|| શ્રી ગોપાલો જ્યતે ||
‘મેઘાજીબાની વાર્તા (ભાગ-1)’ વાંચવા માટે અહીં ક્લિક કરો.
મોરારદાસજી ને ચાલતા ચાલતા છ દિવસ વીતી ગયા છે અને થાકી ને લોથપોથ થઇ ગયા છે. ચાલવાની શક્તિ પણ રહી નથી ગોકુળ પહોંચવાની આશા વમળમાં પડવા લાગી છે. નદી કિનારે એક સુંદર વૃક્ષ જોઇને રાત્રે ત્યાં આરામ કરવા બેઠા. પ્રભુને વિનવતા અને સ્મરણ કરતાં નિંદ્રાને આધીન થઇ ગયા.
ઘટઘટ વ્યાપી અંતર્યામી પ્રભુ સહુના અંતરની જાણે છે. તે પોતાના ભક્તને કોઇ દિવસ ઓછું આવવા દેતા નથી. તેણે અંતરીક્ષ રીતે મોરારદાસને તેની પથારી સહીત શ્રીગોકુલ યમુનાજીના તીર પર ઠકુરાણી ઘાટે સુવારી દીધા.
સવારના મોરારદાસ ઉઠી જુએ છે તો મહારાણીજી ધીમા ધીમા ચાલ્યા જાય છે, ઉઠી દર્શન કરી પાન કર્યા અને મંદિરમાં જઇ શ્રીગોપાલલાલના દર્શન કરી ચરણે પડ્યા. પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. આંખો માંથી પ્રેમના અશ્રુ વહી રહ્યા છે, હ્રદયનો ઉભરો ક્યાંઇ સમાતો નથી એવા મોરારદાસને શ્રીગોપાલલાલે હાથથી પકડી બેઠા કર્યા અને પોતાની છાતી સાથે દબાવી શાંત્વન કર્યું. આ સમયના તેના હર્ષનું વર્ણન કોણ કરી શકે?
મોરારદાસે દંડવત કરી પ્રભુને પત્ર આપ્યો તે શ્રીઠાકોરજીએ દાસના દાસ બની પોતાના ભક્તની અધિકતા કરવા પાસે બેઠેલા વૈશ્નવો સમક્ષ વાંચવો શરુ કર્યો.
સ્વસ્તિ શ્રીરે ગોકુળીયું ગામ રે, જ્યાં છે મારા પ્રભુજીનું ધામ રે.
તેને પ્રેમે કરું પ્રણામ રે… સ્વસ્તિ.1
રંગ મ્હોલ વિષે વસનારા રે, શ્રમ દેવા ચાહે દીન બાળા રે.
જપું નાથ તમારી માળા રે… સ્વસ્તિ.2
મ્હારે સંકટ શીર પર આવ્યું રે, તેથી નાથ તમોને કહાવ્યું રે.
ખરે ટાણે નામ યાદ આવ્યું રે… સ્વસ્તિ.3
બદુ ઘોડી પ્રભુ તમ માટે રે, રાયે ઉછેરી છે જીવ સાટે રે.
આવી આપ સ્વિકારો સ્વ હાથે રે… સ્વસ્તિ.4
સાત દિવસની મ્હોલત કીધી રે, વાત આપને સહુ સીધી રે.
મારા ઉરમાં પૂર્ણ પ્રતીતી રે… સ્વસ્તિ.5
વ્હાલા નહીં જો આવો મુજ માટે રે, તન છોડીશ સાતમી રાતે રે.
પાળો બીરદ કરુણા કરી આપ રે…સ્વસ્તિ.6
લખે મેઘાજી દાસી તમારી રે, વાલા શુધ લેજો ઝટ મારી રે.
બધાં કામ થકી પરવારી રે… સ્વસ્તિ.7
ઉપર મુજબ દિનતાનો પત્ર વાંચતાં કોટી કંદર્પ લાવણ્ય એવા શ્રીગોપાલલાલજીનાં સ્વરુપ માંથી ઝળેળાટ કરતું તેજ ચારે દિશામાં પ્રસરી ગયું. પોતે આનંદિત બની ગયા. અને સ્મિત હાસ્ય કરી કહેવા લાગ્યા, વાહ ! કેવી ભક્તિ, ધન્ય છે. વૃદ્ધિ પામેલી મારી ભક્તિ મને જે પ્રમાણે વશ કરે છે તે પ્રમાણે મને યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યયન, તપ અથવા દાન પણ વશ કરતા નથી. હું કેવળ શ્રદ્ધાથી કરેલી ભક્તિથી સત્પુરુષોને વશ થાઉં છું. મારા ભક્ત મને જેવા પ્રિય લાગે છે તે પ્રમાણે બ્રહ્મા મારા પુત્ર હોવા છતાં મને પ્રિય લાગતા નથી, શંકર મારુ સ્વરુપ હોવા છતાં મને પ્રિય લાગતા નથી, લક્ષ્મી પ્રિય લાગતા નથી તેમજ મને મારું પોતાનું સ્વરુપ પણ મારા ભક્તો કરતાં વિશેષ પ્રિય નથી.
મોરારદાસ ! તમે ઘણા જ મોડા આવ્યાં. આજ સાંજે તો સિહોર પહોંચવું જ જોઇએ. અહીંથી કેટલું દૂર ? પણ મને ખાત્રી છે કે મારા ભક્તોના ભક્તિબળથી અને તમારી જેવા નિસ્વાર્થ ભગવદ્દીઓની પ્રેમ દ્રષ્ટિથી હું પહોંચીશજ. અને ભક્તિરસમાં જેનું હ્રદય રેલમછેલ છે એવાં પ્રેમઘેલા મેઘાજીને જરુર મળીશ માટે હવે જલ્દી રથની તૈયારી કરો.
મોરારદાસ કહેવા લાગ્યા, પ્રભુ હું તો રંક છું, જીવ છું, દોષથી ભરેલો છું, મારું શું ગજું ? આપતો સચરાચર વ્યાપી છો. ત્રણે ભુવનના નાથ છો, આપનાથી અન્ય કશું જ નથી, આપથી શું અજાણ્યું છે ? આપને ક્યું કાર્ય અશક્ય છે ? કૃપાનિધાન આપ સર્વ કરવા સમર્થ છો. નેનના પલકારા માત્રમાં ચાહો તેટલું કરી શકો છો, કે જ્યાં મારા જેવા પતંગીયાની દ્રષ્ટિ પણ ન પહોંચી શકે. એટલું કહી ચરણસ્પર્શ કરી, હર્ષાશ્રુથી ટપકતે નેત્રે દીન થઇ મોરારદાસ તથા પ્રભુશ્રી રથમાં બેસી મેઘાજીની સહાય કરવા રવાના થયા.
લાવણી.
થઇ રથે સ્વાર સત્વર પ્રભુ ત્યાંથી ચાલ્યા,
વિનંતિ સ્વિકારી દાસીની, સહુ તજી તુરંત પરવાર્યા;
મોરાર સાથ પ્રભુ સિહોર ગામ પધાર્યા,
એક દિવસ માંહી આવી, સહુ કાર્ય સુધાર્યા;
પાદરની માંહ્ય રોકાય રઘુસુત આવી,
મોરાર ગામમાં જાય, કહેવા પધારી સ્વારી.
પ્રભુશ્રી ગોપાલલાલ રથમાં બિરાજ્યા છે અને મોરારદાસ રથ હાંકે છે. કેટલેક જતાં મોરારદાસને એક્દમ નિંદ્રા આવવા લાગી, તેથી પ્રભુ કહે મોરારદાસ તમે ઘણાજ થાકી ગયા છો અને ઘણા દિવસથી નિંદ્રા પણ પૂરી કરી નથી તેથી તમોને રથ હાંકતા નિંદ્રા આવે છે. આ પ્રમાણે રથ ચાલે તો આપણે ક્યારે પહોંચીએ માટે તમો રથમાં આવી સુખેથી નિંદ્રા લ્યો અને લાવો હું રથ હાંકવા બેસું. મોરારદાસ જાણતાં હતા કે પ્રભુઇચ્છાથી જ દરેક કાર્ય બને છે. માટે બીજી કાંઇ વાત નહીં કરતાં રથમાં આવીને સુતા અને શ્રીઠાકોરજી રથ હાંકવા બેઠા.
મોરારદાસ સુતા કે તરત નિંદ્રાને આધીન બની ગયા અને પ્રભુએ અંતરિક્ષ રીતે રથ લાવી સુરકાના વનમાં ઉભો રાખ્યો અને મોરારદાસને જગાડી કહેવા લાગ્યા, મોરારદાસ ઉઠો અને જુઓ તો આ ક્યું ગામ આવ્યું ! મોરારદાસ એકદમ ઉઠી જુએ તો સુરકાનું વન ભાળ્યું તેથી કહેવા લાગ્યા- ‘પ્રભુ અકળીત શક્તિ તમારી’ તેનો પાર કોણ પામી શકે ? પોતે ઉઠી દંડવત કરી રથ હાંકવા બેઠા અને શ્રીગોપાલલાલ રથમાં બેઠા. સીહોરના પાદરમાં રથ ઉભો રાખી મોરારદાસ વધામણી આપવા માટે ગામમાં ગયા.
ક્રમશ: …
(“શ્રી ગુણમાલ ભક્તમાલ” માંથી )
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||
Leave a Reply