|| શ્રી ગોપાલો જયતે ||
પોરકે જન બ્રજ હોય, રાજનગર જબ આયે,
શત્રુ વહે એક નગરકો, અસુરપે પકરાયે;
બેગ ચલ્યો તબ બીર, શ્રી જમુનેશ શ્રવન સુનાયો,
અપુને જન તેહી તીર, છનું પ્રત્યે બંધ છોરાયો;
ભતાં બબી ભ્રત જન, પ્રસાદ મહા સુખ પાયો,
મોદીત અભે સબ મનસ જુગ જુગ જીવન ગાયો…૯૨
બબીબાઈ પોરબંદરના રહીશ, જ્ઞાતે ક્ષત્રીય વૈષ્ણવ અને રાણાના ઠકરાણા હતા. અને બબીબાઈ વૃજમાં જમુનાપાન કરવા ગયા હતા. ત્યાંથી ડુંગરપુર મહારાજશ્રીના દરશન કરી દેશમાં આવતા હતા. તે અમદાવાદમાં આવ્યા ત્યારે તેના કોઈ દુશ્મને જઈ બાદશાહને વાત કરી. જે પોરબંદરના રાણાનું ઠકરાણું આવ્યું છે. તે રાણાએ હજુ ચડેલ ખંડણી ભરી નથી માટે જો તેને કેદ કરશો તો ચડેલ ખંડણી તુરત જ રાણો ભરી દેશે.
મોટાઓને કાન હોય છે પણ સાન હોતી નથી. બાદશાહે તેના કહેવા મુજબ બબીબાઈને કેદ કર્યા-બબીબાઈ મહારાજશ્રીના અનીન ઉપાસી હતા. કેવળ શ્રી ઠાકુરજીનો જ આશ્રય હતો તેથી બબીબાઈએ શ્રી ઠાકુરજીનું ધ્યાન ધર્યું. જેવું મહારાજનું સ્મરણ કર્યું કે શ્રી ઠાકુરજીએ કૃપા વિચારી-બાદશાહ બપોરે સુતો છે તેને સ્વપ્ન આવ્યું અને જાણે દુતો મુગદળો લઈ મારવા લાગ્યા અને કહે છે-બબીબાઈને છોડી મુક.
તેથી બાદશાહ એકદમ જાગૃત થઈ ગયો અને વીમાસણમાં પડી ગયો. તુરત જ તેણે બબીબાઈને છોડી મુકવાનો હુકમ કર્યો. અમલ થતાં જ બબીબાઈને મુક્ત કર્યા, બાદશાહ પોતાના અપરાધની માફી માગવા લાગ્યો અને પગમાં પડયો અને પોતાના માણસોને હુકમ કર્યો કે એમને કોઈ જાતનું વિઘ્ન ન આવે એમ પોરબંદર સુધી પહોંચાડી આવો, અને ચડેલી ખંડણી પહોંચી છે એવું ફરમાન લખી આપ્યું, એવી કૃપા બબીબાઈ ઉપર કરી અને તુરત જ મહારાજશ્રીએ સહાયતા કરી. એ બબીબાઈ એવા કૃપાપાત્ર ભગવદી હતા તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||