|| શ્રી ગોપાલો જયતે ||

અસુર જાતકો એક, સંગ સબન લગ્ય લુંટે,
એહી ડીગર અનેક, કુઢયો પકરકે કુટે;
કહે ન શકે કોય, નગ્ન નયે બીચ બાસ,
જીત પશ્ચિમ રાજેંદ્ર તીત તેહી ખરો ખવાસ;
સમજાયો ગોપાલસુત દુષ્ટ મટયો વૃહે દાસ,
સકલ સમરપન સાથ સજ્ય, આયો જુ જીવન આશ…૩૬

ખોકીયા ગામનો રહીશ એક ખોજો લખો લહીઓ જામનગર આવી રહેતો હતો, તે રાજા પાસે લખિયા નું કામ કરતો પણ પોતાની અસુર વૃત્તિને લઈ સંગમાં કેટલાંક માણસો રાખી લુટફાટ પણ કરતો અને કેટલાકને પકડી તેનો કુટો કાઢતો, ઘણો જ માથાભારે માણસ તેથી કોઇ કહી શકતું નહીં. પોતાના સંગમાં કેટલુંક સૈન્ય રાખી પશ્ચિમના કેટલાક રાજાઓને જીતી લીધા. એ રીતે રાજાનો પોતે માનીતો થયો. અને કારભારી થયો. શ્રી ગોપાલલાલના સુત એવા શ્રી ગોપેંદ્રજીએ તેને શરણે લીધો, અને દુષ્ટ મટી દાસ થયો. પોતાનું સર્વ સમરપણ કર્યું અને જીવનદાસ નામ રાખ્યું.

પ્રગટ નિશ્ચેપદ પાય, લલચ્યો મન ગુન લાગે,
સદન બાગ કર સાય, અરપ્યો એહિ સબ આગે
રાજ્યો પ્રભુ કે સાથ, દેહ દશા ભાન ભુલ્યો,
વ્રહે નિરખાઈ હાથ, અંગ અપરમીત કુલ્યો;
જ્યન જીવન જાત, રૂપ ગોપેંદ્રસું રાતો,
જપ્ય જીવન ભ્રતસુ ભાંત, નેહ નિશ્ચેપદ નાતો…૩૭

શ્રી ઠાકુરજીના ગુણમાં મન લલચાયું, પ્રગટ પ્રમાણ નજરે નીરખી. નિશ્ચપદ ગ્રહણ કર્યું. પોતાનું સર્વસ્વ ઘર-બાર આદિ તમામ શ્રી ઠાકુરજીને અરપણ કર્યું, પોતાની દેહદશા ભુલી ગયો અને પ્રભુની સાથે જવા તૈયાર થયો. તેનો એટલો બધો પ્રેમ-વીરહ ભાવ જોઇ શ્રી ઠાકુરજી બહુ ખુશી થયા. જીવનદાસ એવા શ્રી ઠાકુરજીના સ્વરૂપમાં મગ્ન બની ગયા કે સદાય દાસીભાવ ધારણ કરી, નિશ્ચપદના સદાય સુહાગી બન્યા.

જીવનદાસ ખોજા -વૈશ્નવ ૨૨ મા

માઠું લગાડો તો : પોતાનાં જનોને પ્રીય કદી ન વીસારે રે.
ગમે તેવી યોની હોય, અંતમાં સુધારે રે,
ખરો લાભ લેવા મળી, દેહ સુસ્વભાવે રે,
એવા પ્રભુ ભુલી કોણ, જીંદગી ગુમાવે રે…પોતાના.

શ્રી ઠાકુરજી પોતાના જનોને કદી પણ વીસારતા નથી. ગમે તેવી હલકી યોનીમાં હોય તો પણ છેવટે તેનું સુધારે છે. એ સાચો લાભ લેવા માટે જ આ ઉત્તમ દેહ મળી છે તો એવા પ્રભુને ભુલી જીંદગી નકામી કોણ ગુમાવે ?

સોરઠમાં કાલાવાડ ગામમાં માધવદાસ કરીને નાગર બ્રાહ્મણ રહેતા હતા તે શ્રી રઘુનાથજીના સેવક હતા. સેવા પધરાવી રૂડી રીતે શ્રી ઠાકુરજીને લાડ લડાવતા. પોતાના સ્ત્રીને પણ શ્રી ઠાકુરજી ઉપર અત્યંત સ્નેહ હતો. પોતે તે ગામના રાજા હતા, પૈસા ઘણી જ સારી રીતે હતા ઘણાજ ધનવાન હતા. પણ પાછળ પોતાને કાંઇ સંતાન નહોતું. નાતજાતમાં ઘણું સારૂં માન હતું, એ પ્રમાણે દરેક રીતે સુખી હતા પણ મનમાં એટલી ચીંતા રહેતી કે વાલોજી ક્યારે દયા કરે. જોકે માધવદાસના મનમાં તો કાંઇ વિશેષ નહોતું પણ સ્ત્રીના સ્વભાવ મુજબ માધવદાસની સ્ત્રીને એ ઘણી જ મમતા હતી. અને કોઇ કોઇ સમય તો માધવદાસના મનને દુભાવતા. એવી રીતે દિવસો વ્યતીત કરતા હતા. એવામાં ઓચ્છવનો દિવસ આવ્યો. તેથી માધવદાસની સ્ત્રી પોતાને શ્રી ઠાકુરજી ઉપર ઘણો ભાવ હોવાથી સવારમાં વહેલા ઉઠયા અને માધવદાસને કહે આજ તો હું જાતે જ શ્રી ઠાકુરજી માટે જળ ભરવા જાઉં. તેથી માધવદાસ કહે જો કાંઇ સેવા બને તો અતી રૂડું છે. આ દુનીયામાં સેવા સમાન કાંઇ જ નથી. તેથી સ્ત્રીને ઘણી ખુશી થઈ. વસ્ત્રો ઘણાં સુદર અને નવીન પહેરી આભુષણ પણ પહેર્યા અને રૂપાની ગાગર લઇ જળ ભરવા ચાલ્યા.

તે ગામમાં એક જ કુવો હતો તેથી બધા એક જ સ્થળે જળ ભરતાં. માધવદાસનાં સ્ત્રી જળ ભરવાં ચાલ્યાં જાય છે ત્યાં રસ્તામાં એક સીપારણ તેને મળી તે પણ તેની પાછળ પાછળ ચાલી જાય છે. થોડેક ગયાં ત્યાં એક ફકીરાણી નીકળી તે સીપારણને પુછવા લાગી કે આ જાય છે તે કોણ છે પોતે તો વૃદ્ધ છે પણ શણગાર તો જુવાનના જેવા ધારણ કર્યા છે, તે નથી શોભતી.

પચાસ વરસે બની પ્રેમદા, જુઓ નથી અચકાણી,
લટક મટક ચાલ ચાલે પણ, ગધેડી પર અંબાડી.

તે સાંભળી સીપારણ કહેવા લાગી ચુપ રહે, એ સાંભળશે તો ખીજશે, ગામના રાજરાણી છે. આજે એને એના દેહનું ભાન નથી. આજે એને એના ઠાકુરજીનો ઓચ્છવ છે તેથી તેમાં એ બહુ મશગુલ-મસ્ત છે એને ધણા જ આનંદનો આજ દિવસ છે (જેમ આપણે ઇદનો દિવસ આવે તેમ)

મંગળમય દિવસ છે માટે, નહીં વદ એવી વાણી,
સુખ એને છે સરવ વાતનું, પણ બાળકની નખી કમાણી.

એને દરેક પ્રકારનું સુખ છે પણ એક બાળકની ખામી છે. એ સાંભળી ફકીરાણી કહેવા લાગી કે જો મારા ફકીરની પાસે આવે તો દીકરો અપાવું એમ કહી એ ચાલી નીકળી. એ બંનેની વાતો સાંભળી માધવદાસનાં સ્ત્રી ઉભા રહ્યા અને પૂછવા લાગ્યા કે શું વાત કરી ? સીપારણ વાત ફેરવવા માંડી, પણ રાજરાણીની હઠથી તેને કહેવી પડી. સીપારણ કહે બાઈ ! એ તો ગાંડી છે એના બોલ્યાનો ધડો નથી. વળી તમે શ્રી ઠાકુરજીની સેવામાં છો તો કેમ જવાય ? માધવદાસની સ્ત્રી કહે હું નાહી નાખીશ એમ કહી દરવાજે પેરેગીર ઉભો હતો તેને કહે ઘડો સાચવજે. એમ કહી સીપારણને લઈ ફકીરને ત્યાં આવ્યા.

ફકીરાણીએ ફકીરને ખબર આપી કે હીંદવાણી આવી છે, તેને દીકરો જોઇએ છીએ, તેથી ફકીરે માધવદાસની સ્ત્રીને કહ્યું કે તમને તમારો ઠાકુર દીકરો દેશે અને એ વખતે હું કહું તેમ કરજે એ પ્રમાણે ફકીરે વચન આપ્યું અને માધવદાસના સ્ત્રી ખુશી થતાં થતાં ચાલી નીકળ્યા અને નાહી જળ ભરી ઘરે આવ્યા. અવેર ઘણોજ થઈ ગયો. તેથી માધવદાસ સેવા કરી. રાજભોગ લાવી, સ્ત્રીની વાટ જોતાં બેઠા એટલામાં તેમના સ્ત્રી આવ્યાં. માધવદાસ કહેવા લાગ્યા. બહુ વખત થઈ ગયો. સ્ત્રી કહે હા મને બહુ મોડું થઈ ગયું એ મુજબ વાતચીત કરી બંને પ્રસાદ લેવા બેઠા. ગામના પણ બે ચાર વૈશ્નવ સાથે બેઠા. કેટલાક દિવસ વીત્યા ત્યાં ઇચ્છાએ માધવદાસની સ્ત્રીને ગર્ભ રહ્યો તેથી માધવદાસને વાત કરી જે મને સારા દિવસ હોય તેમ લાગે છે. માધવદાસ કહે ભગવદ્ ઇચ્છા, અને ભેટ કાઢી. એમ કરતાં નવ માસ થતાં દીકરો આવ્યો ત્યારે પણ માધવદાસ કહે ભગવદ્ ઇચ્છા અને સારી રકમ શ્રી ઠાકુરજી માટે ભેટ કાઢી. ભગવદ્ ઇચ્છાએ પુત્ર નવ વરસનો થયો. ત્યારે માધવદાસે તેને જનોઈ આપવાનો વિચાર કર્યો તેમજ માળા બંધાવવાનો નિશ્ચય થયો.

ત્યાં એક વરક્ત વૈશ્નવ આવ્યા તેને માધવદાસ કહે કેમ કરીએ તો ઠીક ? ત્યારે વરક્ત વૈશ્નવ કહેવા લાગ્યા કે ઘરે મંડપ બાંધો અને ગોકુળથી શ્રી ઠાકુરજીને પધરાવો. એ સાંભળી માધવદાસ બહુ ખુશી થયા અને મંડપ બાંધવા તૈયારી કરવા લાગ્યા. ગામોગામ પત્રીકા લખી વૈષ્ણવને તેડાવ્યા.

ગોકુળથી શ્રી રઘુનાથજી પધાર્યા, જેમના સંગમાં શ્રી ગોપાલલાલ પણ બીરાજે છે. મહેતા માધવદાસનો આનંદ ક્યાંઈ સમાતો નથી, ઘણા જ વૈભવ વિલાસથી સામૈયાં કરી શ્રી ઠાકુરજીને ઘેર પધરાવી લાવ્યા, અને મંગળમય ચીજોથી વધાવ્યા.

વૈશ્નવોનો આનંદ અપાર છે. અને સહુ કીરતન કરે છે, ઘણા જ આનંદથી સરવેએ પ્રસાદ લીધા. માધવદાસની સ્ત્રીને યાદ આવ્યું તેથી પોતે સીપારણ પાસે ગયા અને કહ્યું કે ચાલો પેલા ફકીર પાસે જઇએ ત્યારે સીપારણ કહેવા લાગી બાઇ ! તું તો ઘેલી છે, તારે ત્યાં શ્રી ગુંસાઇજી પધાર્યા છે માટે નથી જાવું, ત્યારે માધવદાસની સ્ત્રી કહે ના, તેની પાસે તો જાવું જ છે કારણ કે મને તેણે દીકરો દીધો છે, એમ કહી સીપારણને સાથે લઇ માધવદાસનાં સ્ત્રી ફકીર પાસે ગયા અને કહ્યું કે તમારા કહેવાથી મારે ત્યાં દીકરો આવ્યો છે અને તે નીમીત્તે ખરચ કરીએ છીએ વળી શ્રી ગોકુળથી શ્રી ગુંસાઈજી પણ પધાર્યા છે અને વૈષ્ણવો પણ અપાર છે. ફકીરે વીચાર કરી કહ્યું કે મને એ જગતના પતિ એવા શ્રી ઠાકુરજીના દર્શન કરાવો. એ વાત કરી પોતે રાણી સાથે
જવા તૈયાર થયો. ફકીર બહાર ઉભો રહ્યો. માધવદાસનાં સ્ત્રીએ માધવદાસને વાત કરી જે ફકીર આવ્યો છે અને તેને શ્રી ઠાકુરજીના દરશન કરવાની ઇચ્છા છે. ત્યારે માધવદાસે જઇ શ્રી રઘુનાથજીને વાત કરી કે ફકીર આપના દરશન કરવા આવ્યો છે, ત્યારે રઘુનાથજીએ કહ્યું જે આવવા દીઓ. ત્યારે વૈશ્નવો કહેવા લાગ્યા-કૃપાનાથ ! એ અસુર છે. રધુનાથજી કહે ભલે, તેને આવવા દીઓ એ ખાતાનો જીવ છે.

ફકીરે આવી શ્રી રઘુનાથજીના તથા શ્રી ગોપાલલાલના દરશન કર્યા મનમાં ઘણોજ આનંદ આવ્યો અને વીનતી કરવા લાગ્યો, હે જગતતારક-કૃપાનિધિ આ દીન સેવકને દયા લાવી તમારો કરો અને મારો ઉદ્ધાર થાય તેમ કરો.

એ સાંભળી શ્રી રઘુનાથજી ઘણા ખુશી થયા અને કહ્યું તું ધીરજ ધર. હમણાં તારો આવતા જન્મમાં શ્રી ગોપાલલાલ સુત શ્રી ગોપેંદ્રજી જામનગરમાં પધારી તારો નીસ્તાર કરશે. આનંદથી દરશન કરી ફકીર ઘરે ગયો, ત્યાં બેઠા બેઠા તેનો કાળ આવ્યો અને તે ખોકીયા ગામમાં પાછો જન્મ્યો.

ઉમર થતાં જામનગરમાં રાજા પાસે લહીઆનું કામ કરતો. પોતાની કેટલીક અસર વૃત્તિને લઈ તે કોઈકોઈ વખત લુટફાટ પણ કરતો. ઘણો જ માથા ભારે માણસ અને રાજાનો માનીતો તેથી કોઇ કાંઇ કહી શકતું નહીં. પોતાના સંગમાં કેટલુંક સૈન્ય લઇ પશ્ચિમના કેટલાક રાજાઓને હરાવી જીત મેળવી, તેથી રાજા નો ઘણો જ માનીતો થયો. અને હજુરી-કારભારી થયો. પુર્વ જન્મનાં કેટલાક અધુરાં કર્મો પુરાં થવા સમય આવ્યો.

તેને પુરવની વાત યાદ આવી, અને એ શોધ કરવા માટે તેણે એવો રસ્તો લીધો કે જે કોઈ ગુસાંઈ ગામમાં આવે તેને લુટી લીએ. એવી રીતે કેટલોક સમય ગયો ત્યારે શ્રી ઠાકુરજીએ પોતાના જનની શુધી લેવા વિચાર્યું અને સંવત સતરસો અગીયારની સાલમાં શ્રી ગોપેંદ્રલાલ જામનગરમાં પધાર્યા. વૈષ્ણવો સામૈયા કરી ગામમાં પધરાવી જાય છે, એ વખતે જીવન બેઠો છે. તેથી કામદાર ધનજીએ પૂછયું કોણ છે અને આટલા બધા દીમાકથી કેમ લઇ જાય છે ?

કામદાર ધનજીએ કહ્યું એ શ્રી ગોકુળના કનૈયા છે. અને તેમને શ્રી મહાલખમા ઘરે પધરાવી જાય છે, જેને શરણ લીએ છે તેના તતકાળ દુઃખ દૂર થાય છે. ત્યારે જીવન કહેવા લાગ્યો. જો એ મને નામ લઇ બોલાવે તો હું સાચું માનું. એવો વીચાર કરી પોતે ત્યાં ગયો અને નમવા જાય છે ત્યાંજ શ્રી ગોપેંદ્રજીએ કહ્યું-જીવન આવો બેસો. એ સાંભળતાં જ જીવનના ભાગ્ય ખુલી ગયા-અને તેને મુરછા આવી ગઈ. તેને ઘરે લઇ ગયા. એક મુહુરત મુરછા રહી અને શુદ્ધિ આવી ત્યારે ચાકરને કહેવા લાગ્યો-મહાલખમાને ઘરે શ્રી ઠાકુરજી ઠાઠમાઠથી બીરાજતા હશે. ચાલો ત્યાં દરશન કરવા જઇએ એમ કહી :

ખોટું શ્રીફળ અને ખોટી કોરી વિશેષ ખાતરી થવા લીધા અને લખમાંને ઘરે આવી કહેવા લાગ્યો કે મારે શ્રીજીના દરશન કરવા છે. વૈશ્નવ કહે અત્યારે સમય નથી. શ્રીજી બેઠકે પધારે ત્યારે આવો. તેથી જીવન શ્રી ઠાકુરજીને ઉતારે આવી વાટ જોઇને બેઠો;

ઉથાપન સમયે શ્રી ગોપેંદ્રજી ત્યાં પધાર્યા તેથી જીવને શ્રીફળ અને કોરી ધરી. શ્રી ગોપેંદ્રજીએ શ્રીફળ સુધારવા ભંડારીને આપ્યું અને કોરી વૈશ્નવને વટાવા આપી. જીવન મનમાં વીચાર કરવા લાગ્યો. આ ઘડીએ મારી ફજેતી થશે. પણ શ્રીફળ તદ્દન સારૂં નીકળ્યું, તે શ્રી ઠાકુરજીને ધરી વૈષ્ણવને પ્રસાદ વાટયો. કોરી પણ સાચી નીકળી એ જોઈ જીવન આશ્ચર્ય પામ્યો, અને સાક્ષાત પુરણાનંદ પુરૂષોત્તમ સ્વરૂપ છે. એમ જાણી શ્રી ઠાકુરજીને વીનતી કરવા લાગ્યો.

ઠુંમરી : જીવન કહે છે કરો સેવક કૃપાળ આપનો છે આધાર…જીવન
હવે નહીં છોડું અલબેલા, આપ કરૂણા કાર…જીવન
ભુલમાં ભારી હું અધિકારી, તમો દયા ધરનાર… જીવન
હવે ન ચાહું છું ઘર જાવા, તમ ચરણમાં પ્યાર… જીવન
હું સમ પાપી ને સુખ આપી, હવે તજે ન લગાર…જીવન
ચહો જ્યાં જાવા સંગી હું થાવા, ચાહું છઉં વૃજધાર…જીવન
કરે અનુગ્રહ જેથી ફળે ગ્રહ, છોડો નહીં પળવાર…જીવન
બહુ વીનવતો રહ્યો કરગરતો, વહે નયન જળધાર…જીવન

હે કૃપાળુ ! આપનો જ આધાર છે, હવે મારા ઉપર કૃપા કરી મારો નિસ્તાર કરો આપના દાદાજીનું વચન છે, તો મને તજશો નહીં હે , દયાના ધરનાર મને પાપીને સુખ આપી શરણે લો. પાપોથી ઘેરાયેલો તમારે શરણે લઇ સેવક કરો. પ્રભુ હું હવે આપને નહીં છોડું, મને સદૈવ આપની સાથે રાખો. મારો અનુગ્રહ કરો સંસાર સફળ કરો એ પ્રમાણે અનેક પ્રકારે ઠાકુરજીના ચરણમાં પડી વીનતી કરવા લાગ્યો આંખો માંથી અશ્રુની ધારાઓ વહે છે. એ જોઈ દયાના ધરવાવાળા શ્રી ઠાકુરજીને દયા આવી અને તેને શુદ્ધ કરવા માટે નગરના પંડિતોને બોલાવી કહ્યું-આને હીંદુ કરો.

શ્રી ઠાકુરજીએ નગરનાં પંડીતોને બોલાવીને કહ્યું કે તમે શાસ્ત્રમાં જોઇ જીવનની શુદ્ધિ થાય તે રીત શોધી કાઢો. એ આજ્ઞા સાંભળી મહાન વિદ્વાન પંડીત શાસ્ત્રો અને પુરાણો તપાસ કરવા લાગ્યા. બધા ગ્રંથો જોયા પણ એ રસ્તો ન મળી શક્યો તેથી શ્રી ગોપેંદ્રજી કહે બ્રહ્મા પુરાણના બહોતેરમા અધ્યાયમાં જુઓ એ જોઇ પંડીત કહેવા લાગ્યા. કૃપાનાથ આ૫ સર્વ વિધિના કરનાર છો. ચાહો તે કરી શકો પણ અમારાથી તો મામદા હિંદુ થઈ શકે નહીં. કારણ કે જીવતા જીવના આ દેહને અગ્ની સંસ્કાર કરવો જોઇએ તો જ તેની શુદ્ધિ થાય પણ એ શક્તિ અમારામાં નથી આપ પોતેજ એની ઉપર કૃપા કરો તો થાય તેથી શ્રી ગોપેંદ્રજી કેટલાક વૈષ્ણવો સહીત જીવનને લઇ સ્મશાનમાં ગયા અને ત્યાં એક મોટી ચીત્તા ખડકી તેમાં જીવનને સુવારી અગ્ની સંસ્કાર કર્યો ત્યાર પછી બધા મંદીરે આવ્યા.

સંધ્યા સમય થયો ત્યારે શ્રી ઠાકુરજી વૈષ્ણવો સહીત પાછા સ્મશાનમાં ગયા અને જીવનને સજીવન કર્યો. જીવન સહીત શ્રી ઠાકુરજીનાં સામૈયા કરી વૈષ્ણવો ગામમાં પધરાવી લાવ્યા. એક કોઠીમાં સાણેથી તાણી કાઢયો, એ વખતે જીવનના માથામાંથી ચોટલી નીકળી ત્યારે કહેવા લાગ્યા કે :

જ્યન જીવન શરણ લીધો, સકળ શાસ્ત્ર વિચાર,
વેદ વર્જીત વરણ કીધો, નિજ જન નિસ્તાર.

જીવન બેઠો થયો અને પોતાની સર્વ સમૃદ્ધિ વાડી, બંગલા, વગેરે સ્થાવર જંગમ સર્વસ્વ શ્રી ઠાકુરજીને અરપણ કર્યું અને હાથ જોડી વીનતી કરવા લાગ્યો. જે આ જીવને હવે શી આજ્ઞા છે ! ત્યારે શ્રી ગોપેંદ્રજીએ આજ્ઞા કરી જે જામ પણ વૈશ્નવ છે અને તમો પણ વૈશ્નવ છો, તો તમારાથી બને તેટલી રાજ્યમાં સહાયતા કરો એવી આજ્ઞા કરી. દ્વારીકા સાથે તેડી ગયા. વળતા જીવનદાસને નગરમાં રાખ્યા તેના પર અનહદ કૃપા કરી અને હસ્તાક્ષર સેવન પધરાવી આપ્યું તે જીવનદાસને સાનુભાવ જણાવતા. અહોનીશ શ્રી ગોપેંદ્રજીનું ધ્યાન કરતા એવા યવન ઉપર પણ આપશ્રીએ પૂર્ણ કૃપા કરી. આજ કાલ તો ઘણાઓને સેવા કરવામાં પણ શરમ આવે છે. જીવનદાસ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવદી થઈ ગયા તેની સમાન આજે કોણ થઈ શકે ? પણ :

પોતાના જનોને પ્રીય, કદી ના વીસારે રે,
ગમે તેવી યોની હોય, અંતરમાં સુધારે રે,
ખરો લાભ લેવા મળી, દેહ સુ સ્વભાવેરે,
એવા પ્રભુ ભુલી કોણ, જીંદગી ગુમાવે રે ?

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *