|| શ્રી ગોપાલો જ્યતે ||
મહીપતિ મોરી ઘાટ, અમન એક અટંકી,
બસ્યો અરૂન બીચ વાટ, કોપ્યો રહેત કટંકી;
દોસ્ત સબન કે દંગ, ઝોરો લેત ઝટંકી,
લુંટત ગેલ સબ સંગ ફીરે ઘર જાત ફટંકી;
મનહર મુખ મહારાજ, ચલ ગયો તહાં ચટકી,
અજીત ભયો શુભ કાજ; દશા દેહ ન ટકી…૯૧
અજીતસીંહ મોરી ગામનો ક્ષત્રિય રાજા હતો. તેની હદમાં જે કોઈ પંડિત, વિદ્વાન કે સંત આવે તેને પોતે લુંટી લેતો. ગુસાંઈના કોઈ બાળક આવે તેને પણ લુંટી લેતો. તે રસ્તેથી જમુનેશ પ્રભુ પધાર્યા ત્યારે વૈષ્ણવોએ વીનતી કરી જે મહારાજ ! મોરીનો મારગ ઘણો જ દુસ્તર છે અને ત્યાંનો રાજા અજીત વલ્લભકુળના જે બાળકો તેમજ બીજા કોઈ સંત પુરૂષ આવે તેને લુંટી લીએ છે, માટે આપણે બીજે રસ્તેથી ચાલીએ. ત્યારે મહારાજશ્રીએ આજ્ઞા કરી કે એ જ રસ્તે ચાલો. જ્યારે જમુનેશ પ્રભુ અજીતની હદમાં પધાર્યા. તે વખતે અજીતના માણસો ફરતા હતા. તેણે અજીતને ખબર આપ્યા. અજીત પોતાનું સૈન્ય લઈ ત્યાં આવ્યો, પણ ત્યાં જેવા શ્રી મહારાજના દર્શન કર્યા કે તુરત જ અજીત ઘોડેથી હેઠે ઉતરી ગયો અને મહારાજશ્રીને દંડવત કરી વીનતી કરી જે કૃપાનિધિ, હું જે માલ લઈ લેતો તે ફક્ત પ્રભુતા જોવા માટે જ. એ સરવેનો માલ મેં હજી જુદો જ રાખ્યો છે માટે કૃપા કરી પધારો. પછી સામૈયા કરી મહારાજશ્રીને ગામમાં પધરાવ્યા. ઘણી જ મનુહાર કરી. મહારાજ આપતો પૂર્ણ પુરુષોત્તમ છો. માટે દયાળુ ! આ તમારા ગોલા ઉપર દયા કરો. વિગેરે અનેક વીનતી કરી, દરબારગઢમાં પધરાવી અજીત તથા તેમના કુટુંબ-પરિવાર સરવેએ મહારાજશ્રીનું નામ-નિવેદન કરાવ્યું. અને મહારાજશ્રી આગળ, જે માલ વસ્તુ વલ્લભકુળના બાળકોના અજીતે લઈ લીધા હતા તે બધો ધર્યો. તે દરેક ઉપર નામ લખેલા હતા. પછી મહારાજે તે સર્વ માલ જે જે બાળકોનો હતો તે સરવેને અજીતના માણસો સાથે ગોકુળ પહોંચતો કર્યો. અજીતે મહારાજશ્રીને ઘણી જ ભેટ કરી. સુવર્ણ જડીત સુખપાલ તથા ઘોટા બે ભેટ કર્યા. અજીતે મહારાજશ્રીને ગદગદીત કંઠે વીનતી કરી જે કૃપાનાથ આપ જ્યારે આ વાટે પધારો ત્યારે મોરી પધારવાનું વચન આપો. તેની વીનતીથી ખુશ થઈ મહારાજશ્રીએ પધારવાનું વચન આપ્યું. તેની ઉપર અત્યંત કૃપા કરી ચરણાવીંદ પધરાવી આપ્યાં. અજીત પ્રેમપૂર્વક તેની સેવા કરવા લાગ્યો. તે કેટલેક સમયે તેને સાનુભાવ દરશાવવા લાગ્યા. એવો અજીત પરમ ભગવદી થયો તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply