|| શ્રી ગોપાલો જયતે ||

જાનત જસ ગોપેંદ્ર, ઉર અંતર રસ રેલ્યો,
ગાયો મુખ ગુન ગાન, પ્રફુલ્લીત ભએ સબ ફલ્યો;
રસીક શીરોમણી રાય, ખાંતકર આગે ખેલ્યો;
ચરન કવલ ચીત લાય, દુકીત દુર ધકેલાયો;
એહી જમુનેશ આશ, સારથી રથ બેઠાયો,
બડ સુખ બીહારીદાસ, પ્રગટ સબે જુગ પાયો…૧૧૦

બીહારીદાસ જ્ઞાતે ગાંધર્વ વૈષ્ણવ હતા અને બાંટવા (પુરાન પાટણ) ગામે નિવાસી હતા. બીહારીદાસ શ્રી ગોપેંદ્રજીના પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા. અને શ્રી ગોપેંદ્રજીના અધીકારીની સેવા કરતા પોતે અનીન અને અટંકા હતા. મહારાજે તેના ઉપર કૃપા કરી વેલ હાંકવાની સેવા સોંપી હતી. તેથી બીહારીદાસ સારથી કહેવાતા અને મહારાજશ્રીના ચરણારવીંદનું ધ્યાન અષ્ટ પહોર ધરતા. તેમણે મહારાજશ્રીના અનંત ગ્રંથો તથા પદો કર્યા છે એવા તે પૂર્ણ કૃપાપાત્ર હતા.

એ બીહારીદાસ અધીકાર કરતા, તે સમયમાં પોતે પોરબંદરની હવેલીમાં હતા. પોતે બાજુના ગામથી આવતા હતા, તે સમયે કોઈ વૈશ્નવે તેને કદળીફણ(કેળાની) સામગ્રી શ્રી ઠાકુરજીને ધરવા માટે આપી. તે દીવસે શ્રી ઠાકુરજીને ભોગ ધરાઈ ગયેલ તેથી કાલે ધરશું એમ ધારી કેળાં રાખી મુક્યા. બીજે દીવસ સમય થતાં કેળાં ધરવા માટે લીએ તો કાંઈક બગાડ જોવામાં આવ્યો, માટે એવી સામગ્રી શ્રી ઠાકુરજીને ન ધરવી એમ માની પોતે તે કેળાં લઈ ગયા. સમય વીતી ગયો ત્યારે શ્રી ઠાકુરજીએ તે કેળાં માગ્યા. એથી બીહારીદાસ વિચારમાં પડી ગયા અને કહ્યું મહારાજશ્રી તે કેળાં બગડ્યાં હતા તેથી રાજને ધર્યા નથી. પણ તે હું લઈ ગયો છું. એ સાંભળી શ્રી જમુનેશ બહુ ખીજાઈ ગયાં અને કહ્યું બીહારી ! આ તેં શું કર્યું શ્રી ઠાકુરજીની સામગ્રી તું ખાઈ ગયો. એ તેં મોટો અપરાધ કર્યો. કોઈ બીજા મારગમાં હોય તો તેની ગતી કરોડો વરસ સુધી નર્કની થાય પણ તું પુષ્ટિનો જીવ છે. વળી મારો છો તેથી જા તું પ્રેત થા. એ સાંભળી બીહારીદાસ ઘણાં જ ઝંખવાણા પડી ગયા અને કહ્યું કૃપાનાથ! મારો અપરાધ ક્ષમા કરો. ભલે આપની ઈચ્છા એવી છે તો હું પ્રેત થાઉં, પણ તે આપના ઘરનો અને મને અહોનિશ સેવાનો લાભ મળવો જોઈએ, વિગેરે અનેક પ્રકારે શું વીનતી કરી, તેથી જમુનેશ પ્રભુએ તેને હવેલીમાં જ પીપળામાં રહેવા આજ્ઞા આપી. સાંભળવા પ્રમાણે એ બીહારીદાસ એ હવેલી ચોકમાં પીપળામાં રહેતા અને હંમેશા મુખ્યાજી સેવા કરવા આવે તે પહેલા નીજ મંદિરમાંથી બુહારી કાઢી હોય અને સેવાના તમામ પાત્રો સાફ કરી માંઝી તૈયાર રાખેલા હોય એ મુજબ કાયમ એ સેવા થતી અને જ્યારે રાજભોગ આવી જાય ત્યારે એક પાતળ સારી રીતે પુરી એ પીપળા નીચે રાખવામાં આવતી અને થોડી વાર પછી તે પાતળ ત્યાં ન હોય. એમ ઘણાં વર્ષો સુધી ચાલ્યું. લગભગ પંદરેક વર્ષ પહેલાં કોઈએ તેની પરીક્ષા લેવા ધાર્યું અને પાતળમાં પ્રસાદ છાણ ભરી મુકી. એ પાતળ એમને એમ પડી રહે અને ત્યાર પછી સેવા-ટેલ થતી પણ બંધ થઈ એ ઉપરથી એમ જણાવાય છે કે બીહારીદાસ નિજધામમાં સેવા કરવા પધાર્યા. તેમની ઉપર શ્રી ઠાકુરજીની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *