|| શ્રી ગોપાલો જયતે ||
દેસ બ્રજે જન દરસ, ગુનનિઘિ રૂપ ગોપાલ,
સુભગ જનકે સરસ, આયો સંજયા આલ;
જલ લાયે રચે લોટી, પ્રત તન આસન પયો,
નિરમત મન ઘર નીચ, આપસું ઉત્તમ ભયો;
ચલન તન તબ કોઢીયા, પ્રત્ય ગોકુલ મુખ ફેર્યો,
ન જબ બાસન ઘર જુઠ લીયો, તબ માઘવમુખ હેર્યો……..૧૪
પ્રભાસ પાટણમાં સોમપરા બ્રાહ્મણ માઘવદાસ તે શ્રી ગોપાલલાલના દર્શન માટે શ્રી ગોકુલ જતાં સંધ્યા થઈ જવાથી રાજકોટ વાસણભાઈને ત્યાં રાત રહ્યા. વાસણભાઈએ તેનું સનમાન સારી રીતે કર્યું. માઘવદાસે પોતાના મનથી તેને નીચ જાતિ માની બહુજ ખેદ કર્યો. ત્યાંથી ચાલ્યા. થોડેક જતા આખા શરીરે કોઢ નીકળ્યો. વૃજમાં ગયા ત્યાં બઘું નિરસ લાગવા માંડયું. શ્રી ગોપાલલાલ મુખ ફેરવી બેઠા અને કહ્યું જો દરશન કરવા હોય તો વાસણની જુઠણ લીઓ.
ભેરવી- શા માટે ચિત્ત ભમે વૃથા, મદમાં હો આ તારૂં.
શરણ ગોપાલનું પ્યારૂં……શા માટે
સેવક થઈ એને રટે, બની રહી નિષ્કામ,
તળ પર આ ભાવથી, સાઘી લે આ કામ.
દેહ ઘરી કર જમુનાપાને, જેથી દુ:ખ સકળ પામે,
આશ્રય દ્રઢ ગોપાલનો ગ્રહી, તજ મારૂં તે તારૂં……શરણ
યમ ભગીની યમુના તણું, મહાત્મ મનોહર જાણ,
યમ પણ ના આવી શકે, લેવા માટે પ્રાણ.
અઘમ જનો કંઈકને ઉઘારે, તું પણ જો તરવાને ઘારે
ભક્તિ વીના ના ઉપાય જકતમાં, સરલ અને સારૂ…..શરણ
અનન્ય વૈશ્વવ હોય જે, ગણે નહીં કુળ જાત,
સેવક શ્રી પ્રભુજી તણાં, સરખાં સરવે દાસ,
નીચ ઉંચ ગણી શોચ ન ઘારો, સહુપર સરખો ભાવ વઘારો,
ભગવદી રૂપની શ્રેષ્ઠ જુઠથી, થાએ અદય ન્યારૂ……શરણ
પ્રભુના અનન્ય ભક્ત હોય તે બીજાની કુળ જાતી સામું જોતાં નથી પણ પ્રભુજીના સેવક સર્વ વૈશ્નવો સરખાજ છે એવો ભાવ રાખે છે, માટે નીચ કે ઉંચ જ્ઞાતિ જોઈને શોચ કરવો નહીં. પણ બઘા ઉપર સરખો ભાવ રાખવો. ભગવદી વૈષ્ણવની જુઠણ પણ શ્રેષ્ઠ છે, જે લેવાથી સઘળાં પાપો દુર થાય છે.
આ તારૂં ચિત્ત નકામું અહંકારમાં શા માટે ભમ્યા કરે છે! શ્રી ગોપાલજીનું શરણ સહુથી ઉત્તમ અને સારૂં છે, માટે સેવક થઈ એનું સ્મરણ કર અને નિષ્કામ બન. ભાવ વઘારી આ પૃથ્વી ઉપર તું તારા દેહનું હિત સાઘી લે-યમુના પાન કરી લે, કારણકે તેથી બઘાં દુ:ખ નાશ પામે છે. જક્તમાં વૃજઘાર શ્રી ગોપાલલાલજી વિના સર્વ નકામું છે. માત્ર એ સ્વરૂપ જ સારરૂપ છે, વળી યમની બેન યમુનાજીનું મનોહર મહાત્મ જાણ તે જેથી અજાણતાં પણ યમરાજ તને તેડવા આવે નહીં (કારણકે-જે જીવે યમુનાપાન કર્યા છે તે શ્રી યમુનાજીના બાળક થયા, તેથી યમરાજના ભાણેજ થયા તેને યમરાજ શી રીતે લઈ જઈ શકે ? તે બાબત યમુનાષ્ટકમાં પણ સ્પષ્ટ રીતે વર્ણવી છે.) કંઈક અઘમને ઉધાર્યા છે તારે તરવું હોય તો ભક્તિ વિના તરવાનો બીજો ઉપાય નથી વળી તે સહેલું અને સહુથી સારૂં છે.
પ્રભાસ પાટણ જેવા પવિત્ર તિર્થમાં માઘવદાસ નામે મહાજ્ઞાની સોમપરા બ્રાહ્મણ રહેતા, તે અભીમાનથી રહીત હતા. સત્ય વસ્તુને સમજી વિચારી તેને જ ગ્રહણ કરતા, બ્રાહ્મણોનો મુખ્ય ઘર્મ શંકરનું સ્તવન-ઉપાસના કરવાં જોઈએ, વળી ચારદીશાએ ચાર ઘામ (૧) જગન્નાથ (૨) વિશ્વનાંથ-કાશી (૩) દ્રારકાનાથ (૪) સોમનાથ. એ ચાર નાથની વચટમાં શ્રીનાથ (નાથદ્વારા) સોમનાથમાં અનેક બ્રાહ્મણો યજમાનોને શ્રાઘ સરાવી પૂર્વજોના ઉઘ્ઘાર કરે. ત્યારે માઘવદાસને શ્રી રઘુનાથજીના સુત શ્રી ગોપાલલાલજી ઉપર સંપૂર્ણ સ્નેહથી ભક્તિ ઉપજી અને સંસારની સકળ ઝંઝાળ છોડી દીઘી, કારણકે તેમણે અનુભવથી સિઘ્ઘ કર્યું હતું કે, શંકર-બ્રહ્મા-ઈન્દ્ર વિગેરે અન્ય દેવો જીવને પોતાના ઘામ સુઘી પ્રાપ્તિ કરાવી શકે, પણ અક્ષયપદ ગૌલોકઘામની પ્રાપ્તી કરાવી શક્તા નથી. બહુ તો તેઓ સ્વર્ગ સુખ આપી શકે પણ પુન્ય ક્ષીણ થતાં પાછું જીવને મૃત્યુ લોકમાં આવવું પડે અને ચોરાસી લાખ યોનીમાંથી કયો દેહ મળે તે કહીં શકાય નહીં, તેથી માઘવદાસે પૂર્ણ પુરૂષોત્તમ. જે જનસ્મરણનો ફેરો ટાળી શકે એવા શ્રી ગોપાલલાલનું શરણ લીઘું. હંમેશા સેવા સ્મરણ કરે છે. કેટલેક સમયે તેને શ્રી ગોપાલલાલના સાક્ષાત દર્શન કરવા વૃજમાં જાવાની અને યમુનાપાન કરવાની ઈચ્છા થઈ, તેથી પોતે ચાલી નીકળ્યા. આખો દીવસ ચાલે અને સાંજ પડે એટલે કોઈ ગામમાં વૈશ્નવનું ઘર હોય ત્યાં રાત રહે. એવી રીતે ચાલતાં પોતે રાજકોટ આવ્યા. સંઘ્યાનો સમય થયો તેથી કોઈ વૈશ્વવને ઘરે જઈ રાત રહેવાનો વિચાર કર્યો. પુછતા પુછતા તે વાસણભાઈને ત્યાં આવ્યા, આ વખતે વાસણભાઈ સેવાથી પરવારી ઠાકુરજીને સુખાળા કરી બહાર આવ્યા હતા. પોતાને ઘેર વૈશ્વવ આવે છે એમ જાણી વાસણભાઈ દોડીને સામા ગયા. ભાવથી બંને વૈશ્વવો ભેટયા અને પોતાને ત્યાં પઘરાવી ગયા. બેસવા માટે આસન બીછાવી આપ્યું. જળ ઘર્યું અને ઘણો જ વખત થઈ ગયો હોવાથી સામગ્રી સીઘ કરી રસોઈ કરવા વીનતી કરી કોઈ એક બીજાની જાત-ભાત જાણતા નથી માઘવદાસે પણ રસોઈ તૈયાર કરી શ્રી ઠાકુરજીને અંગીકાર કરાવી અને પોતે પણ પ્રેમથી પ્રસાદ લીધા અને જે પ્રસાદ વઘ્યો તે વાસણભાઈને સોંપી પોતે આસન પર આવી બેઠા. રાત્રે કેટલીક ભગવદ્ ચર્ચા કરી સુઈ ગયા.
પ્રાત:કાળ થતાં માઘવદાસ જાગ્યા, શૌચ-સ્નાનાદીથી પરવારી સેવા સ્મરણ કરી, પોતે જાવા માટે તૈયારી કરવા લાગ્યા. વાસણભાઈ તે જોઈ નારાજ થયા. કારણ કે પોતાને ત્યાં આવેલ વૈશ્નવ બેચાર દીવસ રહે તો ઠીક, તેથી આગ્રહ કરવા લાગ્યા. એવામાં બહાર ડેલીએ કોઈ બોલતું હોય એવો અવાજ સંભળાયો.
દોહરો : વાસણ સાંઘ્યું પેગડું, જો હોય તો આપ, બહારગામ જવા ચહું, અશ્વ લીઘો છે સાથ.
વાસણભાઈ પેગડું સાંઘ્યું હોય તો આપો, ઘોડો પણ સાથે છે અને મારે બહારગામ જવું છે (પોતાના નિર્વાહ માટે વાસણભાઈ દળી વીગેરે સાંઘવાનો ઘંઘો કરતા) એ સાંભળી માઘવદાસના મનમાં સંશય ઉપજયો અરે ? આની અઘમ જાતી છે. એને ત્યાં હું રાત રહ્યો અને જમ્યો. એને લીઘે હું ભ્રષ્ટ થયો (પોતે જાણતા હતા કે-શાસ્ત્રમાં શુદ્રનો નીષેઘ કરેલો છે, પણ ભક્તિમાર્ગમાં તો સહુ સરખાં છે એ જ્ઞાન કે અનુભવ ન હતો) પોતે બહુજ પશ્ચાતાપ કરવા લાગ્યાં. હવે પ્રભુ મારી સેવા સ્વીકારશે? મનમાં એવો વીચાર કરતાં કરતાં પોતે ચાલી નીકળ્યા.
કેદાર:
હવે મન એજ ગુંચવણી થાય, થયો હું ભ્રષ્ટ છતા શુચીકાય…..હવે
દિનપ્રતિદિન એ ચાલ્યા જાતાં, અંગ પર કોઢ જણાય…..હવે.
ઘીરે ઘીરે પ્રભુ ગુણ ગાતાં, પહોંચ્યાં શ્રી વૃજમાંય…..હવે.
જોતાં લીલા બહુ અકળાતા, નીરસ સર્વ જણાય…..હવે.
અપશુકન ઓચીંતાં મળતાં, દેવ દોષ પરખાય…..હવે.
આવ્યા મંદીરમાં હોંસેથી, દરશન માટે લલચાય…..હવે.
નિજ મંદીરમાં પાય દીઘો, ત્યાં મુખ ફેરવ્યું વૃજરાય…..હવે.
ભેદ ન સમજ્યા કંઈ પણ આનો, રહ્યા બહું બહુ પસ્તાય……હવે.
મનમાં બહુ જ ગુંચવણી થવા લાગી. અરે હું પવિત્ર છતાં ભ્રષ્ટ થયો. એવી રીતે વિચાર કરતાં કેટલેક દીવસે તેના શરીરમાં ગલીત કોઢ નીકળ્યો. છતાં પણ પ્રભુ ગુણ ગાતા ગાતા વૃજમાં પહોંચ્યા. ત્યાં પ્રભુની લીલા જોઈ આનંદ ઉપજે તેને બદલે બઘું નીરસ લાગવા માંડયું. જેમ જેમ આગળ જાય તેમ તેમ અપશુકન થવા લાગ્યા. દૈવનો કંઈ પણ દોષ હોય તેમ જણાવા લાગ્યું. મંદીરમાં હોંશથી દરશન કરવા માટે લલચાઈને આવ્યા પણ જેવો નીજ મંદિરમાં પગ દીઘો કે તુર્તજ પ્રભુ-શ્રી ગોપાલલાલે મુખ ફેરવ્યું. આનો ભેદ કંઈ પણ સમજાયો નહીં અને બહુ બહુ પસ્તાવા લાગ્યા.
લલીત : ચરણમાં પડી, સેવતો રહ્યો, મુજ તણો પ્રભુ શું દોષ છે ?
દીન પરે પ્રભુ, કોપ શું કર્યો ? મુઢ અજાણને કેમ વીસર્યો ?
નવ હું જાણતો, ભેદ એ તણો, મન મુંઝાઉં છું, નાથ કંઈ ભણો ?
અપંગ આંઘળો આપ જાણજો, દુ:ખીત દાસ છું; ના પ્રભુ તજો.
ચરણમાં પડી સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ આ સેવકનો શું દોષ છે ? હે પ્રભુ આ ગરીબ ઉપર શું કોપ કર્યો ? હું મૂઢ અને અજાણ છું મને શા માટે વીસારો છો ? આપનો ભેદ હું કાંઈપણ જાણતો નથી. મનમાં બહુ મુંઝાઉં છું. તેનું કારણ જે કાંઈ હોય તે કૃપા કરી કહો. હું લુલો-આંઘળો-અપંગ છું. પ્રભુ દુ:ખી દાસને તજો નહી.
પોતાના ભક્તની વિનંતી સાંભળી શ્રી ગોપાલજી કહેવા લાગ્યા. તારા મનમાં શું શંકા થઈ છે તે કહે ? ત્યારે માઘવદાસ કહેવા લાગ્યા. મારા મનમાં એવી શંકા થઈ છે કે હું બ્રાહ્મણ છતાં વટલાયો છું. કોઈ નીચને ઘેર ભોજન લીઘું તેથી હું મારા મનમાં બળ્યા કરૂં છું.
શ્રી ગોપાલલાલ કહે…તારી જાત વટલાણી નથી, તું શંકા રાખમાં. વાસણ મારો પ્યારો ભક્ત છે, એને તું નીચ કહીશ નહીં. ભલે તે ચમારનું કામ કરે. પણ તેમાં જરા પણ દોષ નથી. ભક્તિમાર્ગમાં જાતી ચંડાળ અઘમ નહીં પણ કર્મચંડાળ અઘમ ગણાય છે. વાસણે તો મને વશ કીઘો છે. એણે તને સામગ્રી આપી. તે રસોઈ કરી મને અર્પણ કરી. તે પ્રસાદ તેં લીઘો, પછી દોષ શેનો રહ્યો ? આમાં તો તારીજ હીણપ ગણાય છે હવે જો તેને ઘેર જઈ તું તેની જુઠણ લઈશ તો જ તારી દેહ પાછી શુદ્ધ થશે અને ત્યાર પછી જ તને દરશન થશે. એ સાંભળી માઘવદાસ ઘણાજ વિસ્મય થયા. નહીં સાંભળેલી તથા નહીં જોયેલી વાતથી પોતાને આશ્ચર્ય લાગ્યું અને આજ્ઞાનું પાલન કરી ત્યાંથી પાછા જવા ચાલી નીકળ્યા.
પોતે પાછા રાજકોટ વાસણભાઈને ત્યાં આવ્યા. બંને વૈષ્ણવો ભાવથી મળ્યા. વાસણભાઈ બહુ ખુશી થયા. તમે મારે ઘેર પઘાર્યા તે બહુ કુપા કરી. તમે તો પ્રભુના દર્શન કરીને આવ્યા અને મને કૃતાર્થ કર્યો પણ તમને આ શારીરીક વ્યાઘી શું ઉપજી ? એ બઘી વાતો પછી કરીશું. પહેલાં તમે રસોઈ કરી પ્રસાદ લીયો. તમને જ રૂચી હોય તે બનાવો, હું સગવડ કરી આપું.
માલીની- ખરરરર ચાલ્યાં આંખથી અશ્રુ જાયે
અરરરર કીઘી ભુલ મેં તો જણાયે,
સરરરર સાઘી જયાં ખરી સેવનાયે.,
અરરરર નવ જાણ્યું આપનું કર્મ કાંયે.
વાસણદાસની વાણી સાંભળી માઘવદાસની આંખમાંથી સડસડાટ આંસુની ઘાર થઈ અને કહેવા લાગ્યા-અરે મેં મહાન ભુલ કરી છે. તમે તો પ્રભુ સેવા સારી રીતે સિદ્ધ કરી છે. પણ મેં આપનું એ કર્મ કંઈ જાણ્યું નથી માટે પ્રભુએ આજ્ઞા કરી છે, તે સાંભળો :
કૃષ્ણ કરે તે ઠીક કરે છે-રાગ
શોચ થયો મુજને મનમાંહી, નીચ જાત તમને જાણી,
નવ સંખાયું એ પ્રભુજીથી, દેહ કીઘી મુજ ધુળધાણી………..શોચ.
મંદીર જતાં મુખ ફેરવ્યું, દુષ્ટ દાસ મુજને જાણી,
શ્રેષ્ઠ ભક્તિ તો આપ તણી છે, એમ વઘા પ્રભુજી વાણી…..શોચ.
બહુ વિનવતા કરૂણા કીઘી, પ્રેમ કંઈ મુજ પર આણી,
વાસણના ઘર જુઠ લઈ, મુજ દર્શન સુખ તું લે માણી………..શોચ.
દેહ તણી વ્યાઘી સહુ જાશે, જુઠણ આપ દીયો આણી,
કરૂણાસાગર એથી રીજી, લેશે પોતાનો જાણી………………શોચ.
તમારે ત્યાં મેં પ્રસાદ લીઘા પણ મારા મનમાં શોચ થયો કે તમારી હલકી જાત છે. પ્રભુજીથી આ ન સંખાયું, તેથી મારી કાયામાં કોઢ નીકળ્યો. વળી જયાં મંદીરમાં ગયો, તો શ્રી ઠાકુરજીએ મુખ ફેરવ્યું, મને એક દુષ્ટ સેવક જાણ્યો. પ્રભુ પોતે શ્રી મુખથી વદા કે-વાસણની ભક્તિ બહુ શ્રેષ્ઠ છે. હું બહુ કરગરવા લાગ્યો ત્યારે મારા પર કાંઈક ગુસ્સો જાણી કહેવા લાગ્યા કે તું વાસણના ઘરની જુઠણ લઈશ ત્યાર પછી દરશનનું સુખ મળશે. વળી તારો રોગ પણ ત્યારેજ જશે, માટે આપની જુઠણ મને આપો. પ્રભુ એથી પ્રસન્ન થશે અને મારા પર દયા લાવી દરશનનું સુખ આપશે.
વાસણ વિચારવા લાગ્યો અરે હું એને જુઠણ આપું શી રીતે : એ ઉત્તમ બ્રાહ્મણકુળનો છે. મારી જાત હલકી છે માટે મારે હાથે કરીને હલકુ કેમ કરૂં ? એજ મોટી લાચારી છે. માઘવ પ્રત્યે કહેવા લાગ્યા આ સામગ્રી શુદ્ઘ કરી છે. તે આપને સ્વહસ્તે તૈયાર કરી શ્રી ઠાકુરજીને સમરપો. બલી હારી જાઉં, જરા પણ વિલંબ કરશો નહીં.
લાવણી – નવ માની વાત (૨) બેઠા ત્યાં અનજળ ત્યાગી,
સમજાવતાં વાસણ છતાં, નવ અવર વસ્તુ કો માગી.
જોઈ સર્વ દુ:ખ (૨) વાસણને પણ મન લાગ્યું.
નવ ખાય અતિથિ જ્યાં સુઘી તેણે પણ અનજળ ત્યાગ્યું.
એમ દિન જાય (૨) વીત્યા અનશન વૃતના આ,
થઈ જાણ કોઈને વાતથી બઘા માઘવને સમજાવા.
જ્યાં પાત્ર હોય (૨ ) વાસણના સહુ ઘોવાતાં,
ત્યાં કદાચીત પામશો, કંઈ જુઠણનો કણ જાતાં.
રસોઇ કરવા કહ્યું પણ માઘવદાસે માન્યું નહી, અને અનજળનો ત્યાગ કર્યો. વાસણભાઇ બહુ સમજાવે છે, છતાં જુઠણ સિવાય અન્ય કાંઇ માંગ્યું જ નહીં. આ બઘું જોઇને વાસણભાઇના મનમાં થયું કે-આંગણે _ આવેલ અતિથિ જયાં સુઘી ન જમે ત્યાં સુઘી મારે પણ જમવું નહીં. એ રીતે બંને જણાને પાંચ દીવસના _ ઉપવાસ થયા. ગામના કોઈ માણસને ખબર પડી તેથી માઘવદાસને સમજાવવા આવ્યો અને કહ્યું-ભાઇ ! જ્યાં વાસણના ઘરના એંઠા ઠામ ઘોવાતાં હોય ત્યાં જોઇશ તો કોઇ એઠામાં કણ ચાલી ગઇ હશે તમને કદાચિત મળી જશે.
માઘવદાસને એ વાત પસંદ પડી તેથી જ્યાં જુઠા વાસણ મંઝાતા હતા ત્યાં તપાસ કરવા લાગ્યા. વાસણભાઇના ઘરમાં એવો રીવાજ હતો કે પ્રસાદ લઇ પાતળા ઘોઇ પી જાતા તેથી જુઠણનો એક પણ કણ માઘવદાસને મળ્યો નહીં. વાસણભાઇને એક નાની પુત્રી હતી પણ તે બહુજ ડાહી અને શાણી હતી તે આ બઘી ચરચા જોયા કરતી. તેણે વાસણભાઇને પૂછયું કે આ રોગી કોણ છે અને અહીંથી ક્યારે જશે ? વાસણભાઇ કહે તે વૈશ્વવ છે અને આપણું જુઠણ લેવા ચાહે છે પણ તે ઉંચ જાતના બ્રાહ્મણ છે તેથી આપણાથી ન અપાય. એ વાત જાણી પુત્રીને દયા આવી પિતાથી છાની રીતે ભાતનો એક કણ ખાળમાં જવા દીઘો. માઘવદાસે તે દીઠો અને લઇ લીઘો. તે દીવસે રાત્રે સુતા, નિરાંતે ઉંઘ આવી ગઇ, ખાસી રીતે મહારાણીજીની લોટીના દર્શન થયા, પ્રભુની કુપા માની સવારમાં ઉઠતાં કાયા કંચન જેવી થઇ ગઇ-શરીરમાં જરા પણ રોગ રહ્યો નહીં. તેથી ઉઠી વાસણભાઇના પગમાં પડયા અને ત્યાંથી પાછા વુજમાં જાવા નીકળ્યા. મનમાં. આનંદ આનંદ થઇ ગયો પ્રભુની લીલા બઘી અલૌકીક ભાસવા માંડી. જઇને સ્નેહથી પ્રભુ શ્રી ગોપાલલાલના ચરણમાં પડયા.
શ્રી ગોપાલલાલને પોતાના ભક્ત ઉપર ઘણો ભાવ ઉત્પન્ન થયો. પોતાના મુળ સ્વરૂપના દર્શન કરાવ્યા અને કહેવા લાગ્યા મારો ભક્ત મારાથી પણ અઘિક છે. એ બઘી માયા મેં તને બતાવી. હવે કદી વૈશ્વવનો દ્રોહ કરીશ નહીં. વળી મારા ભક્તની જુઠણનો પ્રતાપ કેવો છે ? એ પણ બઘું મે તમોને બતાવ્યું. એ પ્રમાણે ઉપદેશ આપ્યો. ભગવદી સ્વરૂપનો ભાવ સમજાવ્યો. જે હું સદા સર્વદા મારા ભક્તના હૃદયમાં બીરાજુ છું. એ સાંભળી માઘવદાસને વિરક્ત ભાવ ઉત્પન્ન થયો. તેથી શ્રી ઠાકુરજી પાસે વીનતી કરી જે મને વિરક્તનો ઉપરણો ઓઢાડો. પોતાનું જે કાંઇ હતું તે સર્વ શ્રી ઠાકુરજીને સમરપણ કરી દીઘું. શ્રી ગોપાલલાલે તેના ઉપર બહુ ખુશ થઇ ઉપરણો ઓઢાડયો.
ત્યાર પછી માઘવદાસ વિરક્ત ભાવથી સૃષ્ટિમાં ફરતા અને વૈશ્વવોને અનેક પ્રકારે ઉપદેશ આપી સ્વરૂપનિષ્ઠા કરાવતા. પોતે પોતાની સાથે ફક્ત ત્રણ તુંબા રાખતા અને બે વસ્ત્ર રાખતા એવી રીતે શ્રી ઠાકુરજીની અને વૈશ્વવોની ટહેલ કરી પ્રભુ ચરણમાં બિરાજ્યા. એવી શ્રી ઠાકુરજીની અલોકીક લીલાનું વરણન કોણ કરી શકે ? માટે જ કહ્યું કે
શા માટે ચિત્ત ભમે, વૃથા મદ માંહે આ તારૂ,
શરણ ગોપાલનું પ્યારું……………..શા માટે.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર)ના જય ગોપાલ ||