|| શ્રી ગોપાલો જયતે ||
ડોસાભાઈ કહે: પાંચાભાઈ રાત તો ગઈ છે, પણ મારે તમને એક વાત કરવી રહી ગઈ છે. મારે સવારે વેલા ઉઠીને હીંગના વેપાર અર્થે થોડા ગામ જાવું છે. આ ટાણે આંબા મોર્યા છે, તો મોસમ ગણાય અને હીંગનો વેપાર થાય. લોકો હીંગ લેવા કરે અને વેપારી પણ થોડો માલ ખરીદે. જેથી જવાનું મન થયું છે. ગ્રીષ્મ રતમાં વધુ માલ વેચાય, તો સવારે ઊઠીને ચાલવું છે. તમો તથા ધનબાઈ શ્રીઠાકરજીને પોચશો. હું ઓચ્છવને આઠ દિ આડા હશે, તવારે ઘર ઢુકડો આવીશ. તમો આજ્ઞા આપો, તેમ મારે કરવાનું છે.
પાંચાભાઈ કહે: ભલે ડોસા તું તારે વેપાર અરથે જા અને ઠાકરજીને ધરેલી નાગરીની પ્રસાદી સાથે રાખજે, જેથી વાટમાં કામ આવે અને પ્રસાદી પધરાવીને લેજે, જેથી અણસમરપ્યું ન રહે. તો ભલે ખુશીથી
જા, એ પણ ભગવત્ કાર્ય છે. નિર્વાહ માટે કંઈક પુરુષાર્થ કરવો જોવે. સાવ બેસી તો ન જ રહેવાય. ભગવત સેવા ટેલમાં તો જ ટકો વપરાય, ઈ ભાવના આપણા મારગની છે, જેથી ઉદ્યમ કરવો રીયો. તું ઘરની ફિકર ન કરતો. ઓચ્છવ આડા થોડા દિવસ હોય ત્યારે ઘર ઢુંકડો વળજે અને સાથે કંઈક નૂતન સામગ્રી ઉત્તમ જ્યાં હોય ત્યાંથી લેતો આવજે. ઓચ્છવ રૂડી રીતે મનાવાય. અને તને એક વાતની યાદ આપું છું, તે જેરામ તથા વશરામને મળીને વાત કરજે. જે પાંચાભાઈ તમને તેડાવે છે. તો ઓચ્છવ મનાવીને, વળતે દિ નિકળી મોરબીએ આવવા પરિયાણ કરે. આપણે ગ્રંથનો આરંભ માંડવો છે. તો તે પાસે હોય તો ઘણું રૂડું. અને જીવનદાસને કેણ મોકલજે તે પણ આવે, તો તે ભુલતો નહિ ઓચ્છવ માનવીને સર્વ સાથે આવે તો રૂડું થાય.
ડોસાભાઈ પાંચાભાઈની વાત સાંભળી ઘણું હરખાણા અને કહ્યું: ભલું ભલુ ઠાકરજીની ઇચ્છા, તમને ભલુ ઉપજ્યું છે. તમો કહો છો, તેમ જરૂર કરતો આવીશ. પણ પાંચાભાઈ તમે પ્રસાદી નાગરીની સાથે
રાખવા કહ્યું, પણ હું અણસમપ્યું જરા પણ બાર નિકળે લેતો નથી. હું સાથે નાની ઝાંપીમાં મંડપના દોરને થેલીમાં પધરાવીને તેનું સેવન સાથે રાખું છું અને તેની સેવા કરું છું. મારા હાથે રસોઈ કરી ભોગ ધરીને
પછે લઉ છું. જ્યારથી ઠાકરજીનો સેવક થયો, ત્યારથી અવૈષ્ણવના હાથનું કાંઈ પણ લેતો નથી. ઇ ઠરાવ પાકો રાખું છું. ઇ તમારી તથા જીવનદાસની મારા માથે કૃપા છે. આપણો વૈષ્ણવનો વહેવાર સાચવીને બહારગામ રહું છું. મારા મનમાં એ વાતનું ધ્યાન જીવનદાસે ઘણું દોર્યું છે અને ધનબાઈ પણ મને મુળથી જ ઠાકરજીને ધરેલી વહત આપતી, જેથી તો આ કૃપા થઈ છે.
પાંચાભાઈ કહેઃ ડોસા ઇ બધી વાત મારા જાણ્યામાં છે. આ તો વાટમાં ભાતું સાથે હોય તો ટંક બપોર કામ આવે. ભાતુ પરદેશમાં સાથે જોવે, નાગરીની પ્રસાદી છોવાય નહિ, તેથી કીધું, તારી જાણમાં આવે માટે.
આ વાત સાંભળી ધનબાઈ બોલીઃ પાંચાભાભા ભાતુ તો તમારે અમને તૈયાર કરીને સાથે આપવાનું છે. જે ગોલોકની વાટે કામ આવે. તમ જેવા ભગવદીના સંગમાં, જે સાચું ભાતું બંધાય, તે જ કામનું,
બીજું બધું તો મથ્યા છે.
ધનબાઈની વાત સાંભળી, પાંચાભાઈએ કહ્યું: ધનબાઈ તારી વાત સાચી છે. તારા સંગે અને જીવનદાસના સંગે કરીને ડોસાનું ભાતું તો તૈયાર થઈ ગયું. મહારાજનું શરણદાન થયું, પછી શું બાકી છે. હવે તો સેવા સમરણ કરીને ભાતું ભેળું થાય તેટલું કરવાનું છે. ઇ તો જે જીવ જેટલું કરશે, તેટલું પામે, પણ ભગવદીના સંગ વિના ન થાય. ઇ વાત તારી સાચી છે. જે હવે ડોસા, સુખાળા થવાય તો સારું, વાતું કરતાં રાત વઈ જશે. પછે અવેર થાય, ઇ ન કામ આવે, દેહના ધર્મને શ્રીઠાકરજીની સેવા અરથે સાચવવા જોઈએ, આપણા આનંદ ખાતર દેહને શ્રમ ન અપાય. દેહ તો જ્યારથી સમર્પણ થયું ત્યારથી શ્રીઠાકરજીનો થયો ગણાય, જીવના સુખ માટેનો હવે નથી રીયો. ભગવત સેવા સુખ માટેનો રીયો છે. આ વાત બહુ ધ્યાનમાં રાખજે. આપણા મારગમાં દેહ દમન કરવાનું કીધું નથી. આમ વાત કરીને
પાંચાભાઈએ કીધું કે તે હવે એક કીરતન બોલ ‘મારી છે મુને મીટલડીનું’, પછે સુખાળા થઈએ
ડોસાભાઈ
ખ્યાલનું કીરતન બોલ્યા. ખ્યાલ-૧૮
|| મારી છે, મુને મીટલડી, ગુમાની શ્રીગોપેન્દ્ર પિયુડે ||
|| લાગી લગન તન તાલાવેલી, મુખડું નિરખું હું તો નયણા જો ભરી || ૧ ||
|| તે દહાડાની મારી તન સુધ ભૂલી, ઘેલી જો કરી છે મુને કામણ કરી ||૨||
|| ગોકુલ પતિ શ્રીગોપેન્દ્ર પિયુજી, પ્રાણજીવન વરને હું તો વરી ||૩||
આ કીરતન સાંભળી પાંચાભાઈને સુધ ન રહી. ઘણું હરખાણા અને કહ્યું ડોસા તારો કંઠ મધુર કોકિલા જેવો છે. તારું પદ સાંભળીને ઠાકરજી પણ હસતા હોય છે, એવી કૃપા તુજ માથે ઠાકરજીની છે. તું તો સારો એવો કવિ પણ છો, જે લીલાના પદ તને તેજ સમયે ઉપજે છે. પાંચાભાઈના મુખની વાણી સાંભળી ડોસાભાઈ દીન થઈને બોલ્યાઃ પાંચાભાઈ આ બધુ તમારી કૃપા બળનું કારણ છે, જીવનું ગજુ આમાં કાંઈ નથી. આમ વાત કરીને સર્વે સુખાળા થયા.
પરોઢ થતાં હું જાગ્યો અને ઠાકરજીનું સમરણ કરી, પાંચ પરભાતી બોલી પથારી છોડીને નિત્યકર્મમાંથી પરવારી, સ્નાન કરીને ભગવત્ સેવામાં પોંચ્યો. ધનભાઈ સાથે ઉઠી હતી અને મને બધી વાતની તૈયાર
કરી આપી. મંગલ ભોગ ધરીને ઠાકરજીને વિનતી કીધી અને નાગરીની સામગ્રી સુખડીની ધરાવીને સાથે બાંધી આપી. ઠાકરજીને દંડવત કીધું અને આજ્ઞા માગી. પાંચાભાઈ પણ થોડે સુધી સાથે ચાલ્યા અને કહ્યું કે ડોસા, વેલો વળજે, એમ કેતા નેત્રમાં જલ ભરાય આવ્યું, જે મેં દીઠું. અને મને પણ એમ થયું કે વળતો વેલો આવી જઈશ. પાંચાભાઈ તમારે ઠાકરજીની સેવામાં પોચવાનું છે, તો પાછા વળો. આમ કહીને જે ગોપાલ કીધાં ને મેં વાટ પકડી. ગાઉ દસની મજલ કરીને આમરણ પોંચ્યો. ત્યાં લાલાભાઈના ઠાકરજીનું દરશન કીધું રામભાઈ તથા કશલભાભાને મળ્યો. પછે થોડોક હીંગનો વેપાર કીધો અને લાલાભાઈના ઠાકરજીનો પ્રસાદ લીધો. લાલાભાઈ ઘણા ખુશી થીયા અને રામભાઈ તથા કશલભાભા રાતે ભગવત્ વાર્તાએ બેઠા. હૈયડા ટાઢા થાય એવી ભગવદના ઘરની ઘણી વાતું કરી. ત્યારે લાલાભાઈ
બોલ્યો ડોસા તું તો પાંચાભાઈના સંગમાં જે આનંદ માણી રહ્યો છે, તે તારું ભાગ્ય પૂરવનું મહાન સુકૃત ઉદે થયું ગણાય, જે તને એક તાદરશી ભગવદીનો સંગ નિત્ય થાય છે. તારે મેં કીધું: લાલાભાઈ તમો
પણ કશલભાભાના સંગમાં ક્યાં ઓછો આનંદ લીયો છો, ઇ પણ તાદરશી ભગવદી છે. તેણે આમરણમાં માંડવો કીધો અને અધિક આનંદ લીધો છે. તમ જેવા ભગવદીના દરશન તો ભુતલમાં થાવા થોડા છે. પછે કશલ ભાભો બોલ્યાઃ ડોસા તને પાંચભાઈનો ભર ઘણો છે. આ મારગમાં ભગવદીનો ભર રાખવાથી ઠાકરજીમાં મન સ્થિર થાય. એ વિના કાંઈ પ્રાપત થાય નહિ. તમારી જોડી ઠાકરજીએ અવિચળ કરી છે, તેમાં સંદેહ નથી. પીછે બિહાગ કીધો અને સુખાળા થયા. હું સવારે વેલો ઊઠીને બીજે ગામ જવા પરિયાણ કીધું. લાલભાઈએ ઘણો આગ્રહ કીધો, પણ તેના મનનું સમાધાન કરી પછી રજા લઈ વિદાય થયો.
(‘ શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ ‘ માંથી)
લેખન પ.ભ.શ્રી કિંજલ બેન તન્ના દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||