|| જીવનદાસ અને ડોસાભાઈનો મેળાપ (ભાગ-૧) ||

1
175

|| શ્રી ગોપાલો જયતે ||

પુષ્ટિસંહિતાનો પહેલો પ્રસંગ અહીંથી શરૂ થાય છે. જેમાં જીવનદાસ અને ડોસાભાઈનો મેળાપ થયો અને તેના સંગમાં વૈષ્ણવ થયા, તેની વાતનો પ્રસંગ છે. તે વાત ડોસાભાઈએ લખી છે.

ડોસાભાઈ હિંગનો વેપાર કરીને પોતાના વતન મેંદરડા જતાં હતાં. અને મેંદરડામાં મંડપ હતો. ત્યાં જીવનદાસ ધોરાજીથી વૈષ્ણવ મંડલીને સાથે લઈ જતા હતા. જીવનદાસ શ્રીગોપેન્દ્રજીનાં સેવક હતા. અને જ્ઞાતે છીપા વૈષ્ણવ ધોરાજીના રહીશ હતા. તેમનો મેળાપ ડોસાભાઈને મેંદરડાની વાટે થયો અને રસ્તે ચાલતાં ડોસાભાઈએ જીવનદાસને પૂછ્યું : કે, ભાઈ તમને વાંધો ના હોય તો એક વાત મારે પૂછવી છે. તમો મેંદરડા જઈ રહ્યા છો, તો શું પ્રસંગ છે ? જેથી આપ સર્વને સાથ તેડીને મેંદરડા આવો છો.

વળી તમોએ જે માળા અને તિલક ધારણ કર્યાં છે, તો કયો સંપ્રદાય તમારો છે, મારે તે જાણવું છે. તમે આ માર્ગના જાણતલ હો એમ મને લાગે છે. અને તમારા લલાટમાં આ છુટા તિલકની રેખા છે. અને ઘણા નીચેથી બાંધીને કરે છે. જેથી મારે પૂછવાનું થયું છે, તો તમને વાંધો ન હોય તો કહો.

જીવનદાસે કહ્યું: ભાઈ તમારું નામ શું છે અને તમે કોણ છો તે જાણ્યા સિવાય હું તમારી સાથે વાત શું કરું અને તમારે સંપ્રદાયની વાતમાં જાણીને શું કામ છે ?

ત્યારે ડોસાભાઈએ કહ્યું, મારૂ નામ ડોસાભાઈ છે. હું જ્ઞાતે લુહાણો છું. અને હિંગના વેપાર અર્થે બહારગામ ફરું છું. ટકો ઉપજે તેમાં ગુજરાન ચલાવું છું. અમે બે માણસ છીએ, બાલ બચ્ચું કંઈ નથી. પણ મારા મનમાં કંઇક સંપ્રદાય સારો હોય તો તેમાં ભળવાની ઈચ્છા છે, જેથી આખર સુધરે. હજી સુધી તો ધરમ ધ્યાનમાં કંઈ સમજતો નથી, પણ હવે મનમાં થાય છે કે વૈષ્ણવ ધર્મ ઘણા પાળે છે તો આમાં કંઇક હશે. તે જાણવા ખાતર પૂછ્યું. ભાઈ મને કંઈક સાચો માર્ગ બતાવો તો સારું.

ડોસાભાઈની વાત સાંભળી જીવનદાસના મનમાં થયું કે આને વૈષ્ણવ ધર્મમાં કંઇક પ્રિતી લાગે છે. જો ખાતાનો જીવ હશે તો ભળશે પણ જાજુ કહેવાથી લાભ નથી, તો થોડું કહું, અને કંઇક પરિક્ષા પણ કરું આમ વિચારીને જીવનદાસ કહેવા લાગ્યા.

ડોસાભાઈ અમે વૈષ્ણવ ધર્મ પાળીએ છીએ અને અમારો સંપ્રદાય વલ્લભી સંપ્રદાયના નામથી ઓળખાય છે અને મારગ પુષ્ટિ કહેવાય છે. અમારા ઠાકોરજી વલ્લભકુળના લાલ છે અને તે મેંદરડા પધારશે. જેથી તેના દર્શન કરવા જઈએ છીએ. આ બાનું તેના ઘરનું અને નામનું ધારણ કર્યું છે. અમે શ્રીગોપાલલાલજીનાં સેવક છીએ. અને અમારો વહેવાર વૈષ્ણવ મેળાપનો જય ગોપાલનાં નામનાં ઉચ્ચારથી થાય છે. અને અમો બધા ગામના વૈષ્ણવ આ મંડપમાં ભેળા થશું અને ઈ ઠાકોરજીનાં ગુણગાન ગાશું અને તેના દર્શન કરીને કૃતાર્થ થાશું. અમારો મારગ સૌથી ઊંચો છે અને અમે વૈષ્ણવ કહેવાયે છીએ.

ડોસાભાઈ જીવનદાસની આટલી વાત સાંભળીને હરખાણા અને કહ્યું, તે ઠીક, સંપ્રદાયના વહેવારની રીત-ભાત તો હોય જ. પણ આ મારગમાં તમારે કંઈ પાળવા જેવા નિયમ શું હોય છે, તે મને જણાવો તો સારું.

જીવનદાસે તેમની આતુરતા જોઈને કહ્યું: ભાઈ આ મારગમાં પ્રથમ સેવક થવું જોઈએ, અને તેના ઘરનું બાનું ધારણ કરવું જોઈએ, પછી બધું સમજાય. મુખ્ય તો આ મારગમાં આવ્યા પછી શ્રીઠાકોરજીની સેવા મુખ્ય છે. અન્ય આશરો ન થાય અને શ્રીઠાકોરજીને ધર્યા વિનાનું કંઈ ન લેવાય આ ખાસ નેમ છે. વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ, જેથી ઠાકોરજીની પ્રાપત થાય. આટલી વાત થતાં ગામનું પાદર આવ્યું. જીવનદાસ કહે લ્યો ભાઈ, હવે છુટા પડશું. અમો અમારા વૈષ્ણવના મેળાપમાં ભેળાં ભળશું. તમો ત્યાં દર્શને આવજો, જેથી વધું જાણવાનું મળે, આ ઠાકોરજી સમાન અમારે મન બીજું કોઈ મોટું નથી.

ડોસાભાઈએ જીવનદાસની વાત સાંભળી મનમાં વિચાર્યું કે ભલે ભાઈ ! પણ એક વાત કહું. મારે આ ઠાકોરજીનાં સેવક થવું છે તો શું કરવું જોઇએ ?

જીવનદાસ કહે: તમે માંડવે આવો શ્રીઠાકોરજી પધાર્યા હશે. તમો તેમને વિનંતી કરો કે મારે તમારો સેવક થવું છે. પછી ઈ ઠાકોરજીની ઈચ્છામાં આવશે તેમ કરશે.

ડોસાભાઈએ કહ્યું: પણ ભાઈ, તમો જ મારા વતી વિનંતી કરો. તમે કહો છો કે વૈષ્ણવનો સંગ કરવો જોઈએ. તો આજથી તમારા સંગે કરીને સેવક થાઉં, તો એથી વધારે રૂડું શું ગણાય ?

જીવનદાસે કહ્યું: ભલે, ડોસાભાઈ હું વિનંતી કરીશ, પણ એક વાત તમને કહું, જે આ મારગમાં આવવું દોયલું છે. માટે વિચારીને પગલું ભરજો.

ડોસાભાઈ કહે: ભાઈ, દોયલું વળી શું છે? તે તો કહો.

જીવનદાસ કહે તમે હજી વૈષ્ણવ થયા નથી, જેથી વધારે વાત બીજી મારાથી થાય નહીં. પણ આ મારગમાં વૈષ્ણવ થયા પછી, અવૈષ્ણવનાં હાથનું ખાન પાન તમારાથી થશે નહીં, માટે દોયલો છે. તમે એકલા સેવક થાવ અને તમારા ઘરનું માણસ સેવક ન થાય તો પછી તમારે તેના હાથનું કંઈ કામ આવે નહિ. તો તમે બંને સેવક થાવ તો તમારે બીજો વહેવાર કરવામાં અગવડ પડે નહીં. ડોસાભાઈ કહે: ભલે ભાઈ, તેમ કરશું, ગાડાના બન્ને પૈડાં સરખા હોય તો ગાડું બરાબર ચાલે, એમ તમારું કહેવું છે.

ક્રમશ:…

જીવનદાસ અને ડોસાભાઈનો મેળાપ (ભાગ-૨)

(‘ શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here