|| શ્રી ગોપાલો જયતે ||
જીવનદાસ અને ડોસાભાઈનો મેળાપ (ભાગ-૨)
જીવનદાસે મહારાજને મનુહાર વિનંતી કીધી. જે રાજ આ જીવને શરણદાન કૃપા કરીને આપો. મહારાજ ઘણું પ્રસન્ન થયાં. પછી મહારાજે પ્રસાદી બે માળા જીવનદાસને આપી અને જીવનદાસે તે બે માળા મારી કોટમાં મહારાજની આજ્ઞાથી બાંધી. અને મહારાજે પોતાના શ્રીમુખથી શ્રીગોપેન્દ્રજીના નામનો મંત્રોપદેશ ત્રણવાર મુને બોલાવ્યો અને પછી પંચાક્ષર મંત્ર બોલાવ્યો. અને જીવનદાસે તિલક કીધું, તાંદુલ લગાવ્યા. મેં તથા ધનબાઈએ મહારાજના ચરણમાં શ્રીફળ, મિસરી તથા રોકડ રકમ ભેટ ધરીને મહારાજના ચરણ સ્પર્શ કીધાં.
મહારાજે કૃપા કરી મને ચર્વિત તાંબુલનો ઓગાળ આપ્યો. તે લેતાં જ મારી શુધ બુધ ખોઈ બેઠો અને સાક્ષાત શ્રીગોપેન્દ્રજી મંડપમાં બિરાજતાં હોય તેવું દર્શન મહારાજના સ્વરૂપમાં થયું અને શ્રીગોપેન્દ્રજીના ચરણકમળનું દર્શન મારા અંતરમાં થયું. એ ટાણે શ્રીગોપેન્દ્રજીનાં સોળ ચિન્હનું દર્શન ચરણ કમળમાં મને થયું અને મને ભર ઉપજ્યો. મારા અંતર માથી વાણી દ્વારા તેનું વર્ણન કર્યું.
મહારાજ સોળ ચિન્હનું વર્ણન સાંભળી મારા ઉપર અતિ પ્રસન્ન થયા અને શ્રીમુખથી કહ્યું: ડોસા તને જીવનદાસનાં સંગમાં પુષ્ટિ ભક્તિની પ્રાપત થઈ છે. તું રૂડો કવી થઈશ. તારો કહેલો જશ સમાજમાં બધે પ્રમાણરૂપ ગવાશે. શ્રીગોપેન્દ્રજીનાં જશનો વિસ્તાર તું કરજે. આથી જીવનદાસ ઘણું હર્ષ પામ્યાં. આવી અધિક કૃપા મહારાજે જીવનદાસના સંગથી માંડવામાં મને કીધી. જુવો ભગવદીનાં સંગનું કારણ જેનાથી પુષ્ટિ ભક્તિની પ્રાપત મને થઈ.
હું જીવનદાસના ચરણમાં પડી ગયો. મુને જીવનદાસે હાથ જાલીને ઉભો કરીને ભેટી પડ્યા. મારી વાણી કંઈ ચાલી નહીં. નેત્રમાથી હર્ષના આંસુ સરી પડ્યાં, ધન્ય છે જીવનદાસ તમોને મને તમે સાક્ષાત પૂર્ણપુરુષોત્તમની પ્રાપત પળમાં કરાવી દીધી. મરજાદામાં તો ગુરુ ગોવિંદને બતાવે છે પણ તમે તો મને ગોવિંદની સાક્ષાત પ્રાપત કરાવી તેને સોંપી દીધો. આ પુષ્ટિમારગની બલિહારી છે. તમે મારું ભવનું ભટકળ શાતવારમાં છોડાવ્યું. ભગવદીનું શું કહેવું ? તમારો સંગ અને તમારા ચરણનો આશરો મારા ભવસાગર તરવાનાં નાવ રૂપ થઈ પડયું. આવું સામર્થ કંઈ દીઠામાં આવતું નથી પણ આજ મેં નજરે દીઠું.
પછી જીવનદાસે કહ્યું, ડોસાભાઈ આ મારગમાં પુરવના દૈવી જીવ સિવાય મહારાજ આવી કૃપાનું દાન ન કરે. તું તો પુરવનો જીવ ખરેખરો ઠર્યો. જે મહારાજે તુમ ઉપર અસીમ કૃપા કરીને દાન આપ્યું છે. તારું સુક્રિત પુરવનું ફળ્યું છે એમ જાણજે.
પછી માંડવાનો મેળાપ પાંચ દન રીયો. જીવનદાસે મને મહારાજના નિકટવર્તી, અંગીકૃત જુથના દર્શન કરાવ્યા. તેની પહેચાન કરાવી. મેં ઈ બધા ભગવદીની ચરણરજ લીધી. તાદર્શી ભગવદીનો મેળાપ કરાવ્યો. મહારાજ માંડવે બિરાજી રહ્યાં હતાં ત્યારે મહારાજની સેવા ટેલમાં ઘણું જુથ હતું, તેના દર્શન કરાવ્યા. શ્રીજનમાં માણેકબાઈ, રંભાબાઈ, અમૃતવહુ, પ્રેમબાઇ, લાડબાઈ, બબીબાઈ મુખ્ય હતાં. બીજા પણ ઘણાં હતા. અને પુરુષ વર્ગમાં કુંભનદાસ, હરજીભાઈ, કેવળદાસ, સવદાસ, લવજીભાઈ, જેઠોભાઈ, બિહારીદાસ, બનુભાઈ, વનમાળીદાસ, મહાવદાસ તથા પાંચાભાઈ મહારાજની નિકટ રહેતાં. પાંચાભાઈ તથા મહારાજનો ભેટિયો વલ્લભદાસ મહારાજની ચરણભેટ લેતાં હતાં, અને સાથે મળીને કામ કરતા હતા.
મને જીવનદાસે પાંચાભાઈનો પરિચય કરાવ્યો, પણ મહારાજની સેવામાં હતા, તેથી જીવનદાસે કહ્યું મહારાજ વિજય થાય પછી પાંચાભાઈનો મેળાપ કરશું. મને ઘણું ટાઢક થઈ.
માંડવાનો મેળાપનો આનંદ કહ્યો ન જાય. મારી જાણ તો આ બધી નવી હતી તેથી શું લખું ? પણ મને યાદ રહ્યા પ્રમાણે લખ્યું છે. જીવનદાસને ભર ઘણો. મહારાજે જીવનદાસને બોલાવીને કઈંક વચન કીધાં તે મેં સાંભળ્યા પણ કંઈ સમજ્યો નહીં. પછી મેં જીવનદાસને પૂછ્યું. મહારાજે તમને શું વચન કીધાં તે હું સમજ્યો નહીં. ત્યારે જીવનદાસ બોલ્યા, ડોસાભાઈ મહારાજે તારી ભલી વિચારીને કીધું કે જે જીવ તારા દ્વારા શરણે આવ્યો છે તેને સંઘરીને રાખજે. એમ કહી મહારાજે મને બાંધી લીધો. ડોસાભાઈ આજથી તમારે અને મારે છેટાપણું નહી રહે. એવી કૃપા મહારાજે તમ ઉપર કીધી. હું તો સાંભળતાજ જીવન દાસ ના ચરણોમાં પડી ગયો. રાજ ! મારું કંઈ ગજું નથી. મહારાજ બહુ દયાળુ છે.
માંડવામાં જીભાઇ સોની વૈષ્ણવે મહારાજને ઘણી પેરામણી કરી. ભેટ ઘરનાં નાના મોટા બધાએ ધરી. વૈષ્ણવોએ ઘણી ભેટ ધરી. અખંડ પ્રવાહ ચાલ્યો. મહારાજે ઘણા જીવને શરણદાન આપ્યાં. વૈષ્ણવોનો મેળાપ કહ્યો જાય નહી તેટલા જુથ મળ્યા હતા. જીભાઈએ ઘણાં તાદરશી ભગવદીનું મહારાજની આજ્ઞા અનુસાર પહેરામણી કરીને સમાધાન કીધું. પાંચાભાઈને પાઘ બંધાવી, જીવનદાસને પીતાંબરી ઓઢાડી, મહારાજનો પ્રસાદી ઉપરણો મને ઓઢાડ્યો. એમ મંડપધારીએ ઘણાં જૂથનું સમાધાન કીધું. મહારાજ ઘણું પ્રસન્ન થયા.
મહારાજ પછી વિજે થવા તૈયાર થયા. ત્યારે વૈષ્ણવ ધોળ ગાતાતા વિરહનો પાર રહ્યો નહિ. મહારાજ સુખપાલમાં બિરાજ્યાં. થોડે સુધી સુખપાલ જીભાઈ અને પાંચીબાઈ તથા તેના ઘરની વહુઓએ લીધી. તે પાદર સુધી સાથે ચાલ્યાં. પછી મહારાજના માણસો લઈને પાદરેથી ચાલ્યાં. ઘણું જુથ મહારાજ સાથે ચાલ્યું બીજા બધા પાછા વળ્યાં.
જીભાઈએ સર્વે જૂથને માલાપ્રસાદ આપી વિદાય લેતાં વિહવળ ઘણું થાય. એકબીજાની કોટે માળા બાંધે, ચરણમાં પડી પાય લાગે, ઘણું ભેટે, સ્નેહનાં ઉમળકા આવે પણ ઈ દરશન તો ઘણું દોયલુ. ભાગ્ય હોય તેને થાય. વિખુટા પડાય નહીં. ઘણા મારગે સાથે ચાલ્યાં. આમ વિદાય લઈને સર્વે જુથ ઘર ભણી વળ્યું.
ક્રમશ:..
(‘શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ ||
Leave a Reply