|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. ||
આજે ચૈત્ર સુદ ચતુરાદશી ના રોજ પ.ભ.વલ્લભભાઇ ઇટાળીયા ની આજ્ઞા થી આપ સર્વે વૈષ્ણવો ની સેવા માં ભગવદ ઇચ્છા સમજી આ બ્લોગ સ્ટાર્ટ કરુ છુ. અને વલ્લભભાઇ ની જ આજ્ઞા થી આજ ચતુરાદશી હોવા થી સર્વપ્રથમ પ્રબોધિનિ નું પદ મથુરાનગરી ના માંડવા થી આ બ્લોગ ની શરુઆત કરુ છુ.
મથુરા તે નગરી નો માંડવો, ગોકુળ ગઢ ની જાન ||
કુંવર પરણે શ્રી ગોપાલ ના, બીડલા આપે પાન. ||1.||
- શ્રીમદ ગોકુળ થી શ્રી ગોપાલલાલ ના કુંવર શ્રી ગોપેન્દ્રલાલ પરણવા માટે માટે મથુરા નગરી માં જાન લઇ પધાર્યા છે, જાનૈયા ને પાન અપાય રહ્યા છે.
જાનૈયા વર છે અતિભલા, શ્રીગોપેન્દ્રજી ગુણ જાણ ||
ફેરણ ફેરી ફરહરે , નવરંગ ઘોડે નિશાણ. ||2.||
- શ્રી ગોપેન્દ્રજી અનેક ગુણો થી યુક્ત કોમલ,મનમનોરથ પુરક છે.શ્રી ગોપેન્દ્રજી સુંદર ઘોડા પર સવાર થયા છે અને વરયાત્રા મથુરાનગરી માં ફરી રહી છે.
તોરણે આવ્યા મારો સાહેબો, શોભા કહી નવ જાય ||
મુસકતે ગત માલતી, માનુની મંગલ ગાય. ||3.||
- વરયાત્રા મંડપ તળે પધારી છે. આ સમયે શ્રી ગોપેન્દ્રલાલ ની શોભા વર્ણી ના શકાય એવી અદભુત છે. માનુનીઓ આ સુંદર સ્વરૂપ નિહાળી હરખાઇ ને મંગલ ગીતો ગાય છે.
સાસુ તે પોંખે પ્રેમશું, હૈયામાં હેત ન માય ||
થાળ ભર્યો મુક્તાફળે, વધાવ્યા વ્રજનોરાય.||4.||
- સાસુ એ શ્રી ગોપેન્દ્રજી ને પ્રેમપૂર્વક પોંખી માયરા માં પધરાવ્યા છે અને મોતીઓ થી વ્રજ ના રાય શ્રી ગોપેન્દ્રજી ને વધાવ્યા છે.
માયરે આવ્યાં મલપતાં, શ્રી ગોપેન્દ્રજી ગુણ જાણ ||
હાથ મેળાવો ભલે હવો, પરણે શ્રી ગોપેન્દ્રલાલ.||5.||
- શ્રી ગોપેન્દ્રજી અનેક ગુણો થી યુક્ત છે જે મુખ ના હાસ્ય થી માયરે આવ્યા છે. શ્રી ગોપેન્દ્રજી આપ શ્રી સ્વામિનીજી સાથે હાથ મેળાવો.
ચતુરા એ ચોરી ચિતરી, વરત્યા તે મંગલ ચાર ||
જમણે તે વહુ જામ્બુવંતી, આરોગ્યા કંસાર. ||6.||
- બ્રહ્મા એ ચોરી ચિતરી- ચોરી માં પધરાવ્યા છે. આ સમયે મંગલ ગીત નું ગાન થઇ રહ્યુ છે.શ્રી જામ્બુવંતી વહુજી ને શ્રી ગોપેન્દ્રલાલ કંસાર આરોગાવે છે.
માગદ જન ત્યાં બહુ મળ્યા, હીરા હેમ તે આપે દાન ||
દાન આપે શ્રીગોપાલજી, માગદ પામ્યા માન. ||7.||
- શ્રી ગોપેન્દ્રજી ના લગ્નપ્રસંગે ઘણા માગદો દાન મેળવવા એકત્રિત થયા છે. આ સમયે શ્રી ગોપાલલાલ હરખાય ને સોના-હિરા ના દાન આપી રહ્યા છે.
જાંગી ઘોડે ઘમ ઘમ્યા, પરણી આવ્યા શ્રી ગોપેન્દ્રલાલ ||
ગાયે ચારણ કાનદાસીયો, વાલાજી એ કીધો નીહાલ. ||8.||
- જહાંગીર રાજા ના ઘોડા ઉપર શ્રી ગોપેન્દ્રલાલ પરણી ને આવ્યા છે. આ વિવાહ ના પદ ચારણ કાનદાસજી ગાય ને કહે છે કે શ્રી ગોપેન્દ્રલાલ એ કૃપા કરી યુગલ સ્વરૂપ ના દર્શન આપી મને ધન્ય કર્યો છે.
અમૃતરસ ચિંતામણિ ગ્રંથ માંથી આ પદ અહીં પ્રગટ કરતા ધન્યતા અનુભવુ છુ. જો કોઈ ક્ષતિ રહી હોય તો આપનો સેવક સમજી માફ કરવા વિનંતી.
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ ||
– આપનો દાસ, હાર્દિક ગાદોયા
Leave a Reply