|| શ્રીગોપેન્દ્રપ્રભુ વિજયતે ||
શ્રીગોપેન્દ્રલાલની સૃષ્ટિમાં હરબાઇબા લલિતાસખીનાં સ્વરૂપથી છે.આપશ્રીના અનેક પદો હરબાઇબા એ હરિ ભોગથી ગાયા છે.શ્રીગોપેન્દ્રલાલનું સ્વરૂપ ઓળખવા માટે આ પદમાં ભગવદ્દીના લક્ષણો જણાવી તેમનો સંગ કરવા કહ્યુ છે.
સેવ તું સંત મન વચન કર્મે કરી, અખિલ અભેપદ એજ આપે ||
શરણ આવ્યા પછી સ્વે પદ પામીયે, જનમો-જનમ તણા દુક્રિત કાપે.||1.||
હે વૈષ્ણવો તમે સંત જેવા જે ભગવદ્દ ભક્તો પ્રગટ્યા છે તેનો મન, વચન અને કર્મ કરી સત્સંગ કરજો તો શ્રીગોપેન્દ્રજીનું સ્વરૂપ છે તેની અભયપદની પ્રાપ્તિ થાશે. શ્રીઠાકુરજીના શરણે આવ્યા પછી આ પદને પમાય તો જન્મોજન્મનાં જે ભવબંધન છે તે કપાય.
પરમ પારસમણિ એહથી પામીયે, જેણે કરી લોહ તે હેમ થાયે ||
અંગ અડતા ગળે દ્વેતતા એમ ટળે, હરિજન મળે ત્યારે હું જ જાયે.||2.||
પારસમણિનો ગુણ છે કે લોઢુ જો તેને સ્પર્શે તો સોનુ થાય, તેમ આ ભગવદ્દીના સંગમાં રહેશો તો તમે પણ મનુષ્ય માંથી વૈષ્ણવનુ બિરદ પામશો. જ્યારે ભગવદ્દીનો સંગ થાય ત્યારે હું પણાનું જે અભિમાન છે તે જાશે. જે બે પણું છે તે રસરૂપ એક થાય તો ટળે તેમ ભગવદ્દીના સંગથી હું પ્રભુથી અલગ નથી તેવું અનુભવાશે. જેરામભાઇની વાણીમાં પણ ભગવદ્દ સ્વરૂપ અને ભગવદ્દીમાં અભેદતા વર્ણવી છે.
ઓળખ એંધાણ જે આપ ટાળી રમે, દેહધારી પણ વિદેહી કહાવે ||
જાત જાણી રહે ભાત ભૂલે નહિ, સમજ સિદ્ધાંત તો શીલ આવે.||3.||
આપના દ્વારા ભગવદ્દીના લક્ષણો કહ્યા છે. તે ઓળખ એંધાણ જે જીવની છે તે ટળે ત્યારે રમણ યોગ્ય થાય. આવા ભગવદ્દી દેહ ધારે પણ આ દેહથી જ વિદેહી હોય એટલે ભગવદ સ્વરૂપાત્મક હોય. જનકજી વિદેહી કહેવાતા, તેમ આવા ભગવદ્દી હોય. પોતે પોતાની જાત જે વૈષ્ણવની છે તે જાણી રહે તેમજ તેની રહેણી કરણી હોય તે ભૂલે નહિ અને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સમજે તો ચારિત્ર્ય આવે.
પુષ્ટિમાર્ગનાં ચાર પાયાના સિદ્ધાંતો :- અનન્ય આશ્રય, અસમર્પિતનો ત્યાગ, વૈખરી વાણીનો ત્યાગ, અનન્ય ભાવથી સેવા.
રૂદે નહિ રોષ તે જાણ એઠા સહી, ઉપદેશ દેવા અવતાર લીધા ||
સ્વાર્થે નવ મળે પ્રીછ પરમાર્થી, સંતને સંગે હરિ અનેક સિદ્યા.||4.||
બધાના જમી લિધા પછી વધેલા એઠાં ને જેમ કચરામાં કાઢી નાખીએ છીએ તેમ રોષનું સ્વરૂપ ઓળખાવ્યુ છે. કોઇના પણ પ્રત્યે રોષ ન હોવો જોઇએ. આપે આવા ભગવદ્દીને ઉપદેશ આપવા મોકલ્યા છે. આ ભગવદ્દીને પોતાના જીવનમાં કોઇપણ કાર્ય માટે સ્વાર્થ હોતો નથી. તેમનું જીવન જ પરમાર્થ માટે હોય છે. હરબાઇબા કહે છે આવા સંતના સંગથી ઉગરાય કારણકે, આવા સંતના સંગથી અગાઉ ઘણા ઉગર્યા છે.
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દીઓ ને ‘જય ગોપાલ’ ||