|| જન્મ ઓચ્છવનો સેવા પ્રકાર (ભાગ-૧) ||

0
698

|| શ્રી ગોપાલો જયતે ||

પછે ઓચ્છવ આડા થોડા દિવસ રીયા. વૈષ્ણવ પોતાના ઘર આંગણા લીપે ગુપે અને શોભાવે. મનમાં ઓચ્છવનો પોરહ વધતો જાય. બાઈ, ભાઈ હળીમળીને સામગ્રી શુદ્ધ કરે. નારી વૃંદની મંડલી થાય અને ભાયુની મંડલી થાય અને એકબીજાનો પોરહ વધારે. નત્ય નવલા આનંદના અંકુર ફુટે. એમ કરતા ઓચ્છવ આડા દન બે રીયા, ને નવમીના દિવસે વધાઈનો કીર્તન સમાજ પાંચાભાઈને ત્યાં થયો. વૈષ્ણવ ઘણા રળીયામણા થઈને આવ્યા હતા.

નવમીની સવારથી પાંચાભાઈને ઓચ્છવનો પોરહ સમાતો ન હતો. પોતે વેલા વેલા, સાબદા થયા અને અમે સૌઉ સાબદા થયા. ગામના બે પાંચ વૈષ્ણવ આવ્યા તેને સેવા ટેલમાં સાથે લીધા. મેદાના ચુનને દુધમાં બાંધી રંગ બેરંગી મોતી પાડ્યા અને જન્મ ઓચ્છવની આરતીનો ચાંદીનો થાળ સાજીને તૈયાર કીધો. તેમાં કુમકુમ હલદીના સ્વસ્તિક કીધા. ફુલેલ તેલ સોંધા વિગેરે સિદ્ધ કીધા અને ઠાકરજીને જગાડી મંગળા કીધા. દરશન સુખ લીધા. પછે નૂતન નૂતન પાક સામગ્રીનો આદર કીધો. હું પણ સેવામાં સાથે રહીને ટેલ ટપોરો કરું. ધનબાઈ તો આ વાતમાં પેલેથી કુશળ હતી. ઠાકરજીની સેવામાં પોંચતા જાય અને સામગ્રી સિદ્ધ કરાવે. આમ આખી રાત જાગીને સામગ્રી સિદ્ધ કીધી, શાક, પાક, સંધાના, રાયતા, કઠોળ, ભુજેના, વડા, શીખરન અને આંબાનો પણો તૈયાર કીધો. આંબા જોઈને સુંદર સિદ્ધ કીધા. રસના કટોરા ભરી સુંઠ-તુપ પધરાવી સિદ્ધ કીધા. સખડી બાટ સવારે સિદ્ધ કરવાના રાખ્યા. આમ બધી સામગ્રી સિદ્ધ કરતા પરોઢ થઈ ગયું.

સેવા ટેલ કરતા મહારાજના જશ બોલે અને ઓચ્છવનો પોરહ વધારે. સેવામાં ચુક પડે તો ટપારે, રાજ આમ ન હોય. વૈષ્ણવને ઘણા માનથી બોલાવે અને ફુલાવે. તુંકારો કોઈને ન કહે, તુચ્છ વાણી ન વાપરે અને વૈષ્ણવને પોરહ થાય, એવા વચન ઉચારે. રાજ તમે તો અમારા મનના માણીગર છો. રાજના લાડીલા અમારે માનવા જોગ છો. તમથી અધિક કાંઈ નથી. એવા દીન વચન કહીને વૈષ્ણવના ભાવને વધારે. વાતે-વાત ઘણી દીનતાથી કરે, કોઈથી વાદ વિવાદ મિથ્યા કરે નહિ અને ભગવદ્ સ્મરણ કરે ને કરાવે. સેવા ટેલમાં એવું સુંવાળુ વરતન વૈષ્ણવથી રાખે. પોતે પુરા પાકા મરજાદી આચાર ઘણું જાણે અને પાળે અને વૈષ્ણવને શીખવે. પોતાના ઠાકર ઉપર ઘણો ભર ઉપજાવે, એવા ટેકના ભારી. આપણા ઠાકરના સંપ્રદાયની અને ઘરની ઘણી મહત્તા વધારે. એવા પાંચાભાઈ તાદરશી ભગવદી જાણ સુજાણ તેના
ગુણ કેટલા કહું અને લખું.

પછે સુરજોદીયાત દશમીનો દિન હતો અને થોડો ઉજાસ થતા નદી, નાળા કરી આવ્યા અને અપરસમાં સ્નાન કીધા. તિલક, ચરણામૃત કીધા. મુખશુદ્ધિ માટે બીડી-બીડા લીધા. અત્તર ફુલેલ સુંગધી લગાવ્યા. ધોતી બંડી અને ઉપરણાના કેસરીયા વસ્ત્ર ધારણ કર્યા. આ રીતે સેવામાં પોંચવા તૈયારી કીધી. મંદિરના દ્વારે દંડવત્ કીધું અને પછે મંગળ દ્વાર ખોલ્યા. બુહારી, પોતના કરી અબીર, ગુલાલ, કુમકુમ અને હલદીથી ચોક ચિત્રામણ કીધા. હલદી કુમકુમના સ્વસ્તિક કીધા. તાંદુલનો સ્વસ્તિક વચે કીધો. આસોપાલવના બંદનવાર બાંધી દ્વાર સજાવ્યા. ઠાકરજીના સ્નાન માટે સુગંધી શીતલ જળના ગગરા ભર્યા કેસર ઘૂંટીને જલનો ગગરો ભર્યો. ગામના વૈષ્ણવ બે પાંચ સાથમાં રહીને સેવા, ટેલ, પાંચાભાઈ ચીંધે તે કરે, પડ્યો બોલ ઉપાડે. મંગલ ભોગ ધરવાની સર્વ સામગ્રી થાળમાં અનસખડી સાજી, કેસરીયું દૂધ ઓટીને તૈયાર કીધું હતું. જન્મ ઓચ્છવના સાજની સર્વ તૈયારી પ્રથમ કીધી.

પછે સમય થતાં ત્રણવાર ઘંટાનાદ કરીને પ્રબોધના મંગલ કવત બોલી ઠાકરજીને જગાડ્યા અને સિંહાસને પધરાવ્યા ખૂબ ખૂબ મનુહાર વિનંતી કીધી.

મહારાજાધિરાજ, ગોલોકાધિપતિ, ગોકુલપતિ, મહામંગલકારી, અખિલરાસ વિહારી, વ્રજપતિભુપ, વ્રજેશ્વર, રાસેશ્વર, પ્રાણવલ્લભ, પ્રાણનાથ, ભક્તપક્ષ પ્રતિપાલ, કૃપાનીધાન, દીનદયાલ, કરૂણા ના સાગર, ભવભયહારી, અશરણ શરણ, બિરદધારી ધ્યાને સુનિશ્વલ વૃત્તિકરન, સદબુધ્ધિ કે દાતા, માયા મોહનિવારક, અનાથના નાથ, જય હો જય હો સદા આપનો જય હો, એવા અનુસ્મૃતિના વચન કહી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કીધા. પછે ચરણસ્પર્શ કીધા અને ખાસા હાથ જલથી બે વારકા કીધા અને પછે ઠાકરજીને મંગલ ભોગ ધરાવ્યો અને આરોગવાની મનુહાર વિનંતી કીધી અને અનોસર કરી મંદીર બહાર આવ્યા.

ગામ માંથી વૈષ્ણવ રૂડા રળીયામણા, વરણાગીયા થઈને નરનારીના જૂથ મળી મંગલ ગાતા-વાતા, પાંચાભાઈના મંદિરે ઉલટભરે ઉમંગ્યા આવવા લાગ્યા અને કીર્તન સમાજ સર્વે બેઠો. મંગલ વધાઈના પદ બોલવા લાગ્યા. અંદરજી સોરઠીયો મહા ગવૈયો અને ગોપો મુલાણી મૃદંગ બજાવે અને સર્વ સમાજ આમ કીર્તનની ઝુક બોલાવે. મંગલના કવત છંદ વચ્ચે વચ્ચે બોલીને ઉભા થઈને નાચગાન કરે. નારીવૃંદ વધામણાના ધોળ મંગલ ગાય અને આનંદ વરતાય. જન્મ ઓચ્છવનો પોરહ ખુબ વરતાય.

પછે સમય થતાં મંગલ ભોગ સરાવ્યો. ઠાકરજીને આચમન કીધું અને મુખ વસ્ત્ર કરીને બીડલા ધરાવ્યા પછે દ્વાર ખોલી મંગલાના દરશન સર્વ જુથને કરાવ્યા. પ્રથમ કુમકુમથી વધાવ્યા, પછે તાંદુલથી વધાવ્યા પછે પુષ્પથી વધાવ્યા અને પછે જન્મ ઓચ્છવની આરતી પ્રગટાવીને કીધી અને પાછા વધામણા ત્રણવાર કીધા અને ધનબાઈએ વારેવારે મીઠડા લીધા અને દંડવત્ કીધા, પછે અનોસર થયું. આમ પ્રાગટ્યનો મંગલ સમો સાચવ્યો.

પછે બાજઠ ઉપર કુમકુમનો સ્વસ્તિક કીધો અને બિછાનું પાથર્યું, પછે ચાંદીનો થાળ ઉપર મુક્યો, તેમાં હલદી કુમકુમનો સ્વસ્તિક કીધો અને પછે ઠાકરજીના પાદુકાજી પધરાવ્યા. પરથમ તિલક કુમકુમનું કીધું, પછે સુંગધી ફુલેલ તેલથી મર્દન કીધું, પછે સુખડ અને આંબળાના ચુરાથી ઉબટનો કીધો, પછે મીઠા દૂધથી સ્નાન કરાવ્યું પછે કેસરના સુગંધી જલથી સ્નાન કરાવ્યું અને ચાર આંટા લોટીના જલના શ્રીમસ્તક ઉપર ફેરવીને વધેલું જળ થાળમાં પધારાવ્યું. પછે અંગવસ્ત્ર સફેદ મલમલનું લઈને બરાબર પાદુકાજીને પોછ્યું. ફેર સુંગધી ફુલેલ લગાવીને પછે જીણા સફેદ વસ્ત્રની થેલીમાં પધરાવ્યા અને પછે સિંહાસને પધરાવ્યા પછી પત્રિ સેવનની થેલીમાંથી શ્રીગોપેન્દ્રજીના હસ્તાક્ષરની પત્રિ બહાર પધરાવી. ગડી ખોલીને દરશન કીધું, અને માંહેનું લખાણ વાંચ્યું અને પછે ચરણ સ્પર્શ કીધા. હાથ ખાસા કરીને મલમલનાં વસ્ત્રમાં અત્તર લગાવી સ્નાનની ભાવના કીધી. પછે સફેદ વસ્ત્રની ગડી કરીને તેમાં પધરાવી પાછા રેશમની થેલીમાં પધરાવ્યા. પાંચાભાઈ દર તીથીએ પત્રિ સેવનના દરશન કરે અને મને કરાવે. આમ પત્રિ સેવનની ખૂબ સારસંભાળ રાખે અને કહે ડોસા, આ પત્રિ સેવન છે તેનું ખૂબ જતન કરવું જોઈએ. તેના દરશન કરતા ઠાકરજી હરદામાં ઠેરાય.

અને પછે બધા સ્વરૂપને લાલ અતલસના નૂતન વાઘા વસ્ત્ર ધરાવ્યા. બિછાના પીછવાઈ વિગેરે બદલી રાખ્યા હતા. બધા સ્વરૂપને ભારે સિંગાર મોતીના ગુંજા માલા તથા વલભી માળા નૂતન ધરાવી. પાઘ ધરાવી ફૂલમાળા ધરાવી, પછે દર્પણ ત્રણવાર દેખાડ્યું મુખ વસ્ત્ર ગડી કરીને બાજુમાં ધરાવ્યા. આમ જન્મ ઓચ્છવનો સર્વ સાજ નવો ધરાવ્યો હતો. પછે અમે બધાએ ચરણસ્પર્શ કીધું. હાથ ખાસા કરીને દ્વાર ખોલી સર્વ જુથને દરશન કરાવ્યું, સર્વ જુથે દરશન સુખ લીધું. પછે અનોસર કીધું અને સિંગાર ભોગ ધરાવ્યો અને પછે પલનામાં પધરાવવાની તૈયારી કીધી. મખમલનો ગાલીચો પાથર્યો. તે ઉપર સુરંગનું પાલનું સાજીને પધરાવ્યું અને પલના ભોગનો થાળ સાજીને પાસે વસ્ત્ર ઢાંકીને મુક્યો. પછે સિંગાર ભોગ સરાવ્યા અને આચમન કરાવી, મુખ વસ્ત્ર કીધું અને પછે પલનામાં પાદુકાજી તથા પત્રિ સેવન પધરાવ્યા.

ખીલોનાની તબકડી આગળ ધરી. ઝુનઝુના, ટાસકા, ચકરી, ભમરી, વિગેરે ખીલોના આગળ ધરાવ્યા અને દ્વાર ખોલી સૌને દરશન કરાવ્યા. પરથમ પાંચાભાઈએ ઝુલાવ્યા, પછે મેં ઝુલાવ્યા, ધનબાઈ ઝુલાવા બેઠી.

વૈષ્ણવ સમાજ પલનાના પદ બોલે ને નાચે, હલદી કેસરના દધી, પાંચાભાઈ સહુ ઉપર છીરકે. ખાંડ પાયેલા દાણા મીશ્રી શ્રીફળના તુક ઉડાડે. મેવા, મીઠાઈ ઉડાડે અને વૈષ્ણવ જુથ લુંટા લુંટ કરે ને નાચે કુદે ને ગાય. એણી પેરે આનંદ સઘળો જુથમાં વરતાય. પછે પલનેથી ઝુલી ઉતરવાની આરતી કીધી, ન્યોચ્છાવર કીધી. પછે સિંહાસને પધરાવ્યા. અને રાજભોગ ધરવાની સર્વ તૈયારી કરવા લાગ્યા. પછે વૈષ્ણવ જુથ પોતાના ઘર ભણી વળ્યું આમ જન્મ ઓચ્છવનો આનંદ લેતા એક પહોર ગયો.

(શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ માંથી)

ચિત્રસેવા : શ્રી ઈશિતાબેન ગાદોયા(વડીયા)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય શ્રી ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here