|| પતિવ્રતાની ટેકનો માર્ગ ||

0
366

|| શ્રી ગોપાલો જયતે ||

પાંચાભાઈ નત્ય પરોઢમાં વેલા જાગે અને મને જગાડે, ધનબાઈ પણ જાગે અને પછે પ્રભાતીયા બોલે ધોળ મંગળ ગાય. પછે નિત્યકર્મ પરવારીને અપરસમાં સ્નાન કરી સેવામાં પોંચીએ. ઠાકરજીને જગાડી મંગલ ભોગ ધરે. પછે મંગલા કરાવે, મંગલાના કિર્તન બોલાય, પછે ધનબાઈ આરતી તૈયાર કરે, ને પછે આરતી થાય. અને પછે ઠાકરજીને સ્નાન સિંગાર વિગેરે સેવા કાર્ય થાય, ધનબાઈ સામ્રગીની સેવામાં જાય. આમ બધા ભેગા મળીને સેવાનો આનંદ લેતા. મારે ક્યારેક, સેવામાંથી બહાર નિકળી હિંગનો વેપાર કરવો પડતો. બારગામના વેપારીને હિંગ તોળી આપતો, તે પણ પાંચાભાઈની કાનીથી ઇ કામ કરતો. પાંચાભાઈ રાજી થઈને કહેતા ડોસા વેપારનો વ્યવહાર સાચવવો જોઈએ, તો જ ઠાકરજીનું સુખ વધુ વિચારાય અને કબીરની સાખી એક બોલે. || પ્રભુ ભજન અરૂ પેટકો ધંધો, નાહિ કરે સો મુરખ અંધો || પ્રભુ ભજન કરે અને પેટનું ગુજરાન ન ચલાવે તે મુરખ છે અને પેટનો ધંધો કર્યા કરેને પ્રભુનું ભજન ન કરે તે અંધો છે. માટે ભક્તિ માર્ગમાં પુરુષાર્થ કરી ભક્તિ કરે, તેજ ભક્તિ સાચી કરી કહેવાય. પ્રભુનું ભજન કરીને, તેના નામે પેટ ભરે, તે તો મુરખ અને અંધો કહેવાય. માટે ડોસા પેટ ભરવાની ચિંતા પણ ન કરાય. જે મળે તેમાં સંતોષી રહે, તે જ વૈષ્ણવ. આમ ઘણી શીખ આપીને સમજાવે અને સેવામાં ચિત્ત રાખવાનું વારે વારે કહે.

પાંચાભાઈ ને માથે શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીના પાદુકાજીનું સેવન બિરાજે. પત્રિસેવનમાં શ્રીગોપેન્દ્રજીના હસ્તાક્ષર બિરાજે અને અમારા ઠાકરજી પણ ભેળા પધરાવ્યાં હતાં. મહારાજનું વસ્ત્ર સેવન મને પધરાવ્યું હતું, તે અને ધનબાઈના ઠાકરજીનું સેવન યમુનાજીની રજ અને માંડવાનો દોર, તે સેવન હતું અને મહારાણીજીના લોટીજી બિરાજે. ઘણા રાજ વૈભવથી બધા સમાની સેવા થાય, બારે માસના ઉત્સવ મનાવાય સેવાનો ભર ભાર ઘણો રાખે. વૈષ્ણવ જુથ ગામમાંથી દરશને આવે, માંગલિક વધામણા ગાય, વધાઈના કીર્તન બોલે, એમ અનેક જશ ચરિત્રના ગવાય ને આનંદ મંગલ થાય. સાંજે સવેળા સર્વ જુથ પધારે ને મંગળ ગાય. અરસ પરસ વૈષ્ણવ પોતાને ત્યાં તેડી જાય. રૂડા મંગલ ધોળ ગાય, હીંચ કીરતન કરે, સમાજ થાય. રૂડી સામગ્રી ઠાકરજીને ધરાવે અને પછે વૈષ્ણવને લેવરાવે. આમ જન્મ ઓચ્છવનો પોરહ સહુ કોઈને વધે અને એક બીજાના ઘરે વધાવા ગાવા જાય.પાંચાભાઈ પોથી ખોલીને ઠાકરજીના લીલા ચરિત્રના પરસંગ વાંચે. ભગવદીના ચરિત્રના પરસંગ વાંચે અને બધાને સમજણ આપે. પ્રસંગ સાંભળતા સૌના હૈયા હરખાય. મનમાં મોદ ન માય.

પાંચાભાઈની વાણીનો ભર વૈષ્ણવને ઘણો. ત્રણે સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા કરાવે. પ્રાગટ્ય બળનું વર્ણન કરતાં કહેઃ આ તો અખિલ રાસરમણનું રસાત્મિક સ્વરૂપ છે. તેના પ્રાગટ્યના ભાવ ઘણાં અગાધ છે. તે જેની માંથે કૃપા હશે, તેને જાણ્યામાં આવશે. એમ પરસંગ કહીને વૈષ્ણવને ઠાકરજીનો ભર ઉપજાવે. પુષ્ટિ મારગના સિદ્ધાંત અને આચરણની વાર્તા કરે, અનીનતાની વાર્તા કરે, અણસમરપ્યું ન લેવાય. સેવા ચોર ન થવાય. અન્યમાર્ગીનો સંગ સર્વથા ન કરાય. અવૈષ્ણવના હાથનું ખાન-પાન ન કરાય. કરે તો દૂર બુધ ઉપજે. વૈષ્ણવ ઉપર ઘણું ભર ભાર રાખવા દાખલા આપે. વૈષ્ણવની ટેકની વાર્તા કરે. પતિવ્રતાનો ધર્મ સમજાવે અને કહે આ મારગ પતિવ્રતાની ટેકનો છે, અન્ય આશરો માટે ન કરાય. કોઈ દેવી-દેવતાની માનતા ન કરાય. તેનો ધરેલો ભોગ પણ ન ખવાય. આવું નિંદક આચરણ કરે તો ઠાકરજી છુવે નહિ અને બહિર્મુખ કરે. વૈષ્ણવ પણધારીનો સંગ કરાય, તો પણધારી પણું આવે. ભગવદ્ વાર્તાનું વ્યસન નિત્ય રાખવું જોઈએ, તો ભક્તિ ધર્મ ભાવ વધે અને મારગની રીત ભાત જાણ્યામાં આવે. આવી રૂડી શીખ આપી વૈષ્ણવનો પોરહ વધારે. ઠાકર શ્રી ગોપાલજીના બાલ લીલાના ચરિત્ર વાંચે અને તેના ભગવદીના ચરિત્ર કહે: જુવો વૈષ્ણવ ઠાકર શ્રી ગોપાલજીનો જન્મ ઓચ્છવ મનાવા ગોહીલવાડીઓ કસીયોભાઈ રાજગર તથા સંદેરડીયો મોરારદાસ, બત્રીસ વખત ગોકુલ ગયા અને ઠાકરજીને કેસર સ્નાન કરાવતા અને ઠાકરજી સાથે પ્રગટ રાસનું સુખ માણતા હતા. એવો ભર પોતાના ઠાકરજી ઉપર વૈષ્ણવે રાખવો અને જન્મ ઓચ્છવ ખૂબ આનંદ કરીને મનાવવો. ગમે તેવું લૌકિક આવરણ હોય, પણ જન્મ ઓચ્છવ ન છંડાય તે ન છંડાય. છાંડીએ તો ઠાકરજી દુભાય અને પછે આપણા ઘરમાં ન બિરાજે. ઇ જાણે કે આ જીવને લૌકિક આસક્તિ મારા કરતા વધુ સારી લાગે છે. આમ કર્યાથી લૌકિક આવરણ વધતું જાય. પણ ઠાકરજીનો દૃઢ આશરો રાખી લોકલાજ છાંડીને પોતાના પ્રભુનો ઓચ્છવ સાચવે, તો જીવની ઉપર ઠાકરજી ઘણું રીજે, પછે જીવને શું ઓછું છે. આમ કસીયો રાજગર, મોરારદાસ અને જીવરાજ, લક્ષ્મીદાસ આ બધા લૌકિક આસક્તિ છોડીને ઠાકરજીનો જન્મ ઓચ્છવ મનાવા ગોકુલ પધારતા. પ્રગટ સ્વરૂપનો તેને ભર ઘણો હતો. એવા સુખ આજ આપણા ઘર મંદિરમાં જે ઠાકરજી બિરાજે છે, તેના જન્મ ઓચ્છવના લઈએ તો આપણા ભાગ્ય.

હરજી કેશવના સર્વ સમર્પણનો ભાવ સમજાવી સમર્પણી થવાનું કહે: વૈષ્ણવે સમર્પણ ભાવથી સેવા કરવી જોઈએ. સર્વ વસ્તુ પદાર્થ, સમર્પીને લેવાય, તેવો ઠેરાવ આ મારગનો મુખ્ય છે, તો જ સમર્પણ થયું કહેવાય. નામ ધાર્યું ત્યારથી સમારપ્યા વિનાનું કાંઈ ન લેવાય. પતિવૃત્તાના ધરમે કરીને રહેવાય તો સમર્પણ થયું કહેવાય, નહિ તો બાનું ફોગટ જાય. ઠાકરજીના સુખનો વિચાર હરજી અને કેશવ નિત્ય કરતા. તેના ભાવ ઘણા ઊંડા છે. વિચારીને જોજો તો અંતરમાં ઉતરશે. પૃથુરાજાની ટેકનો પરસંગ કરીને વૈષ્ણવને ટેકીલા થવાનું કહેઃ રાજા હતો, પણ તેને કોઈનો ભે ન લાગ્યો અને પોતાની ટેક રાખી તો ઠાકરજીએ તેનું દુઃખ નિવારણ કીધું. વૈષ્ણવમાં પોતાના પ્રભુની અનન્ય ટેક જો હોય તો ઠાકરજી સામું જુવે. એમ કહીને કહે કે અન્ય આશરો મહાબાધક છે. વૈષ્ણવને પોતાના પ્રભુજીની ટેક રાખવી જોવે. ટેક વિશે ચાતક અને બપૈયાનું દૃષ્ટાંત આપી સમજાવે. ઠાકરજીની સામગ્રીમાં મન કુડુ ન કરવું, તેમાં મન ચલાયમાન ન કરવું, મન ચલાયમાન થાય તો દુરબુદ્ધિ ઉપજે. તેમ કહીને બિહારીદાસનો પરસંગ સમજાવે. એવો અનિન હતો, તો પણ તેની બુધ ઠેકાણે ન રહી અને અણ પ્રસાદી વસ્તુ ખાધી ને પ્રેતયોનીનો અપરાધ ભોગવવો પડ્યો. માટે વૈષ્ણવ ઠાકરજીના ઘરની કોઈ વસ્તુ પદારથમાં મન કુડુ કરવું નહિ. કરે તો દૂર બુધ ઉપજે અને અપરાધી થાય અને જીવને ઠાકરજીથી છેટું પડી જાય. માટે ઠાકરજીની સામગ્રી ઠાકરજીને સમરપીને લેવાય અને વણસી ગઈ હોય, તો છાંડી દેવાય, (નાખી દેવી) પણ અણપ્રસાદીમાં મન ચલાયમાન ન કરાય. આમ કહી અણપ્રસાદી વસ્તુ ન લેવાય તેની ઘણી શીખ આપે.

(શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ માંથી)

ચિત્રસેવા : શ્રી ઈશિતાબેન ગાદોયા(વડીયા)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય શ્રી ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here