|| શ્રી ગોપાલો જયતે ||
રસીકરૂપ ગોપેંદ્ર, દરસ સંતન જન દીને,
બ્રજતે પ્રજ આનંદ, કૃપા કેશવકું કીને;
નગ્ર બડો નીજધામ, પ્રભુ તીહાં આપ પધારે,
શરન સુધા નિજ નાઉ, સુ સેવક કાજ સીધારે;
ઉત નાગેશ્વર ઇશ, પ્રભુકો પદ શીર નાએ,
દેખત હરી કેશોદાસ, સુપેખ્ય પ્રગટ દ્રઢ પાએ…૩૦
હરજી તથા કેશોદાસ બે ભાઇ નાધોરી વાણીઆ જામનગરમાં રહેતા. તેમના ઉપર શ્રી ઠાકુરજીએ કૃપા કરી. જામનગરમાં નાગેશ્વર મહાદેવના દર્શન કરીને પછી બંને ભાઈ જમતા, તે નાગેશ્વરે પ્રગટ થઇ આજ્ઞા કરી જે શ્રી ગોપેંદ્રજી સાક્ષાત પૂર્ણાનંદ પુરૂષોત્તમ છે. તેનું શરણ લીઓ.
અપુને ઘર આનંદ, હરજી કેશવ હારે,
ગુન સન્મુખ ગોપેંદ્ર, નિશ્ચે મન નિરધારે;
પયો પ્રભુ કર કહાં રહી, કાન્ય લોક કુલ કાઢી,
સેવા શુભ પદ ગુન ગ્રહી, નેહ નિરમળ ગતિ ગાઢી;
નિર્મળતા નિત નિજજન પતિ પ્રત્ય પ્રીત પ્રકાશી
ઘર જીવનદાસ સુ ધન્ય, અનુભવ રૂપ ઉપાસી…૩૧
બંને ભાઇ શ્રી ઠાકુરજીને શરણે આવ્યા અને સર્વ સમરપણ કરી દીધું. શ્રી ઠાકુરજીની સેવામાં રહ્યા. પાછળથી શ્રી ઠાકુરજીએ તેમને વીમાનો ધંધો કરવા કહ્યું, તેથી રાજનગરમાં વીમાનો ધંધો શરૂ કર્યો. ગમે તેટલું ભગવદ્ અર્થે વાપરે પણ દસ હજાર કાયમ રહેતા. ખુટતા નહીં એવી શ્રી ગોપેંદ્રજીએ કૃપા કરી, અને પદને પામ્યા.
ધનાશ્રી – ધર મન દ્રઢ વિશ્વાસ, ધણીનો, ધર મન દ્રઢ વિશ્વાસ,
સકળ તજીને એક જ સેેેવ્ય, પૂરશે તુજ અભીલાષ…ધણીનો.
સાથે ન લાવ્યો નથી લઈ જાવું, છે એનું તે દે ખાસ,
વ્યાજ સહીત વાળે છે પાછું, જોઈ સ્વજન નરમાશ…ધણીનો.
ધણી એવા જે શ્રી ઠાકુરજી તેના ઉપર મનમાં દ્રઢ વિશ્વાસ રાખ, બીજા દેવની ઉપાસના છોડીને જો એને એકને જ સેવવામાં આવે તો તારી અભિલાષા પૂર્ણ થાશે. જન્મતી વખતે કાંઇ સાથે લાવ્યો નથી અને મરતી વખતે લઈ જવું નથી. અધવચમાં પ્રભુએ આપ્યું છે તે તેને પાછું સોંપ. સર્વસ્વ સમરપણ કર. તે આખરે જવાનું નથી કારણ કે જયારે નિષ્કનચન ભક્તની નરમાશ પ્રભુ જુએ છે ત્યારે વ્યાજ સહીત પાછું આપે છે.
હરજી કેશવ
નવાનગર-જામનગરમાં હરજી અને કેશવ નામના બે ભાઇઓ નાધોરી વાણીયા રહેતા હતા. બંને ભાઈઓ પ્રભુ પરાયણ હતા લક્ષ્મી અઢળક હતી. તેઓ શ્રી ગોપેંદ્રજીના સેવક થયા, પણ તેમનું નીમ હતું કે હંમેશા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા ત્યાર પછી જમવું. એ નીમ ઘણા સમય સુધી પાળ્યું. બેમાંથી એકે ભાઈ પોતાની ટેકથી કદી પલાયમાન થયા નહીં તે નાગેશ્વર નગરથી છેટે એક ગાઉના આશરે નાગમતી તથા રંગમતી બે નદી ઉતરી જવાય છે. તે બંને નદીઓનો સંગમ થાય છે ત્યાં કાંઠા ઉપર નાગેશ્વર મહાદેવનું દેવાલય છે, અને ત્યાંથી એક ગાઉ છેટે નાગનાથ કરી નાનું ગામડું છે. ગમે તેટલો વરસાદ હોય અને નદી ભરપુર હોય તો પણ મહાદેવની પુજા કર્યા વિના બંને ભાઈ જમતા નહિ, કોઈ વખતે બબે દીવસ નદીના જલનો પ્રવાહ ભરપુર રહેતો અને તેમનાથી પૂજા કરવા જઇ શકાતું નથી તેથી ઉપવાસ કરવા પડતા. એવી ટેક બંને ભાઇઓને હતી.
એક સમય શ્રી ગોપેંદ્રલાલજી પ્રદેશમાં પધાર્યા ત્યારે સેવકને કૃતારથ કરવા માટે નગરમાં પધાર્યા. પ્રભુજી આસને બેઠા છે. ભગવત ગુષ્ટ ચાલે છે. વૈશ્નવો નીચે બેસી સાંભળે છે, આ વખતે હરજી કેશવ બંને ભાઇઓ પણ આવેલા છે. વૈષ્ણવોનો સમૂહ જોઈ બંને ભાઈઓ બહુ હર્ષ પામ્યા. ઘણો જ સમય થઇ ગયો છે. પણ પ્રેમનો ચીતારજ જ્યાં ખડો થયો છે ત્યાંથી ઉઠવાનું મન કોને થાય ? ત્યારે શ્રી લાલજી સાંભળે તેમ હરજી-કેશવ કહેવા લાગ્યા. પ્રભુ અમારે દર્શનનો વખત થઈ ગયો છે માટે રજા લેશું. આપના ગુણનો પાર આવે તેમ નથી. અમો તો રંક છીએ. ત્યારે શ્રી ગોપેંદ્રજી કહેવા લાગ્યા હું પણ સાથે આવું. મને પણ ઇચ્છા છે કે કૃતારથ થઇએ.
શ્રી ઠાકુરજી બદું ઘોડી ઉપર સ્વાર થયા. સંગમાં કેટલાક વૈષ્ણવો પણ ચાલ્યા. ત્યાં જઇ હરજી-કેશવ બંને ભાઈ મહાદેવ ઉપર જળ રેડે છે. ત્યાં જઈ આપે કહ્યું-હરજી મહાદેવ કાંઇ કહે છે. ત્યાં જ લીંગ ફાટી અને તેમાંથી મહાદેવ-ભોળા શંભુ પ્રગટ થયા અને બે હાથ જોડી માથું નમાવી નમ્રતાથી શ્રી ગોપેંદ્રજીના દરશન કરવા લાગ્યા અને હરજીભાઈને કહ્યું જે તમો બંને ભાઇએ ઘણા વખત સુધી મારી ઘણા જ ભાવથી પુજા કરી છે. તેથી હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. હવે તમને હું કહું છું કે સાક્ષાત પુરણાનંદ પુરૂષોત્તમ શ્રી ગોપેંદ્રલાલ મહારાજ છે. માટે હવે તમે તેમનું શરણ લો, એ પ્રભુ જ પરમપદની પ્રાપ્તિ આપનાર છે. અમો (બ્રહ્મા-વિષ્ણુ-મહેશ) તો તેમના ગુણ સ્વરૂપ છીએ. માટે તમો બંને ભાઈ આ પ્રભુને શરણે જાવ. એમ કહી શ્રી ગોપેંદ્રજીને નમન કરી પોતે પાછા અંતધ્યાર્ન થઈ ગયા. અને ત્યાંથી સરવે ગામમાં આવ્યા.

હરજી-કેશવે ઘરે આવી પોતાના ભાઈ ગોવીંદને બોલાવી કહ્યું. જે શ્રી ગોપેંદ્રલાલ મહારાજ પધાર્યા છે તે આપણા ધણી છે અને પુરણાનંદ પુરૂષોત્તમ, પુરણબ્રહ્મ, સકલ કલા સંપુરણ છે. એ સ્વરૂપથી વેગળું હવે અમારાથી રહી શકાય તેમ નથી-તેમ હું ઇચ્છતો પણ નથી. કારણ કે એવા અમને સાક્ષાત દરશન નાગેશ્વરમાં થયા અને શંકરે પણ પ્રગટ થઈ તેમનું જ શરણ લેવાની આજ્ઞા કરી છે, માટે હવે આપણા ઘરના તથા દ્રવ્યના ભાગ પાડી લીઓ. મારે મારા ભાગનું સર્વસ્વ શ્રી ઠાકુરજીને અર્પણ કરવું છે. ત્યારે ભાઈ ગોવીદે કહ્યું, જે ભાઈ તમોને પુરૂષોત્તમ શ્રી ગોપેંદ્રજીને સર્વ અર્પણ કરી તેમની સેવામાં રહેવું એવું ઉપન્યું છે તો અમોને તમારી સાથે રહી સેવા કરવાની અભિલાષા છે માટે હવે સ્ત્રીઓને બોલાવી પુછો અને કહો કે આ ખોરડા તથા ધન તમારા ભાગનું લઈ તમો સુખેથી રહો અને જો તમારી ઇચ્છા હોય તો તમારા પીએર જાવ. સ્ત્રીઓને બોલાવી એ પ્રમાણે કહ્યું ત્યારે સ્ત્રીઓએ પણ જવાબ આપ્યો જે તમોએ તમારું સર્વસ્વ શ્રી ઠાકુરજીને અર્પણ કરી દીધું તો અમો પણ તમારી જ છીએ તેથી અમો પણ અર્પણ થઈ ચુકી તો હવે એવા સમરથ ધણીને છોડીને ક્યાં જઈએ ? અમો પણ તમારી સાથે જ આવશું. અને બનશે તે ટેલ કરીશું. જ્યાં તમો ત્યાં જ અમો ! વળી સાક્ષાત શ્રીજીની સેવાનો લાભ મળે અને અધોર અંધ અસાર સંસાર સમુદ્રમાંથી તરી જવાય માટે અમારૂ-તમારૂં એ સર્વ મુકી દઇ શ્રી ઠાકુરજીને સર્વ અર્પણ કરી દીઓ. પછી બધી ચીજ વસ્તુ ઘર વગેરે તેના રોકડાં નાણાં કરી ઘરેણા વગેરે સર્વ લાવી શ્રી ઠાકુરજીના ચરણમાં સર્વ ધરી દીધું. ત્રણ ભાઇઓએ એકેક ધોતીયું પહેર્યું અને બાઇઓએ એકેક છાય પહેરી હાથ જોડી પ્રભુના ચરણમાં આવીને ઉભા રહ્યા.
ત્યારે આપશ્રીએ કહ્યું જે હરજી-કેશવ તમો ખોરડાં વેચીને ક્યાં જશો ત્યારે વીનતી કરી જે રાજ આપે શ્રી મુખે ભગવદ્ ગુષ્ઠ માં સમર્પણ નો ભાવ સમજાવ્યો, તેવું તો જીવથી બની શકે ક્યાંથી ? પણ રંચક પણ ગ્રહણ થાય તો આપની કૃપા. આપની ઇચ્છા વિના કાંઇ પણ ક્યાં બની શકે તેમ છે. હવે આપને યોગ્ય લાગે તેમ કરો.
કેટલોક સમય ત્યાં રહી શ્રી ગોપેંદ્રજીએ અમદાવાદ જવાની ઇચ્છા કરી, ત્યારે કહેવા લાગ્યા-
સીયાનો કાનળો – નાથ કરોમાં, અમને નીરાળા, આપ શરણની રટીએ માળા.
સાથે રહીશું જુઠણ લઇશું, દીન ગણીને થાઓ દયાળા…નાથ.
સેવા જે થાશે તે કરશું, તમ વીણ નવ રહેવાય કૃપાળા…નાથ.
તમ કાજે કાંઈ લેવું દેવું, તેમાં થાશું બહુ ખપવાળા…નાથ.
નયન ઠરે ના દરશન વીના, આપ વીનાના છે રખવાળા…નાથ.
પ્રભુ અમને અલગ કરો નહીં, અમે તમારા શરણની જ માળા જપીએ છીએ, સાથે રહીશું અને જુઠણ લઇશું, અમને દીન જાણી દયા કરો. અમારાથી જે થાશે તે સેવા કરશું. પણ પ્રભુ તમારા વિના તો રહી શકાશે નહીં કંઈ વસ્તુ લેવી દેવી તે અમારું કામ. સેવામાં તમોને બહુ કામે લાગીશું. દરશન વગર હવે આ આંખોને ટાઢક નથી. આપ વિના કોઈ અમારી સંભાળ લે એવું નથી. સેવકોની એવી વીનતી સાંભળી શ્રી ઠાકુરજી ઘણા ખુશી થયા અને સાથે આવવા કહ્યું. સ્ત્રીઓને ભંડારમાં સામગ્રી શુદ્ધ કરવાની સેવા સોંપી અને બંને ભાઇઓ માર્ગમાં સ્નેહથી ગુણગાન કરતા જાય છે, તે દરમ્યાન ગોવીંદભાઇ તો શ્રી ઠાકુરજીના ચરણમાં પહોંચી ગયા. સર્વ શ્રી દ્વારામતી થઇ અમદાવાદ પહોંચ્યા અને સારંગપુરમાં પોતાના મંદીરમાં ઉતર્યા. એક વખત હરજી કેશવ બંને ભાઈ સાબરમતી જળ ભરવાને ગયા હતા. જલ ભરીને આવતાં હતાં ત્યાં રસ્તામાં એક મોટું વડનું વૃક્ષ ઘટાદાર હતું તેની છાયા નીચે આવ્યા. એટલે કંઇ શાંતિ થઈ. કારણ કે દીવસ ઉષ્ણકાળના હતા, તેથી ત્યાં થોડું જલ છાંટી વિશ્રાંતી લેવા બેઠા કારણ કે કાયા કોમળ હતી. ગૃહસ્થ જીવન ગાળેલું હતું તેથી અકળાઇ બહુ ગયા હતા. મહેનતનું કામ પણ કરેલ નહીં ત્યાં સ્વચ્છ અને ઠંડી હવા આવવાથી બંને ભાઈને નિંદ્રા આવી ગઈ. અહીં આપશ્રીને રાજભોગનો સમય થઈ ગયો હતો પણ હરજી કેશવ હજી જળ ભરીને આવ્યા નહીં તે બંનેની પાતળ આપની સામે જ પડતી એવી આપને તેમની ઉપર પ્રીતી હતી. ઘણો સમય થયો તો પણ આવ્યા નહીં તેથી આપશ્રીએ વૈશ્નવને સામા મોકલ્યા. વૈશ્નવ જ્યાં વડના ઝાડ પાસે આવે ત્યાં તો બંને ભાઇ સુતેલા છે. તેથી તેમને જગાડવા કહ્યું. હરજીભાઈ કેશવભાઈ જાગો, મહારાજ શ્રી ભોજન કરવા પધાર્યા નથી અને
પરીશ્રમ પડે છે માટે જલદી ચાલો. ત્યારે જાગ્યા અને બોલ્યા જે મહારાજ ! અપરાધ પડયો. પ્રભુજીને પરીશ્રમ પડયો. એવો વિરહતાપ થયો બંને ભાઇઓને નેત્રમાં જલ ભરાઇ આવ્યાં અને ત્યાંથી ચાલ્યા આવીને શ્રી ગોપેંદ્રજીના ચરણસ્પર્શ કર્યા, દરશન કરી પ્રસાદ લેવા બેઠા પ્રસાદ લઈને શ્રી ગોપેંદ્રજીએ શાંતીથી કહ્યું જે હરજી કેશવ તમો અહીં રહો ત્યારે હરજીભાઇએ વીનતી કરી કૃપાનાથ તમારાથી અળગા રહીને શું કરીએ ? માટે અમો તો આપની છાય નીચેજ રહીશું ત્યારે આપે આજ્ઞા કરી તમે બંને ભાઈ આ ગામમાં રહો. સર્વની સમક્ષ મેં તમને કૃતારથ કર્યા છે. એક મકાન લઈ ત્યાં રહો. તમારી મનોકામના હું પૂર્ણ કરીશ. કેશવદાસ કહેવા લાગ્યા-પ્રભુ દ્રવ્ય નથી. ધંધો શેનાથી કરીએ. અમે તો તમારી સાથે ફરીને નિરંતર ગુણ ગાશું. ત્યારે શ્રી ગોપેંદ્રજી કહેવા લાગ્યા-તમો મારા પ્રિય ભક્તો થઈને આ શું બોલો છો ? તમો વીમાનો ધંધો કરો, તમારા મનોરથ હું પૂર્ણ કરીશ.
તેથી બજારમાં જઈ દુકાન ભાડે લીધી. આપશ્રીએ કૃપા કરી પોતાના ખાસાના ચરણારવીંદ તથા આપશ્રીના હસ્તાક્ષરના ગોટકાજી પધરાવી આપ્યા અને શ્રી મુખે કહ્યું. જે એની સેવા કરજો હું સદા સર્વદા તેમાં બીરાજુ છું. તમોને ઇચ્છા થશે ત્યારે દરશન આપીશ. અને તમો વીમાનો ધંધો કરો તેમાં તમોને રૂા. દસ હજાર મળશે. તે તમારા બંને ભાઇઓની દેહ રહેશે ત્યાં સુધી ગમે તેટલા ભગવદ્ ભોગ કરો પણ દસ હજાર એમને એમ અનામત રહેશે. પછી બંને ભાઈ તથા સ્ત્રીઓ રાજનગર ગામમાં ગયા અને શ્રી ઠાકુરજી શ્રી ગોકુળમાં પધાર્યા.
એક વાણીયા વેપારીનું વહાણ ખંભાતથી રૂ. દસલાખનો માલ ભરી નીકળ્યું દરીયામાં ચાલ્યું જાય છે પણ વખત ઘણો થવા છતાં વહાણ દરીયામાં જ આડું અવળું ચાલ્યા કરે છે. તેથી શેઠને ઘણી ચિંતા થવા લાગી. પહોંચવાના સમય ઉપરાંત દીવસ થઈ ગયા તેથી શેઠ ગભરાઇ તેનો વીમો ઉતરાવવા રાજનગરમાં આવ્યા. હરજી કેશવને ત્યાં જ વીમો ઉતરાવ્યો અને ફીના રૂા. દસ હજાર આપી દીધાં. શેઠ વીમો ઉતરાવી દુકાનથી નીચે ઉતર્યા ત્યાં તો તેમનો એક નોકર આવ્યો અને કહેવા લાગ્યો જે આપણા વહાણ સહી સલામત છે, એવા સમાચાર આવ્યા છે, અને થોડા વખતમાં આવી જશે, એથી વાણીયો વિચારમાં પડી ગયો. જે થોડાક ફેર પડયો, જો વહેલા સમાચાર આવ્યા હોત તો દસ હજાર ભરવા ન પડત, પણ હશે એટલે જ પત્યું. જેવી પ્રભુની ઇચ્છા, એમ કરી પોતાના ઘેર ગયો. હરજી કેશવ બંને ભાઈઓ આનંદથી રહેવા લાગ્યા, ઘણા જ ખેલ મનોરથ કર્યા અને અસંખ્ય પૈસો વાપર્યો પણ દસ હજાર એમને એમ રહે છે. કેટલેક સમયે સ્ત્રીઓ પણ ભગવદ્ ચરણ એક પછી એક પહોંચી. હરજીભાઈને એક દીકરો અગ્યાર વરસની ઉંમરનો હતો.
અમદાવાદથી પાછા નગરમાં આવી રહેવા લાગ્યા, ચરણ સેવાનું સુખ લેતા, નગરમાં ફરીથી દુકાન કરી. વેપારમાં લાભ થવા લાગ્યો. જો કોઈ વૈષ્ણવ આવે તો પોતાથી બનતી મદદ આપતા. શ્રી ઠાકુરજી પ્રદેશ પધારે ત્યારે ઘણું ખર્ચ કરતા, અમુલ્ય ભેટ ધરતા અને વળાવવા સાથે જતા.
એક વખત શ્રી ગોપેંદ્રજી ડુંગરપુર પધાર્યા, ત્યાં હરજી કેશવ પણ સાથે હતા. રાવળજી ભાવથી રોકી સારી રીતે સુખ લેતા. હીંડોળા તથા જન્મોત્સવ ડુંગરપુરમાં કીરતન કરતા, અને વૈષ્ણવને આનંદ લેવરાવતા. એવા અનેક મનોરથ તેમણે કરેલા. કોઈ વખત નામુ રાખવાનું કરતા. અંતે તેમણે અનુપમ સુખ ચાખ્યું.
એક વખત ઉત્પાથના દર્શન કરી બંને ભાઈ વાત કરતા હતા કે, ભાઈ કેશવ, આપણા દાસનું વૈવીશાળ નાધોરીને ત્યાં કર્યું છે, અને તે અવૈષ્ણવ છે. આપણે માથે નિધિ બીરાજે છે પણ તે આપણો ધર્મ ન રાખે તો શું કરીએ ? ત્યારે કેશવભાઇએ કહ્યું જે કન્યા ચાલી જાય તો પછી આપણે દાસનું વેવીશાળ ન કરવું ત્યારે હરજી ભાઇએ કહ્યું કે કેશવ એમ કેમ બોલો છો, પારકી દીકરીને ચાલવાનું આપણે ન કહેવાય. પણ આપણો દાસ ચાલી જાય તો વધારે રૂડું અને આપણો ધર્મ રહે. તેવામાં દાસ નીશાળેથી ભણીને આવ્યો અને દરશન કરી પોતાના પિતા હરજીભાઈને પૂછ્યું કે શું વાત કરો છો ? બધી હકીકત હરજીભાઈએ કહી બતાવી અને મેં તારા કાકાને કહ્યું કે આપણે પારકી દીકરીને ચાલી જવાનું કહેવાય નહીં. આપણો દાસ ચાલી જાય તો વધારે રૂડું. ત્યારે દાસે ત્યાંથી ઉઠી દર્શન કર્યા અને કહેવા લાગ્યો. મારા જે ગોપાલ આમ બોલ્યો કે તરત જ દાસ પ્રભુના ચરણમાં પહોંચ્યો તેમની દેહને સમાજ કરીને લઈ ગયા પછી ભાઈ કેશવ ચાલ્યા.
ત્યાર પછી હરજીભાઈને ચાલવાનો સમય થયો. ત્યારે તેની બેને વીનતી કરી જે મારે શું કરવું? કારણ કે જે શ્રી ઠાકુરજી બીરાજે છે. પણ આજ્ઞા તો તમારો દેહ રહે ત્યાં સુધી રૂપીયા દસ હજાર રહેશે તેવી છે. તો મારે રાજભોગ ક્યાંથી લાવવા? ત્યારે હરજીભાઇએ શ્રી ઠાકુરજીને વીનતી કરી ત્યારે શ્રી ઠાકુરજીએ પ્રગટ થઈ આજ્ઞા કરી જે બાઇ સેવા કરશે ત્યાં સુધી સિંહાસન નીચેથી હંમેશા બુહારી કાઢતાં બે કોરી નીકળશે. તેમાંથી રાજભોગ લાવી બાઈ પોતાનો નિર્વાહ ચલાવશે. એમ કહી શ્રી ઠાકુરજી અંતધ્યાર્ન થયા અને હરજીભાઇ ચાલ્યા.
એવા કૃપાપાત્ર હરજીભાઈ તથા કેશવભાઈ હતા. જેમણે ધર્મ સાચવી રાખવા પોતાના લોકીક એકના એક પુત્રનો પણ ત્યાગ કર્યો. તેમની વારતાનો પાર નથી.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply