|| શ્રી ગોપાલો જયતે ||

દેહ તુમાચિ દાઝ, દુઃખ રઘુનાથકું દીને;
જન સેવક જીવરાજ, કતીજા ઉપર કીને,
રીસ કહે રાજન, મારૂં હું માલા ધારી,
ચુપ ચુપ સહે સબ સુન, બાનીક બંધ ઉતારી,
મોહોન લખા શ્રી ગોપેંદ્રવર, પુષ્ટી સુભક્ત પ્રમાન,
માલા તેલસુ તીલક કર; ગહેક કીયો ગુનગાન-૩૮

તુમાચિ જામ જાતે ક્ષત્રીય વૈષ્ણવ અને જામનગરના રાજા હતા. શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. શ્રી ગોપેંદ્રજી તથા તેમના સેવક ઉપર તેને અનહદ ભાવ હતો, અને ભગવદી સ્વરૂપને સાક્ષાત શ્રી ગોપેંદ્રજીનું જ સ્વરૂપ માનતા. તુમાચિ જામને એવી ટેક હતી કે તેના રાજ્યમાં જે શ્રી ગોપેંદ્રજીના સેવક હોય તેની મહેસૂલ લેતા નહીં. તેથી આખા હાલારના ઘણા માણસોએ માળા બાંધવા માંડી. તેથી કોઇની મહેસુલ કાંઇ આવે નહીં અને રાજ્યમાં તુટો આવવા મંડયો વળી ખંડણી પોતાને ભરવી પડતી. તે ખંડણી પણ બે વરસની ચડી ગઈ, અને ભરાણી નહીં.

તેથી બાદશાહે કહેવરાવ્યું કે બધી ચડેલી ખંડણી તુરત ભરી જાવ અને જો નહી ભરો તો રાજ્ય ઉપર હુમલો કરીશું અને રાજ લઈ લેશું. એવા સમાચાર આવ્યા પણ જામ તુમાચિને એવી ટેક હતી કે જેની ડોકમાં માળા હોય તેની મહેસુલ લેવાય જ નહીં.

રઘુનાથભાઈ તથા જીવરાજભાઈ બંને સંગી વૈષ્ણવ હતા, તેમણે તુમાચિને કહ્યું, જે રાજા ! આ બધાએ માળા બાંધી છે તે તો ફક્ત સ્વારથને લઈને જ બાંધી છે. મહેસુલ નહીં આપવા માટે જ તેઓએ વેશ ધારણ કર્યો છે. પણ કાંઈ શુદ્ધ અંત:કરણથી ધર્મનો અંગીકાર તો કોઈ વીરલાએજ કર્યો હશે. માટે હે રાજેંદ્ર બહારગામ તથા ગામમાં ઢંઢેરો ટીપાવી બધાને એકઠા કરી તેની કસોટી કરવી જોઇએ.

એમ કહી પોતે ગામમાં ઢંઢેરો ટીપાવ્યો અને બહારગામના પણ બધા માળા બાંધવાવાળાઓને તેડાવ્યા. એક મોટો વંડો રાખી તેમાં બધાને ભેગા કર્યો અને ત્યાં એક ઘાણી ઉભી કરી. રઘુનાથભાઇ તથા જીવરાજભાઈ ડેલીમાં બેઠા. જ્યારે સર્વ વૈષ્ણવ આવી ગયા ત્યારે તેમને કહ્યું કે વૈષ્ણવો જામ તુમાચીને ભગતીયું તેલ જોઈએ છીએ, માટે તમોને બોલાવ્યા છે.

ત્યારે કેટલાક કહેવા લાગ્યા કે અમે તો બધાની દેખાદેખીએ માળા બાંધી છે, કેટલાક કહેવા લાગ્યા કે મહેસુલ નહીં ભરવા બાંધી છે અને કોઇ કહેવા લાગ્યા કે આ કાંઇ અમારા બાપદાદાનો ધરમ નથી અમે તો
ફક્ત જોવાને માટે બેચાર માસનીજ બાંધી છે. એમ સર્વ કહેતા ગયા અને માળા ડોકમાંથી કાઢી જીવરાજભાઇ તથા રઘુનાથભાઈ પાસે મુક્ત ગયા. જોતજોતામાં માળાનો મોટો ઢગલો થયો અને વંડો ખાલી થઈ ગયો.

આ વાતની જામનગરના રહીશ ભાટીયા વૈશ્નવ મોનલખાને ખબર પડી. તે શ્રી ઠાકુરજીના સેવક હતા. તેને માથે સેવન રૂડી રીતે બીરાજતું હતું. તે પોતાના કુટુંબ સહીત મહારાજશ્રીને રૂડી રીતે રાજભોગ લાવી, પ્રસાદ લઈ પોતાના ધન્ય ભાગ્ય માની તેલતીલક કરી મહા આનંદથી પ્રફુલીત વદનથી કીરતન કરતાં ત્યાં આવ્યા. તેમના ઘરના બાલગોપાલ સર્વ સમાજમાં બેસતા. કીરતન કરતા કરતા ડેલી પાસે આવ્યા ત્યારે રૂગનાથભાઇએ કહ્યું કે રાજા ઉઠો અને આના ચરણમાં પડો આનું નામ નીસ્વાર્થી ભગવદી. એ સાંભળી રાજા મોનલખાના ચરણમાં પડયા તેમને સાષ્ટાંગ દંડવત કર્યા અને સારી રીતે તેનું સનમાન કરી પોતાની ગાદી ઉપર પધરાવ્યા.

ત્યારે મોનલખાએ વીનતી કરી જે અમારી શું અંતરાય ? જે આ કાચી અને ગંદી દેહ ભગવદી અર્થે કામ ન લાગી એમ કહેતાં નેત્રમાં જળ ભરાઈ આવ્યા. જીવરાજભાઈ તથા રૂગનાથભાઈ કહે રાજા આવા વૈશ્નવને માટે તન-મન-ધન કુરબાન છે. પણ એવા જે સ્વાર્થી અને કામી મનુષ્યો જે બીજાનું કાંઈ પણ હીત નહીં કરતા જળોની માફક વળગી ફક્ત લોહીનાજ ચુસનાર છે તેવાઓને તો સતકોટી ધીક્કાર છે. તેઓ પોતાનો તો આ લોક અને પરલોક બગાડે છે પણ તેમના સંગીઓનું પણ બગાડે છે માટે જે કાંઇ કરવું તે જોઈ-વચારીને પછી જ કરવું.

ત્યાર પછી રઘુનાથભાઇએ અને જીવરાજભાઇએ બધી ચડી ગયેલી મહેસુલ બધા પાસેથી વસૂલ કરી, બાદશાહને ખંડણી મોકલી આપી અને રાજકોષમાં પણ નાણા ભીડ ઓછી થઈ ગઈ. એ જામ તુમાચિ એવા ભાવવાળા હતા કે પોતાના ઠાકુરજી અને ઠાકુરજીના સેવક માટે રાજય જાય તો ભલે પણ વૈષ્ણવની મહેસુલ લેવી નહીં એવો દ્રઢ આશ્રય શ્રી ઠાકુરજી ઉપર હતો. તેની વારતાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *