|| શ્રી ગોપાલો જયતે ||
દલજાની રાઘોદાસ, કરન સમરપન કીને,
અન્ય મીટી મન આશ, ભ્રત જનમેં રંગ ભીને;
નત્ય સેવા નિજજન, રહી સદા તન રત્ય,
દરસત પાસ દાસન, સંબંધી જન હરી સત્ય;
તન મન ધન શ્રી ગોપેંદ્ર, અરપે એહી સબ આગે,
જન જીવન અંગ આનંદ લહે નિશ્ચેેેેપદ લાગે…૫૦
રાઘવજી જાની જ્ઞાતે ગીરનારા બ્રાહ્મણ જુનાગઢના રહીશ હતા. પોતે વેદાંતી હતા. વેદ તેના મુખાગ્રે હતા તે શ્રી ગોપેંદ્રજીને શરણે આવ્યા અને પોતાનું સર્વસ્વ સમરપણ કરી નિશ્ચેપદ પામવા શ્રી ઠાકુરજીના ચરણમાં લે લગાડી.
નિજજન સંગ સ્નેહ, રહેત સદા રસ ભીને,
પુરૂષોત્તમ ગુન પીઠીકા, યહ રસના રસ લીને;
વરણન ગ્રંથ કે બદત, ભગવદીયન આધીને,
આત્મભાવ ઉપજ્યો ઉર અંતર, સુબુદ્ધિ સમર૫ન કીને;
ગુણનિધિ રાય ગોપેંદ્રકી, ભર લીલા ઉર ભાસી,
બ્રત અનન્ય જાની ભયો; પ્રેમસુ ગુષ્ટ પ્રકાશી….૫૧
નિજજનના સંગમાં સ્નેહ વધ્યો અને અહોનીશ એજ રંગમાં રંગાયેલા રહેવા લાગ્યા. પુરૂષોત્તમ પીઠીકા ગ્રંથ બનાવ્યો અંતરમાં આત્મભાવ પ્રકટ થયો અને શ્રી ગુણનિધિ એવા શ્રીગોપેંદ્રજીની લીલા ઉર-અંતરમાં પ્રકટ થઇ એવા અનીન રાઘવજી જાની દાસપણાને પામ્યા.
માઠું લગાડો તો રાગ- પ્રભુજીને પ્યારો જે છે, સદા સેવનારો રે,
ધરી ભાવ ગુણ ગાય, એજ તરનારો રે…પ્રભુજીને.
વેદ ન વેદાંત ભલે, હોય જાણનારોરે,
ગ્રહ્યો નહી સાર ખરો, ભવે ભમનારો રે…પ્રભુજીને.
વેદ અને વેદાંત જાણનાર હોય પણ તેનો સાર ન સમજ્યો તે ખરેખર ભવમાં ભટકનારો જ ગણાય છે. પણ જે ભાવ ધરી પ્રભુના ગુણ ગાય છે અને તેને જ સદા સેવનારો છે તેજ પ્રભુને પ્યારો છે. અને તરવાનો એ જ ખરો માર્ગ છે.
જુનાગઢ જ્યાં ગીરનાર પર્વત આવેલો છે, ત્યાં રાઘવજી જાની ગીરનારા બ્રાહ્મણ મહાપંડીત રહેતા હતા. તે ચાર વેદ, છ શાસ્ત્ર, અઢાર પુરાણમાં પ્રવિણ હતા. એવા શાસ્ત્રજ્ઞ રાધવજી જાની દરેક રીતે બહુ હોશિયાર હતા. બધા શાસ્ત્ર અને પુરાણના આધારે તે મોટા મોટા પંડીતો સાથે વિવાદ કરતા અને તેમાં પોતે જીત મેળવતા.
કોઇ સ્થળે પંડીતોની સભા હોય તો નંદી-પોઠીયા પર બધાં પુસ્તકોનો ભાર ભરી ત્યાં પહોંચી જતા અને વિવાદ કરી તેને હરાવતા. એ રીતે દેશ પ્રદેશમાં બધે ફરી તેણે જીત મેળવી હતી અને તેનાં પ્રમાણપત્રો પણ પોતે સાથે જ રાખતા.
એક વખત શ્રી ગોપેંદ્રજી પ્રદેશ પધાર્યા ત્યારે પોતે જુનાગઢમાં પધાર્યા અને વીનોદરાયને ત્યાં ઉતર્યા હતા. આપ રાજભોગ આરોગી પોઢયા હતા. અને વૈશ્નવો સેવા કરે છે. એ સમયે રાઘવજી જાનીને ખબર મળ્યા. તેથી પોતે વિચાર કર્યો કે દુનીયાની અંદર અનેક પંડિતોને હરાવી મેં જીત મેળવી છે. કોઇ સ્થળેથી હું પાછો ફર્યો નથી તો આ એક ગુંસાઇના બાળક આવેલ છે માટે તેની સાથે વાદ કરી તેને હરાવું તો ઠીક.
એમ વિચાર કરી થોડાંક પુસ્તકો લઈ વીનોદરાયને ત્યાં આવ્યા અને વરદી આપી પોતે બહાર ઉભા રહ્યા.
દોહરો : કહે સેવક શ્રીજી કને, જાની મળવા ચાહ્ય,
આજ્ઞા હોય જો આપની, તો અહીં આવી જાય.
એક સેવકે આવી શ્રી ઠાકુરજી પાસે વીનતી કરી કે રાઘવજી જાની આપને મળવા આવવા ચાહે છે, જો આપની આજ્ઞા હોય તો અહીં આવે. તે બધાંઓ સાથે વાદ વિવાદ કરે છે અને બહુ જ હોશીયાર પંડીત માણસ છે. ત્યારે શ્રી મુખે આજ્ઞા કરી કે જાની તો બહીરમુખ છે. કારણ કે તે વેદાંતી છે. રણ સાકારનું ખંડન કરે છે. પણ જો એને ના કહીશું તો તેના મનને કોંટો રહેશે માટે આડો ચક નાખો તેને દરશન નહીં થાય. ત્યાં એ પ્રમાણે કરી ત્યાં માટે આડો ચક-ટેરો લાવ્યા અને જાનીને અંદર બોલાવ્યો આપશ્રીએ અંદરથી આજ્ઞા કરી: – જે જાની પુછો ? એટલાં શબ્દો સાંભળતા જ જાનીને મુર્છા આવી.
મૂર્છાગતમાં જાની જુએ છે તો ગોપેંદ્રજી પુરણ પુરૂષોત્તમ સ્વરૂપ નીહાળ્યા. રૂષીમુનિ સામે ઉભા સ્તુતી કરે છે. બ્રહ્મા, ઇંદ્ર, વરૂણ શ્રી ગીરધારીની સેવા કરી રહ્યા છે. મહેશ, નારદ શારદ આદિ કરોડો દેવતાઓ નમી.નમી પ્રભુની સ્તુતી કરે છે અને ગુણ ગાય છે. ચંદ્ર અને રવી પણ શ્રી ઠાકુરજીને પ્રસન્ન કરવા ચરણ દાબે છે અને અનેક દેવ-દેવી દુઃખહરની પાસે લાચારી કરતા હાથ જોડી ઉભા રહ્યા છે.
જાની દરશન કરી ઘણા ખુશી થાય છે. તેની એવી સ્થિતિ જોઈ શ્રી ઠાકુરજીએ ચક કઢાવી નાંખ્યો અને સાક્ષાત આપશ્રીના દરશન દીધાં. પોતાનો સ્વહસ્ત જાનીના શીર ઉપર ધર્યો ત્યારે મૂર્છા ટળી. જાનીને સાદ પાડી પોતાની પાસે બોલાવ્યો જાનીને શુદ્ધિ આવી અને જુએ તો શ્રી ઠાકુરજીના સાક્ષાત દરશન કર્યા. તેથી ચરણમાં પડી વીનતી કરવા લાગ્યો હે પ્રભુ! હું પાપી છું. મારો નિસ્તાર આપને હાથ છે માટે હવે નામ-નિવેદન આપી તમારો કરો, જેથી મારા મનને શાંતી થાય. મન કામના પૂર્ણ થાય, મારું ઘર પાવન કરો. હવે મને એ જ ઇચ્છા છે. એ સાંભળી શ્રી ગોપેંદ્રજી બહુ પ્રસન થયા અને વળી તેના શરીર ઉપર હસ્ત ધર્યો તે વખતે જાનીને પદ ઉપર્યું :

મહાપંડિત શાસ્ત્રજ્ઞ રાઘવજી જાની શ્રી ગોપેન્દ્રજી નું સ્વરૂપ જાણી આપશ્રીના ચરણોમાં પડી જાય છે.
હું પતીતન શીર મોર પ્રભુજી હું પતીતન શીર મોર,
સુનયો ન શ્રવને દેખ્યો નહીં આંખન એસો પતીત કોઉ ઓર… પ્રભુજી
તેની વીનતી સાંભળી અને દિનતા જોઇ શ્રી ઠાકુરજી બહુ ખુશી થયા અને બીજે દીવસે તેને નામ-નિવેદન આપ્યું અને તેને ઘરે પધાર્યા. જાનીએ સર્વ સમરપણ કર્યું. તે ઘણા જ કૃપાપાત્ર થયા અને શ્રી ઠાકુરજીના અસંખ્ય પદો બનાવી ગાયા. પોતાનો લોકીક વહેવાર છોડી સાક્ષાત શ્રી ગોપેંદ્રજીના ચરણારવીંદની સેવા કરવા લાગ્યા. જ્યાં મંડપ-મનોરથ થાય ત્યાં પોતે જતા અને વૈષ્ણવોને ગુષ્ટ વારતાનો લાભ આપતા અને પોતે મહાસુખ લેતા.
એક સમયે પોતે ઉષ્માપુર પીતામ્બરદાસ પાસે ગયા અને શ્રી ગોપેંદ્રજીના સ્વરૂપની નિષ્ઠા કરાવવા માટે શ્રી પુરૂષોત્તમ પીઠીકા ગ્રંથ બનાવ્યો. અને શ્રી ગોપેંદ્રજી ભગવદીના હૃદયમાં બીરાજે છે તેવો ભાસ કરાવ્યો. ‘અબતો ભગવદીકે અંગ માહી, જો નિશ્ચેમન આનો’ એવી રીતે સોરઠમાં અનેક સ્થળે ફરી શ્રી ગોપેંદ્રજીના સ્નેહાત્મિક સ્વરૂપની નિષ્ઠા કરાવતા અને શ્રી ગોપેંદ્રજીના ગુણ સ્વરૂપ ભગવદી તેનું ધ્યાન કરાવતા અને પોતે પણ કરતા. શ્રી ઠાકુરજીએ સાક્ષાત મંડપમાં પ્રગટ થઈ સર્વ વૈશ્નવોને દરશન આપ્યા અને હરીબાઈને સહુની વચમાં બેસારીને પ્રસાદ લેવરાવ્યા અને રાઘવજી જાનીનો સંગ આપ્યો. તેના સંગમાં હરીબાઇ મહા કૃપાપાત્ર થયા અને પ્રભુની તેમજ વૈશ્નવની સેવા ટહેલમાં દેહ ગાળી અને સાક્ષાત શ્રી ગોપેંદ્રજીના ચરણારવીંદની પ્રાપ્ત થઈ. તેની વારતાનો પાર નથી માટે :
પ્રભુજીને જે છે, સદા સેવનારોરે,
ધરી ભાવ ગુણ ગાય, તેજ તરનારોરે,
વેદ ને વેદાંત ભલે, હોય જાણનારોરે,
ગ્રહ્યો નહીં સાર ખરો, ભવે ભમનારોરે…પ્રભુજીને
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply