|| શ્રી ગોપાલો જયતે ||

આરતી અતી આનંદ, કરત કૃપા બહોત કીની,
ફબી પ્રેમસુ ફંદ, મદન મહાભર ભીની;
રાજીત રૂપ રસાલ, કોટી અનંગમય કીરની,
બિહવલ ભઈ તેહિ તાલ, મૂર્છા પરી ઢર્ય ધરની;
ઘટી સવાલો ગર્ય રહી ફીર પ્રીતમ પદ છોહી,
જનલીલા ગુન જાત જસોદા, ગોપેન્દ્ર પિયા ગુુન ગાહી…૩૩

જસોદાબાઈ જ્ઞાતે ભાવસાર વૈષ્ણવ હતા, જામનગરમાં પોતાનો નીવાસ હતો અને શ્રી ગોપેંદ્રલાલ મહારાજના સેવક હતા. શ્રી ગોપેંદ્રલાલ નગરમાં પધાર્યા હતાં તેમને બાઈ જસોદા વીનતી કરી પોતાને ત્યાં પધરાવી લાવ્યા. પ્રેમથી સુવર્ણમાલા તથા કેટલીક કોરી ભેટ ધરી.

શ્રી ગોપેંદ્રલાલ આનંદથી બીરાજે છે અને બાઇ જસોદા આરતી ઉતારે છે. વૈશ્નવનું જૂથ પણ બીરાજે છે. તે વખતે બાઈ જસોદાને ગોપેંદ્રજીના સ્વરૂપમાંથી અદ્ભુત લીલાનાં દર્શન કરાવ્યા. કોટાંત કોટી સુર્ય સમ ક્રાંતી ઝળહળે છે, અનેક દેવો આવી હાથ જોડી સામે ઉભા રહ્યા છે અને વીનતી કરે છે. વળી શ્રી ગોપેંદ્રજીના.નીખમની માંથી સાક્ષાત ગીરીરાજ ધરણના સ્વરૂપના દર્શન થયા. એ દરશન કરતાં જ બાઇ જસોદાને મુર્છા આવી ગઈ અને ધરણી ઉપર ઢળી પડયા. સવા ઘડી પછી શ્રી ગોપેંદ્રજીએ પોતાના ચરણસ્પર્શ કરાવ્યા ત્યારે જાગૃત અવસ્થા થઈ. ત્યારથી બાઈ જસોદા શ્રી ગોપેંદ્રજીનું ધ્યાન ક્ષણ પણ ચુકતા નહીં અષ્ટ પહર સેવા-ધ્યાનમાંજ રહેતા. શ્રી ગોપેંદ્રજીએ કૃપા કરી પોતાનું વસ્ત્રસેવન પધરાવી આપ્યું હતું અને સેવ્યરૂપ બાઈ જસોદાને સાનુભાવ હતા.

જસોદ તન જુગત્ય, ભક્તિ ભલી મન ભાયે,
આનંદ ગુનકી ઉગ્ત, બગત્ય શું બોલ બતાવે;
ચિત જ્ઞાતી એક ચગ, ઠગ મીસ દેખન આયે,
પોર ધર્યો જબ પગ, નગપતિ અંગ દરસાવે;
મરકન મનકી છાંડ, પ્રગટ પર્યો તબ પાયે,
શરન, ચરન શીર માંય, ગુન નિજજન નીત ગાયે…૩૪

જસોદાબાઇના ઘર પાસે એક મરકન રંગરેજ ક્ષત્રી રહેતો હતો, તે હંમેશા જસોદા બાઈની નિંદા બહુ કરતો હતો, વળી અસુરી કર્મના પ્રભાવે કરી તેની વૃત્તિ બહુ જ હલકી બની ગઈ હતી. જે કોઈ આચાર્ય કે પંડિત-વિદ્વાન ગામમાં આવે તેમની સાથે પોતે સંવાદ કરતો. એ મહા ઠગી હતો અને ધર્મનો દ્વેષી પુરો હતો.

જસોદાબાઇને ત્યાં શ્રી ગોપેંદ્રલાલ પધાર્યા હતા, તેથી ચર્ચા જોવાને તે ત્યાં આવતો હતો. પણ જેવો તેણે ડેલીમાં પગ દીધો કે સામેથી જશોદાબાઈને આવતા જોયા. બરાબર નીહાળીને જોવા લાગ્યો. તો જશોદાબાઇના અંગમાંથી સાક્ષાત ગીરીરાજધરણ-ગોવરધનધર સ્વરૂપ પ્રગટ થયું. મરકન ઘણો જ વીસ્મય પામ્યો અરે આ શું? આતે બાઇ જસોદા છે કે ગીરીરાજધરણ છે? દરશન કરતાંની સાથેજ જઈ જસોદાના પગમાં પડયો. દંડવત્ કરી ચરણ સ્પર્શ કર્યા અને વીનતી કરી કે મને વૈશ્નવ કરો.

ત્યારે જસોદાબાઇએ શ્રી ગોપેંદ્રજીને વીનતી કરી જે આ મરકનને શરણે લીયો. પછી મરકનને નામ નિવેદન કરાવ્યું. મરકનની દેહ રહી ત્યાં સુધી બાઈ જશોદાના સ્વરૂપનું જ ધ્યાન કરતા હતા.

જેવી રીતે જશોદાના સ્વરૂપમાંથી ગીરીરાજ ધરણ પ્રગટ થયા. અને ગોવર્ધન ટચલી આંગળી ઉપર તોળી રાખ્યો છે. ગાય-ગોપ-ગોપી સર્વ આવી ગીરીરાજ નીચે ઉભા રહ્યા છે. એવા સ્વરૂપના ધ્યાનમાં પોતે અહોનીશ રહેતો. તેની ઉપર જશોદાબાઈની પૂર્ણ કૃપા થઈ અને તેના પ્રતાપે શ્રી ઠાકુરજીએ પણ તેની ઉપર અથાગ કૃપા કરી અને અંતે પોતાના ધામમાં અહોનીશ રાખ્યો. તેની વારતા ઘણી જ મનન કરવા જેવી છે.

|| સર્વે ભગવદી વૈષ્ણવોને હાર્દિક ગાદોયાના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *