|| શ્રી ગોપાલો જયતે ||
ભૃત્ય જન શુભ ભેંસાન, દરજી દાસન દાસ,
શ્રી ગોપેંદ્ર સનમાન, પ્રગટસુ પ્રેમ પ્રકાશ,
છકયા નિજજન સબન, નિજ પુર સંગ નિકાસે,
દાન ગેલસું લેન કબન, ભુચારન સબ ભાસે,
ચલત સુભુપતી રાહ ચયો, સબહીં સુરાકો સંગ,
બેર મોહોં બ્રજ બટ વહ્યો, રાતો પ્રભુને રંગ….૫૬
સુરાભાઇ દરજી વૈષ્ણવ ભેંસાણ ગામના નીવાસી હતા. શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. પોતે ત્રણ વખત સંધ કાઢી શ્રી ગોકુળ ગયા. પોતાને મંડપમાં તુપ થઈ રહ્યું, તેથી શ્રી ગોપેંદ્રજીને વાણીકનું સ્વરૂપ ધારણ કરી પધારવું પડયું અને તુંપની કંપી મુકી ગયા. એવા પૂર્ણ કૃપાપાત્ર હતા.
સાથે ન આવે ધરા ધન કાંઇ, કરીલે ભકિત સમો વહી જાઈ,
માંડ મનુષ્ય તન પામ્યો તું ભાઈ, કુડી કર હવે શાને કમાઈ…સાથે.
જીવને ચોરાસી લાખ અવતાર કર્માનુસાર લેવા પડે છે. તેમાં જ્યારે પ્રભુની કૃપા થાય ક્યારે મનુષ્ય દેહ મળે છે. આવો અમુલ્ય મનુષ્ય અવતાર માંડ મળ્યો છે તો હવે કુડી કમાઈ કરી એળે ન ગુમાવ. જમીન, ધન કાંઇ પણ સાથે આવવાનું નથી. સમય જતો રહેશે. માટે સાચી કમાઈ કરી પ્રભુ પદને પ્રાપ્ત કરી લે.
એક વખત સુરાભાઇના મનમાં વિચાર થયો કે શ્રી યમુના પાન કરી તે લ્હાવ લેવો. હું બીજા કરતાં કાંઇક વિશેષ ભાગ્યશાળી છું, પ્રભુની પૂર્ણ કૃપા છે, સંપત્તિ મળી છે તો તેનો લાભ સહુને દેવો એવું મનમાં દ્રઢ કરી બીજા વૈશ્નવોને ત્યાં તેડાવ્યા અને શુભ દિવસ જોઈ જાવાનું નક્કી કર્યું. સંગમાં લગભગ પાંચસો પાતળ ભેગી થઈ. કોઇ રાજા-મહારાજા કે બાદશાહ તેનો વેરો લેતા નથી, સંગમાં ગાડી-ધોડો તંબુ વીગેરે સર્વે સગવડ રાખતા તેથી કરીને જાણે કોઈ મોટો રાજાનો સંઘ જાતો હોય એમ દેખાતું.
ઘણા જ ઠાઠમાઠથી, ધામધુમથી સુરાભાઈના ઘરેથી મંડળી ચાલી જાણે કોઈ મોટી સેના ચાલી. સહુ એક સાથે જે ગોપાલ જે ગોપાલ એમ મોટા અવાજથી ગર્જના કરતા ચાલ્યા જાય છે. રસ્તામાં અનેક ગામ આવે છે. જ્યાં સાંજ પડે ત્યાં મુકામ કરે છે. કોઈ કોઈ ગામમાંથી તો વૈષ્ણવો તેમજ બીજા કોઇ એ વાત સાંભળી તેના સંગમાં ચાલી નીકળે છે. એવી રીતે મંડળ ઘણું જ વધે જાય છે સુરાભાઈની પ્રીત જોઈ સહુ ચકીત બની જાય છે. જેને જે કાંઈ સગવડ જોઇએ તે સુરાભાઈ આપે છે કોઇને ભોજન, કોઈને ધન, તો કોઈને વસ્ત્ર વિગેરે જે જે સગવડ જોઇએ તે પોતે આપે જાય છે. કોઇ કોઇ રાજા સામા આવતા અને પોતાના ગામમાં પધરાવી જઈ રસોઈ આપતાં. એવી રીતે રસ્તામાં કોઇપણ જાતનું વિઘ્ન નડતું નથી. પ્રભુની પૂર્ણ કૃપા જણાય છે, એ મુજબ આનંદ કરતા કરતા જુથ સહીત શ્રી ગોકુલ પહોંચ્યા. ગામ બહાર તંબુ તાણવા શ્રી ઠાકુરજીએ આજ્ઞા આપી.
દોહરો : કીધાં દર્શન ભાવથી, ફરી સકળ ભુમાંય;
રોકાયા બહુ દિન પ્રતિ, આનંદ લેવા ચાહ્ય.
શ્રી ઠાકુરજીના દરશન કર્યા. ઘણા દીવસ રોકાયા અને દિન પ્રતિદિન આનંદ વધે જ જાય છે.
ગીતિ : નીરખી નૌતમ લીલા, ફર્યા હવે સરવે ત્યાંથી પાછા,
પુન:ધામ નિજ આવ્યા, પુર જન વધાવતા કુસુમે આછા,
એ રીતે ત્રણ વારી, યાત્રા કીધી પોતે હીતકારી,
દીધો લાભ અપારી, દરીદ્રી થાતાં એથી આભારી.
નૌતમ લીલા નીહાળી ત્યાંથી પાછા દેશમાં આવવા નીકળ્યા. પોતાના ગામમાં આવ્યા ત્યાં વૈષ્ણવો સામૈયા કરી ગામમાં પધરાવી ગયા. પુરજનો ફુલની વૃષ્ટિ કરવા લાગ્યા એ પ્રમાણે સુરાભાઇએ ત્રણ વખત સંઘ કાઢી જમુના પાન કર્યા અને ગરીબ માણસોને પણ પુરેપુરો લાભ આપ્યો અને પોતે સાચી સેવા કરી. છતાં હજી દ્રવ્ય ઘણું જ છે. સુરાભાઈ વીચાર કરે છે કે જો આ દ્રવ્ય સત્કર્મમાં વપરાય તો મારું હૃદય ખુશી થાય એવો વિચાર કરી વૈષ્ણવોને તેડાવી વાત કરી કે આ સંસાર હું સહેજે તરું એવો રસ્તો બતાવો. વૈશ્નવોએ વીચાર કરી તેને મંડપ બાંધી શ્રી ઠાકુરજીને પધરાવવા કહ્યું.
સંવત સત્ર સુચોપન, ચૌદશી શુદી દીન ચેત,
સંબંધી મલ્યે ચૌસેસ, સુર સદન સંકેત;
રૂચી પંકત્ય જન રેન, તુપ તાંહા તબ ચાયે,
બ્રજપતિ રૂપ બનકકો ધર, કુંપી ભર ધાયે,
સુરનભા કર ભાવહુ, કહ્યો ધૃત તુમ લેહો,
પ્રાતસું દામ ચુકવહું, દપટ દાસ સબ દેહો…૫૭
સંવત ૧૭૫૪ના ચૈત્ર શુદિ ૧૪ નો નિરધાર કર્યો, પત્રીકાઓ લઈ બ્રાહ્મણ વૈશ્નવો ચારે તરફ નીકળી ગયા. તેરસને દીવસ અસંખ્ય વૈશ્નવો ચાર દિશાએથી પધારવા મંડયા. જુથના સામૈયા કર્યા, માળાની પહેરામણી મંડળીમાં કરી, સાકરીયા જલ લેવરાવ્યા અને અનંત પ્રકારે મનુહાર કરી મંડપમાં પધરાવ્યા કીરતનની ધુન લાગી ગઈ છે તે સમે અર્ધ રાત્રી વીતી ગઈ ત્યારે વૈશ્નવોને પ્રસાદ લેવા પંગત કરવા સુરાભાઇએ આગ્રહ કર્યો તેથી કિરતન બંધ રાખી એક ઘરમાં સાજ સરવે મુકી પંગત કરી વૈશ્નવો પ્રસાદ લેવા બેઠા. જુથ અનંત મળ્યું હતું જેથી કરી તુપ તુટયું, પહેલી પંગતે જ આમ થવાથી સુરાભાઈ એકદમ વિવ્હલ બની ગયા હજી જુથ તો ઘણુંજ બાકી હતું. તેથી વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ગામ તો ઘણું નાનું છે, હતું એટલું ધી આજુબાજુના ગામથી પણ લાવ્યા છીએ. જરૂર આજે મારી લાજ જવાની હવે શું કરવું અને કેમ ઉગરવું.
દોહરો : જઈ બેઠો એકાંતમાં, ધર્યું પ્રીતમનું ધ્યાન,
એક લગન લાગી ગઈ, નથી દેહનું ભાન.
સેવક આ દુઃખને કેમ સહે ભગવાન,
સત્વર પોતે વિચર્યા, દુઃખ હરવા તે સ્થાન.
સુરાભાઈ એકાંતમાં જઈ શ્રી ઠાકુરજીનું ધ્યાન ધરી બેઠા. પોતાના સેવકના આવા દુ:ખને શ્રી ઠાકુરજી કેમ સહન કરે. તુરત જ પોતે સુરાભાઇનું દુઃખ હરવા ત્યાંથી વીચર્યા.
કુપી વહે દ્વેમનકી, સુર સુજન કર સાઇ,
તબ પ્રફુલીત બ્ય તનકી, અંગ અતી આનંદતાઈ;
અનંત ભયો આલહાદ, રસકયો ગુન ધૃતરેરે,
પાયે નિજ દાસ પ્રસાદ, મધ્ય ધન્ય બદે મુખ પ્રભુ ઘેરે,
સકાર બન્ય ભઈ શોધ, ગાઉન મોઝ ન પાયે,
ગોપાલ ગ્રહે શ્રીગોપેંદ્ર, બીબીધ શું તુપ બઢાયે….૫૮
વહાલો મારો હાર દેશે-રાગ
ધરી વેષ વણીકનો પોતે, ગોપેંદ્રલાલ તહીં આવ્યા તહીં આવ્યા,
કોઈ ધીના ઘરાકને ગોતે…ગોપેંદ્રલાલ.
કાંધ પર છે કુડલો ધરેલો, તુ૫ પુરા બેમણથી ભરેલો,
સાથે રાખ્યો છે તાજવાનો થેલો…ગોપેંદ્રલાલ
ધી લીઓ લીઓ એમ કહેતા, ડગ ધીમે ધીમે ભુ દેતા,
આવ્યા મંડપને સ્થળ મહેતા, સુણી વૈશ્નવ સામા ધાયા…ગોપેંદ્રલાલ
વાત જણાવી સુરાભાઈ પાસે, આવ્યું વેચવા ધી છે અવાસે,
આપ આવી કરી લ્યો તપાસે, નથી ભાવ તાલ હજી ઠેરાવ્યા…ગોપેંદ્રલાલ
ઊંઘમાંથી બાળક જેમ જાગે, પયપાન માતા પાસે માગે,
તેમ ધાઈ આવ્યા સુરો આગે, કરી સત્કાર એણે બોલાવ્યા….ગોપેંદ્રલાલ
ભલે આવી પહોંચ્યા આ વારી, લેવા કીંમત શું તમે ધારી,
થયા મને અતિ હીતકારી, ખરી ઉપાધીમાંથી બચાવ્યા…ગોપેંદ્રલાલ
વણીકનો વેષ ધારણ કરી; સંઘ ઉપર બે મણથી ભરેલો ઘીનો કુડલો લીધો છે. હાથમાં તાજવા તોલાનો થેલો રહી ગયો છે, ધી લીઓ ધી લીઓ એમ કહેતાં ધીમે ધીમે પૃથ્વી ઉપર પગ ભરતા ચાલ્યા આવે છે, ઘીના વેપારીને આવતા જોઈ વૈષ્ણવો દોડી સામા ગયા અને મંડપમાં પધરાવી લાવ્યા. સુરાભાઈને એકદમ ખબર આપી ઊંધમાંથી બાળક ઝબકીને જાગે તેમ સુરાભાઈ એકદમ ધ્યાનમાંથી બેઠા થઇ ત્યાં આવ્યા અને શું ભાવ લેવો છે, તમે તો મારી ઉપર મહાન ઉપકાર કર્યો છે વિગેરે નમ્રતાથી કહેવા લાગ્યા. ખરી ઉપાધીમાંથી મને બચાવ્યો છે.
મરાઠી સાખી- કહે વણીક નવ દામ લઇશ હું તેના કંઇ અત્યારે,
કાલ સવારે હીસાબ કરીશું, ચુકવજો તે વારે,
કરો નહીં વારે…હાં પીરસો પુરણ પ્યારે…૧
જો તું ને જોગ મળ્યો આ, તેથી કરી સ્વીકારે,
ગઈ ભંડાર વીશે જઇ ઉચર્યા, પીરસો ઉપર ધારે;
નહીં મળવારે હાં……ખોટી થશો લગારે…૨
એક સહુને વાપરો અત્યારે, લેશું બીજું સવારે,
પ્રાત થતામાં શહેર વીશેથી, મળશે કાલ અપારે,
એ આધારે…હાં…કહેવાશે વાહ વાહ…૩
ધ્યાન સકળનું છે વાતોમાં, કરતાં વીવીધ વિચારે,
અંતરધ્યાન થયા મહેતા ને, રહી નહીં પરવા રે,
સુખથી ભારે…હાં… પત્યું કામ નીરધારે…૪
વણીક કહે સુરાભાઈ તેના પૈસાની અત્યારે ઉતાવળ નથી. સવારે આપણે હીસાબ કરશું ત્યારે ચુકવજો. અત્યારે ઢીલ નહીં કરતાં પંગતમાં પીરસવા માંડો સુરાભાઈને જોતું હતું તે જોગ મળ્યો. પછી કેમ ભૂલે ? ભંડારમાં કુડલો આપી કહેવા લાગ્યા હૈ મારો બાપો કોણ જાણે ક્યાં જતા રહ્યા. તે કોઇનું ધ્યાન રહ્યું નહીં
સવારે ધી કેટલું તેની તપાસ કરતાં કુંપી હતી તેટલીજ ભરેલી છે તેમાંથી કાંઇપણ ઓછી થઇ જ નથી. એ જોઇ સર્વ વિસ્મીત થયા અને પ્રભુની કૃપા માની બીજા કોની એવી શક્તિ હોય છે આવું કાર્ય કરી શકે ?
વળી વીચાર કર્યો કે રાત્રે ધી આપીને તે વણીક ક્યાં ગયો એ કાંઈ ખબર પડી નહીં હવે ગામમાં તપાસ કરી તેને બોલાવી નાણાં ચુકવી આપીએ. ચારે તરફ ખબર કાઢવા માંડી ઘરેઘર ફરી વળ્યા પણ ક્યાંઇ પત્તો લાગ્યો નહીં ત્યારે સહુને નક્કી થયું કે શ્રી ગોપેંદ્રલાલ પોતે જ પધાર્યા. સુરાભાઇ આનંદના આવેશમાં ઉભા થઈ નાચવા લાગ્યા. ધન્ય પ્રભુ તમોને ધન્ય.
હિતી: કરો હવે તૈયારી, સામગ્રી ધરવા પ્રભુને આજે,
ખુબ ચકોરક નાખી, તુપ વાપરો વૈૈષ્ણવને કાાજે,
જો ઘટશે તો લેશું; કચાશ કરશો નહીં જરીએ એમાં,
અણમુલો અવસર આ, મને મળ્યો લઉ લાભ પુરો જેમાં.
સુરાભાઇ અનહદ પ્રેમાવેશમાં કહેવા લાગ્યા. હવે ઝટ સામગ્રી પ્રભુને ધરવા માટે બનાવો. ખુબ ચકાચક ધી નાખી વૈશ્નવોને પ્રસાદ લેવરાવો. ધી ઘટશે તો બીજું લાવીશું પણ કચાસ રાખશોમાં. આ અણમુલો અવસર મને મળ્યો છે તો પુરેપુરો લાભ આપો.
સામગ્રી વિધવિધ પ્રકારની સુંદર મનહર બનાવી, કુંપી વિશેથી તુપ વાપરે છે પણ તલભાર પણ ઘટતું નથી. વૈષ્ણવો પણ હવે કંટાળ્યા તેથી સુરાભાઇ પાસે રજા માગી સુરાભાઇએ પણ ઘણા દિવસ થવાથી વૈશ્નવની આજ્ઞા માની જવા માટે માળા પ્રસાદ આપ્યાં અને સર્વેનો આભાર માન્યો એવી અક્ષયકીર્તિ શ્રી ઠાકુરજીએ એની જકતમાં સ્થાપી.
ઘણા વરસ સુધી વૈષ્ણવને માટે એ કુપીમાંથી તુપ વાપર્યું છતાં પણ તેમાં તેટલું જ રહે છે એથી સુરાભાઇની સ્ત્રીની વૃત્તિ બદલાઈ અને વિચાર કર્યો કે જો ધી વેચીએ તો પૈસા પુરા આવે. એમ વિચારી તેમાંથી વેચ્યું. તેથી એ તુ૫ અલોપ થઇ ગયું એ રીતે ભ્રષ્ટ વીચાર કરી એ અમી કુપ ખોઈ પછી સુરાભાઈ ઘણા પસ્તાવા લાગ્યા પણ ઉપાય શું? એ સુરાભાઈ એવા કૃપાપાત્ર દરજી વૈષ્ણવ થઇ ગયા, જેને માટે શ્રી ગોપેંદ્રલાલને પોતાને વણીકનો વેશ ધારણ કરી ધીની કુંપી લઈને આવવું પડયું એની કીર્તિ જગમાં છવાઈ રહી છે. એવા પુરણાનંદ પુરૂષોત્તમ પ્રભુ ચરણની પ્રાપ્તી થાય.
એક વખત સુરાભાઇ પોતાનું મકાન ચણાવતા હતા તેને માટે મોભ લાવવા માણસોને માપ આપીને મોકલ્યા. માણસો મોભ લઇને આવ્યા. સુરાભાઈ કહે માપ પ્રમાણે જ લાવ્યા છો કે કંઇ ઓછું લાવ્યા છો ? બધા કહે તમો એ માપ આપ્યું પછી ઓછું શા માટે લાવીએ. સુરાભાઇએ માપી જોયું તો એક હાથ ઓછું થયું. લાવનારા પણ વિચારમાં પડી ગયા હવે શું કરવું? વળી બહાર ગામ બીજું લેવા જતાં પણ બે ત્રણ દીવસ જાય અને કામ અટકે તેથી સરવે મુંજાયા. સુરાભાઇ કહે એમાં મુંઝાવ છો શું? બધા ભેગા થઈ બાજુથી ખેંચો એટલે તણાઈને મોટું થશે કેટલાક અર્ધદગ્ધ હતા તે કહે સુરાભાઇ કાંઇ ગાંડા બની ગયા કે શું? લાકડું તે ક્યાંઇ ખેંચવાથી મોટું થાય ? સુરાભાઇ કહે હા ! હા ! લુગડું તે ખેંચીને કેમ દોઢ ઇંચ જેટલું વધારી દઇએ છીએ ? તો આ લાકડું કેમ ન વધે લ્યો મારો બાપો એમ કહી પોતે હાથ દીધો અને બીજા પણ પાંચ સાત લાકડાને વળગ્યા અને ખેંચ્યું, હેઠે મુકીને પાઠું ભરી જોયું તો એક હાથ લાકડું વધારે થયું એટલે જે બોલાવી મોભ ચડાવી દીધો.
સુરાભાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા તેમાના વંશના શ્રી ગોપેંદ્રજીને શરણે આવ્યા. તેની કૃપાનો પાર નથી માટે જ
સાથે ન આવે ધરાધન કાંઇ, મેળવ કીરતી સમો વહી જાઇ,
માંડ મનુષ તન પામ્યો તું ભાઈ; કુડી હવે કર શાને કમાઈ
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply