|| શ્રી ગોપાલો જયતે ||
વૃજ પતિ વાગડ દેસ, ગીરીપુર શહેર બસાયે,
પ્રગટ પ્રભુ જન પાસ સન્મુખ મહોલ બનાવે;
રાઓળજી રસ રીત, પ્રાત પીયુ મુખ પેખે,
પયો પદાંબુજ પ્રીત, લુબધ્યો રાજસુ લેખે;
ગજ બેઠત ગોપેંદ્ર, જસો તે ચમ્મર ઢોળે,
દેખો પ્રીતમદાસકી, સ્નેહ સદા સંગ તેરે…૮૩
જસવંત રાઓળ જ્ઞાતે ક્ષત્રી વૈષ્ણવ હતા અને ડુંગરપુરના રાજા હતા. તે શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા. શ્રી ગોપેન્દ્રજી ડુંગરપુર પધાર્યા ત્યારે જસવંત રાઓળ પોતાના કુટુંબ સહીત શરણે આવ્યા અને બે ઘોડા તથા રોકડ રકમ, તેમજ જરકસી વસ્ત્ર-આભુક્ષણ વિગેરે અસંખ્ય ભેટ કરી. આપશ્રીએ પોતાના ચરણાવીંદ પધરાવી આપ્યા હતા. રાઓળજીની અનીન ભક્તિ જોઈ શ્રી ગોપેંદ્રજીએ કહ્યું જે માગો ત્યારે જસવંત રાઓળે વિનંતી કરી જે આ વાગડ દેશના અધિપતિ આપ છો. આપના દાસની તો એ જ માગણી છે કે આપ સદા સર્વદા અહીં ડુંગરપુરમાં બીરાજો. શ્રી ગોપેંદ્રજીએ તેની ઉપર ઘણી જ કૃપા કરી. રાઓળજીએ શ્રી ગોપેંદ્રજીને બીરાજવા માટે પોતાના દરબારગઢ સામે દરબારગઢથી પણ અધિક સુંદર હવેલી બંધાવી. આપશ્રી જ્યારે જ્યારે પ્રદેશમાં પધારે ત્યારે ડુંગરપુર બીરાજતા. રાઓળજીને એવી ટેક હતી કે સવારમાં વહેલા ઉઠી શ્રી ગોપેંદ્રજીના દર્શન કરવા પછી બીજાનું મુખ જોવું તેથી સુખ સજયા પણ એવી રીતે ગોઠવી કે રાઓળજી તથા તેમના રાણીઓ સવારમાં ઉઠતાં જ શ્રી ગોપેંદ્રજીના દર્શન કરે. પ્રદેશ કરી જ્યારે શ્રી ઠાકુરજી ત્યાં પધારે ત્યારે રાઓળજી સામૈયા કરી શહેરમાં પધરાવી જતા. રાઓળજી શ્રી ગોપેંદ્રજીને હાથી ઉપર અંબાડીમાં પધરાવતા અને પોતે ચમ્મર ઢોળતા. રાઓળજી એવા પૂર્ણ કૃપાપાત્ર પરમ ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||