|| શ્રી ગોપાલો જયતે ||
અમરાપુર ઓચ્છવ ભયો, અશ્વની ચૌદશે એક,
પુષ્ટીજદન જબ શ્રવન પાયે, આય મીલે અનેક,
સબે ઓર સામાન સર્ય, તુહનકી સયુઠ,
ભઈ અચાનક કોશ ભર્ય, બહો બીરખા તબ બુઠ,
પ્રબલ પુર પ્રવાહ પર, સરોવર શુભ ભરાય,
ગાવત નાવત પાવત, નાથ એહો નીધી પ્રાય…૬૮
નાથાભાઇ જોશી આમરણ ગામ નીવાસી ઔદીચ બ્રાહ્મણ હતા. પોતે મહાન ભગવદી હતા. જ્યાં જ્યાં ખેલ-મનોરથ કે મંડપ થાય ત્યાં પોતે જાતા હતા. તેથી પોતાને પણ મંડપ કરવાની ઇચ્છા થઇ અને ઘણા જ ભાવપુર્વક મંડપ કર્યો. તેમાં અચાનક જળ થઈ રહ્યું. ગામમાં ક્યાંઈ મળે નહીં શ્રી ઠાકુરજીએ એ ગામ અમરાપુરમાં વગર ઋતુએ ઉનાળામાં વરસાદ વરસાવ્યો તેથી સરોવર-કૂવા વિગેરે ગામના તમામ સ્થળો જળથી ભરાઈ ગયા અને વૈષ્ણવો ગાઈ પાતલ પાઈ બહુ જ આનંદમાં મગ્ન બની ગયા.
મરાઠી સાખી – ભીડ ભક્તની હરે ભુદરજી, ભીડ ભક્તની હરે,
સહાય અચાનક કરે…ભુદરજી
કાલીઘેલી વીનતી વહાલો, ધ્યાને સત્વર ધરો…ભુદરજી
ગાય સદા ગુણ દે અવનીમાં, ભાગ્યવંત એ કરે…ભુદરજી
પ્રભુ પોતાના ભક્તોની ભીડ તુરત જ હરી લીએ છે. ઓચીંતાની સહાય કરે છે, કાલી ઘેલી પોતાના જનની વીનતી વહાલોજી ધ્યાનમાં લીએ છે. આ ભુતળ ઉપર અવતરી જે સદાય એના ગુણ ગાય છે એ જ ખરો ભાગ્યવંત છે.
નાથા જોશી નામે એક ઔદીચ બ્રાહ્મણ હતા. અમરાપુરમાં રહેતા. શ્રી ઠાકુરજીમાં પૂર્ણ ભાવ હતો. ઘરમાં દરેક રીતે સુખી હતા. નાત-જાતમાં પણ ઘણું સારું માન હતું. તેમને શ્રી ગોપેંદ્રજીએ સેવા પધરાવી આપી હતી. પોતે હંમેશાં કીર્તન, ભગવદ્ગુગુસટ કરી આનંદ લેતા. જે કોઈ સ્થળે મંડપ કે ખેલ મનોરથ હોય ત્યાં નાથા જોશી હોય છે. પોતાથી બને તેટલી ત્યાં ટહેલ કરતા અને વૈષ્ણવને કેમ સુખ થાય એવી સગવડ કરતા. વળી રસોઇ કરવા પણ પોતે જાતે પરીશ્રમ લેતા. એવી રીતે અનેક મંડપના દરશન-સેવા કરી કૃતારથ થયા હતા અને પોતાને પણ એવી ઇચ્છા થઈ કે એક મંડપ ઘરને આંગણે કરું તો ઠીક, પણ આ બધા મંડપના દરશન કર્યા એનાથી પણ અધીક કાંઇક કરું તો જ મારા મનને સંતોષ થાય એવો વિચાર કરી વૈષ્ણવોને તેડાવી પત્રીકા લખી.
આસો સુદિ ચૌદશને મહામદ્ ઓચ્છવનો નીરધાર કર્યો. દેશ વીદેસ સર્વે સ્થળે અસંખ્ય પત્રીકાઓ લખી. તેરસને દીવસે અસંખ્ય વૈશ્નવો પધારવા લાગ્યા. જે કોઇ કાને વાત સાંભળે કે અમરાપુર નાથાભાઈને ત્યાં મંડપ થાય છે કે તુરત જ ચાલી નીકળે. નાથાભાઇએ પણ પુર્ણ સ્નેહથી ઘણી જ સારી રીતે સગવડ કરી સાંજે સામૈયાં લઇ પાદર ગયા અને કીરતનની ધુન મચાવી.
હરીગીત : મીઠાં જળો પાયાં બહુ, પહેરામણી કીધી પછી,
વળી તેલ તીલક સર્વની, સંગાથ કીધા સ્નેહથી;
વીનતી કરી સહુ વૈષ્ણવનેેેે, પધારવા પુરની મહીં,
લઈ સાજ સર્વ સમાજ ગાતા, મંડપે પહોંચ્યા તહીં.
સરવેને મીઠાં જળ સુગંધથી ભરેલા શીતળ લેવરાવ્યાં, મંડળીમાં માળાની પહેરામણી કરી, સરવેએ હળીમળી તેલ તીલક કર્યા પછી નાથાભાઇએ વૈશ્નવોને ગામમાં પધારવા વીનતી કરી તેથી સરવે જુથ સાજ સમાજ લઈ કીરતન કરતા કરતા અને આનંદ લુંટતા મંડપમાં પધાર્યા.
કરી કીરતન બહુ વારે, પ્રસાદ લીધા મળી તહીં હારે,
સહુ કોઈ મનમાં ધારે, આનંદ અનુપમ લીધા અત્યારે.
સહુએ સાથે મળી ખુબ કીરતન કર્યા અને પછી સરવેએ પ્રસાદ લીધા. સહુનામાં એમ જ છે કે આજે તો કોઈ અલોકીક આનંદ થાય છે. સહુ ખુશી ખુશી બની ગયા. ઘણું જ મોડું થયું પણ કેટલો વખત થયો છે તેનું કોઈને ભાન નથી. સરવેએ થાક્યા પાક્યા સુવાની તૈયારી કરી નીંદ્રાને આધીન બની ગયા. નાથાભાઇ વહેલા ઉઠી પ્રસાદ લેવાને અવેર ન થાય તે માટે સરવેને જુદી જુદી સેવા સોંપી દીધી. સહુ પોતપોતાના કામમાં મશગુલ બની ગયા. કેટલીક સ્ત્રીઓ નાહી ધોઇ જળ ભરવા માટે કુવે જવા લાગી. તે ગામને પાદર ફક્ત એક જ કુવો હતો. સ્ત્રીઓ જળ ભરવા વાસણ કુવામાં નાખે ત્યાં તો થોડુંક જળ આવ્યું. અરધો ઘડો માંડ ભરાયો હશે તેથી વીચાર કર્યો કે આટલું જ જળ આવે તેથી જળ ક્યારે ભરાઇ રહે તેથી સરવેને શંકા થવા લાગી. કુવામાં જોયું ફક્ત એક ખાડામાં થોડુક જળ છે તેથી નાથા જોશીને બોલાવીને કહ્યું-
કુપ મહીં જોયું, જળ દીઠું ત્યાં એક ખાડ માહે,
બાકી કંકર ભાસે, પાત્ર ભરાયે શી રીતે ત્યાં હે.
નાથાભાઇએ પણ આવી કુવામાં જોયું તો એક ખાડમાં થોડુંક જળ દીઠું. બીજા કાંકરા દેખાયા તેથી પોતે ગભરાયા પોતે વિચાર કર્યો કે હવે આમાં મારી લાજ ક્યાંથી રહેશે? આ ગામમાં કુવો આ એક જ છે. કોઈ દીવસ જળ ખુટતું નથી, પણ આ અચાનક કુવામાં જળ થઇ રહ્યું. હવે કરવું શું? સરવે વૈષ્ણવો નાશે ધોશે ક્યાંથી ? અરે જળ લીધા સીવાય ચાલે પણ કેમ ? બહાર ગામથી મંગાવવું પણ તે કેટલુંક આવી શકે ? અને આ જુથમાં પુરૂં ક્યાંથી થાય ? હવે કરવું શું? હું મારા મનમાં ધારતો હતો કે કોઇએ ન કર્યું હોય એવું મારે ત્યાં કરવું ? પણ આ તો એનાથી ઉલટું થયું, કોઈને ત્યાં ન થયું હોય એવું જ મારે ત્યાં બન્યું. અરેરે ? હું મહાનરાધમ ! વૈષ્ણવોને મહા દુ:ખ દેવા મેં આ કામ કર્યું, અરે પ્રભુ હું એવો અધમ છું કે મારે માથે જ આવું કષ્ટ આવ્યું? હવે કોઈ જાતનો રસ્તો નથી. આ કરતાં તો મારું મૃત્યું આ જ ઘડીએ થાય તો કેવું સારું? કે વૈશ્નવોને મોઢું બતાવવું ન પડે ? એમ કહી શ્રી ઠાકુરજીનું ધ્યાન ધરવા એક ઓરડામાં જઈને પોતે એકાંતમાં એકલા બેઠા.
બેડો બાઇ : ધર્યું નાથે ધ્યાન ધણીનું રે
આવ્યું આજે કામ અણીનું રે, ધર્યું નાથે ધ્યાન ધણીનું રે,
અકળ લીલા નાથ તમારી; જાણી હુંથી ન શકાય,
ડગલે પગલે દોષે ભરેલો, ક્ષમા ચાહું વૃજરાય….ધર્યું.
જંજાળી જીવડો ખાય છે ગોથાં, માયા વીષે દિન રાત,
સુઝયું નહીં પુરૂં કરીશ ક્યાંથી, મારી તે કોણ વીશાત…ધર્યું.
વૈષ્ણવ આવ્યા આંગણે વાલા, દુ:ખી થશે અપાર,
સારૂં ને માઠું આપને હાથે, છે જ પ્રભુજી થનાર…ધર્યું.
અવસર આવી આપ ઉકેલો, મ્હારૂં નથી તલભાર,
વૈષ્ણવ વહાલા જેમ રીજે તેમ, વહેલું કરો વૃજધાર…ધર્યું.
નાથાભાઇએ ઓરડામાં જઈ શ્રી ઠાકુરજી પાસે વીનંતી કરવા માંડી-હે પ્રભુ હું તો જીવ છું, ડગલેને પગલે દોષથી ભરેલો છું, વળી સંસારી ને ઝંઝાળી જીવડો, માયામાં રચી પચી રહેલ આપની માયાને શું જાણી શકું ? મારૂં ગજું શું? વાલા તમારી લીલા તો અકળ છે તે હું ક્યાંથી જાણી શકું? મારું ગજું શું? વાલા તમારી લીલા તો અકળ છે તે હું ક્યાંથી જાણી શકું? મને કાંઇ ખબર પડી જ નહિ કે હું બધાનું પૂરું ક્યાંથી કરીશ? પ્રભુ હવે અણીનો સમય આવ્યો છે. મારે આંગણે આવેલા વૈશ્નવો દુ:ખી થશે તો તમારી પત જાશે. સારું કે નરસું એ સર્વે આપને હાથ છે, જીવ તો માત્ર નીમીત્ત છે નાથ ! આમાં મારું કાંઈ જ નથી. મારા અનેક દોષ થયા હોય તેની ક્ષમા આપી, વાલા ! વૈષ્ણવોને સુખ થાય અને તેઓ આનંદમાં રહે એમ કરો. પ્રભુ આ દેહને ભોગે પણ વૈશ્નવોને સુખ થાય એમ હોય તો એમ કરો આપની ઇચ્છા મુજબ કરો પણ, રસીલા વૈષ્ણવોને કાંઇ પણ જરાપણ દુ:ખ ન થાય એ પ્રમાણે તે વૃજધાર વેલા પધારો મારું સર્વસ્વ આપ જ છો મારી લાજ એ જ આપની લાજ છે.
દોહરો – દયાનીધીના દીલમાં, પ્રકટી દયા અપાર,
સંકટ હરવા ભક્તનું, થયા તદા તૈયાર.
એ પ્રમાણે નાથાભાઇની સ્તુતી સાંભળી દયાનીધીના દીલમાં અપાર દયા ઉત્પન્ન થઇ અને ભક્તનું દુ:ખ હરવા કૃપાસીંધું તૈયાર થયા, આંખના પલકારા માત્રમાં સુરપતિ-ઇંદ્ર હાજર થયો.
શ્રી ઠાકુરજીએ ઈંદ્રને આજ્ઞા આપી કે અમરાપુરમાં મારા સેવકને ત્યાં જળની ત્રુટી આવી છે માટે તમો ઢીલ નહીં કરતાં જલદી ત્યાં જાવ અને વરસાદ વરસાવો. આજ્ઞા માથે ચડાવી ઇંદ્ર તૈયારી કરી. અમરાપુર ગામને ચારે તરફ એક એક ગાઉ સુધી અપાર જળ વરસાવ્યું એ વખતે વીજળી ચમકારા કરે છે, ચારે બાજુ ઘોર અંધકાર છવાઈ રહ્યો. એક ધારો વરસાદ વરસવા લાગ્યો. બધા બહુ આશ્ચર્ય પામ્યા ઠેકાણે ઠેકાણે જળાશયો ભરાઈ ગયાં અને નદીની માફક વહેવા લાગ્યા એક ગાઉ ઉપર બટ નામનું તળાવ છે ત્યાં આકાશમાંથી એક ધાર તળાવમાં અખંડ રીતે આવવા લાગી તે તળાવ પણ ભરાઇ ગયું. સાક્ષાત મહારાણીજી તળાવમાં પધાર્યા છે એવો ભાસ વૈષ્ણવોને થયો. નાથાભાઇ તથા સર્વ વૈશ્નવો મહા આનંદમાં આવ્યા અને નાથાભાઇએ સાક્ષાત શ્રી મહારાણીજી પધાર્યા તેથી સાચા મોતીએ વધાવ્યા અને ત્યાંથી શ્રી મહારાણીજીનો કળશ ભરી કીરતન કરતા કરતા વૈશ્નવો ગામમાં પધરાવી લાવ્યા. વૈષ્ણવો મહા આનંદથી જલ તથા પ્રસાદ લઈ તાતા માતા-ગુલ્તાન બની શ્રી ઠાકુરજીના જસ ગુણ ગાવા લાગ્યા એવી રીતે શ્રી ઠાકુરજીએ તથા મહારાણીજીએ નાથાભાઈ જોશી ઉપર કૃપા કરી નાથાભાઇ એવા પરમ ભગવદી પુર્ણ કૃપાપાત્ર હતા તેથી સર્વે વૈશ્નવોને મહા આનંદ લેવરાવ્યો. નાથાભાઈ ઘણા જ ખુશી થયા કે મારી ઉપર શ્રીજીએ પુર્ણ કૃપા કરી અને મારી વીનતી સ્વીકારી પધાર્યા અને ખરે વખતે મારી સાર કરી.
દોહરો – હવે વધુ ઇચ્છા નથી, બસ રાખો મહારાજ
કામ થયું આ દાસનું, જે ચાહ્યું વૃજરાજ.
હે મહારાજાધીરાજ, હવે બસ રાખો, હવે વિશેષ જળની જરૂર નથી. એ મુજબ નાથાભાઇએ વિનંતિ કરી. મેઘ શાંત થયો. સરવેના મન હરખાયાં ટૂંકી ઇર્ષાળુ જનો આ દેખી બહુ પસ્તાયાં, અને અનેક પ્રકારના દુષણો આપવા લાગ્યાં-વૈશ્નવોના આનંદનો પાર નથી. વિવિધ પ્રકારની સામગ્રી કરી પ્રભુને ધરાવે છે અને વૈષ્ણવો પ્રસાદ લીએ છે. સહુને પ્રસાદ -માળા આપી વિદાયગીરી આપી નાથાભાઈ એ રીતે કૃતાર્થ કૃતાર્થ થઇ ગયા. એવા નાથાભાઇ જોશી પરમ ભગવદી પ્રભુના પુર્ણ કૃપાપાત્ર હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||