|| શ્રી ગોપાલો જયતે ||
દેખો લક્ષ્મીદાસકી, ભક્તિ ભલી ભરપુર,
પ્રાપ્ત પ્રિત પ્રકાશકી, લોક લજા ચકચુર;
જાની અનન્યજાન, ખોટાર તજી કર ખેર,
એકાંત ચિત્ત સ્થિર આન, ગુન પ્રીતમકે ધેર;
દેત કમો મુખ દાસ, ઓરે રૂચી ન આની
જન જીવન પ્રેમ પ્રકાશ, મન નિશ્ચે પદ માની…..૭
લક્ષ્મીદાસ મોઢ વાણીયા વૈષ્ણવ સેંદરડાના રહીશ હતા. તેમને શ્રી ગોપાલલાલનું નામ અને નિવેદન હતું, તેઓ અનિન ભગવદી હતા. વળી તે કુંભાજી રાજાના કારભારી હતા અને ઘણા જ માનીતા હતા. તેણે ગોપાલદાસની કૃપાએ કરી લોકીક વહેવાર છોડી પોતાનું આયુષ્ય શ્રીગોપાલલાલ તથા તેમના નિજ સેવકની ટહેલમાં ગાળ્યું, અને ભગવદી સ્વરૂપને સાક્ષાત સ્વરૂપ માની તન-મન અને ધનથી સેવા કરતા અને સંસારરૂપી ખોટી ખેડ છોડી, ભગવદી પોષણરૂપ ખેડમાં અષ્ટ પહોર આનંદથી નિર્ગમન કરતા; લક્ષ્મીદાસભાઈની પ્રગટ સ્વરૂપમાં તેવી પ્રીતી હતી.
હરીગીત-
ધન જો મળ્યું શા કામનું વપરાય ના પ્રભુ કાજ જે;
પ્રભુ રૂપ જાણી વૈશ્વવો, સંતોષ એને આપજે;
જો એ રીજ્યા તો રીજયા પ્રભુ મનમાંહિ એવું માનજે,
દોરી જનો ભક્તિ પથે, સાચી કમાણી કામજે.
જો પ્રભુ અર્થે ન વપરાય તો ધન મેળવ્યું શા કામનું ? ભગવદીઓને પ્રભુ સ્વરૂપ માની તેને સંતોષ પમાડજે, જો તે પ્રસન્ન થયા તો પ્રભુ પ્રસન્ન થયા એમ માનજે. બીજા મનુષ્યને ભક્તિને રસ્તે દોરીને એ સાચી કમાણી કરજે. કોઈની ઈર્ષ્યા-દ્વેષ કરીશ નહીં ઇર્ષ્યા અને ધુપ (ધુંવાડો) એ બેથી પ્રભુ નારાજ છે તે ધ્યાનમાં રાખજે.
સીહોરથી બે ગાઉ સેંદરડા ગામમાં શ્રી ગોપાલલાલના સેવક મોઢ વાણીયા વૈષ્ણવ લક્ષ્મીદાસ રહેતા. તે કુંભાજી રાજાના માનીતા અને કારભારી હતા, રાજ્યનું હિત સારી રીતે સાચવતા. કોઇનું અનુકૂળ કામ હોય તો લાંચ લઇને વસ્તીનું કામ કરી આપતા છતાં તેમાં રાજા અને પ્રજા બંનેનો લાભ જોતા. એ રીતે તેણે ઘણું દ્રવ્ય મેળવ્યું. રાજાનો માનીતો તેથી કોઇ કાંઇ કહી શક્તું નહીં. તેની ઉપર પ્રભુની કૃપા થઇ. શ્રી ગોપાલલાલના અનીન અને અટંકા સેવક ગોપાલદાસનો તેમને સંગ થયો.
વ્હાલો મારો હાર દેશે-રાગ
એમ થાતા સતસંગ દહાડી દહાડીરે, એમને રંગ લાગ્યો રે રંગ લાગ્યો
વૃત્તિ ભક્તિમાં પ્રેમથી લગાડીરે …એમને …
આવ્યો તનમાં ઉત્સાહ તેણીવારે, ભુલે નહીં પ્રભુ નામ પલવારે,
મચ્યા રહે રાત દિન એ પ્રકારે, …એમને …
બધી વીતેલ વાતને વીચારી, કરે શોચ સ્વઅંતરે અપારી
થાય શાન્તિ ન કોઈ પ્રકારીરે, …એમને …
જઈ સ્નેહીને વાત એ સુવાણી, સુખ થાય એ પથ દ્યો જણાવી,
દોષ ટળે એ પાઠને ભણાવીરે, …એમને …
હંમેશાં સતસંગ થતાં લક્ષ્મીદાસને રંગ લાગ્યો, પોતાની વૃત્તિ ભક્તિમાં પ્રેમથી લગાડી, એ પ્રમાણે કાયમના સતસંગથી તેના મનમાં ઉત્સાહ ઉત્પન્ન થયો. એક પળ પણ શ્રી ઠાકુરજીનું નામ ભુલતા નથી અને રાત દિવસ પ્રભુના સ્મરણમાં મચ્યા રહેવા લાગ્યા. અગાઉના પોતાના કૃત્યનો વિચાર કરી મનમાં બહુ જ પસ્તાવો કરવા લાગ્યા. કોઇ પણ રીતે શાંતી થતી નથી. તેથી બહુજ મુંઝાઈ તેણે પોતાના સ્નેહી ગોપાલદાસભા પાસે તે વાત કરી. અને કહ્યું-મને સુખ થાય તે રસ્તો બતાવો, મારા દોષ નાશ પામે એવો પાઠ ભણાવો.
તેનું નિખાલસ હૃદય જોઈ ગોપાલદાસે વિચાર કર્યો કે હવે તે સતસંગી પુરો થયો છે. પ્રભુ પ્રત્યે તેના પ્રેમનો પાર નથી તેથી કહેવા લાગ્યા કે કુમાર્ગથી જે ધન મેળવ્યું હોય તેનો તુરત જ પ્રભુ અર્થે ઉપયોગ કરી નાખો. વૈષ્ણવો તમારે ત્યાં આનંદ ઉત્સવ કરે એ જ મોટો લાવ છે. તેનું કહેવું માન્ય કરી અનેક ગામોથી વૈષ્ણવોને પધરાવ્યા. મંડપ બાંધ્યો અને તેમાં ઘણું જ દ્રવ્ય વાપર્યું, સંવત સતરસો છની સાલમાં શ્રી ગોપાલજી પ્રદેશ પધાર્યા. તે વખતે સેંદરડા આવ્યા. ભાદરવા વદી પાંચમને સોમવારના સામૈયાં છે. આવો પ્રભુ દર્શનનો અલભ્ય લાભ મળવાથી વૈષ્ણવોમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો છે. મંગળકારી વાજીંત્રો વગાડી ઘણા ઠાઠ-માઠ થી વૈભવથી શ્રી ઠાકુરજી તથા વૈષ્ણવોના સામૈયા કરી મંડપમાં પધરાવ્યા. સહુ નરનારી શ્રી ઠાકુરજીના દર્શન કરી હર્ષ પામે છે અને પોતાની શક્તિ અનુસાર ભેટ ધરે છે. અનેક પ્રકારની વિધવિધ સામગ્રી કરી શ્રીઠાકોરજીને અંગીકાર કરાવે છે અને વૈષ્ણવો પ્રસાદ લીએ છે. અનહદ આનંદ પ્રસરી ગયો જેનું માપ કરી શકાય નહીં.
વૈષ્ણવો જુદી જુદી જાતનાં શોભીતાં વસ્ત્રો ધારણ કરી રાશ ખેલે છે. ઝાંઝ ઢોલક વાજી રહ્યાં છે. કોઇના હાથમાં કરતાલ છે. મધુર સ્વરથી ગાન કરે છે. ત્યાં એવી અલૌકિક લીલા થઈ રહી છે કે જેનું વરણન થઈ શકે નહીં. આઠમને દીવસે ગ્વાલ-ગોપી બની અનેક લીલા ખેલે છે. શ્રી ઠાકુરજીને સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યાં અને વ્હાલથી આરતી ઉતારી.
નોમને દિવસે સહુ પોતપોતાના ઘર પ્રતિ વળ્યા, લક્ષ્મીદાસ અનુપમ આનંદ ભોગવી પ્રભુ પર પૂર્ણ પ્રેમ રાખવા લાગ્યા. રાજાની નોકરી છોડી દીધી અને પ્રભુના ગુણ ગાતાં સૃષ્ટિમાં વિચરવા લાગ્યા. અનેક માણસોને ઉપદેશ આપી સુધાર્યા. પોતે તરે અને બીજા અનેક જીવને ઉગારીને તારે એ દાખલો તેમણે સ્પષ્ટ કરી બતાવ્યો. તેનું વરણન કેટલુંક થાય ?
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||