|| શ્રી ગોપાલો જ્યતે ||
‘મેઘાજીબાની વાર્તા (ભાગ-1)’ વાંચવા માટે અહીં ક્લિક કરો.
‘મેઘાજીબાની વાર્તા (ભાગ-2)’ વાંચવા માટે અહીં ક્લિક કરો.
મોરારદાસજી અને પ્રભુશ્રી ગોપાલલાલ સુરકાના વનમાં આવી પહોંચ્યા છે. સીહોરના પાદરમાં રથ ઉભો રાખી મોરારદાસ વધામણી આપવા માટે ગામમાં ગયા.
આ વખતે મેઘાજી શ્રીઠાકોરજીનું એક ચિત્તથી ધ્યાન ધરી બેઠા છે. સાંજ પડવા આવી પણ હજુ શ્રીઠાકોરજી પધાર્યા નહીં, તેથી ચીતા ખડકવાની આજ્ઞા આપવા નો વિચાર કરે છે. એટલામાં મોરારદાસ આવી પહોંચ્યા, તેમને જોઇ મેઘાજી એકદમ દોડી મોરારદાસના પગમાં પડ્યા. પ્રેમથી આંખ માંથી અશ્રુપ્રવાહ ચાલી રહ્યો છે. ગદગદ કંઠ થવાથી મુખથી બોલી શકાતું નથી, તેથી હાથ જોડી ઉભા રહ્યા. ત્યારે મોરારદાસ કહે પ્રભુ પધાર્યા છે, માટે હવે બધા દુખ દૂર કરી સામૈયા કરી શ્રીઠાકોરજીને પધરાવો એટલે તમારી ઇચ્છા પૂર્ણ થાય.
એ સાંભળી મેઘાજીના હર્ષનો તો પાર જ રહ્યો નહીં, જે એક ઘડી પહેલાં શોક સાગરમાં ડુબેલાં હતાં, શું કરવું તે કાંઇ સુઝતું નહોતું તે આનંદ સાગરમાં ઝુલવા લાગ્યા. ગામમાં પણ સઘળે સ્થળે ખબર પડી ગઇ, રાવળને સમાચાર મળતાં રાણીઓને શણગાર સજવા આજ્ઞા આપી. ઘણા વૈભવથી ઠાઠમાઠથી સ્વારી કાઢી પ્રભુને પધરાવવા ચાલ્યા.
સાખી.
પૂર્ણ ભાવથી શ્રી વૃજપતિને, સહુ નમતા પ્રિતધારી,
રાય ન્યોચ્છાવર કરતો ચાલ્યો, તનમાં પ્રેમ અપારી.
ઉમંગે અંત:પુર માંહી લાવ્યા શ્રી વૃજધારી,
ભેટ ધરે સહુ તેની આગળ, જે જેણે નિરધારી.
બદુ ઘોડી નારે આપી, રાયે રત્ન અપારી,
પ્રજાજનો સહુ કંઇ કંઇ આપે, પ્રભુ પર નિજ તન વારી.
કરી સ્વીકાર કૃતારથ કીધા, સોળ અઠોતેર માંહી,
જુગલ કીશોર સ્વરુપ આપ્યું, કરવાને સેવા ત્યાંહી.
ભાવનગરમાં ગાદી સ્થાપી, ત્યાર પછી નરપાળે,
સેવા સોંપી વિપ્રોને તે હજી સુધી સંભાળે.
જોશીને કંઇ જમીન આપી, તેમાં નેગ ચલાવે,
મંદીર ભવ્ય બનાવી આપ્યું, છે હજી સાનુભાવે.
મોરારની જોઇ કાર્ય શીઘ્રતા, ઉચર્યા શ્રી વૃજધારી,
પ્રસાદ લેતા પહેલા વૈશ્નવ, યાદી દેશે ત્હારી.
ઉમંગથી સામૈયા કરી શહેરમાં પધરાવી લાવ્યા, રાજમહેલમાં ઉતારો આપ્યો. મેઘાજીએ બદુ ઘોડી ભેટ કરી, રતન રાવળે કીમતી રત્નો ભેટ કર્યા. તેમજ પ્રજાજનોએ પણ પ્રભુ ઉપર પોતાના તન મન કુરબાન કરી સહુ પોતપોતાની શક્તિ અનુસાર ભેટ કરવા લાગ્યા.
શ્રીઠાકોરજીએ એ બધાંનો અંગીકાર કર્યો. મેઘાજીને સાત દિવસના ઉપવાસ છોડાવી પ્રસાદ લેવરાવ્યા. મોરારદાસનું અપ્રતિમ કાર્ય અને ભાવના જોઇ શ્રીઠાકોરજીએ કહ્યું વૈશ્નવો પ્રસાદ લેતા તમોને યાદ કરશે. તેથી આપણામાં કહેવાય છે કે- ‘ આવ્યા મોરારદાસ લ્યો વૈશ્નવો પ્રસાદ’. મેઘાજીબાને મદનમોહનજી તથા સ્વામીનીજીનું સ્વરુપ સેવા કરવા પધરાવી આપ્યું. એ પ્રમાણે સં. 1678 ની સાલમાં સહુને કૃતાર્થ કીધા.
જીવને સત્ય જાણ્યા પછી અને સમજાયા છતાં પણ પોતાના પૂર્વનાં સંસ્કાર આડા આવે છે અને દ્રઢ થવા દેતા નથી. તે મુજબ રતન રાવળને પણ લોમવીલોમંમ થયું અને શ્રીઠાકોરજી તથા મેઘાજી બેઠા છે તેમાં વાત કરી કે માતાજી શ્રીઠાકોરજીને ક્યાં ખોટ છે ? આવી ઘોડીઓ તો એમને અનેક હશે, હવે આ ઘોડી તમોએ અર્પણ કરી દીધી તે શ્રીઠાકોરજી મને આપે તો શું વાંધો ? એ સાંભળી તેના મન ની વૃતિ જોઇ તેની અજ્ઞાનતા દૂર કરવા શ્રીઠાકોરજીએ કૃપા દર્શાવી કહ્યું – રતન જા, ઘોડીઓ બાંધી છે તેમાંથી તારી ઘોડી ઓળખીને લઇ લે. જોજે પણ બીજી લેતો નહીં.
એ સાંભળી રતન રાવળ ઉઠયો, અને જઈ જુવે તો એક સાથે પચાસ ઘોડીઓ એક જ સરખી બાંધેલી છે. તેમાં પોતાની ઘોડી કઈ તે રતન રાવળ ઓળખી શકયો નહી, પોતાના મનમાં વિસ્મય પામ્યો. પોતે એક ઘોડી માટે કેટલો પરિશ્રમ વેઠયો હતો, તો આ એક સાથે પચાસ ઘોડી જેણે ઉછેરી, પાળી પોષી મોટી કરી, તેને કેટલો પરિશ્રમ અને કેટલો ખર્ચ લાગ્યો હશે, છતાં તેમને કોઇ જાતનો હર્ષ શોક નથી. અને મેં આ એક ઘોડી માટે કેટલી ઉપાધી કરાવી, અરે છેવટે પ્રભુને પરીશ્રમ વેઠી અહીં પધારવું પડ્યું અને મને આટલો બધો મોહ. અરે ધિકકાર છે મને કે હું કાંઇ સમજી શકયો નહીં અને ઠાકોરજીના સ્વરૂપને ઓળખી શક્યો નહીં એમ વિચાર કરતાં કરતાં પોતાના મનથી પોતાને ધિકકારતો શરમાતો આવી પ્રભુના ચરણમાં પડયો અને કહેવા લાગ્યો પ્રભુ ! હું અધમ આપને શરણે છું, મારો અપરાધ ક્ષમા કરો એમ કહી ગદગદ કંઠે બની ચરણસ્પર્શ કરી ચરણમાં લોટવા લાગ્યો. પ્રભુએ તેને બેઠો કરી, શીર પર હસ્ત ધર્યો. મેઘાજી પણ વિનંતી કરવા લાગ્યા પ્રભુ રતનને શરણ લ્યો.
શ્રી ઠાકોરજીએ તેને સેવક કર્યો અને શરણે લીધો, એ પ્રમાણે અનેક જીવોને શરણે લઈ કૃતાર્થ કરી પોતે પધાર્યા. ત્યારપછી 1701 માં પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ પ્રદેશ પધાર્યાં ત્યારે રતન રાવળને દર્શન આપ્યા હતા.
ભાવ ધરી શ્રીગોપાલને સંભારો, જકત આ અસારમાં છે શ્રેષ્ઠ લાવો,
પાળે પ્રેમથી સ્વજનોને દયાળો, વિપત સમય આવી વ્હાર કરનારો.
(“શ્રી ગુણમાલ ભક્તમાલ” માંથી )
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||
Leave a Reply