jayshreegopal.com

|| આ અવનિમાં અવતરી ||પ્રભાતી

|| શ્રી ગોપાલો જયતે ||

આ અવનિમાં અવતરી, શ્રીગોપાલ ન ગાયા ||
જઠરાથી શીદ જન્મીયો, માણસની કાયા ||૧||

જેણે આ જગતમાં મનુષ્ય દેહ ધારણ કર્યો છે અને પ્રભુ શ્રીગોપાલલાલ પ્રગટ પુરૂષોત્તમ રૂપે પધાર્યા છે ત્યારે જે જીવ શ્રીગોપાલલાલને શરણે ગયા નથી તે જીવ માટે કુશળદાસ કહે છે શા માટે માણસની કાયા ધારણ કરી. જેને જન્મ મરણના દુઃખમાંથી મુકત થવુ હોય તેણે શ્રીગોપાલલાલના શરણે જવું જોઈએ.

ત્રણસરી માળા તિલક વિના, બગલો થઈ બેઠો ||
ભક્તિ ધર્મ ધાર્યા વિના, ભવજળમાં પેઠો ||૨||

જેણે પોતાના કંઠમાં ત્રણસરી માળા ધારણ નથી કરી, તથા શ્રીયમુનાજીના તટની ભાવનાથી પોતાના કપાળમાં વિજય તિલક નથી કર્યું તે જીવ ભકિત ભાવ ધારણ કર્યા વિના સંસાર સાગરમાં પેઠો છે.

લોઢ તણા રે હિલોળમાં, લેખુ નહિં કેનુ ||
કર્યા કર્મ છુટયા વિના નિકળવુ શેનુ ||૩||

મહાભારતમાં ભીષ્મ પિતામહ કહે છે મનુષ્ય જ્યારે કર્મ કરે ત્યારે ભાગ્ય પાછળ હોય છે. કર્મ પૂરૂ થાય ત્યારે ભાગ્ય આગળને મનુષ્ય પાછળ હોય છે. આજ વાત કુશળદાસ સમજાવે છે કે તમારૂ લેખું થાશે નહિ. પ્રચંડ માયાના મોઝામાં તણાઈ જવાય તેવા કર્મો હોય તો કોઈનું ચાલે નહિ.તમે જે કર્મ કરો છો તે ભોગવવા જ પડશે. પણ જે પુષ્ટિ જીવ છે તેનું ભાગ્ય શ્રીઠાકુરજી દ્વારા થાય છે. દયારામભાઈ કહે છે ‘એવો મારગ શ્રીવલ્લભવરનો જયાં નહિ પ્રવેશ વિધિ હરનો’.

વિષયા રસ વાલો કર્યો, મમતા નવ ત્યાગી ||
પરદારા પરધન વિશે, નિશદિન લે લાગી ||૪||

હે જીવ તે સંસારના વિષયમાં રસ રાખ્યો, તે તારૂ મમત્વ સર્વ વસ્તુમાં રાખી હજી તે તેનો ત્યાગ નથી કર્યો. આ પારકું ધન તથા સ્ત્રીમાં તારૂ મન હજી લુબ્ધ રહે છે. રાત્રી-દિવસ હજી તું આ જ ચિંતન કરે છે.

અપલક્ષણ અળગા કરી, સત્સંગ જે કરશે ||
કુશળ ભકિત ફળ ભાવશે, તો ભવસાગર તરશે ||૫||

ભગવદીઓ એ આપણા માટે દિવાદાંડી સ્વરૂપે થયા છે. હે પુષ્ટિજીવ હજી પણ ઉપર વર્ણવેલ અવગુણ તમારામાં હોય તો તેને સત્સંગથી દુર કરશો. જો ભકિતરૂપી ફળ ભાવશે તો જ આ સંસાર સાગર પાર ઉતરાશે. માટે વિચારપૂર્વક ભગવદીને મળી સત્સંગ કરજો.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દીઓ ને ‘જય ગોપાલ’ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *