|| શ્રી ગોપાલો જયતે ||

ભારીય શ્યામ ભોયંગ મુખ, પદ દંસન બેઠાએ દાસ,
અંગ અંગ અધીક ઉમંગ સુખ, પ્રત્યજન કહ્યો ન પ્રકાશ;
વેહે જન નો હજાર, આય મીલે ઘર આહી,
મૃત્યુ કાલ તેહી તાલ, વેહેર ન શક્યો વાહી;
રૂચ્ય જીરણ ગઢ રાસ રચ્ય, ગોપેંદ્ર પ્રભુ ગુન ગાયે,
દેખો દ્વારકાદાસ જસ, સુભક્તિ દ્રઢ પદ પાયે…૪૮

દ્વારકાદાસ દેસાઈ જ્ઞાતે કાયસ્થ વૈષ્ણવ હતા અને તે જુનાગઢના નિવાસી હતા. પોતે દીવાન હતા પણ શ્રી ગોપેંદ્રજીના અનીન સેવક હતા. શ્રી ગોપેંદ્રજીએ તેમને વસ્ત્રસેવા પધરાવી આપી હતી અને તે સેવામાંથી શ્રી ઠાકુરજી સાક્ષાત પ્રકટ થઈ દ્વારકાદાસ સાથે વાતો કરતા. એક દીવસ દ્વારકાદાસ સેવામાં હતા. તે વખતે શ્રી ઠાકુરજીએ પ્રગટ થઈ કહ્યું. જે દેસાઈ તમારો દાસ ચાલશે અને તેને સર્પ દંશ થશે. દ્વારકાદાસને એકજ પુત્ર હતો. પણ જેને સંસારની માયા વળગી જ નથી તેને હરખ-શોક શાનો હોય ? તેથી દ્વારકાદાસે વિનયથી કહ્યું જે નિજ ઇચ્છા તેથી પોતે ખુશી થઈ કહ્યું કે તેને એક માસ પછી ચૌદસને દીવસે બપોરે સર્પદંશ થશે પણ જે મૃત્યુ પાછું વાળવું હોય તો તે ભગવદીના હાથમાં છે. ત્યારે દેસાઇએ કહ્યું કે રાજ! આપથી મોટા ભગવદી ?! જે આપને મૃત્યુ પાછું વાળવું હોય તો ક્યાં અસમર્થ છો ? ત્યારે આપશ્રીએ કહ્યું-જુઓ દેસાઈ ! ભગવદી છે તે મને વશ કરી રહેલા છે. માટે તેની ઇચ્છા સિવાય અમારાથી કશું બની શકે નહીં. માટે તમો મંડપ કરી ભગવદીને પધરાવો, તેવી આજ્ઞા શ્રી ગોપેંદ્રજીએ કરી તે આજ્ઞાનુસાર દ્વારકાદાસે ચતુરાદસીનો મંડપ કર્યો મંડપમાં પધરાવ્યા અને મહા આનંદ મંગલ વરતાવ્યો. મધખેલને દીવસે બરાબર બપોરે વૈષ્ણવો સમાજમાં બેઠા અને દાસને લાવી મંડળીની મધ્યમાં બેસાર્યો. થોડાક સમયમાં મોટો મણીધર ત્યાં આવ્યો એટલે દાસે પગ લાંબો કરી તેની સામો ધર્યો. મણીધર પગનો અંગુઠો ચુસી પાછો ફર્યો. સર્પ એવો હતો કે કરડે કે તુરતજ પ્રાણ જાય પણ ભગવદીની પૂર્ણ કૃપાએ કરી દાસના અંગને કઇ બાધા કરી શક્યો નહીં, અને મંડપમાં આનંદ ઓચ્છવ વરતાયો તે દિવસથી દ્વારકાદાસ ભગવદીનું ધ્યાન ધરતા. અને ભગવદીઓને શ્રી ઠાકુરજીનું સ્વરૂપ જ માનવા લાગ્યા. દ્વારકાદાસ એવા પરમ કૃપાપાત્ર હતા. તેના અનેક પ્રસંગો છે તે લખતાં પાર આવે તેમ નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *