|| શ્રી ગોપાલો જયતે ||
દાસ ચલે બ્રજ દેસ, સત તીનકકો સંગ,
અનુભવી અતી આવેશ, આનંદી સબ અંગ,
પેખો પીપલદાસ કીયે, લલીત ભક્તિ ભર લ્યાય,
જલકે ઘટ ભર શીર લીયે, પેડે સબકું પાયે,
બ્રજ કર યેહ પ્રમાન, ફુલરામે મંડપ કીને,
વાહલા ઘર વલભાન, દપટરૂપી ધૂત દીને…૪૫
પીપલદાસ જ્ઞાતે દરજી વૈષ્ણવ. ફુલરા ગામે નીવાસી હતા. તેઓ શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તેમને જમુનાપાન કરવા જવાની ઇચ્છા થઈ ત્યારે સોરઠમાંથી વૈષ્ણવોનો સંઘ કાઢ્યો. ત્રણસો વૈષ્ણવોનું જુથ સાથે
બીરાજતું હતું. પગ રસ્તે હંમેશા સાત ગાઉની મજલ કરતા હતા. ભગવદી સ્વરૂપનો ઘણો જ ભાર હતો. પોતે પોતાની દેહથી જ વૈશ્નવોની ટહેલ કરતા. રસ્તામાં ચાલતાં જેને જળ જોઈએ તેને પોતે જ લેવરાવતા. પોતાને માથે જળનો ભરેલ ઘડો રાખતા. તેવી રીતે વૈશ્નવોની ટહેલ કરતા.
જમુના પાન કરીને આવ્યા પછી તુરત જ કુલરામાં મંડપ કર્યો અને શ્રી ગોપેંદ્રજી તથા તેમના અંગીકૃત સેવકોને પધરાવ્યા અને તુપ તથા દુધની રેલ ચલાવી. પીપલદાસે લોકીક છોડી અલોકીકમાંજ પોતાનું
વીર-દ્રવ્ય તથા જાત ગાળી તેમને ઘેર બે ચાર વૈૈષ્ણવ સદા રહેતા. પીપલદાસને એવી ટેક હતી કે પોતાને ઘેર ભગવદી ન પધારે તે દીવસે પોતે તથા તેમના ઘરના પ્રસાદ ન લેતા. તેની દેહ રહી ત્યાં સુધી શ્રી ઠાકુરજીએ તેની ટેક નિભાવી.
પીપલ પીહ પ્રતાપ, ઘર ગૌઅનકી ઘેરી,
અહોનીશ ચારત, ફીરે તીત ઘોરનફેરી,
ધેરી લીએ સબ ગાઉ, કથ્ય વાહી પ્રત્ય કેહે,
લઘુઆ વેહ રહ્યો લ્યાઉ, દોહનકું તબ દેહે,
ગન્ય સંકેતે લે ગયો, એહી સબ અચરજ આયે,
પ્રભુ પ્રભુ સબ મુખ પયો. દીએ સબ ગૌ બગદાયે…૪૬

શ્રી ઠાકુરજીના પ્રતાપથી પીપલદાસ ગાયુ ઘણી રાખતા હતા એક દીવસ ભગવદ્ વારતા થઈ રહ્યા પછી પીપલદાસ ગાયું ચરાવા ગયા. ત્યાં ચોર લોકો આવી ગાયુ હાંકી લઈ જવા લાગ્યા. ત્યારે પીપલદાસે કહ્યું જે-સાંભળો તમો ગાયુ લઈ જશો પણ તમોને દોહવા આપશે નહીં, કારણ કે બધી ગાયો દુધાળ છે પણ તેના વાછરડાં નાનાં નાનાં ઘેરે છે માટે ઉભા રહો. હું તમને તે લાવી આપું. ચોર લોકોને તેના કહ્યાનો વિશ્વાસ આવ્યો અને ગાયો લઈ ઉભા રહ્યા, પીપલદાસ સત્ય વક્તા હતા તેથી ઘરે આવી વાછરડાં લઈને ચોર લોકોની પાસે ગયા અને કહ્યું જે લ્યો ! આ વાછરડાં એ વીના તમોને દોહવા આપશે નહીં. વળી પોતાના વાછરૂ વગર ગાયો બીચારી દુખી થશે. અને ગાયો વિના વાછરડાં પણ દુ:ખી થશે, માટે તમો આ સરવે લઈ જાઓ. એ સાંભળી ચોર લોકો વિમાસણમાં પડયા આ કોઈ મહાન ભક્ત છે અને જો આપણે એની ગાયો લઇ જશું તો દુ:ખી થઇશું એવો વિચાર કરી સરવે ચોર લોકો પીપલદાસના પગમાં પડયા. અને કહ્યું જે તમો કયો ધર્મ પાડો છો ? ત્યારે પીપલદાસે કહ્યું કે હું તો અધમ ઓધારણ, તરણ તારણ એવા શ્રી ગોપેંદ્રજી મહારાજ જેમણે પોતાના નિજ ભક્તો માટે વલ્લભ કુળમાં પ્રાગટ લીધું છે એના દાસના દાસનો પણ દાસ છું. ત્યારે ચોર લોકો કહેવા લાગ્યા. અમને તમારા સેવક બનાવો તેથી તેની વીનતીથી પીપલદાસે વીનતી પત્ર લખી શ્રી ગોપેંદ્રજી જુનાગઢ બીરાજતા હતા ત્યાં મોકલ્યા. એવા કૃપા પાત્ર પીપલદાસ હતા. જેના સંગ દરશનથી ચોર પણ ક્ષણમાં વૈશ્નવ થયા. તેની વારતાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply