઇ તો ગરથને ગાંઠે બાંધવાનું જાણતા હોય, બીજું કાંઈ જાણે નહિ. ડોસા, માટે આ મારગ દોયલો કીધો. લે હવે, એવા લે ભાગુની વાતમાં કાંઈ સવાદ ન આવે. આપણા ઠાકરજીના ઘરની વાતુ કર, તો આનંદ આવે.

પછે મેં (ડોસાભાઈ) હાકલ” ની રચના કરી તે ગ્રંથ બતાવ્યો. તો જોઈને તે ઘણા હરખાયા. અને મને કીધું, ડોસા, તારા ઉપર ઠાકરજી અને પંચ ભગવદીની મહેદ કૃપા છે. જીવનદાસનો સંગ તને ફળી રહ્યો છે. તારો ભાવ અને હરદો ઘણો ચોખો થયો છે. તેની પ્રાપત તને થઈ છે. પાંચાભાઈ, જેરામને વશરામની જોડી અલૌકિક છે. આ મારગના ઘણા રસીયા મેતો દીઠા. જેને ઠાકરજી વશ થઈને રહ્યા છે.

(‘ શ્રી પુષ્ટિ સંહિતા ગ્રંથ ‘ માંથી)

લેખન પ.ભ.શ્રી કિંજલ બેન તન્ના દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here