|| શ્રી ગોપાલો જયતે ||
સેવક એક શુભ જાન, શ્રી ગોપેંદ્રજીસું સન્મુખ રહે,
પંડિત પ્રગટ પ્રમાન, બોલ બચન નિર નેહે;
જબ ધામ ધસે જગદીશ, આપ ભયો ઉદાસી,
બદત દન બાવીશ, બોહો લંઘન તબ બાસી;
દ્વે મોદક પકવાનકે, પાઓ ધારે પ્રભુ દીને,
કહ્યો રહ્યો તુમ સંગ, દ્રઢી ભક્ત કૃષ્ણ કીને…૮૬
કૃષ્ણદાસ જાતે ઔદીચ્ય બ્રાહ્મણ વૈશ્નવ હતા. તે ઉપલેટા નિવાસી હતા અને શ્રી ગોપેંદ્રજી ઉપલેટે પધાર્યા ત્યારે કૃષ્ણ ભટે પોતાને ઘરે પધરાવી પોતાના ઘરમાં જે રોકડ હતી તે તથા પોતાની દીકરીના કડલા ઉતારી તે સર્વ ભેટ કરી દીધું. કૃષ્ણદાસની સ્ત્રીને શ્રી ઠાકુરજી ઉપર ભાવ નહોતો તેથી શ્રી ઠાકુરજીએ કીધું જે ભટ આ શું કહેવાય ? ત્યારે ભટે કહ્યું જે કૃપાસીંધુ ! તેટલું તેનું ભાગ્ય ક્યાંથી હોય ? જે આપના સ્વરૂપને ઓળખે ? પણ હવે આપ તેની ઉપર કૃપા કરો એવી દીનતા બતાવી. તેથી શ્રી ઠાકુર બહુ પ્રસન્ન થયા અને કૃષ્ણ ભટની સ્ત્રી ઉપર કૃપા કરી. કૃષ્ણ ભટ પોતે મહાવિદ્વાન હતા. તેમાં શ્રી ઠાકુરજીની તેના ઉપર કૃપા થઈ અને સાનુભાવ જણાવવા લાગ્યા. કૃષ્ણ ભટ શાસ્ત્રાર્થ કરતા તેમાં શ્રી ગોપેંદ્રજી સ્નેહાત્મિક સ્વરૂપ છે તેવું પ્રતીપાદન કરતા અને સભા જીતતા. તેથી ભટ કૃષ્ણાદાસ બાવરા કહેવાણા. શ્રી ગોપેન્દ્રજી દ્વારકા સુધી પ્રદેશ કરી પાછા ડુંગરપુર પધારવાના હતા, ત્યારે ભટજીએ વિનંતી કરી કે વળતા પાછા અહીં પધારવાનું વચન આપો. ત્યારે શ્રી મુખે આજ્ઞા કરી જે વળતા જરૂર પધારીશ. એમ કહી પોતે દ્વારકા પધાર્યા. પણ ત્યાંથી આપ સ્વઈચ્છાએ પાછા ડુંગરપુર પધાર્યા અને ત્યાં જઈ આપે આસુરવ્યામોહ લીલા ડુંગરપુરની હવેલીમાં જ કરી અને ભગવદીના હૃદયમાં અંતરધ્યાન થઈ ગયા. એ સમાચાર કૃષ્ણદાસને મળ્યા ત્યારે ભટજીએ પ્રસાદ લેવા બંધ કર્યા. માત્ર જલપ્રસાદીજ લેતા. એવી રીતે અઢાર દીવસ વ્યતીત થયા. ત્યારે રાત્રે સ્વપ્નામાં શ્રી ઠાકુરજીએ પધારી કૃષ્ણદાસને કહ્યું કૃષ્ણદાસ પ્રસાદ લીઓ હું તો અહોનીશ તમારા હૃદયમાંજ બીરાજુ છું, તમારાથી વેગળો નથી. કૃષ્ણદાસ કહે મહારાજાધિરાજ આપ કહો છો તે સત્ય છે, પણ હવે મારાથી તો આપ ન પધારો ત્યાં સુધી પ્રસાદ નહીં લેવાય. કારણ કે દુનીયા શું કહે ? કોઈ કહે શેઠ ભુખ્યો ન રહી શક્યો તેથી બાનું કહ્યું, માટે હવે તો આપ કૃપા કરી આપનું વચન સત્ય કરો. શ્રી ઠાકુરજી કહે કૃષ્ણદાસ મારાથી એમ લીલામાંથી ન અવાય. ત્યારે કૃષ્ણદાસ કહે મહારાજ ! તો મારાથી પ્રસાદ પણ કેમ લેવાય ? એ પ્રમાણે વાતચીત કરી. બીજા ત્રણ દિવસ વીતાડયા, અને કૃષ્ણદાસ ડુંગરપુર પધાર્યા. બાવીશમેં દીવસમાં જે જશવંત રાઓળ, બીજા કેટલાંક વૈષ્ણવો અને કૃષ્ણદાસ ચોકમાં બેઠા છે. ત્યાં શ્રી ગોપેંદ્રલાલ ભગવદીના હૃદયમાં પ્રગટ થયા. હાથમાં પકવાનની બે વાટ છે. અને કહેવા લાગ્યા. કૃષ્ણદાસ લ્યો પ્રસાદ, ત્યારે કૃષ્ણદાસે પ્રસાદ લીધા એ કૃષ્ણદાસ એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા તેના માટે થઈ શ્રી ઠાકુરજીને લીલામાંથી પધારવું પડ્યું. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||