|| શ્રી ગોપાલો જયતે ||

કસીયાભાઇ રાજગરના વંશજ ખેમદાસે નામાચરણ કુશળદાસ નામથી અસંખ્ય પદોની રચના કરી છે. જે મૂળ ઉખરલાના નિવાસી હતા, પછી ભાવનગરમાં સમય જતા રહેલ.

જાને શરણે ગોપાલને, તારા દુક્રીત થાશે દુર ||
આવ્યો અવસર સંભાળને, મનખ્યો એળેરે જાય.||1||

 હે વેષ્ણવો ! તમે શ્રીગોપાલલાલના શરણે જાવ, કળીયુગમાં શ્રીગોપાલલાલ સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપ થી પ્રગટ્યા છે. જે જીવ તેમનું શરણ લેશે તેમનાં ત્રણેય પ્રકારનાં દુ:ખ- આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક દૂર થશે, સંતાપ રહેશે નહિ તેવું દ્રઢતાથી કુશળદાસ કહે છે. આ મનુષ્ય જન્મ વારંવાર નહિ મળે. પ્રગટ પુરૂષોત્તમની સેવાનો અવસર, મોકો અત્યારે કલિયુગમાં મળ્યો છે, જો આ સમયે શરણ નહિં લઇએ તો મનુષ્ય જન્મ વેડફાઇ જશે. આ તો કોઇપણ સાધન વિના શરણાગતિ સફળ કરવાનો મોકો છે.

ત્રણ સરી માળા કંઠે ધરી, છુટું તિલક લલાટ ||
રસબસ રાખો કંઠે ડોલરી, ઉરના પડળ ઉઘાડ.||2||

પ્રભુશ્રી ગોપાલલાલે સં.1692માં ઉખરલામાં પોતાની સૃષ્ટિ પોતાની ઓળખથી ન્યારી કરી. ધ્રાંઠની ઉત્પતિ, મહિમા, સૃષ્ટિના મંડાણનું, ગોલોક્ધામમાંથી અમૃતકુંભથી વર્ણન કર્યુ. જેમ બ્રાહ્મણ યજ્ઞોપવિતથી દ્વિજ થાય તેમ શરણાગત જીવ ત્રણસરી માળાથી વૈષ્ણવ થાય. કપોલમાં શ્રીયમુનાજીના તટની ભાવનાથી ઉભું છુટું તિલક કરવાનું છે, હ્રદય પર હંમેશા આ માળા ધારણ કરવાની છે જેનાથી જીવના જે અનંત જન્મો છે, સંસ્કારો છે તે ખીલીને- પોતાનું અને મારાપણાનો જે ભાવ છે તે પ્રભુશ્રી ગોપાલલાલના ચરણ-શરણમાં મૂકવાનો છે.

અન્ય દેવની રે ઉપાસના, મહિષી સુતનું દૂધ || 
માખણ પીંડો નહિ ઉતરે, ફોગટ નવ કરીએ જુધ.||3||

સાક્ષાત પૂર્ણ પુષ્ટિ પુરૂષોત્તમ સ્વરૂપ પ્રભુશ્રી ગોપાલલાલ છે. આ સ્વરૂપમાંથી જ અન્ય સર્વ દેવ દેવી ઉપજયા છે. જે સર્વ સાધન સાધ્ય છે અને લૌકિક ઇચ્છાઓ પૂરી કરનાર છે. વધુમાં વધુ તો મુકિત અથવા મોક્ષ અથવા ગણિતાનંદ આપી શકે, પણ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ સાથે રાસ વિહાર ન થઇ શકે. જેમ ભેંસના પુત્ર પાડાને દોવાથી દૂધ ન મળે તથા માખણ ન થાય, અને માખણમાંથી રસરૂપ ઘી ન થાય તેમ અન્ય દેવની ઉપાસનાથી સાક્ષાત ગોલોકધામની પ્રાપ્તિ ન થાય. શ્રીગોપાલલાલના શરણ સિવાય જે કાંઇ કરીયે તે નકામી મહેનત જ છે, માટે શ્રીગોપાલલાલનું શરણ સ્વીકારીએ.

દેવ માગદમાં શું માગવું, જયાં છે ભિક્ષા નો ભોગ ||
પુરષોતમ છે પૂરણતા, ત્યાં અતીરે આનંદ ના ઓધ.||4||

શ્રીઠાકોરજીએ અનેક દેવો બ્રહ્મા, ઇન્દ્ર, શિવ પ્રગટ કર્યા છે. ઇશ્વરની કીર્તિ ગાનાર માગદજનો પણ પ્રગટ કર્યા છે. શિવજીનો વેશ જ જોગીનો છે. તો આ દેવો કે જેની શક્તિ જ પૂર્ણ બ્રહ્મ પાસેથી આવી છે તેમની પાસે શું માંગવું ? આ દેવો રાસરસિક શ્રીગોપીજનોનો આનંદ થોડો આપી શકે ? જે સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપથી ગોલોકધામમાંથી આશ્રિતજનોને સેવાના- રાસના સુખ આપવા પ્રાગટય લીધું છે, તેમના શરણથી જ આ આનંદ મળી શકે માટે શ્રીગોપાલલાલનું શરણ સ્વીકારીએ.

ફોગટ કાં ખાંડસ કુશકા, કણ ની પ્રાપત નહી થાય ||
ચતુરાઈ કરતા ચોળે પડે, આયુષ્ય ઓછેરી થાય.||5||

કોઇપણ વનસ્પતિનાં છોડને ખાંડવાથી કણની પ્રાપ્તિ ન થાય પણ છોડમાંથી જે ડાંગર નિપજે તેમાંથી કણની પ્રાપ્તિ થાય. કુશળદાસ આના આધારે કહે છે કે મનુષ્ય દેહ દુર્લભ છે. તમારી જાતને હોંશિયાર માનવાથી – દેહના અભિમાનથી હું કંઇક જાણું છું, હું જ કરી શકું તેવા અભિમાનથી જીવનનો સમય વ્યતીત થાય છે. માટે વૈષ્ણવો ! આવા ખોટા વિચારોમાં તમારૂં જીવન પસાર ન કરશો. વિતેલો સમય પાછો આવતો નથી, કાળ અચાનક જ આવશે. માટે શ્રીગોપાલલાલનું શરણ સ્વીકારીએ.

કાંણી કોડી તુ કાં ગ્રહે, આગળ વસમી છે વાટ ||
ચિંતામણિ લે તું હાથમાં, ભાંગશે ભવ નો ઉચાટ.||6||

કોડીનું મૂલ્ય ખરેખર નહિવંત જ હોય અને તેમાંય કાણી કોડીનું મૂલ્ય તો બિલકુલ ન હોય. રસ્તામાં જડતા મૂલ્ય હોય તો લેવાય પણ મૂલ્યવાન વસ્તુ ન હોય તો શું લેવાય ? આ દ્વારા કુશળદાસ કહે છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે. મનુષ્ય જન્મમાં મૂલ્યવાન વસ્તુ ભગવદ્દનામ છે. જે જીવ આ ચિંતામણિ (ઇચ્છિત વસ્તુ આપનાર) એવા શ્રીગોપાલનું શરણમંત્ર સ્વીકારશે તેમને વારંવાર જન્મવું નહિ પડે, સાક્ષાત ગોલોક્ધામની પ્રાપ્તિ થશે.

વેળું શું પીલશ વેવલા, ખોટો છે સર્વે ખેલ ||
પ્રભુ વિના સર્વે છે પાંપળા, તલ વિના નહિ નિકસે તેલ.||7||

રસદાર વસ્તુમાંથી રસ નિકળે પણ ઢંગધડા વિનાની વસ્તુમાંથી શું રસ નિકળે ? આ વસ્તુ નિરર્થક છે. તેમ મનુષ્ય જન્મમાં સાક્ષાત પૂર્ણ બ્રહ્મની શરણાગતિથી ગોલોકધામની પ્રાપ્તિ થાય. આ સિવાય અન્ય સર્વથી વ્યર્થ છે. જેમ તલમાંથી તેલની પ્રાપત થાય તેમ શ્રીગોપાલલાલની શરણાગતિથી જ સાક્ષાત ગોલોકધામ મળશે.

વળી જોજે એક વૃક્ષ ને, ડાળ્યુ લાગી અનેક ||
ડાળ્યુ સિંચે ફળ નહિ મળે, કારણ મૂળ માં વિશેષ.||8||

કુશળદાસ આપણને વૃક્ષના ઉદાહરણથી સમજાવે છે કે વૃક્ષને ડાળીઓ અનેક હોય પણ ડાળીઓને જલ પાવાથી ફળ ન મળે, કારણ કે મૂળને જલ મળે તો આખું વૃક્ષ ફૂલે ફ્લે, તેમ અનેક દેવ દેવી છે તેમની શરણાગતિથી ગોલોકધામની પ્રાપ્તિ ન થાય. પણ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પ્રભુશ્રી ગોપાલલાલની શરણાગતિથી રાસાદિક લીલાની પ્રાપ્તિ થાય.

યણ શ્રવણ ને નાસિકા, કર્મ ઈન્દ્રીય છે પાંચ ||
મુખનું કારજ કોઇ નવ કરે, મુખ છે સર્વે ની ચાંચ.||9||

આ દેહમાં પાંચ ઇંદ્રિયથી કાર્ય થાય છે. તેમાં મુખ્ય નેત્રો, કાન, નાક દ્વારા કાર્ય થાય છે. નેત્રો સારૂં જોવે છે. કાન સારૂં સાંભળે, નાસિકા સુંદર સુગંધ લે તો સર્વ શ્રેય થાય. તેમ મુખ દ્વારા ભગવદ્ ગુણગાન કરીએ એ આ સર્વ ઇંદ્રિયમાં શ્રેષ્ઠ છે. જેમ પક્ષી ચાંચથી આહાર લે તો દેહ પોષાય, તેમ ભગવદ્ ગુણગાનથી રોમરોમ ભગવદ્ સ્વરૂપમય રહે.

પશ્ચિમ ચાલ્યે નવ સરે, પૂર્વ દિશાના જે કામ ||
અન્ય દેવની રે ઉપાસના, નહિ મળે રે પુરુષોતમ ધામ.||10||

કુશળદાસ આ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે આપણે જે દિશાનું કામ હોય તે જ દિશામાં જાવું જોઇએ. એ સિવાયની દિશામાં જઇએ તો નિયત સ્થળે ન પહોંચાય. તેમ આપણે તો સાક્ષાત પુરૂષોત્તમધામની પ્રાપ્તિ કરવી હોય તો તેમના સ્વામિ શ્રીગોપાલલાલનું શરણ ગ્રહણ કરવું જોઇએ. અન્ય દેવની ઉપાસનાથી ગોલોકધામની પ્રાપ્તિ ન થાય.

ભુખ નહિ ભાંગેરે પાણીએ, તૃષ્ણા છીપે નહિ અન્ન||
ભવ જળ તરે નહિ ભકિત વિના, સમજણ કરી લે તું મન.||11||

ભૂખ લાગે અને ગમે તેટલું પાણી પીઇએ તો ભૂખ મટે નહિં તેમજ પાણીની તરસ લાગી હોય અને જમવાનું આપે તો તરસ મટે નહિં. તે જ રીતે મનુષ્ય જન્મ મળ્યો છે તે પ્રભુશ્રી ગોપાલલાલની ભક્તિ કરવાથી, સેવા કરવાથી, સત્સંગ કરવાથી આ ભવસાગર પાર કરાય. હે મન ! તું બરોબર સમજી લેજે, અન્ય સાધનથી ભવસાગર પાર નહિ થઇ શકે.

તારા મંડલ રવિ ચંદ્રમાં, મેરુ ચક્રશિશુમાર ||
ત્રિભોવન પાલક શ્રીગોપાલજી, ગૌલોક ના જે છે આધાર.||12||

આ સમગ્ર બ્રહ્માંડમાં, આકાશમાં તારાઓ, સૂર્ય, ચંદ્ર તેમજ જલચર પ્રાણીઓ પ્રભુએ આ પૃથ્વીનું રક્ષણ તેમનાથી કર્યુ છે. ત્રણેય ભુવન, સ્વર્ગલોક, પાતાલલોક તથા પૃથ્વીલોક સર્વનું પાલન-રક્ષણ સાક્ષાત ગોલોકધામમાં બિરાજતાં પ્રભુશ્રી ગોપાલલાલ કરી રહયા છે. તો શરણાગત જીવનું શ્રેય શરણથી થાશે જ.

વ્યોમ વસુધાની વાડીમાં, સમુદ્ર પર્વત પાતાલ ||
કોટિક બ્રહ્માંડ રોમાવલી, અંતરજામી પ્રતિપાલ.||13||

આ પૃથ્વીલોકમાં અનેક સમુદ્ર-પર્વત-પાતાલ, આ સર્વ અનંત બ્રહ્માંડમાં અનંત વસ્તુઓ શ્રીગોપાલલાલના રોમરોમમાંથી ઇચ્છામાત્રથી પ્રગટ થાય છે. આ પ્રભુ પોતાના ભકતના હ્રદયની ભાવના જાણવાવાળા છે. શરણાગત રક્ષક છે. માત્ર જીવે શરણાગતિ રાખવાની છે. અનન્ય આશ્રય રાખવાનો છે.

કયાંથી આવ્યો તું કોણ છે, કયાં જઈશ નિરધાર ||
કોણ ધર્મ ને તું અનુસરે, મુરખ મનમાં વિચાર.||14||

૫.ભ.કુશળદાસ આપણે કયા ખાતાના જીવ છીએ તે યાદ અપાવે છે. તમે નિત્ય સેવા-રાસના સુખ માટે ગોલોકધામમાંથી ભૂતલ પર આવ્યા છો, તે ખાસ યાદ રાખવાનું છે. હવે તો ભક્તિ નહિં કરીએ તો કયાં જઇશું ? શું આપણને મોક્ષ જોઇએ છે ? સાધન સંપત્તિ જોઇએ છે ? મુક્તિ જોઇએ છે ? બ્રહ્મમાં લીન થવું છે ? આ બધાય સાધન સાધ્ય રૂપો છે. હે મન ! તું જરા વિચાર કર કે તું કયા ધર્મને અનુસરે છે ? જે કંઇ કરી રહયા છીએ તેનાથી ગોલોકધામની પ્રાપ્તિ થાશે ? મુરખ ! જરા વિચાર કર – કલિયુગમાં પ્રભુશ્રી ગોપાલલાલ પ્રગટ્યા છે, એમનું શરણ સ્વીકાર કર.

માત પિતા સુત બાંધવો, પત્ની ને પરિવાર ||
સજજન કુટુંબ સહુ સ્વારથી, અંતે સર્વે અળગાય.| |15||

પરિવારમાં માતા-પિતા-પતિ-પુત્ર-ભાઇ-કુટુંબ સર્વ સ્નેહીજનો સર્વનો સ્વાર્થના કારણે સંબંધ છે. જયારે આ દેહમાંથી પરમ તત્વ અલગ થાય ત્યારે સર્વ સગાઇ પૂરી થાય છે. જયાં સુધી સંસારમાં સ્વાર્થ હશે ત્યાં સુધી સર્વ બોલાવશે, પછી તું કોણ અને હું કોણ. દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન આ વ્યવહાર બરોબર જાણે છે. તો આ માટે આપણે ચેતીને, સાક્ષાત પૂર્ણ બ્રહ્મ શ્રીગોપાલલાલ પ્રગટ્યા છે તો તેમનું શરણ ગ્રહીને, ભક્તિ કરી પરમધામની પ્રાપ્તિ ન કરીએ ?

મૃગ તૃષ્ણા જેમ જાંજવા, આઘા જઇ ને અથડાય ||
પામર જઈને પાછા વળે, મન તું માણસ કહેવાય.||16||

રસ્તે જયારે જતા હોઇએ ત્યારે તરસ લાગવાથી રસ્તામાં પાણી છે તેવો આભાસ થાય. આથી મુસાફર તે દિશામાં ચાલે, પણ જેમ જેમ નજીક આવે ત્યારે ત્યાં કંઇ ન હોય. આથી દૂર જઇને પણ કાંઇ પ્રાપ્ત ન થાય, આને માણસ કહેવાય, જે જાણવા છતાં તે તરફ્ જાય છે. આનાં ઉદાહરણ દ્વારા કુશળદાસ જણાવે છે કે જે વસ્તુ નથી છતાં લાગે છે તેને મેળવવા માણસ અનેક પ્રયત્ન કરે છે તે વ્યર્થ જાય છે. તેથી, હે મન ! તું દુનિયાની નાશવંત વસ્તુમાં તારૂં મન ન રાખ. સાક્ષાત ગોલોકપતિ પ્રભુશ્રી ગોપાલલાલ પ્રગટયા છે તેમનું શરણ તું સ્વીકાર.

ગોકુલપતિશું રે ગોઠડી, કરી લે મુરખ અજાણ ||
મનના મનોરથ પુરશે, મુરખ લેને તું લાણ.||17||

ગોકુલના સ્વામિ, ઇંદ્રિયોના સ્વામિ, વ્રજેશ્વર, વ્રજપતિનું અજ્ઞાનતામાં, અજાણતામાં પણ શરણ સ્વીકારીશ તો પણ હે મન ! તારી સર્વ ઇચ્છાઓ- દ્વાપરના રાસ-સેવાના મન મનોરથ પૂર્ણ કરશે. આ લાભ મનુષ્ય દેહ તરીકે જ મળશે માટે હે મન ! તું શ્રીગોપાલલાલનું શરણ સ્વીકાર.

જલ સ્નેહી જેમ મીન છે, ચંદ્રમા ને ચકોર ||
દિપક પ્રત્યે પતંગ છે, જલધર સાથે જેમ મોર.||18||

હવે કુશળદાસ વિવિધ ઉદાહરણ દ્વારા જેને જેમની સાથે સહજ જ સ્નેહ છે તેમના દ્વારા આપણને પ્રભુશ્રી ગોપાલલાલ સાથે સહજ સ્નેહ રાખશું તો ચોક્કસ સ્વરૂપનો અનુભવ થાશે તેમ જણાવે છે. માછલી પાણી વગર રહી ન શકે, ચકોર પક્ષી ચંદ્ર વગર ન રહે, પતંગીયાને દીપક પ્રત્યે સ્નેહ છે, મોરને વરસાદથી સ્નેહ છે. આ બધા ઉદાહરણો ઉચ્ચતમ સ્નેહનાં છે, તેવો સ્નેહ પ્રભુશ્રી ગોપાલલાલમાં કેળવવાનો છે.

બાપૈયા રસ ના રટે, પિયું પિયું કરતો પોકાર ||
જલ સ્થલ ઝાઝુ ઇચ્છે નહિ, સ્વાત જલશું વહેવાર .||19||

સાગરમાં અગાધ જલ છે, સરોવરમાં, નદીમાં, તળાવમાં અપાર જલ છે. પણ બપૈયા વર્ષાઋતુમાં જ પિયુ પિયુ કહી વર્ષાને પોકારે છે અને સ્વાતિ નક્ષત્રમાં વર્ષા વરસે તો જ તે જલનું પાન કરે છે. પ્રભુ આ જીવનો મનોરથ સ્વાતિ નક્ષત્રમાં વર્ષા વરસાવી પૂરે છે. આમ શરણાગત જીવ એક જ આશ્રય રાખે તો ચોક્કસ પણે પ્રભુશ્રી ગોપાલલાલ તેમના મનમનોરથ પૂરે, વિશ્વાસ હોવો જરૂરી છે.

ખારા જલ નો જીવડો, નામ ધર્યું છે છિપ||
સાચો પરસ એક સ્વાતનો, વસવું સાગર સમીપ.||20||

છીપ સાગરમાં રહે છે, સમગ્ર પાણી ખારૂં છે. છતાં છીપ આ જલનું પાન કરતું નથી. જયારે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસે ત્યારે તે ગ્રહણ કરી સાચા મોતી પકવે છે. આ જલચર પ્રાણીને પણ દ્રઢ વિશ્વાસ છે કે સ્વાત્તિ નક્ષત્રમાં વરસાદ વરસે જ. માટે કુશળદાસ કહે છે, આ વિશ્વાસથી શ્રીઠાકુરજીને સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસાવવો પડે છે. તો સંસાર સાગરમાં આપણે અનન્યતાથી શરણ સ્વીકારીએ તો પ્રભુ આપણને ગોલોકધામની પ્રાપ્તિ ચોક્કસ કરાવે.

મધુકર છાંડે નહિ માલતી, કેસરી ભરખે નહિ ઘાસ ||
હંસો જુવારી ભરખે નહી, દ્રઢ મન રાખે વિશ્વાસ.||21||

ભ્રમર રસનું પાન કરવા ફૂલમાં બીડાઇ જાય, સિંહ ભૂખ્યો હોય-શિકાર ન મળે તો પણ ઘાંસ ન ખાય, તેવી જ રીતે હંસ સાચા મોતીનો જ ચારો ચરે, તે જુવાર ન ખાય. આ બધાને વિશ્વાસ છે કે પ્રભુએ અમારા માટે વિચારી જ રાખ્યું હશે. આ પશુ-પક્ષીને પણ વિશ્વાસ છે, જયારે આપણે તો મનુષ્ય છીએ. તેમને એક ઇંદ્રિય જ્ઞાન હોવા છતાં વિશ્વાસ છે, જયારે આપણે તો અનંત શક્તિઓથી પૂરા જાણકાર છીએ, તો શું પ્રભુશ્રી ગોપાલલાલમાં દ્રઢ વિશ્વાસ રાખશું તો આપણું ભરણ-પોષણ નહિં થાય ? આ દ્રષ્ટાંત દ્વારા આપણે દ્રઢ વિશ્વાસ રાખી શરણ ગ્રહીએ.

વેલો વળગ્યો જેમ વૃક્ષ ને, ઉરઝયો સુરઝયો નવ થાય ||
એવી દ્રઢતા મન જો રહે, વ્હાલો વેગે વશ થાય.||22||

વૃક્ષ પાસે વેલો ઉગે તો તે વૃક્ષથી વીંટ્ળાઇને ઉપર ચડે છે. કોઇપણ કારણસર સુકાઇ જાય તો પણ તે વૃક્ષથી અલગ નથી થતો. તો જે જીવ આવી દ્રઢત્તા પ્રભુશ્રી ગોપાલલાલમાં રાખે, પોતાના જીવનકાળ દરમ્યાન સુખ દુ:ખ કે અનેક મુસીબતો આવે તો પણ પ્રભુશ્રી ગોપાલલાલ પર વિશ્વાસ રાખે તો નિશ્ચીંતપણે પ્રભુ ઉગારે છે.

હાલર પંખી ના હાથમાં, આવી જયેષ્ટિકા જેમ ||
અધક્ષણું અળગી નવ કરે, એવો ધરજે તું પ્રેમ.||23||

હાલર પંખીના હાથમાં લાકડું આપો તો જીવનકાળ દરમ્યાન તે લાકડું પોતાના હાથથી અલગ કરતું નથી. કુશળદાસ આ દ્રષ્ટાંત દ્વારા કહે છે કે હે વૈષ્ણવો ! તમે એક વિશ્વાસથી જીવનકાળ દરમ્યાન પ્રભુશ્રી ગોપાલલાલનું શરણ રાખજો.

કહે કુશળ તજી કુટીલતા, કર રઘુનંદનશું સ્નેહ ||
આખર આવી છે અંગમાં, પડતો થઈ જાશે ખેહ.||24||

હે જીવ ! તારામાં જે કુટિલતા છે, અહમ છે, જ્ઞાનનો ગર્વ છે, દેહનું-ધનનું અભિમાન છે, રૂપનું અભિમાન છે, તે સર્વ તારી બુરાઇનો તું ત્યાગ કર અને રઘુનંદન કહેતા પ્રભુશ્રી ગોપાલલાલમાં અનન્ય સ્નેહ રાખ. જો તું સમયસર ચેતીશ નહિં તો આ દેહ તો ક્ષણભંગુર છે, કયારે પડી જાશે અને રાખમાં મળી જાશે તેની ખબર નહિ રહે.

કુશળ પચ્ચીસી જે ગાય, કુશળ સમજણ સમજાય ||
કુશળ ભકિત ફળ ભાવશે, કુશળ ભાવે કરી ગાય.||25||

અંતિમ કડીમાં કુશળદાસ ઉપરના બધા દ્રષ્ટાંત દ્વારા જે સમજાવ્યું તેનું ફળ કહે છે. જે શરણાગત જીવ આ પચ્ચીસ કડી ગાશે, જે વસ્તુ જીવના હિત માટે સમજાવી છે, તે સમજણ જો સમજાશે તો કુશળદાસ કહે છે તે જીવને ભક્તિરૂપી ફળ સાક્ષાત પ્રભુશ્રી ગોપાલલાલની પ્રાપ્તિ થશે. કુશળદાસજીએ આ કડીઓ ભાવથી ગાય છે, સમજણથી સમજયા છે તે આપણને કિર્તન દ્વારા વ્યકત કરે છે. તો આ ભાવરૂપી સમજણને આપણે સમજીએ.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ || 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here