|| શ્રી ગોપાલો જયતે ||

ગરજીત ગુન ગોપેંદ્ર, પરઘરી ઘર બ્રદધારી;
પુષ્ટિ પ્રેમ પ્રસાદ, ભામન બદત શુભ ભારી,
ગ્રંથ છંદ કવ્વત ગીત, લલીત લે લલકારી,
શ્રયન સુનત સુખ પ્રીત, નીરમલ બચન પ્રત્યે નિવારી;
ગુષ્ટનંદ ગોપાલકી, રસના રૂપ રટાયો,
ભાન ભલી છબી ભાલકી, ભ્રતજન ભેસત જાયો…૬૫

ભાણજીભાઇ ઔદીચ્ય બ્રાહ્મણ વૈષ્ણવ પડધરી ગામના રહીશ હતા. તે શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તેમણે ઘણા ગ્રંથ-છંદ-કવીત-ગીત વીગેરે લલકારી શ્રી ઠાકુરજીને પ્રસન્ન કર્યા હતા. શ્રી ગોપેંદ્રજીની ગુષટ વારતા કરતા અને સેવક જનનો ભય દૂર કરતા.

અંગ ગર્યો જન એહ, પરધરી મધ્ય પ્રકાશ,
કીરતન કરત કલોલ, ઉપાય ચલે નિજદાસ,
બાહાની તીનક ગાંઉ, ગેલ નગ્રતે આવે, મીલે સનમુખ કોસ, સોંડયો બ્રજ દરસાવે,
કહ્યો પલકક ગુઝ કરી, જય જય જય ગોપાલ,
પહોંચ્યો પદ ગોપેંદ્ર કે, ભાન ભૃૃૃત્ત્ય ભોપાલ…૬૬

પોતાનો દેહ છોડયો ત્યારે નગરથી આવતા પોતાના ગામના વાણીયાને એક ગાઉ ઉપર મળ્યા ત્યાં ભગવદ્ગુષ્ટ કરી અને કહ્યું હું જમુનાપાન કરવા જાઉં છું. એવી રીતે શ્રી ગોપેંદ્રજીના ચરણમાં પહોંચ્યા.

ભક્તિ ભયની હરનારી રે, શક્તી સેવકની ભારી રે…ભક્તિ
હોય કષ્ટ કર કાર્ય અપારી, પ્રભુ પ્રતાપે શકે સુધારી… શક્તિ
અક્ષયપદને અંતે આપે, એ જ સગુણ નરનારી રે….શકિત

ભક્તિ ભયને હરવાવાળી છે. શ્રી ઠાકુરજીના સેવકની શક્તિ પણ અપાર થઇ જાય છે. ગમે તેવું દુ:ખદાયક કામ હોય તો પણ પ્રભુ પ્રતાપે સેવક કરે છે અને અંતે અક્ષયપદને પ્રાપ્ત થાય છે.

ભાણજીભાઈ જ્ઞાતે ઔદીચ્ય બ્રાહ્મણ હતા અને પડધરી ગામે નિવાસી હતા તેમને શ્રી ગોપેંદ્રજીનું નામ અને નિવેદન હતું. પોતે જ્યારે શરણે થયા કે તુરત જ પોતાનું સર્વસ્વ ધન આદિ જે કાંઇ હતું તે શ્રી ગોપેંદ્રજીને અરપણ કરી દીધું અને ફરીથી પોતાનો અલોકીક વહેવાર ચલાવવા લાગ્યા. અષ્ટપહોર શ્રી ગોપેંદ્રજીના ધ્યાનમાં રહેતા. વળી ભાણજીભાઈ સમર્થ વિદ્વાન હતા તેમણે શ્રી ગોપેંદ્રજીના ઘણા ગ્રંથ કર્યા છે અને સભામાં શ્રી ગોપેંદ્રજીના સ્વરૂપનું પ્રતિપાદન કરતા વળી શ્રી પુરૂષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ કર્યો છે તે વૈશ્નવોને ઘણો જ ઉપયોગી છે અને હજી અત્યારે પણ તેના નામનું સ્મરણ થાય છે. તેમના માથે શ્રી ગોપેંદ્રજીના ચરણનું સેવન બીરાજતું તે તેમને સાનુભાવ હતા. ભાણજીભાઈને એક દીકરી હતી તે બાલાંભે કોઇ બ્રાહ્મણને ત્યાં પરણાવી હતી. તેમને તેડવા બીજા માણસને મોકલતા હતા પણ તેમની સાથે દીકરીના સાસરીયા મોકલતા નહીં. વળી દીકરી ઘણીજ લાડમાં ઉછરી હતી. બાલાંભામાં આજી નદી ઘણે છેટે હતી અને ત્યાંથી જલ ભરીને લાવવું પડતું. એ જલ ભરવું અને ઘરનું બધું કામકાજ કરવું, તેથી બાઈને પરીશ્રમ ઘણો જ પડતો પણ પોતે તે સર્વ દુ:ખ નિભાવી લેતી, છતાં ઘરમાં સાસુ ઘણી કરડી હતી તે ઘડીભર સુખ પડવા દેતી નહીં અને કાયમ મેણાં-ટોણાં બોલ્યા કરતી હતી.

ભાણજીભાઇ ના દીકરીને જળ ભરીને આવવામાં મોડું થયું તેથી તેની સાસુ રોષમાં જેમ તેમ બોલવા લાગી

એક દિવસ પોતે જળ ભરવા માટે ગઈ પણ પાછા આવતાં ઘણો વખત થયો તેથી રસોઇનું પણ મોડું થયું પણ સાસુજીથી એ સહન થયું નહીં અને તડુકીને કહેવા લાગી ઘણા જ રોષમાં આવી જેમ તેમ બોલવા લાગી એ સાંભળી બાઈ ઘણી જ ગભરાઇ ગઇ અને નમ્ર સ્વભાવે કહેવા લાગી કે જળ એટલે દૂર છે તેથી મોડું થયું પણ તેમાં હું શું કરું?

ગઝલ – શા માટે ભય રાખ-રાગ
સુણી એ :વાત વીપ્રનાર ખુબ વીફરી, મહા કઠોર વેણ વધુ વધુ ખુબ ઉચરી,
સામું શું બોલે શરમ ના દીસે તને જરી, વીતાવી જીંદગી એમ જળ ભરી ભરી

પડે છે આલ ચાલવામાં એ બીના ખરી રાખીને ગુપ્ત શું લવે છે ના જરી જરી.
તેડાવ તારા બાપને દે કામ એ કરી, નહીં તો લાવે નીરને તું પર દયા ધરી.

સાસુની વાત સાંભળી ભાણજીભાઇ ના દીકરી ગભરાઈ ગયા અને નમ્ર સ્વભાવે કહેવા લાગ્યા કે જળ એટલે દૂર છે તેથી મોડું થયું પણ તેમાં હું શું કરું?

એ વાત સાંભળતા તો સાસુજી વીફરી ગયા અને મહા કઠોર શબ્દ વધારે કહેવા લાગ્યા, તું બેશરમી તને શરમનો છાંટોય ક્યાં છે અને વળી સામું બોલે છે. નાના કે મોટા કોઈનું ભાન જ રાખતી નથી અને જેમ આવે તેમ બોલે છે. અમે અમારી જીંદગી એ જળ ભરી ભરીને જ કાઢી છે. તું કાલ સવારની આવેલ કામ કરવું તને ગમતું જ નથી. તને એટલું ચાલવામાં પણ મહેનત પડે છે. મોટો ભગતડો છે. કમાવવાની તેવડ નહીં તેથી બધું લોકીક છોડી દીધું છે અને આઠે પોર જાણે પ્રભુ નાજ ધ્યાનમાં કેમ રહેતા હોય એવા ડોળ કરે છે અને વળી કે છે કે ઠાકુરજી તો એને વશ થઈને રહ્યા છે. જો તારા એ ભગતડા બાપને કહે કે નદી પાદરમાં લાવે એને તો ઠાકુરજી આધિન છે, તો એટલુંય નહીં કરે ? વગેરે અનેક પ્રકારે કટુ શબ્દો કહેવા લાગી.

એ સાંભળી બાઈ ઘણી જ ગભરાઈ ગઈ, સાસરીયામાં પોતાનો પક્ષ લે એવું કોઈ નથી. હંમેશા મેણાં ટોણાંથી બાઈ પુરી કંટાળી ગઇ. એવામાં પડધરીનો એક માણસ ઓળખીતો આવ્યો. તેને બાઇએ બધી વાત કરી કે પિતાને કહેજો કે હવે અહીં હું બહુ જ મુંજાઈ ગઈ છું. એક શ્રી ઠાકુરજીનો આધાર રાખી રહી છું. સ્થિતિ ઘણી જ દુ:ખદાઇ બની છે. સાસુનું જોર ઘરમાં ઘણું જ છે. પરવશ બની જે જે જુલ્મ થાય તે સહીને રહું છું. વિશેષમાં એવું મેણું માર્યું છે કે તારો બાપ ભગતડો છે તો આજી અહીં પાદરમાં લાવે ! માટે મારા પિતાને કહેજો કે જો બને તો આવીને શુધ લેજો.

દોહરો: પરવારી નીજ કામથી, પથીક પહોંચ્યો ઘેર,
વાત કરી જઈ વીપ્રથી, બની હતી જે પેર.

એ માણસ એ ગામમાં પોતાનું કામ પતાવી ઘરે ગયો, અને જે બીના બની તે સર્વ ભાણજીભાઈને વાત કરી.

બેડો બાઇ બુડશે – રાગ
દેખી દુ:ખ દીકરી કેરું, દાઝયું એનું દીલ ઘણેરું…દેખી.
સ્મરી પ્રભુને વીચર્યા પોતે, પંથ બાળભે જાય,
ધન વરસે ને દામની દમકે, બધે કીચડ દણાય…દેખી.
સંકટ વેઠી બાર ગાઉનો, પંથ કાપ્યો દીનમાંય,
પુર છલોછલ આજીમાં આવ્યું, પહોંચી ગયા તીર જ્યાંય… દેખી.
કરી સ્મરણ કૃપાઘન કેરૂં, લીધી જેષ્ટીકા હાથ,
નદીમાંથી લીટી દોરતા આવે, તેમ વહે જળ સાથ…દેખી.
પહોંચ્યા એ રીતે પુરને પાદર, સરીતાનિ સંગાથ,
ગામ લોકોને જાણ થવાથી, વદ્યા સામે જોડી હાથ… દેખી.

દીકરીનું દુ:ખ સાંભળી ભાણજીભાઇનું દીલ ઘણું દુખાયું અને પ્રભુની આજ્ઞા લઈ પોતે બાલંભે જાવા નીકળ્યા. માથે વરસાદ વરસે છે, વીજળી ચમકારા મારી રહી છે. પગના કાંડા બુડી જાય એવો કાદવ થઈ રહ્યો છે એ નજીક સંકટ વેઠી એક દીવસમાં બાર ગાઉનો પંથ કાપ્યો. આજીનાં કાંઠા નજીક જાય ત્યાં છલોછલ પૂર આવી ગયું છે. શ્રી ઠાકુરજીનું સ્મરણ કરી ભાણજીભાઇએ નદીમાંથી લીટી દોરી અને ચાલી નીકળ્યા. તેજ સમયે કૃપાધન શ્રી ઠાકુરજીની કૃપાથી જળ સાથે ચાલી નીકળ્યું.

દીકરીની સાસુનું મેણું ભાંગવા ભાણજી ભાઈ શ્રી ઠાકોરજીનું સ્મરણ કરી નદી સાથે લઈને ચાલ્યા.

એ રીતે નદી સાથે લઇને ગામને પાદર આવી પહોચ્યા. ગામના લોકોને ખબર પડયા તેથી દોડીને આવ્યા અને ભાણજીભાઇ પાસે હાથ જોડી વીનતી કરવા લાગ્યા. હે ભાણજીભાઇ તમે તો ભગવદી સાક્ષાત પ્રભુ સ્વરૂપ મહાન છો, પણ હવે જો વધારે આગળ ચાલશો તો ગામ બોળાઇ જશે, બ્રાહ્મણની સ્ત્રી કઠણ વેણથી કંઇકના જીવ જાશે. ભાણજીભાઇ કહે મારે તો મારી દીકરીનું દુ:ખ ભાંગવું છે માટે આ જળ વેવાણના આંગણામાં લઇ જઉં કે જેથી ઓશરીની કોરે બેઠી બેઠી વેવાણ નાયા કરે અને કાયમ સંભારે. એ સાંભળી લોકો બ્રાહ્મણને ઘરે ગયા. તેના આખા કુટુંબને તેડી લાવ્યા. તેણે આવી પોતાના દોષની ક્ષમા માગી અને વિનવવા લાગ્યા. જે આપ તો સાક્ષાત ઈશ્વર છો નદી ગામમાં આવશે તો ગામ બોળાઇ જશે માટે હવે બસ કરો અમારા અપરાધની ક્ષમા કરો. વળી બાઇના સાસુ તથા સસરા પગમાં પડી વીનતી કરવા લાગ્યા જે અમને વૈશ્નવ કરો.

એ સમયે શ્રી ગોપેંદ્રજી ડુંગરપુર બીરાજતા હતા. તેથી વીનતી પત્ર લખીને ત્યાં પધરાવ્યા અને બ્રાહ્મણનું આખું કુટુંબ સેવક થયું તેમજ તેમના સંગથી ગામના કેટલાક પણ વૈશ્નવ થયા. ભાણજીભાઇએ નદીને કહ્યું કે તું ગામની ફરતી ચાલ તેથી બાલાંભા ગામની ફરતી નદી ચાલી અને કહ્યું જે ગમે તેટલું જળ ચોમાસામાં આવશે પણ ગામને આંચ આવશે નહીં તે નદી આજ દીવસ સુધી ગામની ફરતી ચાલે છે અને ગમે તેટલું જળ હોય છતાં બાલાંભાને નુકસાન પણ કરતી નથી. તે ઉપરથી ભાણજીભાઇ ભાદરવારી કહેવાણા માટે કહ્યું છે :

ભક્તી ભયની હરનારીરે, શકિત સેવકની ભારિ,
હોય કષ્ટકર કાર્ય અપારી, પ્રભુ પ્રતાપે શકે સુધારી.….શકિત

ભાણજીભાઈને અવસાનનો સમય આવ્યો છે એમ જાણવામાં આવ્યું, પોતે વિચાર કર્યો કે કોઇ સગાં-નાતીલા પાસે કાંઇ પણ ચાકરી કરાવવી નથી. તેથી કેટલાક વૈષ્ણવોને બોલાવી કહ્યું કે મારે આજ ચતુરાદસી છે તેથી ચાલવું છે એવી ઇચ્છા છે. પણ મારા આ દેહને ધામધુમથી સંસ્કાર કરજો. કંઈ પણ લોકીક કરશો નહીં-અને ધોળ મહાત ગાતાં ગાતાં કરતનની ધુન મચાવતા ગુલાલકંકુ ઉડાડજો અને કોઈ મહાન ઉત્સવ હોય એમ સરવે આનંદથી દેહનું કાર્ય કરજો. અમારી કંઇ પણ ભૂલ ચૂક થઈ હોય તે માફ કરજો વિગેરે અનેક રીતે બંને હાથ જોડી વીનતી કરી.

દોહરા : તેલ તીલક સાથે કર્યા, મળી સહુએ તે સ્થાન,
સ્વસ્થ થઈને ભાણજી, સુતા શ્રીવર ધ્યાન,
બંધ થઈ નાડી બધી, ગયો શ્વાસ નીદાન,
ગાતાં વાતાં વૈષ્ણવો, શબ લાવ્યા સમશાન,
વીધી બધી પુરી કરી, દીધો અગ્ની દાહ,
અચરજ ઉપજ્યું એક ત્યાં, જુઓ પ્રભુની ચાહ.

શ્રી ઠાકુરજીને રાજભોગ લાવી આનંદથી સાથે પ્રસાદ લીધા મહા મનોરથ મનાવ્યો. માળાની પહેરામણી કરી સર્વેએ સાથે હળીમળી તેલ તિલક કર્યા અને સ્વસ્થ થઈ શ્રી ઠાકુરજીનું ધ્યાન ધરી શ્રી ભાણજીભાઈ સદાને માટે સુતા, નાડી બંધ થઈ ગઈ, શ્વાસ ગયો. વૈષ્ણવો ગાતાં ગાતાં શબને સ્મશાનમાં લઇ ગયા અગ્ની સંસ્કાર કર્યો. એવામાં એક અચરજ થયું.

ગામમાંથી એક વાણીયો નવાનગર કાંઈ કામે ગયેલ તે પાછો આવતા ભાણજીભાઇ અલોકીક દેહ ધારણ કરી તેને સામા મળ્યા. ભાલમાં મંગલરૂપ તિલક બીરાજે છે. અને ખંભે થેલો રહી ગયો છે. તેમને જે ગોપાલ કરી વાણીઓ કહેવા લાગ્યો ભાણજીભાઈ ! આ થેલો લઈને ક્યાં ચાલ્યા હું અહીં સાફસુફ કરૂં બે ઘડી વિશ્રાંતી લઇએ અને કૃપા કરી ભગવદ્ગુષ્ટ કરો. તુરત જ એક વૃક્ષ નીચે સાફ કરી ત્યાં બેઠા. વિવિધ વાત કરતાં સમય ઘણો જતો રહ્યો ત્યારે ભાણજીભાઈ કહેવા લાગ્યા. હું તો શ્રીયમુના પાન કરવા જાઉં છું, ત્યાંથી હવે પાછા આવવાનો નથી. સર્વે વૈશ્નવોને મ્હારા જે ગોપાળ કહેજો. વળી હું તમને બતાવું તે સ્થળેથી અમુક રકમ કાઢી સરવે વૈષ્ણવો સાથે મળી પ્રસાદ લેજો. ત્યારેજ મારા ચીતને શાંતી થશે. એ મુજબ અનેક વાતો કરી ત્યાંથી બંને જુદા પડયા. વાણીઓ ગામને પાદર આવે ત્યાંતો શબ બળતું દીઠું તેથી બધાઓને પૂછયું કે ગામમાંથી કોણ ચાલ્યું ત્યારે સરવેએ જવાબ આપ્યો જે ભાણજીભાઇ ચાલ્યા.

એ સાંભળી વાણીઓ ચકીત થઈ ગયો. અને કહેવા લાગ્યો કે ભાણજીભાઈ તો મને હમણાં જ સામા મળ્યા ખભે થેલો હતો અને તે શ્રી જમુનાપાન કરવા ગયા અમો સાથે બેઠા હતા. ભાણજીભાઇએ મારા ઉપર કૃપા કરી કેટલીક ભગવદ્ગુસ્ટ કરી. વળી એક બીજી વાત કરી છે કે ઘરના કરાની અંદર અમુક જગ્યાએ અમુક રકમ છે તે કાઢીને સરવે વૈશ્નવોને પ્રસાદ લેવરાવી મારા જે ગોપાળ બોલાવો. એ સાંભળી બધા તેની ખાતરી કરવા ઘણા જ ઉત્સુક થયા ત્યાંથી સરવે પરવારી ઘરે આવ્યા. બધાએ ઘરે આવી તપાસ કરી તો કહ્યા પ્રમાણે સરવે મળ્યું. સહુને મનમાં દ્રઢ થયું કે ભાણજીભાઇ પ્રભુના સાચા ભક્ત હતા અંતે પ્રભુ પદને પામ્યા. એ કેટલા ભાગ્યવંત આ સમયમાં એના જેવા મળવા બહુ દુર્લભ છે.

પુરૂષોતમ પ્રકાશ બનાવી, કીર્તી એણે રાખી,
હજી સુધી એ ગ્રંથ બધે સ્થળ રહ્યા વૈશ્નવો ભાખી,
એની પાછળ વૈષ્ણવજનને , મળી મહાન પ્રસાદી,
એ રસનો સહુ અનુભવ લેજો, હરી આપે છે યાદી.

ભાણજીભાઇએ પુરૂષોતમ પ્રકાશ બનાવી કીર્તિ અમર કરી. જેથી હજી સુધી એ ગ્રંથ વૈશ્નવો વાંચી લાભ લીએ છે એની પાછળ એક મહાન પ્રસાદી સરવેને મળી. જે ધન મળ્યું તેમાંથી સરવે વૈશ્નવોને પધરાવી પ્રસાદ લેવરાવી આનંદ મનાવ્યો જે ગોપાળ બોલ્યા. માટે એ રસનો સહુ અનુભવ લેજો. હરી, ફરીથી પણ એ યાદી આપે છે એવા ભાણજીભાઇ પરમ કૃપાપાત્ર હતા તેની કૃપાનો પાર નથી. ૧૭૨૬ શ્રાવણ વદી ૧૪.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *