|| શ્રી ગોપાલો જયતે ||
ડોસા, તું ઠાકરજી સારું કાંઈક નુતન સામગ્રી લાવ્યો હો, તો વાત કર, ઠાકરજીના જન્મ ઓચ્છવમાં નૂતન વાઘા વસ્ત્ર ધરાવવાના છે, તેની તૈયારી કરવી છે.
ડોસાભાઈ એ કહ્યું: પાંચાભાઈ ઠાકરજીને નૂતન વાઘા ધરવા માટે, ગજની અતલસ લાલ રંગની લાવ્યો છું. જુવો આ વસ્ત્રનો સાજ છે. તમો કહો તે વાત મને કેમ ભૂલાય, તેમાય ઠાકરજી તો વારફેર યાદ રહ્યા કરે. અને સુકા મેવા પણ લાવ્યો છું અને આ ઝરીની સુંદર પાઘ પણ જેરામદાસ પાસેથી લાવ્યો છું. જુવો એની ભાવનાનું પ્રમાણ કેવી સુંદર બનાવી છે. તે જોતા જ મારૂ મન ઠરી ગયું અને મેં માગી લીધી. પાંચાભાઈ પાઘ જોઈને ઘણું હરખાણા ને પછી બોલ્યાઃ ડોસા, આપણા ઠાકરજી આપણી માથે બિરાજે છે. તેને કોઈની વસ્તુ માગી લાવીને ધરાય નહિ. એમાં આપણો સમપર્ણનો ધરમ ન રહે, માટે ઇ વાત કેમ બને ?
ડોસાભાઈ કહે: પાંચાભાઈ ઇ વાત મારા ધ્યાનમાં છે. પાઘ મુને ઝરીની સુંદર લાગી અને મેં માગી અને તેને બીજી બનાવવા કીધું અને પાછી લીધાના બદલામાં મેં તેને હિંગ અદકેરી તોળી આપી છે. પછે તે કોઈનું માગ્યું ક્યાં રીયું.
પાંચાભાઈ કહે: ભલું ભલું તો તો ઠીક, તું ભૂલે એવો તો નથી. પણ આપણા ઠાકરનું સેવન આપણા માથે બિરાજે છે, તેથી કોઈનું કાંઈ લઈને ધરાય નહિ, તેથી કીધું અને એવું ઠાકરજી કાંઈ અંગીકાર કરે પણ નહિ. ઠાકરજીને કોઈનું માગીને કે દેવું કરીને કોઈ સામ્રગી ધરાય નહિ. દેવું ન દેવાય ત્યાં સુધી તેનું જ કહેવાય, માટે વૈષ્ણવ વહેવાર ચોખો રાખવા કીધું છે. ડોસા લે હવે પ્રસાદ લેવા ટાણું થયું છે, વાતડીયું ખૂટે તેમ નથી. પછે ભગવદ્ વાર્તાએ બેસીએ ત્યાંરે બધી વાત કરજે. ધનબાઈને પણ પાછું ઘરકામ હોય તે તેમાંથી પરવારે, પછે ભગવદવાર્તા થાય. ઠાકરજીના જન્મ ઓચ્છવ આડા આઠ જમણ રીયા છે અને ગામમાંથી વૈષ્ણવ પણ આવશે. ગામમાં વૈષ્ણવને કેણ મોકલવું છે, જેથી મંગલ વધામણા ગાવા આવે. તે રાતે સોરઠીયો વણિક અંદરજી આવે, ત્યારે સંભારજે તેની સાથે વૈષ્ણવને તેડાવ્યાનું કેણ મોકલવું છે. જન્મ ઓચ્છવ આડા પંદર જમણ પેલાથી વધામણા બોલવા જોઈએ, જેથી જન્મ ઓચ્છવનો પોરહ વાધે.
ઘરમાંથી ધનબાઈ બોલીઃ હાલો હવે ટાણું થયું છે. આજે તો ડોસા, પાંચાભાભા ઘણું રળીયામણા લાગે છે, ને કાંઈ ટાણાની પણ ખબર રહી નથી. રોજ તમારા આવવાની રાહ ચાતકની જોવે અને સાંજ ઢળી જાય, ને પછે ડેલીએથી પાછા વળે, ને કહે: આજ ડોસો આવ્યો નહિ, એમ કહી ઢીલા થઈ જાય. તમ ઉપર વાલપનો કોઈ પાર નથી પાર.
તમો ગયા પછે ઘડીએ પોરે સંભારે. પ્રસાદ લેવા ટાણે સંભારે, વાત વિસારે પડે નહિ અને પછે પોથી ખોલીને બેસે ને મને એક-બે પરસંગ સંભળાવે અને તમને સંભારે, આવો સ્નેહભાવ તમ ઉપર પાંચાભાભાનો છે.
પછે રાતે ભેળા બેસીને વાતડીયું કરતા કરતા પ્રસાદ લીધા, બીડી લીધી. અને ધનબાઈ પણ પરવારીને આવી. પછે ભગવદ્ વાર્તાએ બેઠા. ગામના વૈષ્ણવ પણ નીમાધારી આવ્યા અને પાંચાભાઈએ પોથી ખોલીને બે પરસંગ ઠાકરજીની લીલાના અને બે પરસંગ ભગવદી ચરિત્રના વાંચ્યા પછે બિહાગ કીધો, પ્રસાદ વાંટ્યો.
પછે પાંચાભાઈએ અંદરજી સોરઠીયાને કીધું કે કાલે વૈષ્ણવને જાણ કરજે કે જન્મ ઓચ્છવ આડા આઠ જમણ રીયા છે, તો વેલા વેલા માંગલિક વધામણા ગાવા આવે અને જન્મ ઓચ્છવનો પોરહ બધાને વાધે આ ફેરા થોડું મોડું થયું છે, ડોસાની રાહ હતી માટે. કાલે અચુક આ કાજ કરજે.
અંદરજી સોરઠીયો બોલ્યોઃ ભલું ભલું પાંચાભાઈ તમે ચોખ પાડ્યો. મને પણ એમ થાતું હતું કે પાંચાભાઈ કેમ કાંઈ કેતા નથી. પણ ડોસાભાઈની રાહ હતી, તે વાત જાણ્યામાં આવી. ભલે કાલે વેષ્ણવમાં ફરી લઈશ અને વાત કરી આવીશ. ઠાકરજીના જન્મ ઓચ્છવનો ઉત્સાહ તો હોય જ ને, આપણા ઠાકર સમાન તો બીજો કોઈ ઠાકર આ ભુતલમાં નથી. જન્મ ઓચ્છવનો પોરહ તો જન, જનમાં ને ઘરઘરમાં થાય અને માંગલિક વધામણા ગવાય, તઈ ઓચ્છવ મનાવ્યો કહેવાય. પાંચાભાઈ આ બધું તો તમારા સંગે જાણમાં આવ્યું છે, તે કેમ ભુલાય. વૈષ્ણવ ઉપર તમારો પ્રેમભાવ અથાહ છે અને પછે તમારું કેણ હોય પછી શું બાકી રહે.
પાંચાભાઈ બોલ્યાઃ અંદરજી વૈષ્ણવને નોતર્યા સિવાય કેમ પધારે, નોતરવાતો જોઈને. આપ મેળે પધારે છે એ તો એની વડાઈ કહેવાય, પણ આપણે આંગણે તેડવા છે, તો આપણે પધારવાનું કેણ તો મોકલવું જોઈએ. આ મારગની રીત છે અને વૈષ્ણવનો વહેવાર આને કહેવાય. વૈષ્ણવના વહેવારને અને માર્ગની રીતને જે નથી સમજતા તેને સમજાવવા જોઈએ. ઇ વૈષ્ણવનો ખરો ધરમ છે. અરસપરસની ભીડમાં ભીડાય, તો વૈષ્ણવ ચલાયમાન ન થાય, તેને પોતાના ઠાકરનો ભર ઉપજે, આ મારગ તો જીણામાં જીણે થઈને રહેવાનો છે. મહાન ભગવદીઓનું પણ આજ વાયક છે.
અંદરજી સોરઠીઓ બોલ્યોઃ પાંચાભાઈ તમારી વાણી તો જેમ અગ્નિમાં ઘી પડે અને અગ્નિનું જોર વાધે, તેમ અમારા ભાવમાં તમારી વાણી સાંભળીને ઘણું જોમ આવી જાય છે. ભગવદીની વાણી તો અમૃત કરતા એ અદકેરી કીધી છે. કારણ કે તેમાં ભગવદ્ રસ ભરેલો છે. ભલે કાલે વૈષ્ણવમાં ફરી લઈશ. લ્યો હવે જયશ્રીગોપાલ કરીને અંદરજી ઘરભણી ગયો.
(શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ માંથી)
ચિત્રસેવા : શ્રી ઈશિતાબેન ગાદોયા(વડીયા)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય શ્રી ગોપાલ ||