|| શ્રી ગોપાલો જયતે ||
ઘર આનંદી ધ્યાન, બીરકત પતિવૃત ધારી,
પયોજુ જમુનાપાન, નુરમલ છબિ, ભઈ ન્યાંરી,
રાજીત રંગ રસાલ, ગુન ધોલનમાં ગાવે,
કુમકુમ કર ભર ભાલ; સુકંઠી તેલ સુહાવે,
નિજજન શોખકે નાઉં, પલ પલ બદત પ્રકાશ,
ગોપેંદ્રપીયા ગુન ગ્રાઉં, મગનસું મોહનદાસ…૬૯
મોનદાસ કાણા જ્ઞાતે વાણીઆ વૈષ્ણવ હતા. તે આમરન ગામે નિવાસી હતા. તેમને મંડપમાં દાન મળ્યું હતું. શ્રી ગોપેંદ્રજીના અનીન-અટંકા સેવક હતા. તેમને વિરક્ત ભાવ ઉત્પન્ન થયો. પોતાનું સર્વસ્વ શ્રી ઠાકુરજીને અરપણ કરી દીધું અને મંડપ કરી વૈશ્નવના વૃંદ સહીત શ્રી મહારાજને વીનતી કરી ને વિરક્તનો ઉપરણો ઓઢયો, જમુના પાન કરી આવ્યા.
ત્યારબાદ પોતે વૈષ્ણવોમાં ફરતા. વૈશ્નવોને ઘરે ઘરે ફરી ઉપદેશ આપતા. મંડળીમધ્ય મોનદાસને સાક્ષાત શ્રી ગોપેંદ્રજીના દરશન થાતા ત્યારે જાતજાતના ટોના કરતા અને પ્રભુને રીઝવતા. વળી પોતાને ભાંગ પીવાની ટેવ હતી પોતે લીલાગર ભાંગ બનાવી શ્રી ઠાકુરજીને ધરતા, પછી વૈશ્નવોને લેવરાવતા અને પોતે પી જાતા અને અષ્ટપહોર ભગવદીના નામનું ધ્યાન કર્યા કરતા. માળાએ તેલ, ભાલપર તિલક વિના રહેતા જ નહી. મોનદાસને ગંગાધરભાઈનો સંગ હતો અને ગંગાધરભાઇના સંગે જ તેને શ્રી ગોપેંદ્રજીની પ્રાપ્તી થઇ હતી. તે સદા આનંદમાં રહેતા અને શ્રી ગોપેંદ્રજીના સેવકના દરશન કરતા હતા. તેને એમ જ ભાસ થયો હતો કે શ્રી ગોપેંદ્રજી પોતાના હૃદયમાંજ બીરાજે છે અને એ જ સાક્ષાત શ્રી ગોપેંદ્રજી છે એવો દ્રઢ નેચળ ભાવ હતો. ત્રણ ભુવન તેને તુચ્છ લાગતા. મોનદાસ પોતે સત્ય વક્તા હતા. તેથી વૈશ્નવ કે રાજા મહારાજા ગમે તે હોય પણ તેને સાચું કહેતા. કોઇને ખોટું લાગવાની પોતાને પરવા નહોતી અને જેવું હોય તેવું સાચેસાચું કહી દેતા. કોઇથી અંતર રાખતા નહીં તેમ કોઇથી દબાતા પણ નહીં તેમ કોઈ સાથે સ્નેહ કે ઈર્ષા તેમને નહોતાં. પણ સર્વ સમાન ભાવ રાખતા. વળી પોતે સર્વના મનની વાત જાણી લેતા અને તુરત જ મોઢે કહી દેતા એ પ્રમાણે પોતે આનંદ લેતા અને લેવરાવતા. પોતાના અવસાન સમય નજીક આવ્યો ત્યારે સહુને અગાઉથી કહી દીધું કે હવે મારે ચાલવું છે એમ કહી ઓચ્છવ મનાવ્યો. પ્રસાદ લઈ માળા પહેરામણી કરી તેલ તિલક કરી સરવેને જે ગોપાલ કર્યા અને પ્રભુ નિકટ પધાર્યા.
પ્રભુ પ્રજ્ય ગોપેંદ્ર, દાસન ઘર ઘર ડોલે,
ઇચ્છા જબ આનંદ તીન ભોવન કર તોલે,
જીવ સબન મન જાન, ખરી બુરી મુખ બોલે,
સેવક જન સનમાન, બચન બીલાસી બોલે,
દેખો પુછત દાસ મેલે, ભોરે કછુ અન જાને,
ચચ્ચા પુરતે નગ્ર ચલ, તબ ગેલ ગંગાધર ઠાને…૭૦
તેમના સંગી ગંગાધરભાઈ જામનગરથી ત્યાં આવતા હતા. તેમને ચાચાપુર આગળ પોતે ખંભે થેલો લઈ મળ્યા. ત્યાં રસ્તામાં એક વૃક્ષ નીચે બેસી બંનેએ ભગવદ્ વાર્તા કરી. મોનદાસે કહ્યું કે હું જમુના પાન કરવા જાઉ છું, હવે રજા લઇશ, જે ગોપાલ એમ કહી દંડવત કર્યા સ્નેહથી હળી મળી પોતે મોનદાસ અંતરધ્યાન થઇ ગયા. ગંગાધરભાઇએ જાણ્યું જે મોનદાસ ચાલી ગયા. પોતે આમરણ આવ્યા અને પૂછયું ત્યારે વૈશ્નવોએ સમાચાર આપ્યા કે મોનદાસ તો ચાલી ગયા ત્યારે ગંગાધરભાઇએ સરવે વાત પોતાને સામા મળ્યા હતા તે કરી. સહુએ મળી આનંદ ઓચ્છવ મનાવ્યો. મોનદાસ કાણા એવા પરમ કૃપાપાત્ર હતા. તેમની વારતા ઘણી જ છે તેનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||