|| શ્રી ગોપાલો જયતે ||
વશરામદાસ તથા જેરામદાસ થોડા આઘા સાથે આવ્યા અને ખૂબ ભેટ્યા. પછે પાછા વળતા મેં કીધું કે પાંચાભાઈનું કેણ યાદ રાખીને વેલા વેલા સાબદા થઈને પધારજો, તો પાંચાભાઈ ઘણું રાજી થશે.
જેરામે કીધું: અરે, ડોસા તેમાં શું કહેવાનું હોય અમારે મન પાંચાભાઈનું કારણ તો અથાહ છે. તેનું કેણ આવે ને એમ ન માનીએ એ બનવા જોગ નથી. અમારા ભાગ્યનો પાર નથી રહ્યો. અમોતો ઘણું રાજી થયા છીએ કે પાંચાભાઈના સત્સંગની અમને પ્રાપત થશે અને ભગવદ્ર રસની લાણ લેશું. તેના સંત્સગથી અમારા હરદા ઘણા ટાઢા હીમ જેવા થાશે. આ અવસર કોણ ચૂકે. ડોસા એચ્છવ મનાવીને વળતે દિ સાબદા થઈને સવેળા પોંચશું, તેની ચિંતા ન કરતો. પાંચાભાઈને અમારા જયશ્રી ગોપાલ કહેજે અને અમારી વાત આવવાની કરજે, જેથી એનું મન ઠરી રહે. લ્યો હવે જયશ્રી ગોપાલ ડોસા. એમ કહેતા
નેત્રમાં જલ ભરાય આવ્યા અને હું વાટે ચાલતો થયો. મારા મનમાં વાટે પણ તેના ભાવનું ચિતવન થયા કર્યું, કે કેવા ભગવદી જીવ છે.
પછે થોડાક ગામ ફર્યો. પછી મન ઘર તરફ વળ્યું અને ઓચ્છવ આડા આઠ દન રીયા ને ઘર ઢુંકડો મોરબીએ આવ્યો. સાંજ વેળા થઈ હતી દિ આથમે ઘરે પુગ્યો, ત્યાં પાંચાભાઈ આંગણામાં વાટ જોઉને ઉભા હતા. જાતા વેત તેના ચરણમાં જુકી પડ્યો. પાંચાભાઈએ મને બેઠો કરીને ખૂબ ખૂબ ભેટ્યા. મને જોઈને તો ઘેલા ઘેલા થઈ ગયા. ડોસા, તારી વાટ તો ચાતકની જેમ જોઈ રહ્યો હતો અને ધનબાઈ પણ દિવસ ગણતી રહી. પછે ઘરમાં જઈને બેઠા. રાતે પ્રસાદ ભેળા બેસીને લીધા.
પછે રાતે ભગવદ્ વાર્તાએ બેઠા અને પાંચાભાઈએ મને પૂછ્યું તું દેવળીયા ગયો હતો ને અને જેરામ તથા વશરામને ખબર કર્યા, એનું મન કેવું દીઠું, આવવા હા કહીને આમ મને બધું અધીરા થઈને પૂછવા માંડ્યું પછી મેં કીધું કે પાંચા ભાભા, તમારા કેણને કોણ પાછું વાળે, ઇ તો વાત સાંભળી ખૂબ જ હરખાણા અને મને કીધું કે અમારું ભાગ્ય ફળ્યું, અમને પાંચાભાઈ જેવા તાદરશી ભગવદીનો સત્સંગ મળશે અને મનમાં ઘણું મોદ પામ્યા. અને જીવા વઉને બોલાવીને કીધું કે આજ ઠાકરજી આપણા ઉપર રીજ્યા છે, માટે કાંઈક અદકી સામગ્રી કરીને ધરાવો, આજ તો આનંદ મંગળ વરતાણું છે. તેનો હરદો ઘણો ભરાય આવ્યો ને મને કીધું: પાંચાભાઈનું વડપણ અમારે મન ઘણું છે. રાજસી લોક તેનું કારણ રાખી રહ્યા છે. તો અમારી જેવા જીવ તો તેની પાસે શું વિસાતમાં છે, અમ ઉપર ઘણી કૃપા કીધી. અમે સાબદા થઈને સવેળા આવી પોચશું અને પછે અમે ઠાકરજીના દરશન કીધાં. પછે પાતળ ધરીને પ્રસાદ લીધા અને મને આગ્રહ કરીને એક રાત રોકી લીધો. મારૂ મન પણ ઠેરાણું, મને ઘણી ટાઢક થઈ. પછે રાતે ભગવદ વાર્તાએ બેઠા. પતિવ્રતના ધર્મની ટેકની ઘણી વાતુ કરી મારગના માલમી પુરા દીઠા. તેના ભાવ ઉંચા અને ઉંડા દીઠામાં આવ્યા. ભગવદીના સ્વરૂપનો ઘણો ભર દીઠો. વાલાની વાત કરતા વિહવળ થઈ જાય. નેત્રમાં જલની ધારા ચાલે. એવા ભગવદીના દરશન તમારી કૃપાથી મને થયા. પાંચાભાઈ હું પાવન થઈ ગયો. તેની વાલપનું વરણવ શું કરું ? મારા હરદામાં ઇ પરસંગ ઠેરાઈ ગયો છે. વારે વારે મારૂ મન ઇ પરસંગમાં રમ્યા કરે છે. આ તો મને યાદ રહ્યા પરમાણે કહું છું. બાકી ઇ વાતું ઘણી મોટી છે, મોટી.
પાંચાભાઈ ડોસાભાઈની વાત સાંભળી મનમાં ઘણું મોદ પામ્યા અને બોલ્યાઃ ડોસા, જેરામ અને વશરામની જોડી દુર્લભ છે. તેની ઉપર શ્રીગોપેન્દ્રજીની મહદ કૃપા છે. શ્રીજીના સ્વરૂપના સાક્ષાત્ સાનુભાવી, અનુભવી રસિયા જન છે. તેની પાસેથી રસિક વાર્તા સાંભળતા તો દેહનું ભાન ન રહે, એવા રસિક છે. સાક્ષાત્ લીલાના અનુભવી છે. ઘણા જાણ સુજાણ છે. દીઠામાં ભોળા લાગે છે. પણ ઇ ઘણા ભરમી છે. તેના ભરમને જાણવો દોયલો છે. તારી માથે તેની કૃપા થઈ સમજજે દીનતાનું સ્વરૂપ છે.સેવા રસિક છે. રાજ વૈભવથી શ્રીજીને નીત્ય લાડ લડાવે છે. જીવા વઉને પણ સેવાનો ભરભાર ઘણો છે. જીવા વધુ જેવી જ આ ધનબાઈ જાણજે. એમાં ને આમાં કાંઈ ઓછું અદકું નથી.
ડોસાભાઈ કહેઃ ધનબાઈ ઉપર તો તમારી પુરણ કૃપા છે, પછી તો મારે શું કહેવાનું કે જાણવાનું હોય તમ જેવા તાદરશી ભગવદીની ચરણ રજ થઈને અમો રહીએ એવી કૃપા સદા તમો રાખજો. તમારો ભર સદા અમારા હરદામાં ઠેરાય રહે, પછી આ જીવને શું ઓછું છે.
પછે પાંચાભાઈ બોલ્યા ડોસાઃ આ મારગ કેવળ દીનતા ભાવનો અને ભગવદીના ભર વિશેનો છે. તે તને ઠાકરજીની કૃપાથી જાણ્યામાં આવ્યું છે, તેથી તું નિહાલ થયો છો, એમ જાણજે. પ્રથમ પૂરવના ભાગ્યોદયને કારણે ભક્તિ રૂપીયો અંકુર ફૂટે અને તેને સિંચન થાય, તો સિંચન બળથી તે નવપલ્લવ થાય અને પછે તેને ફલ લાગે. પણ સિંચન સાચું થાવું જોઈએ, નહિ તો ભક્તિરૂપી વૃક્ષ સુકાય જાય અને પછે ફળની પ્રાપત ક્યાંથી થાય ?
(શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ માંથી)
ચિત્રસેવા : શ્રી ઈશિતાબેન ગાદોયા(રાજકોટ)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય શ્રી ગોપાલ ||