|| શ્રી ગોપાલો જયતે ||
જીવનદાસ અને ડોસાભાઈનો મેળાપ (ભાગ-૧)
ડોસાભાઈ કહે: જીવનદાસ પણ એક વાત મારા મનની કહું છું. મારી ઘરવાળી એમ તો વૈષ્ણવની દીકરી છે, અને મારા ગામના વૈષ્ણવ સાથે તે જય ગોપાલ કરે છે. અને મારા ઘરમાં ઘણું શુદ્ધ રાખે છે. મને પણ કંઈ અડકવા દેતી નથી. તે ઠાકોરજીની સેવા કરે છે. તે તેને થાળ ધરીને પછી મને આપે છે. ઈ ઠાકરને ધર્યા વિનાનું કંઈ લેતી નથી અને અમે બે માણસ છીએ. હું કંઈ બીજું જાજું તેને પૂછતો પણ નથી. ક્યારેક જાજાવાના કરીને ધરે છે અને કોક વૈષ્ણવને બોલાવી પ્રસાદ લેવરાવે છે. ભગવદ્ મંડળીમાં જાય છે. પણ મને કોઈદી ફોડ પાડીને કીધું નથી કે તમે અવૈષ્ણવ છો, જેથી કંઈ અડતાં નહીં. પણ વહેવાર એવો રાખે છે, એ વાત આજે તમારી પાસે થી જાણવા મળી. અને મને તેના મનનું કારણ આજ સમજાય ગયું છે. તો જીવનભાઈ, તેને સેવકપણું તો છે જ. માળા પણ તમારી જેવી ઈ પેરે છે. અને મારા સગા પણ વૈષ્ણવ તો છે જ, આ મારી નાતમાં ઘણા ઘર વૈષ્ણવના છે. જેથી મને તમને પૂછવાનું મન થયું. લ્યો ભાઈ આટલો ચોખ થયો તો બધું સારું. હવે અમે બન્ને ભેળાં દર્શને આવશું અને તમારા સંગમાં રાખીને મને સેવક કરો, જેથી અમારું ભલું થાય.
ડોસાભાઈ ઘરે ગયા અને ધનબાઈને સઘળી વાત કરી, કે આજે મને વૈષ્ણવનો સંગ થયો છે અને આપણે મંડપના દર્શને જાવું છે અને મારે હવે સેવક થવું છે. ધનબાઈ ડોસાભાઈની વાત સાંભળીને ઘણું હરખાણાં, અને કહ્યું: હું તો તમને ઘણાં દિવસથી કહેતી હતી. પણ તમે માનો કાં, આજ ઠાકોરજીએ તમ ઉપર ઘણી કૃપા વિચારીને વૈષ્ણવનો સંગ કરાવ્યો. ભલું ઠાકોરજી રૂડું કરશે. મારા ઠાકર સમો બીજો કોઇ ઠાકર નથી, પણ આજ તમને દરશન કરતા ખબર પડશે, જાણ થશે.
ડોસાભાઈએ કહ્યું: ધન્ય છે તને, તે તારો ધર્મ ગોપ્ય રાખ્યો. મને કંઈ સમજણ આપી નહીં. પણ તને આ ઠાકર સેવાનું જ્ઞાન આવ્યું ક્યાંથી? તારી વાત હવે તો કંઇક કર.
ધનબાઈએ કહ્યું: સાંભળો મારો ધર્મ ગોપ્ય રાખ્યો, કારણકે તમે અવૈષ્ણવ રીયા, જેથી કંઈ કહું તો ઘરમાં દુઃખ થાય. પણ મારા માવતર નાનપણથી ચાલી ગયા, કાકાને ઓથારે મોટી થઈ. મારા કાકા પરમ ભગવદી હતા. તે પીઠડ ગામના પાંચાભાઈના સંગી હતા. અને મારી થોડી ઉંમર થઈ ત્યાં કાકી ચાલ્યાં ગયાં. ઘરનો કામનો બોજો મારે માથે આવ્યો. કાકાએ મને બધી રસોઈ ઠાકોરજીની કરતા શિખડાવ્યું અને સાથે સાથે ઠાકોરજીની સેવામાં સાથે રાખી. આચાર વિચારનું જ્ઞાન થયું. મારા કાકા પાંચાભાઈ સાથે ખેલ માંડવે જાય, ત્યારે સેવા પણ મારે કરવી પડે. આમ મારો ભાવ ઠાકોરજીમાં વધતો ગયો.
મારા કાકાની ઉંમર થતાં પાંચાભાઈએ કહ્યું: ધનજી આ દીકરીને કંઇક ઠેકાણે પાડ તો સારું. ત્યારે મારા કાકાએ કીધું: તમે કંઇક ઠેકાણું બતાવો. ત્યારે તેમણે કહ્યું: આપણા ગામનો મુળજીનો છોકરો મેંદરડા મોસાળમાં રહે છે અને હિંગનો વેપાર કરે છે. તે છોકરો સારો છે. જેથી મારા કાકા મેંદરડા આવીને તમારા મામાને મળીને વાત પાકી કરી ગયા. મને જાણ થઈ કે મારું લગન કાકા નક્કી કરીને આવ્યા છે. પછી મેં કાકાને કહ્યું: કાકા વૈષ્ણવનું ઘર હોય તો સારું, પણ મારાથી ઠાકોરજીની સેવા વીના રેવાશે નહી. પછી કાકાએ કીધું: બેટા સેવા તને સાથે પધરાવી દઈશ પણ તું ધ્યાન દઈને કરજે. તારું ઘર વૈષ્ણવનું આમ તો નથી પણ તારે સંગે થાશે તો તેનું ભાગ્ય, નહીંતો તું તારો ભાવ ગોપ્ય રાખજે. પછી આપણા લગન થયા. કાકાએ માંડવાનો દોર અને જમુનાજીના રજની થેલી કરીને મને સેવા પધરાવી આપી. તે હું સાથે લાવી છું અને સેવા કરું છું. સેવા કરતા રોજ ઠાકોરજી ને વિનંતી કરતી કે આની માથે કૃપા ક્યારે કરશો. તે વાત આજે મારી ઠાકોરજીએ સાંભળી છે અને તમને વૈષ્ણવનો સંગ થયો. પણ તમે સેવક થાવ પછી, આપણે પાંચાભાઈ ભગવદી છે, તેના દર્શને જાશું. તે પૂર્ણ ભગવદી છે. તેના સંગથી તમને ઘણી વાતની પ્રાપત થાશે. હવે ચાલો રાત ઘણી થઈ ગઈ છે. વાળું કરીએ પછી માંડવે જઈએ, આજે ભળકડે, માંડવો ખડો વૈષ્ણવ કરશે અને સવારે ઠાકોરજી પધારવાના છે. પછી વૈષ્ણવ તેમના સામૈયા કરીને ઠાકોરજીને માંડવે પધરાવી લાવશે. આપણે પણ તેની ભેળાં હાલશું. પછી અમે રાતે વાળું કર્યા. અને વેલા ઊઠીને માંડવે ગયાં અને જીવનદાસને મળ્યા. અને પછી જીવનદાસે કહ્યું: આજે સામૈયાનો દિવસ છે. કાલે ચતુરાદશીનાં દિવસે ઠાકોરજી નામ બધા જીવને આપશે, ત્યારે તમને નામ આપી સેવક કરશે.
આજે દિવસ પહોર ચડયે, ઠાકોરજીનાં સામૈયા પાદરથી થાશે, તમો પણ બન્ને સાથે ચાલજો.
મહારાજ શ્રીજમુનેશ સં.૧૭૮૧માં પોરબંદરથી મેંદરડા મંડપમાં ચૈત્ર વદ ૧૩નાં દીને પ્રભાતે પધાર્યા. વૈષ્ણવ જુથ દિવસ પહોર એક ચડયે સામૈયા લઈને પાદરે ગયા અને મહારાજને ઘણું મનુહાર કીધું. વૈષ્ણવ લળીલળીને પાય લાગે અને નીરખતા હૈયા ટાઢા થાય. વૈષ્ણવો ખુબજ હળ્યા મળ્યા. ભેટી ભેટીને મળે. પછી તેલતિલક થયા, મીઠા સાકરીયા જળ સૌને લેવરાવ્યા. પછી વાજતે ગાજતે મહારાજને માંડવે પધરાવી લાવ્યા. મહારાજ વૈષ્ણવ જુથ કીર્તન કરતા બપોર ઢુંકડા માંડવે આવ્યા. અને પછી બધા પ્રસાદ લેવા બેઠા. મને પણ જીવનદાસે પોતાની સાથે પંગતે પાતળ લેવરાવી અને કહ્યું: સાંજે મહારાજના ઉતારે આવજો, હું ત્યાં વિનંતી કરીશ. કાલે તમોને નામ આપશે.
જીવનદાસના કહેવા મુજબ અમે સાંજે મહારાજના ઉતારે ગયાં અને ચરણમાં પડી દંડવત કીધાં. જીવનદાસે વિનંતી કરી: મહારાજ આ જીવને આપને શરણે થવું છે, તો આપ આજ્ઞા કરો તો કાલે શરણદાન પામે.
મહારાજે મુસ્કતા કહ્યું: ભલે રૂડું, ખાતાનો જીવ હશે તો શરણદાન પામશે, જીવનું બીજું શું ગજું છે ?
મહારાજના વચન સાંભળી મને ખૂબ ટાઢક થઈ. મારા ઉમંગનો પાર ન રહ્યો અને અમો ઘરે ગયાં. બજારેથી શ્રીફળ મિસરી વગેરે લાવી રાખ્યાં અને પ્રાતઃકાળની રાહ જોતા નીંદર ઉડી ગઈ.
અમો બન્ને જણાં સવારમાં સ્નાનઆદિકથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી માંડવે ગયાં. જઇને જીવનદાસને મળ્યાં. વૈષ્ણવ જુથનો કોઈ પાર નહીં. માંડવામાં જીભાઈ સોની વૈષ્ણવ, મહારાજને કેસર સ્નાન કરાવે. ધોળ મંગલ સર્વ જુથ ગાય. આ બધું મારા મનને અચરજ લાગે.
મહારાજ શ્રીજમુનેશ માંડવામાં બિરાજ્યાં. હું તથા ધનબાઇએ જઇને દર્શન કીધાં. મહારાજનું મુખ નીરખતાં કોટી કોટી ભાનું સમાન તેજોમય સ્વરૂપનાં દર્શન થયાં, સાક્ષાત શ્રીગોપેન્દ્રજી બિરાજતાં હોય તેવા દર્શન થયાં.
ક્રમશ:…
જીવનદાસ અને ડોસાભાઈ નો મેળાપ (ભાગ-૩)
(‘ પુષ્ટિ સંહિતા ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘જય ગોપાલ‘ ||
[…] જીવનદાસ અને ડોસાભાઈનો મેળાપ (ભાગ-૨) […]
[…] જીવનદાસ અને ડોસાભાઈનો મેળાપ (ભાગ-૨) […]