|| કસીયાભાઇ રાજગરની વાર્તા (ભાગ-1) ||

0
173

 

|| શ્રી ગોપાલો જયતે ||

અનુભવી જન વ્રજ ઇશ, શ્રીજી સનમુખ સાચે,
બ્રજ કીયે બેર બત્તીસ રસીક પદાંબુજ રાચે;
ગોકુલ જનમ ગોપાલ, નિજ તન કેસર નાવે,
મુખ કસીયા મોરાર, એહી સમે ચલી આવે;
પ્રભુ પ્રકટ સંગ પ્રીતસોં, રંગ ભર ખેલે રાસ,
ગોહેલ ઘર રસ રીતસોં, દરસે અનન્ય દાસ.

ઉખરલા ગામ નિવાસી કસીયાભાઇ મોઢ બ્રાહ્મણ હતા. સંવત 1666 માં તેઓ શ્રીગોપાલલાલના સેવક થયા હતા. જ્યારથી નામ નિવેદન પામ્યા ત્યારથી પ્રભુશ્રી ગોપાલલાલના જન્મોત્સવ ઉપર આપ ગોકુલ જતા અને સાક્ષાત વ્રજ ના ઇશ એવા શ્રી ગોપાલલાલજીને કેસરીસ્નાન કરાવતા અને આપશ્રી પણ જ્યારે કસીયાભાઇ આવે ત્યારેજ કેસરીસ્નાન કરતા. કસીયાભાઇને શ્રીઠાકોરજી ઉપર એટલી બધી અનીનતા હતી કે અષ્ટપ્રહર સેવામાં નિમગ્ન રહેતા.

શ્રાવણ વદ્દી છઠ્ઠના દીવસે કેસરીસ્નાન થાય તે વખતે મુખ્ય કસીયાભાઇ અને મોરારદાસ ત્યાં આવે અને પ્રકટ પ્રભુ સાથે પ્રીતથી રંગભર રાસ ખેલે એ મુજબ ગોહેલવાડમાં અનીનદાસપણું બતાવી ઘરે ઘરે રસરીત દર્શાવી.

થયા છે પાછા તૈયાર વ્રજમાં જાવા, કસીયો પ્રભુ ગુણ ગાવા…થયા છે.
શક્તિ નથી તનમાં જરી એને, કેમ પહોંચે પછી પાળા,
ઉભરો અંતરમાંહે આવે, ગોકુલપતિને લડાવા… થયા છે.

જન સહુ રોકે આપી સમજણ, શ્રમ ન કરો હવે બાપા,
અધવચમાં રહી જાશો ત્યારે, કોણ કરશે રખવાળા…થયા છે.

તન ધ્રુજે છે, નવ સુજે છે, ત્યાં પહોંચશો કેમ પ્યારા,
હઠ છોડી ઘરે પ્રભુ સેવો, એ પ્રભુ છે બીરદવાળા…થયા છે.

કસીયાભાઇ ગામના ગોહેલ રાજાના પુરોહીત હતા. રાજ્યમાં બહુ સારુ માન હતું. તેણે વ્રજમાં જઇ પ્રભુશ્રી ગોપાલલાલજીને એકત્રીશ વખત કેસરીસ્નાન કરાવ્યા. જ્યારે તે વ્રજમાં જતા ત્યારે ઘરનું કામકાજ ભત્રીજો ચલાવતો હતો. પોતાની ઉંમર સીતેર વર્ષની થઇ છતાં જરી પણ ભાવમાં ફેર ન પડ્યો અને બત્રીશમી વખત જવા તૈયાર થયા. શરીરમાં જરી પણ શક્તિ નથી તે પગે ચાલી કેમ પહોંચી શકે ? પણ શ્રીઠાકોરજીને લડાવવા માટે મનમાં બહુ ઉભરો આવે છે. બધા માણસો સમજાવવા લાગ્યા કે બાપા ! હવે શ્રમ કરોમાં, કદાચ અધવચમાં રહી જશો તો સંભાળ કોણ લેશે ? વળી તમારું શરીર ધ્રુજે છે, સુઝે છે પણ ઓછું, ત્યાં શી રીતે પહોંચી શકશો ? માટે હઠ છોડી ઘરમાં પ્રભુની સેવા કરો. પ્રભુ તો બીરદ પાળવા વાળા છે.

ગીતિ
એ હુંથી નહીં થાશે જરુર પ્રભુના ધામ જવું મ્હારે,
ચહાય પ્રભુ પહોંચાડે કે અધવચમાં મને મારે,
છે નક્કી ત્યાં જાવું ચિંતા એની પ્રભુ બધી ધારે,
જે એને સંભારે બધાં કષ્ટથી આવીને તારે.

કસીયાભાઇ કહેવા લાગ્યા, મારાથી એમ નહીં બને મારે તો જરુર પ્રભુનાં ધામ વ્રજમાં જવુ છે. ચ્હાય તો પ્રભુ મને પહોંચાડે કે અધવચમાં જ મારી દેહ પાડે, પણ મારે તો નક્કી ત્યાં જવુ જ છે. મારી બધી ચીંતા પ્રભુને છે, જે એને સંભારે છે તેને પ્રભુ બધાં કષ્ટોથી ઉગારે છે.

એમ કહી મનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી ઘર છોડી ચાલી નીકળ્યા.

જન્મોત્સવને માત્ર એકજ દીવસની વાર હતી. ઘણા જ ગામના વૈશ્નવો ગોકુલમાં આવી આનંદ કરતા હતા. પરંતુ કસીયાભાઇને હજી પાંચ સાત દીવસની મજલ હતી તે ક્યાંથી પહોંચી શકે ? મનમાં તો શ્રીઠાકોરજીના દર્શનની અભિલાષા છે. તેથી પ્રભુને આગલે દિવસે આંતર્નાદથી સંભારવા લાગ્યા.

માઢ.

વ્હાલા વ્રજના વાસી, હે અવીનાશી, સત્વર સહાય કરો,
સત્વર સહાય કરો કૃપાનિધી, વ્હારે તો વિચરો.
આપ વિના હું અધીર બન્યો છું, સુઝે ન કાંઇ ઉપાય,
કરુણાનિધી આવી સુધ લેશો, તોજ હુંથી પહોંચાય.

મને એક આશરો, નાથ ઉગારો, જેથી તમોને મળાય,
સાત દીવસનો પંથ અહીંથી, હુંથી કેમ અવાય.
તલસું છું તમ માટે પ્રભુ, પણ દીસે ન જરી ઉપાય,
હવે તો કર ધારો, પ્રેમે પધારો, વિનવું ગોકુલરાય.

હે અવિનાશી ! વ્રજના વાસી પ્રભુ સત્વર સહાય કરો, હે કૃપાળુ વ્હારે આવો. આપના વિના તો હું અધીરો બની ગયો છું. કોઇ ઉપાય સુઝતો નથી. હે કરુણાનિધી તમો આવીને સંભાળ લેશો તો જ મારાથી પહોંચાશે. મને એક તમારો જ આશરો છે પ્રભુ ઉગારો કે જેથી આપના દર્શન થાય. હજી મારે સાત દીવસનો રસ્તો છે, મારાથી કેમ આવી શકાય ? આપને માટે હું તલસી રહ્યો છું પણ કાંઇ ઉપાય દેખાતો નથી, હવે તો હાથ જાલો, પ્રેમથી પધારો પ્રભુ હું આપને વિનવું છું.

સાખી.

દિન આખો વિનવતાં કાઢ્યો બનીને આરતવાંન,
રાતે સંભારી પ્રભુ સુતા ને ધાર્યું ઝટ ધ્યાન,
હતા ઉંઘમાં ત્યાંથી શ્રીજી લાવ્યા યમુના તીરે,
પ્રાત થતાં દેખી સઘળું આ ચાલ્યા ધીરે ધીરે.

આખો દિવસ પ્રભુને વિનવતાં કાઢ્યો. મહાન આરતથી પ્રભુને સંભારીને સુતા. તે બાબત શ્રીઠાકોરજીએ ધ્યાનમાં લીધી. તે ઉંઘમાં હતા ત્યાંથી રાત્રીમાં જ યમુના નદીને કિનારે પહોંચ્યા. સવાર થતાં જાગીને આ બધું જોઇ આનંદ આનંદ થઇ ગયા અને ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા.

ખષ્ટિનો દિવસ આવ્યો. ત્યારે વૈશ્નવો કેસરી સ્નાન કરાવવા ચાહતા હતા. વખત થયો, વૈશ્નવ સહુ શ્રી ગોપાલલાલને કહેવા લાગ્યા, પ્રભુ કેસરીસ્નાનનો સમય વીતી જાય છે. હવે વિલંબ શા માટે કરવો જોઇએ ? આ વખતે ત્યાં નરશી ભટ્ટ, ગોપાલદાસ ભાઇ, રાઘવદાસ, કેશવદાસ, મોરારદાસ, જીવરાજભાઇ વિગેરે અષ્ટસખા તથા સોરઠના કેટલાક વૈશ્નવો હતા.વૈશ્નવો કેસરીસ્નાન માટે આતુર થઇ રહ્યા છે. ત્યારે શ્રીઠાકોરજી કહેવા લાગ્યા,કસીયો રાજગર ક્યાં છે? હું તેની માટે રાહ જોઇ રહ્યો છું. એકદમ જઇ તેને તેડી લાવો. વૈશ્નવો કહે છે પણ તે હશે ક્યાં ? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે જમુના તટ પર આવી ગયો જણાય છે. પ્રભુ આતુરતાથી ઝરુખા માંથી જોવે છે ત્યારે દૂરથી કસીયાભાઇ ચાલ્યા આવતા જણાય છે.

હારદેવા – રાગ

ધરી આશ ને હુલ્લાસ પાસ આવી ગયો, પ્રભુએ ચાહ્યો, જાય કેમ કહ્યો. ટેક.
નામી શીશ પડી પાય દંડવત કર્યો, પુની હસ્ત પ્રભુજીએ શિર પરે ધર્યો.
બહુ કૃતાર્થ કર્યો, ભક્ત શ્રેષ્ઠ ઠર્યો…હાં… હાં… હાં… ધરી.

વદ્ય શ્રીમુખે કૃપાનિધાન પ્રેમ ધરી, પ્રિય ભક્ત મુજ તણો ગયો છો તું ઠરી,
કૃપા પૂર્ણ કરી, સ્હાયો હસ્ત ફરી…હાં… હાં… હાં… ધરી.

વિતાડી તેં વય મુજ કાજ ભક્ત બધી, તેથી ભક્તિ તારી બધા થકી ગઇ વધી,
કરીશ શુભ યદિ, ભુલીશ નહીં કદી…હાં… હાં… હાં… ધરી.

થશે પુત્ર એક તુજ ગ્રહે, વસીશ આવી વળી તુજ તણા ધામ વીશે.
ફરી નહીં થશે, આવો શ્રમ પછે…હાં… હાં… હાં… ધરી.

મનમાં પ્રભુને મળવાની આશા અને હુલ્લાસથી વૈશ્નવની સમીપ કસીયાભાઇ આવી પહોંચ્યા. પ્રભુજીએ તેને ચાહ્યા તે વિષય નું વર્ણન શી રીતે થઇ શકે ? શિશ નમાવી દંડવત પ્રણામ કરી પ્રભુના ચરણમાં પડ્યા. શ્રીઠાકોરજીએ પોતાના હસ્તકમલ તેના શીર પર ધર્યા, તેને કૃતાર્થ કર્યા, શ્રેષ્ઠ ભક્ત ઠરાવ્યા અને આજ્ઞા કરી, તે આખી જીંદગી મારું સ્મરણ કરી ભક્તિ દ્રઢ કરી છે તેથી હું તારી ઉપર ઘણો ખુશ થયો છું. તને ફરીથી અહીં આવવાનો શ્રમ લેવો પડે નહીં માટે હું તારે ત્યાં વાસ કરીને રહીશ. વળી તારે ત્યાં બે પુત્ર અને એક પુત્રી થશે. એ સાંભળી કસીયાભાઇ કહેવા લાગ્યા.

સાખી

નાથ નથી સ્ત્રી પણ યદી મ્હારે કોણ વૃદ્ધની થાશે,
વચન જાય નહીં વૃથા તમારું રહું એ ધરી આશે.

ક્રમશ:…

(“શ્રી ગુણમાલ ભક્તમાલ” માંથી)


|| કસીયાભાઇ રાજગરની વાર્તા (ભાગ-2) || વાંચવા માટે અહીં ક્લિક કરો.


 

|| સર્વે ભગવદ્દી વૈશ્નવો ને ‘જય ગોપાલ’ ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here