|| શ્રી ગોપાલો જયતે ||
પુષ્ટિમાર્ગનો સ્થાપના દિવસ એટલે પવિત્રા અગ્યારસ. શ્રીવલ્લભાચાર્યજીને ચિંતા થઇ કે લીલાના દૈવીજીવોને નિર્દોષ શ્રીઠાકોરજી સાથે સંબંધ કેમ કરાવવો ? તેના નિવારણ માટે સ્વયં શ્રીઠાકોરજીએ નિવેદનમંત્ર આપેલ. શ્રીવલ્લભાચાર્યજીએ શ્રીઠાકોરજીને મિસરી અને પવિત્રા આ સમયે અંગીકાર કરાવેલ.
રાગ : સારંગ
પવિત્રા પહેરે શ્રીરઘુબરનંદ ||
દશોદિશ જગ્ત ઉધ્યોત કીયો હે, ત્રિભુવન ભયો હે આનંદ.||1||
શ્રીરઘુનાથજીના નંદ પ્રભુશ્રી ગોપાલલાલ આજે નિજજનો દ્વારા જે પવિત્રા ધરવામાં આવેલ છે તે અંગીકાર કરે છે. આજે ત્રણેય ભુવનમાં આનંદ થયો છે. લીલાના જીવોને શ્રીઠાકોરજીની પ્રાપ્તિ થશે માટે જગતની દશે દિશા પ્રકાશમય થઇ છે.
ફુલે નિજજન પહેરાવત પ્રમોદિત, નિરખે ચકોરી ચંદ ||
શ્રીગોપાલ કૃપાનિધિ નિરખત, ત્રાસ્યો તિમિર સર્વ ફંદ.||2||
ચકોરી જેમ સ્નેહને કારણે ચંદ્રમાને એક ક્ષણ પણ અળગા થયા વિના નિરખે તેમ સોરઠના લીલાના અંગીકૃત જીવો શ્રીરઘુનાથજીના લાલ શ્રીગોપાલલાલને પવિત્રા પહેરાવી સ્વરૂપ માધુરી નિરખી રહયા છે. સ્વરૂપ સંબંધી કલિયુગનો જે પ્રભાવ હતો તે હવે લીલાના જીવોમાં રહ્યો નથી.
ડોલરી ગુંજા માલ બિરાજિત, મુકતા માલ સુકંદ ||
મુખહી તંબોલ ભર્યે અતિ શોભિત, બોલત મુસકની મંદ.||3||
પ્રભુશ્રી ગોપાલલાલના કંઠમાં બેસરી માળા, સાચા મોતીની માળા, ગુંજા માળા શોભી રહી છે. પાનનાં બીડા મુખમાં ચાર્વિત શોભી રહયા છે. મંદ મંદ હાસ્ય દ્વારા આપશ્રી વચનામૃત કરી રહયા છે.
ભાલ તિલક શ્રવનની બને કુંડલ, જગમગ જ્યોત સુચંદ ||
કેસરી પાઘ અરૂ વાઘો સોનેરી, ફુલે નેન અરૂ વ્રંદ.||4||
પ્રભુશ્રી ગોપાલલાલના ક્પોલ પર શ્રીયમુનાજીના તટના ભાવથી સુંદર તિલક શોભી રહ્યું છે. જેમ ચંદ્રમા શીતલ પ્રકાશ આપે તેમ આપશ્રીના કાનમાં કુંડલ શોભી રહયા છે, આપશ્રીએ કેસરી પાઘ ભાલ પર ધરી છે. શ્રીઅંગ પર શ્રીસ્વામિનીજીના પ્રિય સોનેરી પીળા વસ્ત્ર ધરેલ છે. આપશ્રીના નેત્રો ક્ટાક્ષયુક્ત છે જે વલ્લભીવૃંદને મોહિત કરી રહયા છે.
પટકો લાલ ઉપરનો કેસરી, ચાલ ચલતહે ગયંદ ||
કાનદાસ ઉત્સાહ ભયો તબ, પીવત રસ મકરંદ.||5||
પ્રભુશ્રી ગોપાલલાલે કેસરી ઉપરણો ધરેલ છે. લાલ પટકો શ્રીઅંગ પર ધરેલ છે. આપ હાથીની ચાલથી ચાલી રહયા છો. કાનદાસ આ લીલાનું દર્શન કરી આનંદપૂર્વક આ કિર્તનગાન કરી રહયા છે. જેમ ભ્રમર રસનું પાન કરે તેમ કાનદાસ સ્વરૂપની માધુરી માણી રહયા છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||