|| શ્રી ગોપાલો જયતે ||
બનત સુ ભૈયા બેહેન, બંદર ઘોઘા સુબાસે,
આતુર અતિ નત્ય નેન, પીયુ મુખ દેખન પ્યાસે;
ધરત સુર્તતા ધાય, જાનત ઉત અબ જઇએ,
રાજીત જીત પ્રભુરાય, પ્રગટ દરસ તિત પઇએ;
મોરાર અમુલ મન લીન, ગોપેંદ્ર તબે ઘર આયે,
દરસ અલોકીક દીન, પુરન મહાનીધી પાયે…૭૪
એ બંને ભાઇ બહેન સોરઠીયા વાણીયા હતા અને ઘોઘાબંદરના નીવાસી હતા. શ્રી ઠાકુરજીના દરશન કરવા બંને ભાઈ બેન સદા આતુર રહેતા અને હંમેશા સુરતા બાંધી ધ્યાન ધરતા. જાણે કે ઉડીને ત્યાં જઇએ. શ્રી ઠાકુરજીએ એની ઉપર પૂર્ણ કૃપા દરશાવી તેને ત્યાં પધાર્યા અને દરશન આપ્યા.
લાગે જેને જેમાં પ્રીત, મળે એને એ ખચીત,
મળે એને એ ખચીત એવી દેખાય છે રીત. લાગે
જેને જેમાં ચિત્ત લાગે છે તે તેને ચોક્કસ મળે છે. એવી શાસ્ત્રોની પણ રીત છે કે જેમાં એક ચિત્ત થાય તે તેને પ્રાપ્ત થાય. જેવી રીતે ભમરીમાં ઇળનું એક ધ્યાન થવાથી પોતે ઇળ ટળી ભમરી બની જાય છે.
ધોઘા બંદરની અંદર સોરઠીયા વાણીયા મોરારદાસ અને અમુલા બાઈ, ભાઈ બહેન રહેતા, તે શ્રી ગોપેંદ્રજીના અનીન સેવક હતા. પોતે નાણાવટીનો ધંધો કરતા, ઘરમાં લક્ષ્મીબાઈ અઢળક હતાં કે જેનો ગણતા પાર આવતો નહીં તેના વિચારો દરેક રીતે ઉત્તમ હતા. આચાર વિચાર પણ સારો રાખતા.
એક દિવસ મોરારદાસને અમુલાબાઇ કહેવા લાગ્યા. આપણે અઢળક લક્ષ્મી ભેગી કરી છે પણ તે કંઈ સાથે નહીં આવે. જો તમો મરજી કરો તો આપણે બંને સાથે શ્રી નાથદ્વારા જઇએ. કોઇ સારા મારગમાં દાન
પુન્ય કરીએ. શ્રી ઠાકુરજીના દરશન કરી કૃતારથ થઇએ. ત્યાં પ્રભુને માટે પણ સારો ખરચ કરીએ, અને દેહનું શુભ કરીએ. આ દુનીયાની અંદર અવતાર ધારણ કરવામાં એ જ સાચો લાવ લેવાનો છે માટે પૈસો ખરચી પ્રભુની કૃપા થાય તેમ કરીએ.
મોરારદાસને બેનની એ વાત મનમાં સારી લાગી, તેથી કહેવા લાગ્યા કે બહેન તમો સાવ સાચી વાત કરો છો, હવે આપણે એવો કોઈ ઓચ્છવ આવે તે ઉપર જરૂર જઈશું. પણ તે વખતે તમે મને ફરીથી સંભારજો. દિવસો જતાં મોરારદાસ ધંધામાં પડી ગયા અને વાત વિસારે પડી પણ સમય આવતાં પાછી અમુલા બેને વાત સંભારી.
અમુલા : નજીક ડોલ આવે છે, જો ચાહો તો આપણે ત્યાં જઇએ.
મોરાર : પણ ઘર કારજમાંથી, ફારક નહીં આપણે જરી થઇએ.
અમુલા : જન્મોત્સવમાં જઈએ, તો થાશે આનંદ અતિ ભારી.
મોરાર : ભલે એ રીતે કરશું, જો ઇચ્છા છે બેન બહુ તારી.
ચેત મન મારા, ના કરે મારું મારૂ-રાગ
વિપ્રયોગ જેને જાગે, દેખે સહુ અકારું,
દેખે સહુ અકારું પછી, તજે મારૂ મારૂં…વીપ્ર
સાખી – સ્ત્રી સુત ભ્રાતા સોબતી, નવ ગમતાં પળવાર,
માત્ર પ્રભુની ધુનમાં, બની રહે લાચાર,
જુઠું જાણે સ્વપ્ના જેવું, બધું એ નઠારું,
માને મનમાંહે નથી, મારું આ થનારૂ…વીપ્ર
પંચ ભુતનું પુતળું, એમાં શાનો મોહ,
દેહ નથી પોતા તણો, કરે પછી શું દ્રોહ,
પંખીડાના મેળા જેવું, બધું છે જનારું,
પછી ગણે જગમાં એવું, પ્રભુથી શું પ્યારું…વિપ્ર
જેને વીપ્રયોગ થાય છે તેને આ સંસાર અસાર લાગે છે. જ્યારે બધું જ અકારું લાગે છે ત્યારે જીવ મારૂં મારૂં એવા મોહમાંથી છુટો થાય છે. પછી તેને સ્ત્રી-દીકરા-ભાઈ-સોબતી પળવાર પણ ગમતાં નથી. આ સંસાર સ્વપ્ના જેવો ખોટો ભાસે છે, અને મનને દ્રઢતા થાય છે કે આ બધું જેને હું મારું ગણું છું તે કોઈ દિવસ મારૂં થનાર નથી. આ પંચ માટીનું પુતળું એવો જે દેહ જેમાં હાડ, માંસ, રૂધીર જ ભરેલાં છે, તેમાં મોહ કરવા જેવું છે જ શું? જ્યારે આ દેહ જ પોતાનો નથી તો પછી એ દેહથી કરેલાં કર્મો પણ પોતાના ક્યાંથી રહે ? અને હું અને મારું એવી વસ્તુ જ નથી તો પછી કોઇનો દ્રોહ પણ ક્યાંથી થાય ? અનેક પક્ષીઓ ભેળા થઈ કલોલ કરે છે અને ઘડીકમાં પાછું બધું વીંખાય જાય છે તે એમ આ દુનીયાનું બધું જ નાશવંત છે, અંતે જનાર જ છે. માટે આ સર્વ ઘટમાળ ખોટી છે તે લોકના કામની છે. પણ વૈષ્ણવને તો શ્રી ઠાકુરજી સાચા છે અને એનાથી વિશેષ બીજું સારું કે મારું શું છે?
એ મુજબ અનેક પ્રકારના વીચારો અમુલાને થાય છે. ચીત્તને ક્યાંય ચેન પડતું નથી. મન મુંઝાય છે. ઘરમાં કામકાજ ગમતું નથી, એક જ વાત હૃદયમાં દ્રઢ થઈ છે કે ક્યારે જન્મોત્સવ આવે અને શ્રી ઠાકુરજીના દરશન કરીએ એ ચીંતામાં શરીર સુકાવા લાગ્યું. વીરહ ભાવ એટલો બધો જાગૃત થયો કે તેનાથી રહી શકાતું નથી. મોરારદાસ ઘણું સમજાવે છે કે શરીરને શા માટે દુ:ખ આપે છે. કાંઇ એમ કરે પ્રભુ આવી નહીં જાય. હવે આપણે જવાનો સમય પણ નજીક આવતો જાય છે.
ગીતિ :
રહી નવ વાત અજાણી, શ્રીજીએ એ વીરહદશા જાણી,
ડોલ તણું સુખ માણી, લાખણકાથી આવ્યા દીન દાની.
શ્રી ઠાકુરજીથી તેની વીરહદશા અજાણી ન રહી. લાખણકામાં ડોલનું સુખ ભોગવી દીનને દાન આપવા વાળા કૃપાસીંધુ ત્યાં પધાર્યા. મોરારદાસ અને અમુલાબાઇએ સાંભળ્યું કે શ્રી ઠાકુરજી પધાર્યા છે, તેથી દોડીને ભાઇ, બેન બંને સામા ગયા અને પોતાને ત્યાં પધારવા બંને હાથ જોડીને વિનંતિ કરવા લાગ્યા.
શ્રી ઠાકુરજી પ્રેમથી તેમને ત્યાં પધાર્યા. બંને ભાઈ બેન એક ધ્યાનથી સ્વરૂપ નીહાળી નીહાળી જોવા લાગ્યા. શ્રી ઠાકુરજીને બેસવા માટે રેશમી તળાઈ બીછાવી તેની ઉપર પધરાવ્યા અને અમુલાંબાઈ પંખો લઇ પવન ઢોળવા લાગ્યા. પોતાના મનમાં આનંદ ક્યાંઈ માતો નથી. આરતીની તૈયારી કરી.
તુરત જ તૈયારી કરી, શ્રી ઠાકુરજીની આરતી કરી અમુલાને હૃદયમાં આનંદ ક્યાંઈ સમાતો નથી. હાથ જોડી આગળ આવી ઊભી રહી અને શ્રી ઠાકુરજીના સ્વરૂપમાં લીન થઈ ગઈ. ધારી ધારીને દરશન કરે છે, એવામાં શ્રી ગોપેંદ્રજીના સ્વરૂપમાંથી શ્રીનાથનું સ્વરૂપ પ્રગટ થયું. એ દરશન કરી અમુલાંબાઇના હરખનો પાર રહ્યો નહીં, અહો આ તો આપણે શ્રીનાથજીના દર્શન કરવા જવું હતું ત્યાં તો શ્રી ઠાકુરજીએ કૃપા કરી અહીં પધારી અમને દરશન આપ્યાં. મોરારદાસને પણ એ જ સ્વરૂપના દરશન થયાં. બંનેની ઇચ્છા શ્રી ગોપેંદ્રજીએ ત્યાં જ પુરી કરી.

તેથી બન્નેના હર્ષનો પાર નથી. બંનેએ ચરણસ્પર્શ કરી સાષ્ટાંગ દંડવત્ કર્યા અને વીનતી કરવા લાગ્યા કે અમો દોષીત જીવ પર દયા કરો અને અમને શરણે લઇ કૃતાર્થ કરો, કારણ કે અમારું મન શ્રીનાથદ્વાર દરશન કરવા જવા માટે તલસી રહ્યું હતું, તેમાં આપે કરૂણા વીચારી અહીં આવી અમોને દરશન આપ્યા અને અમારી સાર કરી.
એ મુજબ અનેક પ્રકારની તેની વીનતી સાંભળી શ્રી ઠાકુરજી બહુજ ખુશી થયા અને તેના સહકુટુંબીને નામ અને નીવેદન આપ્યું અને વૈષ્ણવ કર્યા. અનેક પ્રકારના વસ્ત્ર-આભુષણ તેમજ રોકડ રકમ ભેટ કરી. શ્રી ઠાકુરજીએ એ સર્વનો અંગીકાર કર્યો ત્યાં ભોજન કરી ત્યાંથી પધાર્યા. સેવકો હંમેશા તેમના જશ-ગુણ કીરતન કરી સ્મરણ કરે છે એવા પરમ કૃપાપાત્ર મોરારદાસ તથા અમુલાંબાઈ હતાં. તેની કૃપાનો પાર નથી માટે જ-
લાગે જેમાં જેને પ્રીત, મળે એને એ ખચીત,
મળે એને એ ખચીત, એવી દેખાય છે રીત
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જસ્મીનબેન સોલંકી (જામનગર)ના જય ગોપાલ ||
Leave a Reply