|| જન્મ ઓચ્છવનો સેવા પ્રકાર (ભાગ-૨) ||

0
113

|| શ્રી ગોપાલો જયતે ||

સૌ વૈષ્ણવના ઘરમાં આનંદ મંગળ થાય. સૌ પોતાના ઠાકરજીની સેવામાં સવેળા પોચે અને વૈષ્ણવના જુથમાં ભેળા ભળે અને પોતાના આંગણે વૈષ્ણવને અરસ પરસ તેડે અને હયડે હરખ ન માય.

પછે રાજભોગના થાળ સાજીને તૈયાર કીધા. શાક, પાક, સખડી, અનસખડીના થાળ જુદા જુદા સાજ્યા. રસીલી વસ્તુના કટોરા ભર્યા. કુપનો કટોરો ભરીને સખડીના થાળમાં ધર્યો. રસવસ્તુના કટોરામાં ચમચી મુકી. મીઠાજલના ગગરા ભર્યા. શીતલ જલની ઝારી બે ભરી, બીડા-બીડી સિદ્ધ કીધા. સુખડ ઘસી, બરાસ કેસર પધરાવી, ચંદન તૈયાર કીધું. ઉષ્ણકાળનો સમો છે, માટે કીધું. આમ તૈયારી રાજભોગ ધરવાની કીધી. પાંચાભાઈ ચીંધે તેમ થાય. પછે ઠાકરજીને ચોકી ઉપર બિછાનું બિછાવી પધરાવ્યા. આગળ ભોગ ધરવાના પાટલા મુક્યા. પછે સર્વે સામગ્રી હું તથા ધનબાઈ પધરાવા લાગ્યા, પાંચાભાઈ ધરવા લાગ્યા. જલની ઝારી બે ડાબી બાજુએ ધરી. ને પછે સખડીના થાળમાં ગ્રાસ એક તૈયાર કીધો, સર્વ વસ્તુ લઈને પાંચાભાઈ આરોગાવે ને મીઠડા વેણ બોલે.

પછે શ્રીજીને આરોગવાની મનુહાર વિનંતી કીધી. મહારાજાધિરાજ આપની વડાઈથી અને આપના નિકટવરતી પંચ ભગવદીની કાનીથી આરોગજો ને આ દાસને કૃતાર્થ કરજો. પછે અનોસર કરી અમો બહાર આવ્યા. રાજભોગના પદ બોલવા લાગ્યા. ચાર પદ આરોગવાના બોલ્યા. પછે પાંચાભાઈ પોથી લઈને પાઠ કરવા લાગ્યા અને હું તથા ધનબાઈ ભગવદીના નામ માલકાનો પાઠ કરતા હતા. તે રાજભોગ બે ઘડી સુધી ધરાવી રાખ્યા. (અડતાલીશ મીનીટ)

પછે રાજભોગ સરાવવાનો સમય થતાં ઘંટાનાદ કર્યા અને મંદિરમાં પરવેશ કીધો. સર્વ સામગ્રીના થાળ એક બાજુ સરાવ્યા અને જલની ઝારી લઈને એક કટોરામાં ત્રણ વખત ઠાકરજીને અવચન કરાવ્યું. મુખ વસ્ત્ર કરાવીને સિંહાસને પધરાવ્યા અને બીડી-બીડા બરાસ સંજુક્ત ઓરાગાવ્યા અને પાસે ધરાવ્યા. જલની ઝારી ભરીને ધરાવી. પછે ખંડ પાટ ધરાવ્યા. તે ઉપર બિછાનું બિછાવ્યું અને ખીલોનાની તબકડી ધરી. ચોપાટની ગાદી બંને બાજુએ બીછાવી ચોપાટ ધરી. ત્રષ્ટિ(પીકદાની) ધરી. બન્ને બાજુએ નાની છડી ધરી. ખીલોના વિવિધ ભાતના હતા, કાષ્ટના હતા, ચાંદીના હતા.

બીજે પહોરે ગામમાંથી વૈષ્ણવ ઘર સેવામાંથી પરવારી આવવા લાગ્યા. કીર્તન સમાજ સર્વ બેઠો. વધાઈ, ઢાઢીયા, વંશાવળીના કવત બોલવા લાગ્યા. દ્વાર ખોલી દરશન કરાવ્યા. કીર્તનીયા ઉમંગ્યા કીર્તન કરે. નારીવૃંદ જન્મ ઓચ્છવના વધાવાના ધોળ મંગળ બોલે. આમ સર્વ જુથ એક સામટું ભેળું થયું.

પાંચાભાઈએ સુગંધી ફુલેલ તેલ, તૈલીયા કુમકુમ, તાંદુલના કટોરા એક થાળમાં પધરાવી ધરાવ્યા. ચંદનની કટોરી સાથે ધરાવી. અત્તર દાનીમાં અત્તર પધરાવ્યું. શ્રીઅંગના વસ્ત્ર બિછાના વિગેરેને લગાવ્યું. પછે પાંચાભાઈ તથા અમે, ફુલેલ તેલ કટોરામાંથી લઈને સમરપ્યું. શ્રીકંઠની વલભીમાળાને પ્રથમ પાંચાભાઈએ લગાવ્યું, પછે અમે લગાવ્યું પછે તેલૈયા તિલક, તાંદુલ પાદુકાજીને કીધાં. ચંદન સમપ્યું, કેસરી ઉપરણો પાદુકાજીના સેવનને ઓઢાડ્યો. પછે ઘઉંના ચુનનો દીવડો ચાર વાટનો કરી, થાળમાં સ્વસ્તિક કરીને મુક્યો અને રાજભોગ આરતી ઉતારી. ઘઉના ચુનના ઇંડીયા પીંડીયા, અબીર, ગુલાલ, કુમકુમ, હલદીના રંગીને ચાર ઉતારીને નાખ્યા. રાય લુણ ઉતાર્યા, ન્યોચ્છાવર કીધું પેડો બિછાવ્યો શૈયા મંદિરની શૈયા સમારીને અનોસર કરીને અમે બહાર આવ્યા અને મંદિરના દ્વારે કુમકુમના માંગલીક થાપા બન્ને હાથથી કીધા, સ્વસ્તિક કીધા.

વૈષ્ણવ જુથમાં ભળીને કીર્તન કર્યા. પાંચાભાઈ જન્મ ઓચ્છવની ભેટની લખણી કરવા બેઠા સૌ વૈષ્ણવ ઉમંગ્યા ભેટ લખાવે, રોકડ આપીને રાજી થાય એમ સર્વે જુથ ઠાકરજીની ભેટ લખાવી રહ્યા. ભેટનું કોઈ પ્રમાણ નહિ તેટલી લખાવે, ને મનમાં મોદે ભરાય. આ તો સ્નેહી સેવકના સમર્પણનો ભાવ છે, એમ કહીને પાંચાભાઈ પોરહ વધારે અને કહે, વૈષ્ણવો આપણા સંપ્રદાયનો ટીંબો ઘણો ઊંચો છે, તેના ભાવ ઘણા ઊંડા છે. વિચારીને આ માર્ગે રેજો, તો નિહાલ થાશો. આમ સર્વ વાતની સાચી શીખ આપે.

પછે પાંચાભાઈએ તેલનો કટોરો મારા હાથમાં આપ્યો અને તેલ વાંટવાનો ઉચ્ચાર પોતે કીધો.

વ્રજના, પ્રજના, મારા વાલાજીના વાલા, ખષ્ટિ, દશમી ચતુરાદશીના વરેલ પતિવ્રતાપણધારી, શ્રીગોપેન્દ્રજીના અનીન ઉપાસી સ્નેહાભિલાષી ધર્મ ધોંરીધર, ધર્મના પાલક, ઠકરાણી ઘાટના જુગોજુગના સંબંધી તાદરશી જન તેલ લેવા પધારો. આમ ઉચ્ચાર કરીને ઊંચાનાદથી શ્રી ઠાકરજીની જે બોલાવી.

પછે મેં સૌ પરથમ પાંચાભાઈની પાસે કટોરો ધર્યો અને પાંચાભાઈએ પોતાનો કર બોળીને તેલ લીધું. પછે બધાએ સરાસરીમાં રહીને તેલ કટોરામાંથી લીધું. પછે તેલ સૌને પોંચ્યું, એમ ત્રણવાર બોલ્યા. પછે ઠાકરજીની જે બોલાવી અને પાંચાભાઈ પાસે પરથમ આવે અને માળાને તેલ અરસપરસ ચોપડી, જે શ્રીગોપાલ કહે, કંઠમાં ઘાલીને ભેટે, ઘણા ચરણમાં પડી જાય. આમ અરસપરસ વૈષ્ણવ હળતા મળતા માળાને તેલ ચોપડે ને જે શ્રીગોપાલ કરે, ખુબ ખુબ ભેટે, બાથમાં ભીડીને ભેટે, વાલપનો પાર નહિ ભાવના ભંડાર સ્નેહની સરવાણી ફુટે અને મીઠા વેણ વાલપના બોલે. રાજ તમ દીઠે વિશેષ આનંદની હેલી ચડે. નીમાધારી, પણધારી, કારણિક એકબીજાને ભીડમાં લઈને ભેટે, પોતાનો કારણભાવ દીનતાથી દરસાવી ચરણ છુવે. આમ આનંદ વરતાય.

નારીવૃંદમાં પણ બેલડીયું થઈને ડોલે કંઠમાં બાહોલડી ઘાલીને ભેટે ને મંગળ ગાય. આમ સર્વ જુથ હળીમળી રહ્યા. પછે મેં તેલૈયા તિલક કીધું અને સોરઠીયો અંદરજી સૌને ભાલમાં તાંદુલ લગાવે અને ગોપો મુલાણી સૌના ભાલમાં ચંદન લગાવે ને ઉપર છીરકતો જાય અને મીઠા વેણ કહે: રાજ, તમારાથી અદકું બીજું શું છે. પછે પાંચ વૈષ્ણવને કેસરીયા પ્રસાદી ઉપરણા ઓઢાડીને પાંચાભાઈએ કીર્તનીયા મંડલીનું સનમાન કીધું અને પછે વૈષ્ણવને પાંચાભાઈએ હેલો પાડીને કીધું કે, આજે તો સૌ કોઈએ પંગતે પ્રસાદ લેવા રોકાવાનું છે, તો પંગતે પધારો. ત્યારે ધનજી વોરો બોલ્યા : પાંચાભાઈ આજે તો ઓચ્છવનો પોરહ અમારે આંગણે પણ હોય અને ઠાકરજી રૂડી પેરે સામગ્રી અમારે ત્યાં પણ આરોગ્યા હોય, તો પંગત કેમ થાય. અને રાજ તમો અમારા આંગણે પધારો તો રૂડુ થાય.

ક્રમશ:…

(શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ માંથી)

ચિત્રસેવા : શ્રી ઈશિતાબેન ગાદોયા(વડીયા)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય શ્રી ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here