|| શ્રી ગોપાલો જયતે ||
ગોવીંદ સ્વામી સુખાલ, ગોકુલ જમુના ઘાટે,
વલ્લભ કુલ સબ બાલ, વહેત સદા સુખવાટે;
નાના સુત રઘુનાથ, પેખત વા ચિત પ્યારો,
જુગ જોરે વેહે હાથ, ધન્ય તુમ પીયુ પદ ધારો;
ગુન બસ રૂપ ગોપાલ, યાહી સદન ચલ આયે,
સખા સંગ બિસાલ, નિરમલ નીર નહાયે…૧૯
શ્રીજમુના ઘાટે ગોકુળમાં ગોવીંદ સ્વામી શ્રી વલ્લભકુળના બાળકોને ભણાવતા, રઘુનાથજીના સુત શ્રી ગોપાલલાલનાં દરશન કરતાં ચિત લોભાયું, હાથ જોડી શરણ માંગ્યું. ગુણને આધીન એવા શ્રી ગોપાલલાલ બધા સખા સાથે નહાવા પધાર્યા.
ગ્રહે પાણ ગોવીંદ, મહાજલ ડુબી મરાઈ,
અપુની લીલા અનંત, દિવ્ય ચક્ષુસું દેખાઈ;
મણી હાટીક મય પોલ, સદૈવ શ્રી યમુના સોહે,
અચરજ એહ અતોલ, નિધિ નિરખત મન મોહે;
ચાર ઘડી વ્યતિત તીહાં, અતી ગોકુલ અકુલાક,
ગુન સ્વરૂપ ગોપાલસું ગ્રહે, પ્રગટસુ હીરદે પાય…૨૦
ગોવીંદસ્વામીનો હાથ પકડી મહા જલમાં ડુબકી મારી અને દીવ્ય ચક્ષુ આપી પોતાની અનંત લીલાના દરશન કરાવ્યા. શ્રી યમુનાજી મણી હાટીકમણીના માહોલમાં સદૈવ બીરાજે છે એ નિધિ જોઈ મન મોહ પામ્યું. એ મુજબ ચાર ઘડી-પોણા બે કલાક આશરે વ્યતીત થઈ, અખીલ ગોકુળ અકળાયું ત્યારે બંનેએ પધારી દર્શન આપ્યા.
મલાર – અનુભવ વૃજધારીનો લે તું જરી,
કર પકડે જેનો જગજીવન પ્રીતી તેની ખરી…અનુભવ.
સંગ રહી નિજ ધામ બતાવે, દાસ પોતાનો કરી…અનુભવ.
સખા બનીને સંગે ખેલે, મોટપ નાહી ધરી…અનુભવ.
શ્રી ગોપાલજીનો અનુભવ જરા તો કરીજો, શ્રી પ્રભુ પોતે જેનો હાથ ઝાલે તેની જ પ્રીતી સાચી ગણાય. તેની સાથે રહી પોતાનું દિવ્ય ધામ બતાવે અને પોતાનો સેવક બનાવે. પોતે મિત્ર થઈને કાંઈ પણ મોટાઈ રાખ્યા વિના તેની સાથે ઇચ્છા આવે ત્યારે ખેલે છે.
શ્રી યમુનાજીના તટ પર ગોકુળીયું મનોહર ગામ છે, ત્યાં ગોવીંદ સ્વામી રહેતા. પોતે મુળ મહાવનના રહીશ હતા. અને જ્ઞાતે સનોઢ બ્રાહ્મણ હતા તેમને શ્રીનાથજી સાનુભાવ હતા. પોતાનું સર્વસ્વ શ્રી ગુંસાઈજીને
અર્પણ કરી કીરતનની સેવા કરતા. વિઠલનાથજીના મંદીરમાં જાય અને ગુંસાઈજીના સર્વ બાળકો સાથે રમે. બધા બાળકોએ તેને ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા. અને પોતે બાળકોને ભણાવતા બધા સાથે એટલા બધા હળી-મળી ગયા કે ગુંસાઈજીના કુટુંબનો જ માણસ હોય એમ સહુને દેખાતું જ્યારે તે રઘુસુત એવા શ્રી ગોપાલજીને જુએ ત્યારે અનહદ પ્રેમ ઉપજતો. પોતાનું ભણાવવાનું ભૂલી જઈ શ્રી ગોપાલલાલના જશ ગાવા લાગી જાય.
વેરાવળ: ધન્ય ધન્ય ધન્ય શ્રી રઘુનાથ, પ્રગટ થયા જ્યાં શ્રી પતિ આપ…ધન્ય
કોટીક કામ સ્વરૂપ અગાધ, ચંચળ નયન વિશાળ અમાપ… ધન્ય
કુંડળ કનક સુતિલક ભાલ, જરકસી પાઘ ધરી વૃજલાલ… ધન્ય
કંઠ વીશે ધારી વનમાળ, મણીમય હાર શોભે વિશાલ… ધન્ય
કેસરી ધોતી વાઘો મનહર, કટીમેખલાની શું સુંદર બહાર… ધન્ય
અન્ય થકી જે ઉપજે વહાલા, નીરખી નીરખી થઈએ નીહાલ …ધન્ય
શ્રી રઘુનાથજી તમને ધન્ય છે, કે જેને ત્યાં સાક્ષાત લક્ષ્મીપતિ પોતે પ્રગટ થયા. કરોડો કામદેવના જેવું જેનું સુંદર સ્વરૂપ છે. અને જેનું માપ ન કાઢી શકાય એવા નયન છે. સોનાના કુંડળ ધારણ કરેલાં છે, ભ્રકુટીમાં તિલક છે. જરીની પાઘ ધારણ કરી છે. મનને હરણ કરે એવા કેસરી વાઘા અને ધોતી પહેરી છે. કેડે કંદોરો સુંદર દેખાય છે. કંઠમાં વનમાળા ધારણ કરી છે અને મણીના હાર સુંદર શોભી રહ્યા છે. બીજાં બાળકો કરતાં એના ઉપર વધારે વહાલ ઉપજે છે, નિરખીને સરવે કૃતાર્થ થાય છે.
અખીલ વૃજમાં તથા વલ્લભકુળમાં શ્રી ગોપાલલાલ કારણરૂપ છે અને સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ પ્રકટ થયેલ છે એ ગોવીંદસ્વામી જાણતા હતા. પણ પોતાને મનમાં વિચાર થતો હતો કે જ્યાં સુધી મને દરશન થાય નહીં ત્યાં સુધી હું કૃતાર્થ થયો ગણાઉં નહીં, પોતાના સખાની એવી વૃત્તિ જાણી તેને સ્વરૂપ અનુભવ આપવા શ્રી ગોપાલલાલે વિચાર્યું. એક વખત કોઈ યોગ્ય સમયે ગુંસાઈજીનાં સર્વ બાળકો ભેળા થયા અને શ્રી યમુનાજીમાં નહાવા માટે વિચાર્યું. ગોવીંદસ્વામીને સાથે લઇ સર્વ ઠકરાણી ઘાટે આવ્યા, અને નહાવા લાગ્યા-જળક્રીડા કરવા લાગ્યા.
બધાં બાળકોને રમવામાં ધ્યાન છે એમ જોઇ શ્રી ગોપાલજીએ ગુરૂની સંભાળ લીધી ગોવીંદસ્વામીનો હાથ પકડી જળમાં ડુબકી મારી, ગોવીંદસ્વામી હાથ છોડાવવા ઉપાય કરે છે, મનમાં મુંઝાય છે, પણ જેનો કર શ્રી ઠાકુરજી પકડે એ ક્યાંથી છુટે! જેમ આઘે જાય તેમ વધુ વધુ ઉંડા જળમાં આવે છે. હવે સ્વામીજીની શક્તિ પણ ખૂટી, તેથી અસુરનો નાશ કરવાવાળા એવા શ્રી ગોપાલલાલને વિનંતી કરવા લાગ્યા. પ્રભુ! હવે મન બહુ મુંજાય છે, ઝટ સહાય કરો. હે પ્રભુ! હવે તમારી કળા દૂર કરો. તેની વીનતી સાંભળી શ્રી ઠાકુરજી કહેવા લાગ્યા-તું ડરીશ માં, મારૂં જે રહેવાનું ધામ તે હું તને બતાવું છું.
ઉપમા ન આપી શકાય એવા ધામની નજીક આવ્યા, તે જોઈને સ્વામીનો ભય દૂર થયો. બધી સુવર્ણની જમીન છે-જ્યાં શ્રી મહારાણીને રહેવાનું ધામ છે, મણીજડીત સુંદર સ્તંભો છે. જેનું તેજ સૂર્ય સમાન ઝળહળે છે. ચારે બાજુ સોનાની ભીંતો છે. જેની અંદર હીરા તથા માણેક જડેલા છે તે મંદીરમાં શ્રી ગોપાલજી ગયા. પુષ્પની
સુંદર સુગંધ મહેકી રહી છે. મખમલની ચટાઈ પાથરી છે, તેની અંદર જુદી જુદી જાતનાં સુંદર ચિત્રો આલેખ્યાં છે. તે સ્વામીજી તપાસી રહ્યા છે.
કલ્યાણઃ પ્રભુ પોતે પધાર્યા આજે થઈ દયા લઈ પુજાનો થાળ સ્વામીનીજી ગયા,
જોઈ વંદી રહ્યા હર્ષ અશ્રુ વહ્યાં…હાં…હાં…હાં…હાં….પ્રભુ.
કરી પુજા પ્રકાર સોળ શામતણી, પધરાવ્યા સીંહાસને ધન્ય ધણી,
દીવ્ય કાંતિ ભણી નવ જાય ગણી….હાં…હાં…હાં…હાં…પ્રભુ.
કરે વીંજન અનેક દાસી આવી નહીં રૂપ એક એકથી અગાધ ધારી રહી
પ્રભુજીએ ચહી વિવિધ વાત કહી…હાં…હાં…હાં…હાં….પ્રભુ
આજે પ્રભુ પોતે દયા કરી પધાર્યા છે, એમ ધારી શ્રી યમુનાજી પુજાનો થાળ લઈ સામે ગયા. પ્રભુને નમસ્કાર કર્યા. નયનથી હર્ષના અશ્રુ ચાલ્યા જાય છે. શોડશોપચારે પ્રભુની પુજા કરી તેમને સીંહાસન ઉપર પધરાવ્યા. પ્રભુની કાંતી દીવ્ય બની છે. અનેક દાસીઓ એક એકથી અધિક સ્વરૂપવાન આવીને પંખો કરવા લાગી. પ્રભુ પોતે પોતાની ઇચ્છાથી વિવિધ વાત કરવા લાગ્યા.
જુદી જુદી જાતની સુંદર અનેક સામગ્રીથી સજેલો થાળ શ્રી ઠાકુરજી આગળ ધરાવ્યો તે શ્રી પ્રભુજી પ્રેમથી આરોગ્યા અને ગોવીંદ સ્વામીને પણ પ્રસાદ આપ્યો. પછી પ્રભુ કહેવા લાગ્યા.
મહારાણીજી ! હવે અમે અહીં વધુ વખત રોકાઇશું નહીં કારણ કે બહાર વાટ જુએ છે. બધાં બાળકો સાથે હું ઠકરાણીઘાટ પર નહાવા આવ્યો છઉં, તે બધા ત્યાં જલક્રીડા કરે છે અને હું આ રસ્તે આવ્યો છું, મારા ગુરૂને પણ સાથે તેડી લાવ્યો છું, માટે જો મોડું થશે તો તેઓના મનમાં બહુ ઉચાટ થાશે. અહીં આવે ચાર ઘડી થઈ ગઈ. તેઓ બધા મારે માટે તલસી રહ્યા છે. હું ત્યાં જઈને મળીશ ત્યારે જ તેના મનની વ્યાધી દૂર થશે.
શ્રી ગોકુલમાં બધાં બાળકો નહાઈને કાંઠા ઉપર આવ્યા. બધા એક બીજા સામે જુએ છે તેમાં સ્વામી ન દેખાયા. એકદમ અરેરાટી છુટી, અરે સ્વામી ક્યાં છે? ત્યારે બીજાએ કહ્યું અરે ! ગોપાલ પણ નથી દેખાતાબતો ક્યાં છે? બધા અફસોસ કરવા લાગ્યા, અરે ! આ તો ભારે થઈ. વડીલો બધાને ખીજશે અને ગાળો દેશે. ફરીથી કેટલાક જળમાં પડી શોધવા લાગ્યા છતાં પત્તો ન લાગ્યો એમ તપાસ કરતાં ચાર ઘડી વીતી. બધાને ઘર આગળ ખબર પડી. સહુ વિસ્મય પામ્યા અને શોચ કરવા લાગ્યા. વારંવાર પોતાના સેવ્ય ઠાકુરજી પાસે વિનતી કરવા લાગ્યા. શ્રી રઘુનાથજી કુટુંબના કેટલાક માણસો સાથે જમના કિનારે આવ્યા અને શ્રીનાથજીનો કુંનવારો માન્યો જળમાં શોધ કરાવે છે. ત્યાં તો શ્રી ગોપાલલાલજી સ્વામીનો હાથ ઝાલી બહાર દેખાયા. તરીને કાંઠા ઉપર આવ્યા. તેમને જોઈ સર્વ સામા દોડયા સ્વામીજીના ચરણમાં પડી ગયા. જે બીના બની હતી તે કહેવા લાગ્યા. ગુરૂજી ! તમે નહોતા તેથી ગોતતા હતા અને હજી ભીના છીએ.
દોહરો : ગીરધારી ગોવીંદજી ત્રીજા ગોકુલ નાથ,
સવારમાં ભેળા થઈ, સુણે સ્વામીની વાત.
શ્રી ગીરધરરાયજી અને ગોવીંદરાયજી તથા શ્રી ગોકુલનાથજી વગેરે ભાઇઓ સવારમાં ભેળા થઈ આગલા દીવસની વાત ગોવીંદ સ્વામીને પુછવા લાગ્યા. તેથી ગોવીંદ સ્વામી કહે છે.
માઢ – વદ્યા ગોવીંદ સ્વામી છે ગુણગામી, શિષ્યોની સાથે તે વાર
શિષ્યોની સાથે તે વાર, નમી ગોપાલને વાર વાર…વદ્યા.
ગ્રહી કર ગોપાલ મારો દેખાડયું યમુનાદ્વાર,
દિવ્ય ભુવન નિહાળી મારું, ચિત્ત થયું તદાકાર…વદ્યા.
સુંદરરૂપે શ્રી મહારાણી, વસે છે જળ મોઝાર,
હવે ન દેવો પગ એ માંહી, આજથી કરું વીચાર….વદ્યા.
દેખી લીલા શ્રીનાથની એવી, આનંદ પામી અપાર,
ટેક પોતાની છેવટ સુધી, પાળી રહ્યા નિરધાર…વદ્યા.
જેમાં અનેક ગુણ છે એવા ગોવીંદસ્વામી વારંવાર શ્રી ગોપાલલાલને નમન કરી બધાને કહેવા લાગ્યા. શ્રી ગોપાલજીએ મારો હાથ ઝાલી, શ્રી યમુનાજીનું ભુવન દેખાડયું, એ દીવ્ય ભુવન જોઈ મારૂં ચિત્ત તેમા તદાકાર બની ગયું. શ્રી મહારાણીજી સુંદર સ્વરૂપથી જળની અંદર વસે છે. હવે તે જળમાં પગ જ ન મુક્યો. એવો આજથી નિશ્ચય કરું છું. શ્રી ઠાકુરજીની એવી લીલા જોઈ મનમાં અતિ આનંદ થયો. છેવટ સુધી મક્કમપણે ટેક પાળી રહ્યા ત્યાર થી શ્રી ઠાકુરજીની કિર્તન સેવા ભાવ ધરી કરવા લાગ્યા અને પૂર્ણ ભાવથી રહેવા લાગ્યા. પોતાની દેહ રહી ત્યાં સુધી જમુનાજીમાં પગ મૂક્યો નહીં કોઈ દીવસ ગુંસાઇજી ગોકુલમાં આવે ત્યારે સ્વામીજીને સાથે લઈ આવે, તે પણ વૈષ્ણવ ઉપાડી નાવમાં બેસારે અને ઉતારે પણ પોતે પગ અડવા દીએ નહીં. એક દીવસ શ્રી ગીરધરજી સાથે નાવમાં બેસી ગીરીરાજ જતા હતા. રસ્તામાં કહ્યું કે તમને શ્રી જમુનાજીમાં ડારી દઉં, ત્યારે ગોવીંદસ્વામી એ વીનતી કરી જે આ અનીત અને ગંદી દેહ શ્રી જમુનાજીને લાયક નથી. એમ કરી રોમાંચ થઈ ગયા. ત્યાર પછી કોઈ દિવસ ગોવીંદસ્વામી નાવમાં જ બેઠા નહીં અને શ્રી ગોકુલ આવ્યા જ નહીં, પોતાની દેહ ગીરીરાજમાં જ પાડી તેમણે શ્રી ગોપાલલાલના પદ ઘણા જ બનાવ્યા છે. એવા શ્રી ગોપાલલાલના કૃપાપાત્ર શ્રી ગોવીંદસ્વામી હતા, તેની વારતાનો પાર નથી.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||