|| કસીયાભાઇ રાજગરની વાર્તા (ભાગ-2) ||

0
169

|| શ્રી ગોપાલો જયતે  ||


|| કસીયાભાઇ રાજગરની વાર્તા (ભાગ-1) || વાંચવા માટે અહીં ક્લિક કરો.


સીતેર વર્ષની વયે કસીયાભાઇએ પ્રભુશ્રી ગોપાલલાલને બત્રીસમી વખત કેસરીસ્નાન કરાવવા ગોકુલ તરફ પ્રયાણ કર્યું.

અહીં ગોહેલ રાજાને ત્યાં લગ્નની તૈયારી થતી હતી. કસીયાભાઇનો ભત્રીજો ત્યાં બધું કામ કરતો હતો. ધામધુમથી જ્યારે બધું કામ પૂરું થયું ત્યારે તે દાપાને માટે રાજા પાસે ગયો. ઇચ્છા યોગ્ય નહીં મળવાથી તકરાર થઇ અને તેમણે રાજાની સમક્ષ આત્મહત્યા કરવાની ધમકી આપી. ઘણી તકરાર થઇ છતાં રાજાએ ન માન્યું. છેવટે બ્રાહ્મણે પોતાની દેહ પાડી. આથી રાજા ઘણો વિસામણમાં પડી ગયો. અરે ! આ તો ભુંડી થઇ મને બ્રાહ્મણ હત્યા ચોંટી. તેના વડીલને ખબર પડશે ત્યારે મારા પર કોપાયમાન થશે. તેના કુળમાં કોઇ છે નહીં, ક્ષમા પણ કોની પાસે માંગવી, મારાથી તેના આખા કુળનું નિકંદન નીકળી ગયું. મેં ખરેખર અજબ ભૂલ કરી છે, એ દોષથી હું શી રીતે છુટીશ ! તે રીતે રાજા બહુ વિલાપ કરે છે. પણ ચીતમાં શાંતી થતી નથી, ફરી ફરી પ્રભુનું સ્મરણ કરે છે. આ વાત પ્રભુથી અજાણી ન રહી.

કસીયાભાઇ પ્રભુના પ્રતાપબળે ગોકુલ પહોંચી ગયા અને પ્રભુને કેસરીસ્નાન કરાવ્યા. પ્રભુશ્રી ગોપાલલાલ પોતાના સેવકના આવા અનન્ય ભાવ જોઇને ખુશ થયા અને આજ્ઞા કરી તને ફરી અહીં આવવાનો શ્રમ ન પડે માટે હું તારે ત્યાં વાસ કરીને રહીશ. વળી તારે ત્યાં બે પુત્ર અને એક પુત્રી થશે. એ સાંભળી કસીયાભાઇ કહેવા લાગ્યા.

નાથ નથી સ્ત્રી પણ યદી મ્હારે કોણ વૃદ્ધની થાશે,
વચન જાય નહીં વૃથા તમારું રહું એ ધરી આશે.

ઉત્સવ પુર્ણ કર્યા પછી સર્વ વૈશ્નવો પોતપોતાના ગામ તરફ ચાલ્યા. કસીયાભાઇએ પણ તેમની સાથે જવું ધાર્યું. કેટલેક દિવસે પોતપોતને ઘરે પહોંચ્યા. હંમેશા પ્રભુનું સ્મરણ કરી તેમાં જ ચિત્ત રાખવા લાગ્યા. કસીયાભાઇ સેંદરડા આવ્યા ત્યાં સમાચાર મળ્યા કે ભત્રીજે આપઘાત કર્યો છે. તેથી સ્નાન કરી ઉખરલે ગયા.

ઉખરલે આવ્યા ત્યારે જ્ઞાતિબંધુ મળ્યા. જ્ઞાતિના રિવાજ પ્રમાણે કસીયાભાઇને બધું કરવાનું કહ્યું. બહુ આનાકાની કરી ત્યારે ત્રાસ આપવા લાગ્યા. બધા એકમત થયા છે એમ જોઇ કસીયાભાઇએ તેમનું કબુલ રાખ્યું અને તેમના કહેવાથી દાઢી મુછ મુંડાવી – સરવણી કરાવીને તુરંત સેવામાં પહોંચ્યા. પરંતુ મંદીરની બહાર આવ્યા ત્યારે સગા વ્હાલાઓ એ જોયું કે કસીયાભાઇને આગળના જેવી મુછો ઉગેલી હતી. કસીયાભાઇએ જાણ્યું કે પ્રભુને શ્રમ પડ્યો, તેથી તે દિવસથી સગા-જ્ઞાતિનો વહેવાર છોડી દીધો.

સંવત 1692 માં પ્રભુશ્રી ગોપાલલાલ પ્રદેશ પધાર્યા ત્યારે ઉખરલામાં કસીયાભાઇને ત્યાં પધાર્યા. નદીના કાંઠા પર લીંબડાનું એક વૃક્ષ હતું તેની નિચે કસીયાભાઇએ સાફસુફ કરી હીંડોળો રોપી શ્રીગોપાલલાલને કસીયાભાઇ તથા કાનદાસે ભાવથી ઝુલાવ્યા અને ઘણી ભેટ ધરી. રાજાને ખબર પડતાં તે તુરંત ત્યાં આવ્યો અને પોતાના દોષની ક્ષમા માંગી અને વિનંતી કરી જે મારા પુરોહિતની વંશવૃદ્ધિ થાય અને મારો દોષ દૂર થાય તે કૃપા કરી જણાવો.

ત્યારે પ્રભુની આજ્ઞાથી રાજાએ એક બ્રાહ્મણને તેડાવી તેની પુત્રી કસીયાભાઇ સાથે પરણાવી. સમય જતાં બે પુત્ર અને એક પુત્રી થયા. હજું તેમનો પરીવાર ઉખરલા, બુધેલ અને ભાવનગરમાં બિરાજે છે.

પ્રભુ જે લીમડાની ડાળ તળે ઝુલ્યા હતા તે ડાળ મીઠી થઇ. ત્યાં આપની બેઠકમાં આપશ્રી અહોનિશ બિરાજે છે અને વૈશ્નવો ઘણા હર્ષોલ્લાસથી દર્શને પધારે છે. પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ પ્રદેશ પધાર્યા ત્યારે તેમણે ત્યાં પધારી કસીયાભાઇને દર્શન આપ્યા હતા.

કસીયા કુલકી કાન, તાન તનક્રમોં તોરી.
જબતેં ગુન મન જાન, બેઠત ઓર ન બોરી,
ઘર આયે ગોપાલ કરુણા કર સ્થીર કીને,
દાયક સુખ દયાલ, દાન નીશ્ચેપદ દીને,
પ્રાપત પુષ્ટી સુભક્તિ, બગ્ત બીવાર બનાઇ,
દેખો અપુને દાસકી આપુન તેં અધીકાઇ.

જ્યારથી કસીયાભાઇએ શ્રીઠાકોરજીના ગુણનું મનન કર્યું ત્યારથી બીજી કોઇ વાત જ ન રૂચી. કુળની કાની તથા કુળનું જે કાંઇ તાન હતું તે એક ક્ષણમાં દૂર કર્યું, લૌકીક વહેવારનો ત્યાગ કર્યો. કર્મકાંડનો અનાદર કરી સાક્ષાત ધણી શ્રીગોપાલલાલજી સદા સર્વદા હ્રદયમાં બીરાજે છે એવો ભાવ રાખી અલૌકીક કાર્ય કરતા. પ્રભુશ્રીને પોતાના ઘરે પધરાવ્યા. તેની અનીનતા અને નિષ્કામ ભક્તિ જોઇ શ્રીજીએ શ્રીમુખે આજ્ઞા કરી, જે કસીયાભાઇની ભક્તિ પુષ્ટિમાં ભાત પડે એવી છે અને પોતાનો શ્રીહસ્ત કસીયાભાઇના શીર ઉપર ધર્યો અને કહ્યું તારી ભક્તિ સદા નેચળ રહેશે. એ પ્રમાણે નિશ્ચેપદ દાન કર્યું અને સ્થીર કરીને સ્થાપ્યા. એ મુજબ પુષ્ટિ ભક્તિની પ્રાપ્તી સહીત ભક્તની વાડરૂપ (રક્ષણ કરવાવાળા) બનાવ્યા અને પોતાના દાસને પોતાનાથી પણ અધિક કરી બતાવ્યા. આમ, અંત સમયે પ્રભુજીએ કસીયાભાઇને પરમ પદ આપ્યું. તેની વાર્તાનો પાર નથી.


માઠું લગાડો તો – રાગ.

પ્રીતીને પ્રતિત થકી, પ્રીય પ્રભુ સેવો રે,
અસાર સંસાર, તેને શ્રેષ્ઠ ગણી ટેવો રે;
એને ધામ જાવું થાવું, ભાવે બડભાગી રે,
અવર જંજાળ ઉપાસના ઉર ત્યાગી રે… પ્રીતીને.

પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધા રાખી પ્રેમથી તેની સેવા કરો, આ સંસાર નાશવંત છે, પ્રભુ આદિઅનાદિ છે. તેના ધામ વ્રજમાં જઇ કૃતાર્થ થાઓ અને અન્ય દેવની ઉપાસના તથા જંજાળ છોડી પુર્ણ પુરુષોતમ પ્રભુશ્રી ગોપાલલાલનું સ્મરણ કરો.


(“શ્રી ગુણમાલ ભક્તમાલ” માંથી)

 

|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here