|| શ્રી ગોપાલો જયતે ||
આમાં ઘણા ગામમાં વેપાર અરથે ફર્યો અને દેવળીયા ગામે ગયો. જેરામદાસ તથા વશરામભાઈને મળ્યો. મને જોઈને ઘણું હરખાણા અને કીધું કે ડોસા, આમ અચાનક પધારવાનું કેમ થયું ? પછે અમો
ભેટ્યા, ઘણું ઘણું ભેટ્યા, વાલપનો કોઈ પાર નહિ. નેત્રમાંથી જલની ધારા થઈ, ને ઘણું ઘણું હરખાઈ રહ્યા. મને પણ અપાર આનંદ થયો, મારગનો શ્રમ ઉતરી ગયો. અને ઘણા દિવસનો સંગ છૂટ્યો હતો, તેની પ્રાપત થતા મારા આનંદનો પાર રીયો નહિ. પછે ઘરમાં ઢોલીએ બેઠા અને મનડા મૂકીને ઠાકરજીના ઘરની ઘણી વાતુ કરી અને પાંચાભાઈનું કેણ હતું, તે સંભારીને કીધું. જેરામ તથા વશરામ ઘણું ખુશી થયા અને સવેળા આવવા હા પાડી, તારે મારા હૃદયમાં ટાઢક વળી. પછે મેં ફોડ પાડીને કીધું કે પાંચાભાઈને આ મારગનો કાંઈક ગ્રંથ લખવો છે, તે તમો જાણો છો. જેથી તમને પાસે રાખવા માટે કેણ મોકલ્યું છે.
જેરામદાસ તથા વશરામ મારી વાત સાંભળી ઘણું મોદ પામ્યા અને કહે: ભલું, રૂડું, ઠાકરજીના ગુણગાનથી વધારે શું રૂડું છે. તાદરશી ભગવદીનો સંગ મળવો દોયલો છે. ડોસા, જે તું અહોનિશ માણી
રહ્યો છે, તારા ભાગ્ય. અમો તો સત્સંગ વગરના દિવસ પસાર કરીએ છીએ. પેટ ભરવા ખાતર જીવાય છે, બાકી કાંઈ થાતું નથી. ડોસા તારા ભાગ્યની સરાહના કોણ કરી શકે. તને પુરણ ભગવદીનો સંગ મળ્યો છે, ધનબાઈ જેવું ઘરનું માણસ છે, પછે શું કહેવાનું હોય.
ડોસાભાઈ કહે રાજ, આટલી બધી ઉપમાં મને ઘટતી નથી. હું તો તમારા જેવા મહાન પુષ્ટિ ભગવદીનો દાસાનુદાસ થવાને હજુ અધિકારી બન્યો નથી. ક્યાં તમો અને ક્યાં આ જીવ. તમારા ચરણની રજ સમાન કરીને મને જાણો, તો મુજ માથે તમારી કૃપા થઈ છે, તેમ જાણું. તમો તો શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીની છત્રછાયામાં સદા રહો છો. ઠાકરજી સાથે તમારે તો અનહદ પ્રીત છે અને ઠાકરજી તમારા બંનેથી જરા પણ અળગા થતાં નથી, ઇ વાત મારા જાણ્યામાં આવી છે. (પાંચાભાઈની કાનીથી) તમારી કૃપાથી તો તમારા દરશન મને થયા. તે તમો બધા આ ભુતલમાં ભગવદ્રસ અનુભવ કરવા અને કરાવા માટે ઠાકરજીની લીલામાંથી પધાર્યા છો. તમો તો આ સંપ્રદાયના મોભી છો. મારા જેવા જીવને મારગ દેખાડવાવાળા માલમી છો, માલમી. ઇ વાત હું કેમ ભુલું.
જેરામદાસે કહ્યું ડોસા તારામાં દીનતા ઘણી છે, જેથી તારી માથે પાંચાભાઈની કૃપા થઈ છે. આ મારગ કેવળ દીનતાથી જ હાંસલ થાય. બીજા કશા સાધનથી પ્રાપ્ત ન થાય અને દીનતા તો ભગવદીના સંગ સિવાય ન આવે. ડોસા તું તો ઘણા ગ્રંથના અનુભવ પાંચાભાઈની સાથે રહીને કરી રહ્યો છો. આ મારગમાં મહાન ભગવદીઓ જે તાદરશી થઈ ગયા, તેના લખેલા ગ્રંથ જ આપણા સાચા ગુરુ છે અને તે ગ્રંથ દ્વારા ભગવદ્ લીલા ચરિત્રનું, સ્વરૂપનું અને મારગના રહસ્યનું સાચું જ્ઞાન સમજાય. એ વિના કંઈ પ્રાપ્ત ન થાય. માટે ગ્રંથ ઇ જ, આપણા ગુરુ છે. એનાથી જ સર્વ માલમ પડે. માલમીને માલમ તો ગ્રંથ થકી જ થાયને, બીજા કશાથી ન થાય. અન્ય મારગના ગ્રંથથી આ મારગની માલમ થોડી પડે.
ભલેને મોટો પંડિત હોય, પણ પોતાના ઘરના ગ્રંથથી જ બધી પોતાની માલમ પડે, તેને જાણ સુજાણ કહેવાય અને ગ્રંથ તો ભગવદ્ સ્વરૂપ છે. તેનો શ્રવણ વાંચન દ્વારા અનુભવ થાય, તો ભગવદ્ રસ હરદામાં ઠેરાય. અને પોતાના ઘરનું કારણ વધે, એ સિવાય બધું ફોગટનું સમજવું. ચતુરાઈની ચાહમાં રાચે ઇ મરે અને ભાવભક્તિએ તરે, ઇ ગ્રંથ દ્વારા અનુભવ થાય. માટે આપણા ઘરના ગ્રંથને ગુરુ કરીને માનીએ, તો આગળ વાટ સુજે. ઇ બધો અનુભવ પાંચાભાઈ પાસેથી તને થયો છે. પાંચાભાઈ પાસે તો ગ્રંથના ભંડાર છે અને ભાવ અને જ્ઞાનનો તો ખજાનો છે. ઇ તારે હાથ આવ્યો છે, એટલે તું પણ ઘણો જાણ સુજાણ અને માલમી છો. ડોસા તારી વાત તો ઘણી ઠાવકી છે, લે ડોસા ઉઠ, રાજભોગ સરાવ્યા છે. શ્રીજીના દરશન કરી અનોસર કરીને પછે પ્રસાદની પાતળ ધરીએ, ડોસાભાઈ દરશન કરતાં ભાવભીના થઈ ગયા અને કીર્તન બોલ્યા. ઉષ્ણકાળ હતો, તેથી સારંગ
રાગમાં પદ બોલ્યા.
|| લટક લટક આંગનમેં આયો ||
|| ગજ ગતી ચાલ ચાલે મન મોહન, રસિક શીરોમણી રાય ||૧||
|| ખાસો ખવાસ લીયે કર લોટી, આચવન ઓટ ધરાય ||
|| પોંછ વસ્ત્ર દીએ બિમલ કર દોઉ, સુઘડ શીરોમણ રાય ||૨||
|| કીની બેઠક આયે અપુની, સબ સંતન સુખદાઈ ||
|| મન ‘જીવન’ મેલત મુખ માંહી બીરા બિબિધ બનાઈ ||૩||
આ પદ સાંભળી જેરામદાસ તથા વશરામ ખુબ જ ભાવાવેશમાં આવી ગયા અને બોલ્યાઃ ડોસા તું ધન્ય છે. તને ઠાકરજીની લીલાના સાક્ષાત દરશન થાય છે. જે સમો હોય તેવું પદ તુરત ઉપજે છે. તું પુરવની લીલાનો જીવ છો. ઠાકરજી તારુ પદ સાંભળીને મુસ્કાતા હોય એવું દરશન થાય છે. તારી ભાવ ભરેલી વાણી ઠાકરજીને પણ ઘણી મીઠી લાગે છે. તે વાતનું દરશન અમને આજે થયું. અમારા ધન્ય ભાગ્ય, તું જેવા ભગવદીનું દરશન ઘર આંગણે થયું.
પછે જીવાવઉ, શ્રીજીને અનોસર કરી બહાર આવ્યા અને સર્વને પોતના કરી પાતળ પ્રસાદની ધરી. અમે બધા સાથે પ્રસાદ લેવા બેઠા. અતિ આનંદ વાધ્યો. પછે બીડા લઈને બેઠા, થોડી વાતુ મનડાની કરી. પછે મેં કહ્યું હવે મારે બીજા ગામ જવું છે. અહુરા ન થાય, તેથી દિ આથમેં પોંચી જવું છે અને વેલા વેલા ઘર ભણી પાછું વળવું છે.
ત્યારે જેરામદાસે કહ્યુંઃ ડોસાભાઈ એમ ઉતાવળા ન થવાય. કાંઈ ભગવદ્ રસની વાર્તા હજી કરી નથી અને આમ ઉતાવળ જવાની કાં કરો. આવ્યા છો, તો બે રાત ભેળા રીયો, તો અધિક આનંદ આવે. આ સુખડું પાછું ક્યાંથી મળે. આમ સાબદા થાવમાં.
ડોસાભાઈ કહે: જેરામદાસ તારી વાત સાવ સાચી છે. પણ ઓચ્છવના દન નજીક આવે છે અને પાંચાભાઈ પણ રાહ જોતા હશે. હજુ બે પાંચ ગામ ફરીને ઘર ભણી વળવું છે. જેથી ઉતાવળ છે, વળી
પાછા ભેળા તો થાશું. તમારે પણ આવવું નિરધાર તો છે જ.
ડોસાભાઈની વાત સાંભળી, વશરામદાસ બોલ્યાઃ ડોસાભાઈ તમારી વાત સાચી છે. હજી કાંઈ વાતડીયું કીધી નથી, તો રાત ભેળા રહો અને સવારે વિદાય થાજો. અમારો ભાવ પણ સચવાય રહે, અમે તો ઇ ભાવમાં રાચી રહ્યા છીએ. શ્રીગોપેન્દ્રજીના ચરણ ઉપાસિક સિવાય અમારે મન બીજો કોઈ સંગ કે સમરણ અમારા હરદામાં આવતું નથી. એમ કહીને વશરામદાસ એક પદ બોલ્યો રાગ, કાનડાનું માધવદાસનું તે હું સાંભળી રહ્યો. કાનડા રાગ-૧૬
|| જે શ્રીગોપેન્દ્ર કે ચરણ ઉપાસી ||
|| તીનકી પદ રજ મેરે શીર પર, વાહી સમરણ મેરે હરદે પ્રકાશી ||૧||
|| મુંઢ મતિ મેં કુછ નહિ જાન્યો, રાત દિવસ રહ્યો રોગ રમાસી ||
|| કામ ક્રોધ લોભ તજ દે તૃષ્ણા, છલ ઉનમદ છાંડી દે ઉપહાંસી ||૨||
|| સબ સુખદાતા શ્રીરઘુસુત નંદન, શ્રીગોકુલ સુખ ધામ નિવાસી ||
|| ‘માધો’ પિયા મોયે ઇતની કીજે, મેં હોઉ સબ દાસ દાસનકી દાસી ||૩||
ડોસાભાઈ કહે: આ પદ સાંભળી હું તો નાચી ઉઠ્યો. વશરામ તમારા ભાવ ઘણા ઉંડા અને ગહન છે. તમે આ મારગનું ખરૂ રહસ્ય પામ્યા છો. ભગવદીની ચરણ રજનો મહિમા ત્રિલોકમાં પણ કહ્યો જાય તેમ નથી. “ભગવાન પણ પોતાના ભગવદીની પાછળ ધાવું” એમ કહીને તેની ચરણ રજનો મહિમા સમજાવે છે. કે મારા ભક્તની ચરણ રજમાં લોટવા માટે હું પણ તેની પાછળ પાછળ જાવ છું અને તે રજમાં લોટીને ત્રિલોકને પાવન કરૂં છું. ભક્તની ચરણ રજ ત્રણ લોકને પાવન કરનારી કીધી, ‘શ્રીમુખથી’, પછી તેના મહિમાનો પાર કોણ પામી શકે. તમ જેવા વિરલા જ જાણે. ‘ઉધવ’ પણ જ્ઞાનની વાતો કરીને થાક્યો,
પછી એને પણ ભાન થયું, ત્યારે ઇ પણ ગોપીયુની ચરણ રજમાં લોટવા લાગ્યો. ત્યારે તેનો જ્ઞાનનો ભાર હળવો થઈ ગયો અને બોલ્યો કે હું આ વ્રજમાં ગુલ્મ-લતા થાઉ, તો નિત્ય આ ગોપીયુંના ચરણ રજની મને પ્રાપત થાય. અને બિહારિદાસે પણ ગાયું કે – “તસ્ય પાદ રેણું કંઠેચ કણીકા.’ એક રજની કણીકાનો મહિમા મેલ્યો, કંઠમાં જતાં જ જન્મ મરણના ભયમાંથી મુક્ત કરે છે. આટલું સામર્થ્ય તેનામાં છે. આવું સામર્થ્ય બીજા કયા સાધન મારગમાં છે. આ બધું તો પુષ્ટિ મારગમાં સમાયેલું છે. પુષ્ટિનો પંથ નીરાલો છે, વશરામ નીરાલો. જોને ગોકુલદાસ દોહરે બોલ્યો છે.
// પુષ્ટિ જનકે પાય કી સમ હોય જબ જીય ||
// ભજનાનંદ તબ ભેટહી, પર્મ ભાવતે પિય” |
વળી બિહારી દાસ બોલ્યોઃ “ભક્ત મેરે વશ નહિ સજની, મેં ભક્તન ઉર બાસ બસ્યોરી.” અને હરિબાઈનો ભાવ વર્ણવ્યો જાય નહિ. તેને ઠાકરજીએ કીધું: (પ્રભાતી ૩૩)
“ મારું તન મન ભક્ત પાસે સદા, તારું ચિત્ત ત્યાં નિત્ય રાખે.”
વશરામ, જેરામદાસ તમોને શું કહું તમો તો ભૂતળમાં ભેેં ભાંગીને બેઠા છો, સંસાર ભય તમારો છુટી ગયો છે. તમ જેવા ભગવદીની માથે શ્રી ગોપેન્દ્રજીની ચરણ સેવા બીરાજી રહી છે. નિત્ય તેના સેવનનો ભર ભાર રાખો છો. તમારા ઘરનો કણે કણ શ્રીઠાકરજી તમારા હાથથી અંગીકાર કરી રહ્યા છે. તે તમારો સર્વ સમર્પણ ભાવ પરિપૂરણ છે. તો તમારા ચરણરજની પ્રાપ્ત આજ મુને થઈ છે. માધોદાસે જે દોષ વર્ણવી બતાવ્યા, તે દોષો તો જીવના તમ જેવા ભગવદીની ચરણરજ પ્રાપત થતાં ન રહે. તમો તો સાક્ષાત્ શ્રીગોપેન્દ્રજીના ચરણ ઉપાસી છો. અનીનતાના ભરભારવાળાને શું બાધક થાય.
જેરામદાસ બોલ્યાઃ ડોસાભાઈ તમ દીઠ અમારે મન સર્વ કાંઈ જોવામાં ને જાણ્યામાં આવે છે. ડોસાભાઈ, ચાલો પાતળ ધરવા ટાણું થયું છે. પછે રાતે વાળું કરવા બેઠા. જીવાવઉ, ઘણું ઘણું ધરવાનો આગ્રહ કરીને ધરે અને મીઠડા વેણ બોલે, લ્યો લ્યો રાજ તમ પધાર્યા તો ઠાકરજી ઘણું પરસન થયા છે, એમ બોલી પ્રસાદી વસ્તુ વાના ધરે ને હયડામાં હરખાય. જીવાવઉનો ભાવ પણ અદકેરો દીસે. સદા અપરસમાં રીયે. સેવાનો ભર ભાર ઘણો માથે રાખે. નત્ય આંગણે વૈષ્ણવને તેડાવી પાતળ ધરે, એવી ટેક રાખીને સદા રહે. તેના ભાવનું શું કહેવું આ બધું તો મેં થોડામાં થોડું લખ્યું છે, બાકી અદકેરૂ ઘણું
છે, શું લખાય.
પછે રાતે વાળુ કરીને વાર્તા કરવા બેઠા અને જેરામદાસ તથા વશરામદાસે પોતાના જે દીલડા ઠાકરજીમાં રંગાયેલા હતા તેની ઘણી વાતુ કરી. પુષ્ટિ મારગનું ઘણું રહસ્ય ખુલું કરીને મને સમજાવ્યું. ડોસા આ મારગ તો પતિવ્રતાના ધર્મની ટેકનો છે. પતિવ્રતાની ટેકની છાજલી ઘણી મોટી છે. આ મારગમાં પતિવ્રત ધર્મની ટેકવાળા ઘણા ભગવદી થઈ ગયા. અત્યારે તો દિન પ્રતિદિન પારો ખોટો આવતો જાય છે. પરોણાને પરાણે ભાવતા ભોજન પીરસાય, પણ પોતાના પ્રભુજીને માટે ભાવતું ભોજન ન ધરાય, ત્યાં પતિવ્રતપણું ક્યાં રીયું. વાલાની વાતુને બદલે વિષય ભોગની વાતુ થાય, ત્યાં ઠાકરજી ક્યાં ઠેરાય.
આ બધું જીવને સમજવું દોયલું છે. પછે એક સાખી કીધી
// પતિવૃતાકુ બહોત સુખ, જાકુ પતિકી ટેક //
// મન મેલી વ્યભિચારિણી, તાકુ ખસમ અનેક //
આમ પતિવૃતાની ટેકમાં જે સુખ છે, તે મનમેલી વ્યભિચારિણીની વાતુમાં નથી. માટે પતિવ્રતાની ટેકમાં આપણા મારગનું બધું રહેશ સમાય જાય છે. વળી હરિબાઈએ તો ઘણું કીધું. શ્રીગોપેન્દ્રજીના ચરણ વિનાનો જે આશ્રય, તે ધર્મ ગમે તેવો હોય, તો પણ તેને વ્યભિચારી ધર્મ કીધો, જેનું આચરણ ન કરાય. તેવો આ પુષ્ટિ ભક્તિ મારગનો વહેવાર છે, તે ઘણો દોયલો છે. પતિવ્રતાનો ધર્મ સર્વથી મોટો કીધો છે. તેનું દૃષ્ટાંત જુવો તો જણાય આવે. ગાંધારીના પતિવ્રતાની ટેકના વખાણ શાસ્ત્ર-પુરાણમાં લખાણા. વ્યાસ મુની જેવાએ વખાણ વરણવ્યા છે. અંધપતિનું પાણી ગ્રહણ કર્યું ને નેત્રે પાટો બાંધ્યો, નેત્રથી પોતાના પુત્રાદિનું મુખ પણ ન જોયું. તે થોડી વાત છે ? કોઈ માતા એવી ન હોય, જે પોતાના પુત્રનું મુખ જોવા માટે આતુર ન હોય. પણ
ગાંધારીએ તો એ સુખ પણ તજી દીધું. કારણ કે જે સુખ પોતાના પતિને નથી, તેનો ભોગ પોતે તજી દીધો.
દુરજોધનને એકવાર પોતાની દૃષ્ટિથી જોયો, તો વજ્રની કાયા થઈ. એવી દૃષ્ટિ પતિવ્રતાની ટેકને લીધે થઈ. તો પતિવ્રત પણધારી ભગવદીની સુદૃષ્ટિ થાય, તો પછી જીવને શું બાકી રહે ? માટે ડોસા, તું તો પતિવ્રત પણધારી પાંચાભાઈ, તેની સુદૃષ્ટિમાં ને સંગમાં નિત્ય રહે છો. તારા ભાગ્યનું વરણવ શું થાય ? પાંચાભાઈ માથે શ્રીગોપેન્દ્રજીની ઘણી કૃપા છે. જેથી તેને આ મારગની સાધ્ય ઘણી જ છે. રસાત્મિક પૂર્ણપુરુષોત્તમના સાક્ષાત અનુભવી છે. તે તો ઘણો પરામર્શ પામ્યા છે. તેણે કીર્તન કરીને વરણવ્યું છે, જે મેં પાઠે કરી લીધું છે. મેંદરડે ભેળા થયા માંડવે, ત્યારે તે લખી લીધું હતું અને તેનો ભાવ પણ વરણવી બતાવ્યો હતો. એવા સુજાણ ભગવદી તાદરશી કોટીના છે. તેના સંગની પ્રાપત તમને થઈ છે. તો તમો કાંઈક અમને તેનો અનુભવ કરાવો તો અમારું ભાગ્ય.
ડોસોભાઈ બોલ્યા. તમો તો અનુભવી છો, તમોને હું શું અનુભવ કરાવું. આપણું ભાગ્ય તો કયારનું ફળીભૂત થયું છે. “ભાગ્ય ફળ્યા સખી આપણા, જો હોય પૂરવની પ્રીત.” પૂરવની પ્રીતને કારણે તો આ
ભાગ્ય ફળ્યું છે. તેમાંય તમ જેવા ભગવદીના ભાગ્યની સરાહના મારાથી શું થાય. લ્યો હવે બિહાગ કરશું ને, રાત બે પ્રહર જેટલી ગઈ છે, સુખાળા થાઈએ. આ રસ તો અગાધ છે, જેનું પાન કરતા ધરપત ન થાય. અને જીવા વઉ બોલ્યા. હા, હા, પાછું સાબદા થવામાં પરભાતે અવેર થાય. લ્યો આજ તો હું બિહાગનું પદ બોલું આજના મેળાપ જેવું. એમ કહીને જીવાવઉ બિહાગનું પદ બોલ્યા તે લખ્યું છે.
|| પ્રભુ તેરો ભકત અવિચલ નામ ||
|| સુખકે કરન દુઃખકે હરન, અશુભ શુભ કર કામ || ૧ ||
|| સકલ ભુવનમેં વાસ તેરો, ઠાલી નહિ કોઉં ઠામ ||
|| દુુુુક્રીત જનકો દૂર કીનો પ્રભુ, રજની ચારો જામ || ૨ ||
|| જ્યાં જ્યાં તેરો ભક્ત બસત હે, ત્યાં ત્યાં તુમહી તમામ ||
|| ગોકુલ જનકુ રાખ્ય લીને, પ્રભુ બાજત દોઉ દમામ || ૩ ||
ડોસાભાઈ કહેઃ મારે મન તો, જીવાવઉનો ભાવ ઘણો ચડીયાતો જોવામાં આવ્યો. ભગવદીના ઘરનું શું કહેવાય. જ્યાં ઠાકરજી બિરાજીને કૃપા કરે, ત્યાં તો ભાવના ભંડાર ભર્યા હોય. પછે અમે સુખાળા થયા. અને પ્રાગડવાસ થતા ઉઠીને નિત્યકર્મ કરીને જેરામદાસના ઠાકરજીના દરશન કર્યા અને જીવાવઉએ ચબીના (નાસ્તો) કરાવ્યા અને ઠાકરજીની ધરેલી સુખડીનો પ્રસાદ બાંધ્યો અને મને આપ્યો. તવારે મને પાંચાભાઈની યાદ આવી કે ભગવદીના ભાવ સ્નેહ અને વાલપ કેવા સુંવાળા હોય છે. મને પણ હરદો ભરી આવ્યો અને મેં જય ગોપાલ કરી ચાલવા માંડ્યું.
(‘ શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ ‘ માંથી)
લેખન પ.ભ.શ્રી કિંજલ બેન તન્ના દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||