|| શ્રી ગોપાલો જયતે ||
- રાજકોટ નિવાસી ભક્ત ચારણ કવિ દેવીદાસજીનું પદ છે.
- દેવીદાસજી મુંગા હતા, પ્રભુશ્રી ગોપાલલાલ એ ઓગાળ આપ્યો અને પ્રથમ આ પ્રભાતી બોલ્યા.
- આ પ્રભાતી ઠાકોરજીને અતિપ્રીય છે.
અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ રે ||
બિરદ ધારી મેં અરજ કરૂં, સાંભળો વાલા વાત રે ||
નવલા જોબન નવલા દહાડા આપે અમારો નાથ રે ||1||
અમારા શ્રીગોપાલલાલ વ્રજના પ્રતિપાલ છે. વ્રજમાં વસતા વ્રજભક્તોના ભાવને પુરનારા છે. આપ બિરદધારી છો કે શરણે આવેલા જીવનો નિસ્તાર કરવો. તો હે ભક્ત વત્સલ, કૃપાનિધિ મારી વાત સાંભળો, મને નિત્ય યુવાન રાખો, જેથી આપના દર્શન તથા સેવા માટે આપના ગૃહે દોડી દોડી આવુ. નિત્ય નવા નવા ભાવ હ્રદયકમલમાં ઉપજાવો જેથી આપના નિત્ય નવિન સ્વરુપનો અનુભવ થાય.
આંગણે મહિને આવે પય, જુગતે શું જમાડું રે ||
એક અનામી શીષ, મારા નાથને નમાવું રે ||2||
હે પ્રિયે આપ જો ચાલીને મારા આંગણે પધારો તો હું આપને જમાડી શકું. પરંતુ હું જે કાંઇ કરૂ તે આપને ઓછુ પડે તેમ છે. એના કારણે આપ મારે ત્યાં પધારો નહી, પણ મારો જે ભાવ છે કે માત્ર આપના ચરણકમલમાં જ મારૂ શીષ નમે તે મારો અખંડ ભાવ હું આપને અર્પણ કરુ. પૃથીરાજે આજ ભાવ શ્રીઠાકોરજીને અર્પણ કરેલ.
અમને તોરી આશ વાલા, રાખો ચરણની પાસ રે ||
જનમો જનમ ભક્તિ માગે, ભણે દૈવી દાસ રે ||3||
હે પ્રભુ અમને તો આપની આશ છે. આપના ચરણોમાં અમને રાખો. દાસ ભક્તિ આપો. હે પ્રિયે હું જનમો જનમ આપના જ યશ ગાવુ તેવુ દેવીદાસજી માંગે છે.
(“અમૃતરસ ચિંતામણિ ગ્રંથ” માંથી)
|| સર્વે ભગવદ્દીઓને ‘જય ગોપાલ’ ||